ઈન્ટરવલ

કેરોલિના રીપર પ્રકરણ-૩૯

મારા જ લોકો સામે લડવાનું ને હું જીતુ કે હારુ ગુમાવવાનું તો મારે જ આવે

પ્રફુલ શાહ

વૃંદા સ્વામીને નવાઈ લાગી કે બૉય ફ્રેન્ડ પ્રસાદરાવ પાસે બીજો ફોન પણ છે

એ.ટી.એસ.ના પરમવીર બત્રા અરીસામાં જોઈને મૂછ-દાઢી પર હાથ ફેરવતા હતા. મુરુડ બૉમ્બ બ્લાસ્ટ્સ કેસ અને અપ્પાભાઉ મર્ડર કેસ વચ્ચે કોઈ કડી હોઈ શકે ખરી, એવી અસમંજસમાં ડૂબેલા હતા. અચાનક અલીબાગમાં બે મોટા ગુના થવા એ માત્ર યોગાનુયોગ છે કે એનાથી વધુ?

ત્યાં જ મોબાઈલ ફોનની ઘંટડી વાગી. બત્રાએ જોયું તો મમ્મીનો ફોન હતો. બે-ત્રણવાર એમની સાથે નિરાંતે વાત ન કરી શક્યાનો રંજ હતો. થયું કે લાવ પ્રેમથી લંબાણપૂર્વક વાતચીત કરું એટલે માંના અને મારા કલેજાને ય ટાઢક થાય. બત્રા ફોન ઉપાડીને પ્રેમપૂર્વક બોલ્યા, “ગુડ મોર્નિંગ મમ્મી. ચલો આજ તો પેટ ભર કે બાત કરતે હૈ જી.

સામેથી ઉખડેલા અવાજમાં મમ્મીએ બાઉન્સર ફેંક્યો. “પહેલા મારી વહુનું મોઢું બતાવ, પછી જે વાત કરવી હોય એ કરજે. મમ્મીએ સામેથી ફોન કટ કરી નાખ્યો.

પરમવીર બત્રા ફોન સામે જોઈ રહ્યા. “યાર બત્રાજી, અબ જો કરના હય વહ જલ્દી કર લો જી. વર્ના ચંદ્રા કે બાદ વૃંદા ભી ચલી જાયેગી ઔર મમ્મી કા ગુસ્સા તો દેખહિ લિયા ના? પછી અરીસામાં જોઈને બત્રા પોતાની સાથે જ વાત કરવા માંડ્યા. ભલભલા આતંકવાદીઓને હંફાવ્યા તો હવે એક નાજુક છોકરી સામે દિલની વાત કરવામાં ડર શાનો? મને ગોડબોલે કે કોઈની મદદની જરૂર નથી. હવે હું ગભરુ કોલેજિયન નથી, એટીએસનો જાંબાઝ છું જાંબાઝ. ચલ મેરે શેર. અબ કર મૈદાન ફતેહ.


મુરુડ પોલીસ સ્ટેશનના ઈનચાર્જ પ્રશાંત ગોડબોલે પોતાના વાળ ખેંચી રહ્યા હતા. “હું પણ વિચિત્ર છું. ના, ના. એકદમ બેવકૂફ છું. પોતાની લાગણી વ્યક્ત કરવાને બદલે વૃંદા સાથે ભળતી જ માથાકૂટમાં પડ્યો રહું છું. હું પ્રપોઝ કરીશ ને એ ના પાડશે તો ઑફિસમાં સાથે કામ કેમ કરાશે એ વિમાસણ કરતાં ક્યાંક ગાડી ચુકી ગયો એની ચિંતા વધારે અકળાવે છે. હવે વધુ રાહ નથી જોવાની.

એકાદ સરસ મોકો મળે… ના, મોકો ઊભો કરીને વૃંદા સમક્ષ દિલ ખોલી જ નાખવું છે.

પોતાના વિચાર અને નિર્ણય પર ખુશ થઈને ગોડબોલે સીટી વગાડવા માંડ્યા. આગલે દિવસે જ દાઢી છોલી હતી, છતાં ફરી ત્યાં શેવિંગ ક્રિમ ઘસવા માંડ્યા અને જાણે પોતે વૃંદાના ગાલનો સ્પર્શ કર્યો હોય એવા આનંદની અલૌકિક અનુભૂતિ થવા માંડી.


