ઈન્ટરવલ

કેરોલિના રીપર પ્રકરણ-21

વીડિયો શૂટિંગ કરનારા દાણચોર જેટલી સાવધાની રાખતા હતા!

પ્રફુલ શાહ

દીપક અને રોમાના ચહેરા પર સ્મિતને બદલે ઈર્ષા આવી ગઈ, તો કિરણની આંખમાં ઝળઝળીયાં આવી ગયા

માત્ર મુરુડમાં નહીં, અલીબાગ વિધાનસભા હેઠળનાં 215 ગામમાં જોરદાર ધમધમાટ હતો, ધાંધલધમાલ હતી. એકએક કામકાજ ખોરવાઈ ગયા હતા. ગામે ગામમાં સરઘસરૂપે ભીડ નીકળતી હતી.

વિશ્વનાથ આચરેકર ઝિંદાબાદ' અનેજીતેગા ભાઈ જીતેગા આચરેકર જીતેગા’ના બુલંદ સૂત્રોચ્ચાર સાથે સરઘસ ગામમાં થઈને બહાર નીકળતા હતા અને પછી ત્યાં ઊભેલી આચરેકરના ફોટોવાળી બસમાં બધા બેસી જતા હતા. બધા એકબીજાને મીઠાઈ ખવડાવતા હતા. આવી ન જાણે કેટકેટલીય બસ અને પ્રચંડ ભીડને અલીબાગ લાવવાની વ્યવસ્થા વિશ્વનાથ આચરેકરના ચૂંટણી વ્યૂહકારોએ કરી હતી. અગાઉ આવો માહોલ કોઈએ જોયો નહોતો.

આ બધાને કાબૂમાં રાખવા અને શાંતિ-સલામતી જાળવવા તાલુકાના મોટાભાગના પોલીસવાળા કામે લાગી ગયા હતા. એક એક ગામના સરઘસની ભીડ ટીવીના કેમેરામાં ઝિલાતી હતી. બે સ્થાનિક ચેનલ આ બધાનું જીવંત પ્રસારણ કરતી હતી. જોકે આ બધા સરઘસ, બસની હારમાળાના અમુક દૃશ્યો શૂટ કરાતા હતા. જે કોઈ ચેનલ પર પ્રસારિત થતા નહોતા. શૂટિંગ કરનારા પણ જાણે દાણચોરી કરતા હોય એટલી સાવધાની રાખતા હતા.

અલીબાગના સર્કિટ હાઉસમાં ચમચાઓ વિશ્વનાથ આચરેકરની પગચંપી, પ્રશસ્તિ અને આરતી ઉતારવામાંથી ઊંચા આવતા નહોતા. એક અતિ-ઉત્સાહીએ તો ઉમેદવારીપત્ર દાખલ થવા અગાઉ ચૂંટણીનું પરિણામ જાહેર કરી દીધું. “સાહેબ, રેકોર્ડ માર્જીનથી જીતશે, ને બધા હરીફની ડિપોઝિટ જપ્ત થવાની એ નક્કી.”
આચરેકરનો પી.એ. નીશીથ કરંદીકર મોબાઈલ ફોનના નોટપેડમાં ટપકાવતો હતો કે કેટલી બસ દેખાઈ, કયાં-કયાં ગામથી આવી. આ શક્તિપ્રદર્શન પર કેવી તોતિંગ રકમ ખર્ચાઈ અને એ કોણે કેવી રીતે ચુકવી એની એ કુંડળી માંડતો હતો.

વિશ્વનાથ આચરેકર શેખચિલ્લીને ય વટાવી જાય એવી ફેન્ટેસીની દુનિયામાં રાચતો હતો, ત્યારે એને ખબર નહોતી કે ભવ્ય શક્તિપ્રદર્શન કેવું વળતર આપવાનું છે.


