ઈન્ટરવલ

કેરોલિના રીપર પ્રકરણ-૪૫

ધડાકાના આગલા દિવસે જ બાદશાહને મુરુડની એ હોટેલમાંથી ફોન આવ્યો હતો

પ્રફુલ શાહ

કિરણે ‘કોન્ફિડેન્શિયલ’ લખેલું કવર ખોલ્યું તો અંદરની સામગ્રી જોઇને આંખ જાણે ફાટી ગઇ

રાજાબાબુ મહાજનની મક્કમતા, આકાશની ગેરહાજરી, અને કિરણના દ્રઢ નિશ્ર્ચય, છોગામાં કિરણને મમતા અને માલતીબહેનના સાથથી દીપક-રોમા કંઇક ભળતું જ વિચારવા માંડયા. બન્નેએ ફાયનાન્શિયલ ક્ધસલટન્ટ કમ સી. એ. સમીર પટેલ અને બનેવી અજય રૂઇયાની વાતો વાગોળવા માંડયા. બન્નેને લાગ્યું કે જુદો ચોકો જમાવવામાં જ સાર છે. શરૂઆતમાં ભલે ખુલ્લેઆમ મેદાનમાં ન આવીએ પણ પોતાની મરજીનું અલાયદું સાહસ કરવાનો સમય આવી ગયો છે.

રોમાએ પોતાના ઉદ્યોગપતિ પપ્પા રામાનંદ સિસોદિયાને કાને વાત નાખી. રામાનંદે જોઇએ એટલા રૂપિયા આપવાની ઓફર કરી. સાથે હળવેકથી મમરો મૂકયો, “તારી મમ્મી કે ભાઇનું નામ કંપનીમાં રાખીશું.’ હું મારી ધમાલમાં ધ્યાન ન આપી શકું.

સસરાજીની ઑફરથી ગેલમાં આવી ગયેલા દીપકે ‘મહાજન મસાલા’ના ત્રણેક જણાને કામે લગાડી દીધા. “દુનિયાભરમાં કેટલી રકમની મસાલાની માર્કેટ છે અને એમાં મહાજન મસાલાની ટકાવારી કેટલી છે એ શોધી કાઢો. આ કામ યુદ્ધના ધોરણે આટોપવા માંડજો.

આ સમયે જ રોમાએ સમીર પટેલને ફોન કરી દીધો કે આકર્ષક ઑફર હોય તો અમને આપના પ્રસ્તાવમાં આગળ વધવામાં દિલચસ્પી છે. રોમાએ અજય રૂઇયાનો ‘આભાર’ માનવાને બહાન ફોન કરીને ગોળગોળ વાત કરી કે હવે આપણે ઉતાવળ કરીએ.

‘મહાજન મસાલા’ના માલિક રાજાબાબુ માંદગીના બિછાને પડયા હતા, મોટો દીકરો ગાયબ હતો, વહુ અનેક મોરચે લડી રહી હતી, ત્યારે આ ઐતિહાસિક બ્રાંડનું ધનોતપનોત કાઢી નાખવાનો કારસો રચાવા માડયો હતો. દીપક, રોમા, અજય રૂઇયા, સમીર પટેલ અને કરણ રસ્તોગીને લાગવા માંડ્યું કે હવે પાકેલું ફળ ખોળામાં પડવામાં છે. પણ એ બન્ને વચ્ચેનું સાચું અંતર તેઓ જાણતા નહોતા. પ્યાલા અને હોઠનું અંતર લાગે નજીક પણ ક્યારેક બન્નેનું મિલન થતું જ નથી.
૦૦૦
એટીએસના પરમવીર બત્રા પ્રમાણમાં ખૂૂબ ગંભીર અને ધીરજવાન હતા, પરંતુ થોડા સમયથી મુરુડ બ્લાસ્ટ્માં તેઓ ધીરજ ગુમાવતા માંડયા હતા. આ કેસને લગતા એક-એક કામ, અને તપાસ અને પૂછપરછ માટે તેઓ હવે ઘોડે સવાર થયેલા જ રહેતા હતા.