મુરુડથી ઘરે પાછી ફરી ત્યારે કિરણે ખૂબ પ્રયાસ કર્યો કે પોતે એકદમ સ્વસ્થ રહે અને દેખાય પણ. એના સ્વસ્થતાના મહોરા છતાં રાજાબાબુ મહાજન, માલતી અને મમતા સમજી ગયા. કંઈક ગરબડ જરૂર છે. ખૂબ પૂછવા છતાં કિરણ કંઈ ન બોલી તો રાજાબાબુએ ફરમાન બહાર પાડ્યું. “પૂછપરછ રહેવા દો. એ કહે છે કે બધું બરાબર છે તો એમ જ હશે. બિચારી થાકી હશે. જા કિરણ બેટા તું ફ્રેશ થઈને આરામ કર.

કિરણ જઈ રહી હતી ત્યાં સામેથી દીપક અને રોમા આવ્યા. દીપક કંઈક બોલવા જતો હતો, પણ રોમાએ એનો હાથ દબાવીને રોકી લીધો. જાણે દીપક કે રોમાને જોયા જ ન હોય એમ કિરણ પોતાના બેડરૂમ તરફ જતી રહી. રાજાબાબુનો ઇશારો સમજીને માલતી હળવે પગલે કિરણના બેડરૂમ તરફ ગઈ. સાથે સૂચના આપી, મમતા, ૧૦-૧૫ મિનિટ પછી અંદર જ્યૂસ મોકલાવજે.

મમતાએ ડોકું હલાવ્યું ને અંદર જતી મમ્મીને જોતી રહી. કિરણ લગભગ ભાંગી પડવાને આરે પહોંચી ગઈ હતી. કેટલાય દિવસથી પરાણે જાગતી, ઊંઘતી, ખાતી-પીતી અને ઑફિસે જતી હતી. માલતી દીકરી જેવી પુત્રવધૂની હાલત જોઈ શકતી નહોતી. માંડમાંડ એની બાજુમાં ઊભા રહીને તેમણે કિરણનો હાથ પકડી લીધો.

“બેટા કિરણ. મનને શાંત અને સ્થિર રાખી દરેક યુદ્ધ લડવા અને જીતવા માટે શાંત-સ્થિર મનથી મોટું કોઈ શસ્ત્ર નથી.

“પણ મમ્મી હું લડી શકું એમ નથી. મારા જ લોકો સામે લડવાનું ને હું જીતુ કે હારુ ગુમાવવાનું તો મારે જ આવે.

“તારી સ્થિતિ મહાભારતના યુદ્ધમાં મુંઝાઈ ગયેલા અર્જુન જેવી છે. પણ બધા કર્મના ફળ છે. લેણાદેણીની નિસ્બત છે.

“મમ્મી, આવી મોટી મોટી વાતોનો શો અર્થ? હું એક સાધારણ નારી છું…

“કોઈ નારી સાધારણ નથી હોતી. આપણે સૃષ્ટિને જન્મ આપ્યો તો સાધારણ કેવી રીતે હોઈ શકીએ? હા, આપણને પોતાની ક્ષમતાને ઓળખતા વાર લાગે છે. ક્યારેક એની જરૂર જ પડતી નથી. તું મેદાનમાં ઊતર, જીતવાના સંકલ્પ સાથે. મારા આશીર્વાદ કાયમ તારી સાથે છે, તારે માથે છે.

અનાથ કિરણ એકાએક માલતીને વળગી પડી. બે સ્ત્રી હૃદય વચ્ચે શબ્દના માધ્યમ વગર ઘણી વાતો થતી રહી, ક્યાંય સુધી.