બીજા દિવસે સવારના પહોરમાં સ્પષ્ટ થઈ ગયું કે રાજાબાબુ મહાજનને હાર્ટ-એટેક જ આવ્યો હતો. પણ અચાનક સ્ટે્રસ શેનું આવ્યું? ડૉક્ટર સહિત ઘણાં કલ્પના કરતા રહ્યા. મોટાભાગનાને શંકા ગઈ કે આકાશ મહાજન વિશે કોઈ અપડેટ આવ્યું હશે? કિરણે એમના મોબાઈલ ફોનથી પૂછપરછ કરી. તેઓ ફસડાઈ પડ્યા ત્યારે ખૂણામાં પડી ગયેલો ફોન મમતાએ ઉપાડી લીધો હતો. મમતાએ ફોન કિરણને આપ્યો. આખા ઘરમાં સૌ જાણતું હતું કે એમના મોબાઈલ ફોનની પીન એમએમઝીરોવન હતી. કાયમ તેઓ એમએમ એટલે મહાજન મસાલાને નંબર વન બનાવવા અને ત્યાં ટકાવવા ઝઝુમતા રહ્યા અને અત્યારે મોત સામે લડી રહ્યાં છે. પણ કિરણને ખાતરી હતી કે પપ્પા જીતી જશે, જીવી જશે.

એ જ સમયે ડૉક્ટરે રિપોર્ટનો સાર અને સમજ આપ્યા કે ઈમોશનલ કે ફિઝિકલ સ્ટે્રસથી હાર્ટનું પમ્પિંગ વધી જાય એટલે એની લોહીની જરૂર વધી જાય પણ ધમનીમાં બ્લોકેજને લીધે પૂરતું લોહી પહોંચી ન શકે એટલે હાર્ટ એટેક આવી શકે.

મમતા એકદમ રડમસ થઈ ગઈ. “હવે આગળ શું? પપ્પા સાજાનરવા તો થઇ જશે ને ડૉક્ટર?”

“હા, હા. હવે એન્જ્યોિગ્રાફી કરીને ધમનીમાં સ્ટેન્ટ બેસાડવા પડશે.”

કિરણે ધીમેથી પૂછયું, “આઈ હોપ ઇટ ઇઝ સેફ.”

ડૉક્ટરે હસવાનો પ્રયાસ કર્યો. “મોટાભાગના કેસમાં વાંધો આવતો નથી. આવતી કાલે સ્ટેન્ટ બેસાડીશું. ઓકે!”

કોઈ પાસે ના પાડવાની ઈચ્છા કે શક્તિ નહોતા. મમતા માંડ બોલી, “અને મમ્મીને કેમ છે?”

“એકદમ ફાઈન. મેં સિસ્ટરને ડિસ્ચાર્જ માટે કહી દીધું છે.” સૌએ હાશકારો અનુભવ્યો પણ આગળ ઊભેલા નવા તોફાનની ક્યાં કોઈને ખબર હતી.

હોટેલના બંધ રૂમમાં આસિફ પટેલ ક્યારનો ફોન પર વાત કરતો હતો. કંઈક કાગળમાં ટપકાવતો હતો. ક્યારેક એનો અવાજ ઊંચો થઈ જતો હતો, તો ક્યારેક એ એકદમ ગળગળો થયેલો દેખાતો હતો. થોડીવારમાં તેણે ગજવામાં રૂમાલ કાઢીને મોંઢા પરથી પરસેવો લૂછ્યો. પછી પોતાનો મોબાઈલ ફોન બાજુમાં મૂકીને સુટકેસ ખોલી એમાંથી બીજો મોબાઈલ ફોન કાઢીને ઑન કર્યો. થોડીવારમાં બીજો ફોન એક્ટિવ થયો એટલે એક મેસેજ જોઈને એ ગભરાઈને ઊભો થઈ ગયો.

તેણે ધ્રૂજતા હાથે નંબર ડાયલ કર્યો. સામેથી ફોન ઉપાડતા માંડમાંડ બોલી શક્યો, “પ્લીઝ મને હજી થોડો સમય આપો. આપનું કામ ચોક્કસ થઈ જશે. મારા માણસો કામે લાગેલા જ છે… હા… પ્લીઝ… વધુ મુદત નહીં માંગુ હવે… થેન્ક યુ, થેન્ક યુ.”

ફોન મૂકીને બે મિનિટ એકદમ ચૂપચાપ બેસી રહ્યો. જાણે હોસહવાસ ખોઈ બેઠો હોય. “આ બધું ટેન્શન મારા માથે આવી ગયું! બાદશાહની વાતમાં આવી ન ગયો હોત તો સારું હતું. વેપારમાં જોખમ તો સમજી શકાય પણ બાદશાહ કોઈ બીજી ચાલ તો રમતો નહીં હોય ને મારી સાથે? બાદશાહ… યાદ રાખજે કે મારું નામ જે કંઈ હોય. તું ગુલામ છો, ગુલામ. મારો ગુલામ.”