એટલે તો હોટેલના ફલાવરવાઝમાં મૂકેલા રકોર્ડિંગ થકી ખબર પડી કે એ બધી વાતચીત બાદશાહે અન્ય ફોનથી કરી હતી. એ બીજા ફોન નંબરની સીડીઆર-કોલ ડિટેઇલ રેકોર્ડસમાં એક નવી વાત સામે આવી. ધડાકાના આગલા દિવસે બાદશાહને એક ફોન આવ્યો હતો. એ મોબાઇલ ફોનનું લોકેશન મુરુડ જ નહીં, પણ હોટેલ પ્યોર લવ હતું. ફોન કોણે કર્યો? નંબર કોનો હતો? શી વાત થઇ? બ્લાસ્ટ્સમાં કોઇ જીવતું બચ્યું નથી. એટલે આ બધા સવાલોના જવાબ માત્રને માત્ર બાદશાહ જ આપી શકે. પણ બાદશાહે ઉપાડયો એ મોબાઇલ ફોન ખરેખર એનો હશે? કે પછી આસિફ પટેલનો?
પરમવીર બત્રાએ તરત જ સૂચના આપી કે આસિફ પટેલ અને બાદશાહના મોબાઇલ ફોન અને તેમની નજીક સતત દેખાતા ફોન નંબરના સીડીઆર પણ કાઢો.

ન જાણે કેમ પણ તરત તેમણે ફોન પર બે જણાંને તાકીદ કરી કે મુંબઇની સેન્ટ્રલ લાઇબ્રેરી અને અન્ય જૂનાં પુસ્તકાલયોમાં જૂના અખબારની ફાઇલ ફેદી વળે. એમાં છુપાયેલા ગુનેગારોના ફોટાને એનડી અને સોલોમન સાથે સરખાવો. નાના-મોટા ક્રાઇમ ન્યૂઝમાં પણ આ બન્નેનો અછડતો ઉલ્લેખ મળે તો એ કેસ નોંધાયો હોય જે પોલીસ સ્ટેશનમાં હોય ત્યાં જઇને શક્ય એટલી વધુ વિગતો મેળવો.
બત્રા ભલે આ દાવ સાવ બ્લાઇન્ડમાં રમ્યા હતા. પણ આમાં માહિતીનો ચોંકાવનારો દલ્લો એમની રાહ જોઇ રહ્યો હતો.
૦૦૦
કિરણ ઑફિસમાં આવીને બેઠી કે તરત પ્યુન એક કવર આપી ગયો. કવર ઉપર ‘શ્રીમતી કિરણ આકાશ મહાજન અને ‘કોન્ફિડેન્શિયલ’ સિવાય કંઇ લખેલું નહોતું. કિરણને નવાઇ લાગી. તેણે સાચવીને કવર ખોલ્યું. એમાંથી નીકળેલી સામગ્રીને એ ફાટી આંખો જોઇ રહી.

એની સામેના આકાશ અને રોમાના અલગ અલગ રોમેન્ટિક ફોટા હતા. કોઇ ફોટામાં હોટેલમાં જઇ રહ્યા હતા. અમુકમાં કોઇ હોટેલમાંથી બહાર નીકળી રહ્યાં હતાં. હોટેલની રૂમની અંદરના ફોટા પણ હતા. કિરણ એક પછી એક ફોટા જોતી રહી ને કાળજે ડામ ઝિલતી રહી. છેલ્લા ફોટા પાછળ એક નાનકડી ચિઠ્ઠી હતી. ટાઇપ કરેલો મેસેજ હતો. ‘આ ફોટા અને નેગેટિવ હવે મારે કામના નથી. ઘણાંને ખરીદવા છે પણ મને લાગે છે કે પહેલો હક તમારો લાગે?’

જે પતિએ પોતાને સ્વીકારી નહીં, ક્યારેય પ્રેમ ન કર્યો અને પોતાની હયાતી છતાં અન્ય સાથે સંબંધ બાંધ્યો એને બદનામીથી બચાવવાની જવાબદારી મારી ખરી? કયાંય સુધી વિચારતી રહી. મન અને મગજની ગડમથલમાં કિરણ લોલકની જેમ ઝુલતી રહી.