યુનિફોર્મમાં વૃંદા પદ અને સત્તાનો આંછો અનુભવ કરતી પણ અત્યારે જીન્સ અને કોટન ટૉપમાં સ્ત્રી હોવાનું વધુ ગમતું હતું. મુફ્તીમાં એ અડધા કલાકથી એક ચાની નાની ટપરી સામે પોતાના સ્કૂટર પર આંટાફેરા કરી રહી હતી. હવે કંટાળો આવવા માંડ્યો હતો. વૃંદાને સમજાતું નહોતું કે પાંચ વાર ડાયલ કરવા છતાં એને ફોન કેમ ન ઉપાડ્યો. ફરી નંબર ડાયલ કરવા તેણે ફોન પર્સમાંથી બહાર કાઢ્યો. ત્યાં જ એના ખભા પર એક હાથ મુકાયો.

“તુમને પુકારા ઔર હમ ચલે આયે..

વૃંદાએ પાછળ વળીને જોયું. લગભગ પાંચ ફૂટ નવ-દશ ઇંચની હાઈટ, ઘેરો ઘઉંવર્ણો રંગ, જીન્સ અને ઉપર સ્લીવલેસ ટી-શર્ટ. ઇરાદાપૂર્વક કસાયેલા બાવડાનું પ્રદર્શન. બંને હાથના કાંડા ઉપરના ભાગમાં વાઘના મોઢાના નાના-મોટા ટેટુ. ચહેરા પર ફ્રેન્ચ કટ દાઢી-મૂછ અને છોગામાં જાદુઈ સ્મિત.

ખરેખર, એની સામે જોતાવેંત વૃંદાનો બધો ગુસ્સો ઓગળી ગયો. એ કંઈ બોલે એ પહેલા યુવાને પોતાના બંને હાથેથી કાનની બૂટ પકડી લીધી.”હું પ્રસાદ રાવ, એમ.કૉમ, રહેવાસી મુરુડ માફી માગવા સાથે કસમ ખાઉં છું કે ભવિષ્યમાં કદી આપનો ફોન ન ઉપાડવાની ગુસ્તાખી નહીં કરું કે મીટિંગમાં મોડો નહીં પડું. મહારાણીસાહેબા, દયા હો, માફી હો.

વૃંદા ખડખડાટ હસી પડી. “પ્રસાદ, નાટક બંધ કર. ચાલ હવે ભૂખ લાગી છે બરાબરની. પ્રસાદ કંઈ બોલે એ અગાઉ એના મોબાઈલ ફોનની બેલ વાગી. તેણે હાથમાંનો ફોન ગજવામાં મૂકીને પેન્ટમાંથી બીજો ફોન કાઢ્યો. થોડો દૂર જઈને કંઈક વાત કહી. “હા, હા. હો જાયેગા. ડૉન્ટ વરી. મૈં હું ના?

વૃંદાને નવાઈ લાગી કે પ્રસાદ પાસે બીજો ફોન છે. એ કંઈ પૂછે એ અગાઉ પ્રસાદ હસીને ખુલાસો કર્યો, ” આ ફોન માત્ર બિઝનેસ માટે છે એટલે તું ફોન કરે ત્યારે મારો ફોન એન્ગેજ ન મળે. સમજી ડાર્લિંગ?

વૃંદાને પ્રસાદ પર ખૂબ વ્હાલ ઉભરાયું. પણ રસ્તાની વચ્ચોવચ શું થઈ શકે?


એટીએસના પરમવીર બત્રા ઑફિસમાં વૃંદા વિશે વિચારી રહ્યા હતા, ત્યાં એમના સાયબર ડિપાર્ટમેન્ટમાંથી ખાસ માણસનો ફોન આવ્યો. “સર, સોલોમનના ઘરમાંથી બે સામાન્ય ફોન મળ્યા હતા. અત્યાર સુધી બીજી બાબત પર વધુ ધ્યાન આપવાની હોવાથી આ બંને ફોનની અવગણના થઈ. પણ આ બંને મોબાઈલ ફોન દેખાય છે એટલા નકામા નથી.

“એટલે?

“એટલે એ કે એનો ઉપયોગ કરવા માટે રખાયા હોઈ શકે.

“અચ્છા. પણ મને તો જણાવાયું કે એમાં સિમકાર્ડ નહોતા.

“હા સર, સિમકાર્ડ નથી જ. પરંતુ સિમકાર્ડ વગર ઉપયોગ કરાયો હોઈ શકે.