કૉન્સ્ટેબલ અશોક નાડકરે આપેલી માહિતીનું એટીએસના પરમવીર બત્રા અને મુરુડ પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ પ્રશાંત ગોડબોલે વિશ્લેષણ કરી રહ્યા હતા.

“સવાલ” એ છે કે પવલાને ખરેખર સોલોમન સાથે કે સકીનાના મોત સાથે સંબંધ છે? જો સંબંધ છે તો એ ક્યાં છે?
“અને જો સંબંધ નથી તો પણ એ છે ક્યાં? કેમ ગાયબ થઈ ગયો છો?”

“એક રીતે સારું થયું કે હવે સોલોમનની સાથોસાથ પવલાની પણ શોધખોળ થઇ શકશે. બરાબર જી?”
“યસ સર. પવલા વિશે ત્રણેક મુદ્ા ટપકાવ્યા છે. ઉંમર 19 વર્ષ, મોટાભાઈને લીધે દેવાનું ટેન્શન અને…”
“ત્રીજો મુદ્દો શું?”
“સર, એ તો બાળપણની વાત છે કદાચ બાલીશ લાગે.”
“સર, એ તો બાળપણની વાત છે. કદાચ બાલીશ લાગે.”
“અરે પણ બોલો તો ખરા જી.”
“એ સ્કૂલમાં સ્વિમિંગ ચેમ્પિયન હતો. આઈ એમ સૉરી. મને લાગ્યું કે કદાચ ઉપયોગી થાય એટલે મેં ટપકાવી લીધું એ પણ.”

“કોઈ માહિતી નકામી કે બિનજરૂરી હોતી નથી. મગજમાં ફિડ કરી દેવાની અને કાગળ પર ટપકાવી જ દેવાની.”

“યસ સર, આપે હવાલદાર નાડકરને ફોન પર શાબાશી આપી તો એ વધુ ખણખોદ કરી લાવ્યો. થેન્ક યુ.”

“અરે એમાં થેન્ક યુ શેનું? આ કંઈ થોડું તમારું પર્સનલ કામ હતું? દેશમાં બધે ભલે રાજકારણ હોય પણ આપણી ફરજ પ્રજાની રક્ષા કરવાની છે. કામગીરી ખૂબ વિકટ અને પવિત્ર છે. તો મળીને કામ કેમ ન કરવું? અને હા, આ બ્લાસ્ટ્સનો મામલો ખૂબ ગૂંચવાતો જાય છે. હજી આપણે ઘણાં કામ સાથે કરવાના છે. તમે તૈયાર રહેજો, હું એક મહત્ત્વની લીડ મળવાની રાહમાં છું……”


સવારે અગિયાર વાગ્યા પહેલા કિરણ મહાજન મસાલાની ઑફિસે પહોંચી ગઈ. એ અગાઉ અડધો કલાક હૉસ્પિટલમાં રાજાબાબુને જોઈ આવી. તેણે મોહનકાકુના મેસેજની વાત માલતી અને મમતાને કરી. બન્નેનું એક જ મંતવ્ય નીકળ્યું કે મોહનકાકુ કંઈ અવિચારી ન કરે. જલ્દી પાછા હૉસ્પિટલ આવવાનું કહીને એ રવાના થઈ ગઈ.

કિરણે સૌથી પહેલા બે હાથ જોડીને મોહનકાકુને નમસ્કાર કર્યા. પછી કૉન્ફરન્સ રૂમમાં જઈને બેસી ગઈ. દિપક અને રોમા 11.25 વાગ્યે આવ્યાં અને સીધા પોતાની કેબિનમાં જઈને બેસી ગયાં. મોહનકાકુએ પ્યુન મોકલીને ત્રણેયને રાજાબાબુ મહાજનની કેબિનમાં બોલાવડાવ્યા. સાથોસાથ ઑફિસના બીજા ત્રણ મહત્ત્વના ઑફિસરને પણ હાજર રખાવ્યા.

રોમાએ તો મોહનકાકુ સામે જોયું ય નહીં. દિપકે કહ્યું, “અમે તો ઑફિસ આવવાના જ હતા. મેસેજ કેમ મોકલાવવો પડ્યો?”

મોહનકાકુ કંઈ બોલે એ અગાઉ રોમાએ નારાજગી વ્યક્ત કરી, “અને પાછો મારો ફોન ન ઉપાડયો.”