એ અનિર્ણયની બંદી બનતી જતી હતી, ત્યારે આ ફોટા મોકલનારા પ્રાઇવેટ ડિટેક્ટીવ સદાનંદના મોંમાં લાળ વધી રહી હતી. ભલે રાજીવ દુબેના કહેવાથી પટેલે આકાશ મહાજનની જાસૂસી કરી પણ આટલી મોટી લોટરી લાગવાનું સપનું ક્યારેય નહોતું જોયું. મહાજન ઉદ્યોગ સામ્રાજ્ય પાસેથી તગડી રકમ પડાવીને વિદેશમાં ક્યાં-ક્યાં ફરવા જવું એના શેખચલ્લી વિચારોમાં એ ખોવાઇ ગયો, ત્યારે પાસેની છેલ્લી સસ્તી સિગારેટ એશટ્રેમાં દમ તોડી રહી હતી.
૦૦૦
મુરુડ પોલીસ સ્ટેશનની સબ-ઇન્સ્પેકટર વૃંદા હજી માની શકતી નહોતી કે મારો પ્રસાદ રાવ કંઇ ખોટું કરી શકે. ચાર વર્ષના સંબંધમાં ક્યારેય અણસાર ન આવ્યો સાચું કે બે દિવસથી બહાર આવ્યું એ સાચું? પ્રસાદના વર્તન, વાતચીત કે દોસ્તારોમાં ક્યારેય કંઇ વાંધાજનક ન દેખાયું એ મનોમન પ્રસાદને ખૂબ ચાહતી હતી. એ જીવનમાં સ્થિર થાય અને બન્ને લગ્ન કરી લે માટે વૃંદા ઇશ્ર્વરને પ્રાર્થના કરતી હતી.
મુરુડ પોલીસ સ્ટેશનના ઇનચાર્જ પ્રશાંત ગોડબોલેને પોતાના પ્રત્યે કૂણી લાગણી છે એનું વૃંદાને કયારનુંય લાગવા માંડયું હતું. તેમણે આ મોકો ઝડપીને પ્રસાદને બદનામ કરીને મારા જીવનમાંથી હટાવવાનું કાવતરું રચ્યું હોઇ શકે? અત્યાર સુધી એકેય દેખાતા પુરાવા વગર બધી શક્યતાઓ છે. જો, તો અને પણ જ છે. પ્રસાદ સામે નક્કર કંઇ નથી.

ક્યાંક એવું પણ હોય કે પિંટ્યાને મારી નાખનારા કદાચ પ્રસાદની પાછળ પડી ગયા હોય. પ્રસાદ એ લોકોથી બચવા ભાગતો હોય કાં એ પકડાઇ ગયો અને એને પણ પિંટ્યાની જેમ… ના, ના. એવું ન થઇ શકે મારા પ્રસાદ સાથે ઘરમાં ક્યારની એકલી બેઠેલી વૃંદાએ બહુ વિચાર્યુ કે શું કરવું? પોલીસ સ્ટેશનની અંદર તો ગોડબોલે સરની સામે થઇને કોઇ પોતાને મદદ કરવાનું નથી. એને એક નામ યાદ આવ્યું ને ચહેરા પર આશાની ચમક આવી ગઇ. હાથમાં ફોન લઇને તો વિચારવા માંડી કે ફોન કરું? એમ કરવું યોગ્ય ગણાશે. પોતાની કેરિયર પર તો માઠી અસર નહીં થાય ને?

