ઈન્ટરવલ

સુખનો જથ્થો નક્કી કરી શકાય?

ઔર યે મૌસમ હંસીં… -દેવલ શાસ્ત્રી

સામાન્ય રીતે એક કથન વૈશ્ર્વિક છે કે સુખને પૈસાથી ખરીદી શકાતું નથી. સુખદ સ્થિતિનું નિર્માણ એ આંતરિક સ્થિતિ છે, જેને બાહ્ય પરિબળો સાથે કોઈ લેવાદેવા નથી. આ બધી આદર્શ પરિસ્થિતિમાં કોઈ આવીને કહે કે સુખને માપવું જોઈએ. સુખનો જથ્થો માપીને નક્કી કરવો જોઈએ, સુખનો જથ્થો ભૌતિક છે તો થોડું આશ્ર્ચર્ય લાગે.

ભારતીય પરંપરા મુજબ સ્વાયંભુવ મન્વંતરમાં ધર્મ અને શાંતિનો પુત્ર સુખ છે. આ સુંદર કલ્પનાને સરળ અર્થમાં વિચારીએ તો જ્યાં ધર્મ અને શાંતિ નિવાસ કરે છે ત્યાં સુખનો જન્મ થાય છે. મનને ગમતી ઘટના એ સુખ છે જેવી કલ્પના પણ ભારતીય દર્શનમાં છે. આરામ, શાંતિ, તૃપ્ત, હર્ષ, સ્નેહ, પ્રમોદ, આનંદ, પ્રાપ્ત કર્યાની સિદ્ધિ, સંતોષ જેવા પરિબળો સુખની સંકલ્પના છે. સુખ કરતાં સુખની પરિકલ્પના સમાન સુખેચ્છા વધારે અગત્યની છે. એક કરોડ રૂપિયા હોય તો સુખ પ્રાપ્ત થયું કહેવાય, જ્યારે એક કરોડ રૂપિયા હાથ પર હોય તો સુખની ઇચ્છા વધવા લાગે. દુબઈ અથવા બેંગકોક જેવા નજીકના વિદેશમાં જવાનું મળે તો સુખની અનુભૂતિ થાય પણ દુબઈ ગયા પછી સુખેચ્છા યુરોપ પ્રવાસની થાય તો અસંતોષ શરૂ થાય. અસંતોષ શરૂ થતાં જ મનગમતી પરિસ્થિતિમાં આપણે સુખનો અનુભવ કરી શક્તા નથી.

એક કથા છે કે એક ખેડૂત તેના પરિવાર સાથે અત્યંત આનંદ સાથે ખેતરમાં રહેતો હતો. ઓછી જરૂરિયાત વચ્ચે પણ તેના સંતોષ અને આનંદ સાથેના સુખની સહુને ઇર્ષ્યા થતી. એક વ્યક્તિએ તેના ઘરની બહાર રાત્રિના સમયે નવ્વાણું રૂપિયાના સિક્કા મૂકી દીધા. સવારમાં ખેડૂતે સિક્કા જોયા અને વિચાર આવ્યો કે નવ્વાણું સિક્કાઓમાં એક સિક્કો ઉમેરવાથી સો સિક્કા થઇ જશે અને સો સિક્કા બચત સ્વરૂપે મૂકી રાખીશું. સુખ અલગ છે અને સુખની ઇચ્છા અલગ છે. સો સિક્કા ભેગા થતાં ખેડૂતનો લોભ વધવા લાગ્યો. વધારેને વધારે ધન એકત્રિત કરવાના મોહમાં આનંદ નામનું તત્ત્વ ગાયબ થવા લાગ્યું.

સાઇકોલોજીના જાણકારોના મત મુજબ દરેક વ્યક્તિ માટે શ્રેષ્ઠ જીવન જીવવાનો એક અંક નક્કી કરી શકાય. રસ્તા પર રહેતા લોકો માટે કારમાં મુસાફરી કરવી એ લકઝરી ગણાય તો કેટલાક ધનિકો માટે પ્રાઇવેટ પ્લેનમાં ફરવાની વાતને લકઝરી કહેવાય. દરેક વ્યક્તિ માટે શ્રેષ્ઠ જીવનની વ્યાખ્યા નક્કી કરતો આંક અલગ અલગ હોય. આ આંક કરતાં વધારે પ્રાપ્ત થાય તો માણસ વધારે સુખ પ્રાપ્ત કરી રહ્યો છે એ ભાવના મનમાં આવશે અને જો આ આંક કરતાં જીવનધોરણ નીચું હશે તો માણસ નિરાશાની લાગણી અનુભવશે. આ પરિસ્થિતિ દરેક ઘટના, સમય અને સંજોગો મુજબ બદલાતી રહે છે.

