કેરોલિના રીપર પ્રકરણ-૩૩
કદાચ કુદરત જ ઈચ્છે છે કે આપણે બન્ને મળતા રહીએ
પ્રફુલ શાહ
પરમવીર બત્રાએ મનોમન બબડ્યા: હે ચંદ્રા સિસ્ટર્સ મને થોડો સમય કામ કરવા દેજો, પ્લીઝ
મુરુડ પોલીસ સ્ટેશનના ગેટ પર વિકાસને જોઈને કિરણ મહાજનના પગ રોકાઈ ગયા. એને વિકાસ સાથેની મુલાકાત અને વાતો યાદ આવી ગઈ. કિરણે માથાને ઝટકો માર્યો. “મારે આનાથી શું કામ ડરવું જોઈએ? અને એ પણ પોલીસ સ્ટેશનના દરવાજે? નો વે.
કિરણ ગેટ ભણી આગળ ચાલવા માંડી. એની અને વિકાસની નજર મળી. વિકાસને પણ આશ્ર્ચર્ય થયું હોય એવું કિરણને લાગ્યું.
કિરણ આગળ વધતી રહી. એ એકદમ નજીક આવી, ત્યારે વિકાસના ચહેરા પર હળવું સ્માઈલ આવ્યું. ” હલ્લો, કેવો ગજબનાક યોગાનુયોગ?
“યોગાનુયોગ છે કે પીછો કરો છો?
“કેમ મારે મુરુડ આવવાની મનાઈ છે? મને અહીંથી ક્યારેય તડીપાર નથી કરાયો એ આપની જાણ ખાતર.
“એનીવે મને સમજાતું નથી કે આપણે વાત જ શા માટે કરવી જોઈએ? પછી એ વિકાસથી આગળ ચાલવા માંડી. વિકાસ ઉતાવળે પગલે પાછળ ગયો. “આઈ એમ સૉરી. મારો ઈરાદો ખરાબ કે ખોટો નહોતો.
“પોલીસ સ્ટેશનની અંદર પીછો નહીં કરો તો મને ગમશે ને તમારા માટે ય સારું રહેશે. કિરણ આટલું બોલી ત્યાં જ એના મોબાઈલ ફોનની બેલ વાગી. નામ જોઈને તેણે ફોન ઉપાડી લીધો. “સર, હું આપ કયાં છો? હું પોલીસ સ્ટેશના કમ્પાઉન્ડમાં જ છું… ઓકે ઓકે… આવી અંદર…
કિરણ ઉતાવળે પગલે અંદર ગઈ અને વિકાસ એને જોતો રહ્યો. “કદાચ કુદરત જ ઈચ્છે છે કે આપણે બન્ને મળતા રહીએ જોઈએ આગળ શું થાય છે?
૦ ૦ ૦
એટીએસના પરમવીર બત્રા ક્યારના લેપટોપ પર નજર નાખીને કંઈક નોંધ ટપકાવી રહ્યા હતા, પણ થોડી થોડીવારે તેમને લેપટોપમાં બે ચહેરા દેખાતા હતા. બેલબોટમ-ટોપમાં લહેરાતા વાળવાળી અલ્લડ ચંદ્રા! અને પોલીસના યુનિફોર્મમાં શોભતી દમામદાર વૃંદા.
આવું ચાર-પાંચવાર થયું એટલે બત્રાએ લેપટોપ બંધ કરી દીધું. તેમણે મોબાઈલ ઉપાડીને દિવ્યકાંત રાજપૂતનો નંબર ડાયલ કર્યો. સામેથી ફોન ઉપાડાવા સાથે કર્કશ અવાજ આવ્યો. “યાર ડીકે યાર ડીકે કરીને મારો સમય બગાડવાનું રહેવા દે. તારો ઈમેઈલ ચેક કર. સામેથી ફોન મુકાઈ ગયો. બત્રાને હસવું આવી ગયું. તેમણે લેપટોપ સામે જોયું. એના પર હળવેકથી હાથ થપથપાવ્યા. પછી એક ઝાટકે લેપટોપમાં ઈમેઈલ અકાઉન્ટમાં લોગ ઈન કર્યું. આજે આટલા વર્ષેય એનો પાસપોર્ટ ‘ચંદ્રા ધ બેસ્ટ’ હતો! તે મનોમન બબડ્યો. “હે સ્વામી સિસ્ટર્સ, મને થોડો સમય કામ કરવા દેજો પ્લીઝ. ચંદ્રા ન ભુલાઈ ત્યાં વૃંદા આવી.