મોહનકાકું કંઈ બોલે એ અગાઉ કિરણ અંદર આવી. એને જોઈને દિપક ને રોમાને આંચકો લાગ્યો. રોમ કડવાશ સાથે બોલી, “હજી મમ્મી અને મમતાબહેન આવે છે પાછળ? બીજા કોઈને ય બોલાવવા હોય તો વાંધો નથી અમને.”

જવાબ આપ્યા વગર મોહનકાકુએ એક ચાવી દિપકને આપી. સાથોસાથ બધાને બેસી જવાની વિનંતી કરી. દિપક ચાવીને જોઈ રહ્યો. “મને જે લોકો ઓળખે છે એમને ક્યારેય કહેવાની જરૂર ન પડે. આમ છતાં મને લાગે છે કે એક સ્પષ્ટતા કરવી ખૂબ જ અનિવાર્ય છે. મહાજનસાહેબની ઈચ્છા પ્રમાણે બધું જ થઈ રહ્યું છે. પ્લીસ દિપકભાઈ, સરનું ડ્રોઅર ખોલો!!”

દિપકે ડ્રોઅર ખોલ્યું, તો એમાં એનું નામ લખેલું કવર દેખાયું. પોતાને મળેલા મહત્ત્વથી એ મનોમન ખુશ થયો. તેણે તિરછી નજરે રોમા સામે જોઈને હળવું સ્મિત આપ્યું. દિપકને પોતાની કાબેલિયત અને પપ્પાની કોઠાસુઝ પર માન ઉપજ્યું. તેમણે યોગ્ય માણસ પર જ વિશ્વાસ મૂક્યો હવે કંપની પર કબજો જમાવતા મને કોણ રોકશે? દિપકે કવર ખોલ્યું તો અંદર પેન-ડ્રાઈવ દેખાઈ.

મોહનકાકુએ વિનંતી કરી, “આ પેન ડ્રાઈવને પ્લે કરવાની છે. હું કરું?” જવાબ આપવાને બદલે દિપક પોતે ઊભો થયો. ભીંત પરના મોટા ટીવી સાથે પેન ડ્રાઈવ કનેક્ટ કરી. પછી રાજાબાબુની ખુરશી પર બેસીને રીમોટ ક્નટ્રોલના બટન દબાવવા માંડ્યો. જાણે સત્તાનું રીમોટ કંટ્રોલ હાથમાં આવી ગયું હોય એવા ભાવ ચહેરા પર આવી ગયા, જેને છુપાવવાનો પ્રયત્ન કરવાની એને જરાય જરૂર ન લાગી.

અચાનક ટીવીના પડદા પર રાજાબાબુ મહાજન દેખાયા. સ્માઈલ સાથે તેઓ બોલ્યા, “આશા રાખું છું કે તમે મજામાં હશો. મોહનકાકુએ આ બધું મારી સૂચના અને ઇચ્છા મુજબ કર્યું છે. બે મહત્ત્વની વાત કહેવી છે! હું અચાનક ગુજરી જાઉં તો શું? અથવા હું હૉસ્પિટલમાં એક દિવસથી વધુ સમય માટે દાખલ થાઉં તો શું કરવાનું? મારી ઈચ્છા સમજો કે આદેશ, હું હૉસ્પિટલમાં રહું એટલા દિવસ કિરણ બેટા ઑફિસ અને ધંધો સંભાળે. અને જો હું ગુજરી જાઉં તો ઑફિશિયલ વિલ વંચાય નહીં ત્યાં સુધી કિરણ બેટા જ આ જવાબદારી સંભાળે. મેં “ખૂબ વિચારીને આ નિર્ણય લીધો છે. મને વિશ્વાસ છે કે સૌ એને હસતે મોંઢે માથા પર ચડાવશે. કિરણ બેટાને ખૂબ ખૂબ શુભેચ્છા અને સૌને હૃદયપૂર્વક આશિર્વાદ.”

દિપક અને મોનાના ચહેરા પર સ્મિતને બદલે સખ્તાઈ આવી ગઈ, તો કિરણની આંખમાં ઝળઝળીયા આવી ગયાં. મોહનકાકુને થતું કે પોતે વિચારતા હતા એવા જ પ્રત્યાઘાત આવ્યા. પરંતુ હજી આગળ શું થવાનું છે એની કોઈને જરાય જાણકારી નહોતી. (ક્રમશ:)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button