ત્યાં જ સામે અવાજ વગર ચાલતા ટીવીમાં વાઘ દેખાયો. ન જાણે શું થયું કે એ દોડીને ટીવીના સ્ક્રીન પર વાઘને ચુંબન કરવા માંડી અને હિબકા ભરીભરીને રડવા લાગી.
૦૦૦
એટીએસમાં સૌ જાણતા હતા કે પરમવીર બત્રાને જરાય ઢીલ પસંદ નથી. તેમને દરેક કામ સમયસર નહીં પણ મુદત પહેલાં પૂરું થયેલું જોઇએ. માત્ર સાથીદારો અને હાથની નીચેના માણસો પાસે જ આકરી મહેનત કરાવવાને બદલે બત્રા ખુદ પણ દિવસ-રાત એક કરતા હતા. આજ સુધી ડિપાર્ટમેન્ટમાં એમના ભ્રષ્ટ હોવા વિશે એક અફવા સુધી ઊડી નહોતી.

રાતે લગભગ એક વાગ્યે પરમવીર બત્રા કોફીના ઘૂંટડા ભરતા મુરુડ બૉમ્બ બ્લાસ્ટ્સ કેસની વિગતો પર નજર ફેરવી રહ્યા હતા. એના એ નામ સામે આવતા હતા. એનડી, સોલોમન, શકીના, આસિફ પટેલ, બાદશાહ, પવલો. હવે પિંટ્યાનું નામ ઉમેરી શકાય બ્લાસ્ટ્સ કેસમાં?

બગાસુ આવતા ઊંઘવા જવાનો વિચાર આવ્યો. ઊભા થતા પહેલા લેપટોપમાંના ઇ-મેઇલમાં લોગઇન કર્યું. મુંબઇની ટીમ તરફથી એક મેઇલ આવ્યો હતો, જેમાં જૂના અખબારના એક ન્યૂઝના ક્લિપિંગનું અટેચમેન્ટ ડાઉનલોડ કરીને જોયું તો થોડા વરસો જૂના સમાચાર હતા. બત્રા વિગત વાંચવા માંડ્યા.

“થાણેની ખાડીમાં એક નધણિયાતી બેગમાંથી છ જિલેટીન, સ્ટીક, ૧૨ ડિટોનેટર અને ૧૦૦ ગ્રામ ચરસ મળી આવ્યું હતું. કલવા પોલીસે કરેલી તપાસમાં બોટની આસપાસ ત્રણ જણા ફરતા હોવાનું જાણવા મળ્યું હતું. યોગાનુયોગે ગણેશોત્સવ અને નવરાત્રોત્સવ વચ્ચે આ સામગ્રી મળી આવતા પોલીસ એકદમ સતર્ક થઇ ગઇ હતી. પોલીસ ત્રણ શકમંદોને જલદી પકડી પાડવા માટે આશાવાદી છે.

આ સમાચાર સાથે બોટ અને એમાંથી પકડાયેલી સામગ્રીનો ફોટો હતો. થોડું વિચારીને બત્રા લેપટોપ બંધ કરવા જતા હતા. ત્યાં વધુ એક મેઇલ આવ્યો.આ મેઇલ જોઇને બત્રાની આંખમાંથી ઊંઘ ઊડી ગઇ. આ ન્યૂઝમાં ફોલોઅપ રૂપે આગળના સમાચાર હતા. વિસ્ફોટક સામગ્રીના મામલામાં પોલીસે ત્રણમાંથી બે શકમંદ જે અટકાયતમાં લીધા હતા. ત્રીજો શકમંદ હજી ફરાર હતો. બન્ને શકમંદના ફોટા જોઇને બત્રા સમજી ગયા કે આ બન્ને એનડી અને સોલોમનના જૂના ફોટા છે.

આનાથી સાબિત થયું કે બન્નેનો ગુનાહિત ભૂતકાળ છે. આ વિસ્ફોટક સામગ્રી શેના માટે લાવ્યા હશે? ક્યાંથી લાવ્યા હશે? અને ત્રીજો હાથ ન લાગેલો માણસ કોન?
પરમવીર બત્રાને ગળા સુધી ખાતરી થઇ ગઇ કે એનડી સોલોમન પાસે જ બ્લાસ્ટ્સ કેસના કોયડો ઉકેલવાની ચાવી છે.
(ક્રમશ:)

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો આ અભિનેત્રીઓ પણ વેઠી ચૂકી છે બ્રેસ્ટ કેન્સરનું દર્દ