અને દિવ્યકાંત રાજપૂતનો મેઈલ વાંચતા-વાંચતા પરમવીર બત્રાની આંખ પહોળી થવા માંડી. ડીકેના અલગ-અલગ નામ હતા. એમાં સાથોસાથ નવી ચોંકાવનારી માહિતી હતી સોલોમન વિશે. સોલોમનનું અસલી નામ હતું સલમાન. ટેલીગ્રામના જે ગ્રૂપમાં એનડીનો ફોટો હતો, એ ગ્રૂપમાં બે દિવસે અગાઉ સોલોમન ઉર્ફે સલમાનનો ફોટો હતો. એ પણ કોઈ બસ ડેપોમાં હતો, ગુજરાતના જ બસ ડેપોમાં. એની પાછળ ઊભેલી બસના કાચ પર લખેલું વંચાતું હતું પાવાગઢ. સાથે નોંધ હતી કે આ ‘પાવાગઢ’ એટલે ગોધરા વિભાગની બસ.
હિંમતનગર અને ગોધરા, એનડી અને સોલોમન. બત્રા મુંઝાઈ ગયો કે આ કોયડો ઉકેલાઈ રહ્યો છે કે ગૂંચવાઈ રહ્યો છે? પરંતુ એટલું સમજાઈ ગયું કે મુરુડ હોટેલ બૉમ્બ બ્લાસ્ટ્સ બહુ મોટા કાવતરાનો એક ભાગ છે કાં એના અત્યાર સુધી સામે આવેલા બે પાત્ર કંઈક વધુ ભયંકર કરવાની વેતરણમાં હોવા જોઈએ. શું એમનું ટાર્ગેટ મહારાષ્ટ્ર હતું? મુરુડમાં કંઈ કરવાનું હતું અને એ થઈ ગયું કે હજી કોઈ જોખમ છે ખરું?
ના, ચાન્સ જરાય ન લેવાય. તેણે મહારાષ્ટ્ર એટીએસના વડા કૌશલ વગેરેને મેસેજ કર્યો, “કંઈક ખૂબ મોટું એકદમ ભયંકર બની શકે છે. મહારાષ્ટ્રમાં, ગુજરાતમાં કે કદાચ મુરુડમાં, સર, હું, આપ, મહારાષ્ટ્રના પોલીસ વડા અને મુંબઈના પોલીસ કમિશનર વીડિયો કોન્ફરેન્સ કોલમાં વાત કરી શકીએ?
૦ ૦ ૦
ઘડિયાળના કાંટા પોતાની મસ્તીમાં આદત પ્રમાણે આગળ વધતા હતા. ‘મહાજન મસાલા’ની ઑફિસમાં કંટાળા સાથે ઘુસપુસ વધી રહી હતી. સૌને સવારના વહેલા બોલાવીને કિરણ મેડમનો જ અતોપતો નથી. બે વાગ્યે બધા લંચ પતાવીને આવ્યા પછી દીપકે મોબાઈલ ફોનમાં ચીડભર્યા અવાજે મોહનકાકુને પૂછ્યું, “છે ક્યાં કિરણભાભી?
“મને ક્યાંથી ખબર હોય દીપકભાઈ? હું તો હમણાં તમને પૂછવા આવવાનો હતો. ફેમિલીવાળા છો એટલે કદાચ કંઈક મેસેજ આવ્યો હશે એમ માનીને.
દીપકે ગુસ્સામાં ફોન કટ કરી નાખ્યો. “કિરણભાભીમાં આટલું બધું અભિમાન આવી ગયું. રાતોરાત? હજી તો પપ્પા છે, ને અત્યારથી આ રોફ અને દાદાગીરી?
રોમાએ ટોણો માર્યો. “કેમ તને કેપ્સીકમ તીખું લાગવા માંડ્યુને?