“વ્હૉટ? એ કેવી રીતે?

“સર, વ્હૉટ્સઅપ ડાઉનલોડ કરવા માટે સિમકાર્ડ નાખીને નંબર રજિસ્ટર કરાવાયા બાદ કાર્ડ કાઢી નખાયું હોય.

“તો એનો ઉપયોગ કેવી રીતે થાય? કાર્ડ તો નથી અંદર.

“સર, એક નંબર વ્હૉટસઅપ પર રજિસ્ટર થાય અને પછી એ જ નંબર બીજા વ્હૉટસઅપ પર રજિસ્ટર ન થાય ત્યાં સુધી એ નંબર પહેલા વ્હૉટ્સઅપ પર ચાલતો રહે.

“યાર, આ ટેક્નીકલ છે. જો સિમકાર્ડ નથી તો વ્હૉટ્સઅપનો ઉપયોગ ક્યાંથી થાય? સિમકાર્ડ વગર ઇન્ટરનેટ ક્યાંથી આવે?

“સર, કોઈ પણ વાઈફાઈ સાથે ફોનને કનેક્ટ કરીને વ્હૉટ્સઅપથી વીડિયો કે ઓડિયો કોલ કરી શકાય. કદાચ આવો ઉપયોગ થયો હશે. વધુ ચેકિંગ કરીને આપને ફોન કરું છું.

સામેથી ફોન મુકાઈ ગયો પણ બત્રાનું મોઢું આશ્ર્ચર્યથી ખુલ્લું રહી ગયું…

વારંવાર કહેવા છતાં બાદશાહે છ સંપૂર્ણ કે ઑલમોસ્ટ કમ્પલીટ મુસ્લિમ દેશોની કંપનીમાં એમની સાથે શેની લે-વેચ થાય છે, કયા ભાવે થાય છે, પેમેન્ટ ક્યાં ક્યાં ફરીને જાય છે કે આવે છે એની વિગતો ધરાર આસિફ શેઠને ન જ આપી.

એક તરફ આસિફ શેઠ પિત્તો ગુમાવી રહ્યા હતા, તો બીજી તરફ લાગવા માંડ્યું કે બાદશાહ પોતાની પીઠ પાછળ કોઈક રમત તો નહીં કરતો હોય ને? પણ બાદશાહ જ્યારથી પોતાની સાથે જોડાયો ત્યારથી ક્યારેય સમ ખાવા પૂરતી ફરિયાદનો મોકો આપ્યો નથી.

શું હોટલમાં બ્લાસ્ટ્સથી એ વધુ પડતો અપસેટ થઈ ગયો હશે? કે પછી કોઈ વ્યક્તિગત સમસ્યા એનો પજવી રહી છે? જે હોય તે છેલ્લા થોડા દિવસથી એ એકદમ વિચિત્ર રીતે વર્તી રહ્યો છે, મારી વાત માનતો નથી ને સામેથી દલીલો પણ કરી રહ્યો છે.

આસિફ શેઠે પોતાની લંડનસ્થિત ઑફિસના ફાયનાન્સિયલ હેડ વી. આર. શિવમણીને ફોન કર્યો. “આપણી એક-એક કંપનીના બધા બૅન્ક ટ્રાન્જેક્શન ચેક કરો. મને એની સમરી જોઈએ છે. ખાસ તો માલદિવ્સ, યમન મોરેટાનિયા અને નાઈજેરિયા જેવા દેશો સાથેની ડીલ ચેક કરો. આપણે ત્યાંથી શું મોકલાય છે, શું મંગાવાય છે અને પેમેન્ટ કેમ અને ક્યા-ક્યા થઈને આવે છે કે જાય છે? કામ ખોટું અને અઘરું તો છે પણ એટલું જ કોન્ફિડેન્શિયલ પણ છે. તમારા સિવાય કોઈ એ ન જાણે એની ખાતરી રાખજો. પણ બીજી જ ઘડીએ શિવમણીએ સીધો બાદશાહને ફોન જોડ્યો… (ક્રમશ:)

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો આ અભિનેત્રીઓ પણ વેઠી ચૂકી છે બ્રેસ્ટ કેન્સરનું દર્દ