હજી કહું છું એને જરાય ઓછી આંકતો નહીં. તું પપ્પાનો દીકરો છો. મહાજન મસાલાનો ધંધો જ નહીં, ગુડવીલ પણ સાચવવાના છે. ખૂબ મોટી બ્રાંડ છે. માર્કેટમાં નંબર વન છે. આ કિરણભાભી કંઈક મોટો ખેલ પાડવાની વેતરણમાં લાગે છે. એનો વર ન જાણે ક્યાં શું કરી રહ્યો છે, ને આ બાઈને આપણી છાતી પર બેસીને રાજ કરવું છે! આવું ન થવા દેવાય. હરગીઝ નહીં. આજે રાતે આ બાબતમાં એક મહત્ત્વની મીટિંગ ગોઠવી દે. નવેક વાગ્યે બાંદ્રા જવાનું છે. ત્યાંથી કદાચ કિરણ નામના દર્દની દવા મળી જશે.
“પણ કોને મળવાનું છે? દીપકથી રહેવાયું નહીં.
“શીશશશ… ભીંતોને ય કાન હોય છે. ગાડીમાં વાત કરીએ?
૦ ૦ ૦
મુરુડ પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ પ્રશાંત ગોડબોલેની કેબિનમાં આવીને કિરણ બેઠી એવી જ ગોડબોલેએ ફોન કરીને વૃંદા સ્વામીને અંદર બોલાવી.
વૃંદા અંદર આવીને બોલી, “સર, પ્લીઝ મોબાઈલ ફોન પર એક મેસેજ જોઈ લો.: ગોડબોલે મેસેજ જોઈને બોલ્યા, “બોલાવી લો એને પણ અંદર. વૃંદાએ ફોન કરતા વિકાસ અંદર આવ્યો. ગોડબોલેના આંખના ઈશારાથી એ બેસી ગયો.
“મિસિસ કિરણ મહાજન અને મિસ્ટર વિકાસ હોટેલમાં બ્લાસ્ટ્સ વખતે અંદર જે બે માણસ હતા તેમની ઓળખ આકાશ મહાજન અને મોના ભાટિયા તરીકે થઈ છે. એ માટેનાં સાક્ષી પણ છે, પરંતુ કાયદાની દૃષ્ટિએ અમારા માટે એ પૂરતું નથી. આપ બન્નેએ મૃતકોને જોઈને પોતાના પતિ અને બહેનની ઓળખવિધિ કરવી પડશે. હું જાણું છું કે આ ખૂબ કપરી અને દર્દનાક કામગીરી છે પણ છૂટકો નથી.
કિરણે ગોડબોલે સામે જોયું. “જરૂર છે કે બ્લાસ્ટ્સ વખતે આકાશ અંદર જ હોય? ધડાકા અગાઉ ચેક આઉટ કરી ગયા હો એવું ન બની શકે?
“એવું થયું હોત તો અમને ચોક્કસ આપની ખુશીમાં સામેલ થવું ગમ્યું હોત. પણ આઈ વિટનેશના કહેવા મુજબ એ હોટેલની અંદર જ હતા.
“અરે પણ આઈ વિટનેસ સામાન્ય માનવી જ હોય ને? એનાથી ભૂલચુક શકે કે નહીં? કિરણ દલીલ કરતા ગળગળી થઈ ગઈ.
વિકાસે હેન્ડબેગમાંથી થોડા પ્રિન્ટ આઉટ બહાર કાઢીને ટેબલ પર મૂક્યા. “સૉરી, વાતમાં ખલેલ પાડવા બદલ મારી જાણકારી અને પુરાવા મુજબ આકાશ મહાજન બ્લાસ્ટ્સના સમયે હોટેલની અંદર જ હતા.
કિરણે રોષભરી નજરે વિકાસ સામે જોયું. “ત… તમે પોલીસમાં છો?
“ના, હું આઈટી એક્સપર્ટ છું. એથિકલ હેકર છું. જો મોબાઈલ ફોનના લોકેશનને સાચા માનીએ તો આપના પતિ આકાશ અને મારી બહેન મોના ધડાકાના સમયે હોટેલની અંદર જ હતાં, સિવાય કે બન્ને મોબાઈલ ફોન છોડીને ચૂપચાપ બહાર નીકળી ગયા હોય.
(ક્રમશ:)