મનોવૈજ્ઞાનિકો તો માને છે કે સુખની કલ્પના માટે વારસાગત લક્ષણો પણ મહત્ત્વનો ભાગ ભજવે છે. આપણા મનમસ્તિકમાં રહેલું ૫-ઇંઝઝકઙછ જીન સુખને માણવા સેરોટોનિન જેવા અંત:સ્ત્રાવ પેદા કરે છે, ઘણીવાર વિષમ પરિસ્થિતિમાં પણ આનંદની લાગણી અનુભવવા મદદ કરે અને દેખીતા સુખને ભોગવવા પણ ન દે. સુખની લાગણીનો અનુભવ આનુવંશિક છે એવું પણ કેવળ એ એકલો જ ભાગ ભજવતું નથી. સુખ માટે પર્યાવરણ તથા આસપાસનો માહોલ પણ નાનો મોટો ફાળો આપે છે. એક અભ્યાસ અનુસાર સુખી થવા માટે સુખના ચરમસીમાએ પહોંચવા કરતાં તેના ધ્યેય સુધી પહોંચવાના સમયને માણતા શીખવાની જરૂર છે. આપણને ખ્વાહિશ હોય કે યુરોપ ફરવા જવું છે અને યુરોપ ટૂર નક્કી થઇ ગઇ. યુરોપના પ્રવાસના પ્લાનિંગ માટે જેટલી મજા આવે છે એટલી મજા પ્રવાસ પરથી પરત આવતા થતી નથી. આપણા ઘરમાં શુભ પ્રસંગે જે તૈયારીઓ કરવાની મજા આવે છે એ મજા ઇવન ચાલુ પ્રસંગે પણ આવતી નથી.

સુખ અને સુખની અનુભૂતિઓ પર પુસ્તકો લખાયા છે પણ સુખને માપી શકાય એ વાત પર ખાસ ચર્ચા થઇ ન હતી. ભારતીય પરંપરામાં મહાભારત, રામાયણ કે અન્ય કથાઓ તથા ઉપનિષદના માધ્યમથી સુખના પ્રમાણ વિશે વાત સમજી શકાય.

યુરોપમાં ઔદ્યોગિક ક્રાંતિ શરૂ થઇ, આ દરમિયાન માનવજીવન પર અભ્યાસ થયા. સમાજમાં મધ્યમ વર્ગનું અલગ મહત્ત્વ વિચારકોની નજરમાં આવ્યું. આ જ ગાળામાં સ્થાપત્યો, પેઇન્ટિંગ, લિટરેચર તથા અન્ય કળાઓમાં પરિવર્તન આવવા લાગ્યા. માણસની સુખની વ્યાખ્યા બદલાવા લાગી. અઢારમી સદીમાં બ્રિટિશ વિચારક જરમી બેંથમે સુખ અંગે નવી પરિકલ્પના સૂચવી. બેંથમે અઢારમી અને ઓગણીસમી સદીના સમયગાળામાં માનવજીવનના અભ્યાસ પરથી સુખવાદ વિશે જણાવ્યું કે, પ્રકૃતિએ માણસને બધું ભોગવવા આપ્યું છે પણ પોતાની પાસે સુખ અને દુ:ખનું નિયંત્રણ રાખ્યું છે. માણસજાત હંમેશાં સુખની ઝંખના કરે છે અને દુ:ખથી દૂર રહેવા માટે શ્રેષ્ઠ પ્રયાસ કરે છે. ઇન શોર્ટ, સુખ અને દુ:ખ એ કાલ્પનિક નથી પણ તેનો જથ્થો નક્કી કરી શકાય એવી બાબત છે. એક બાળકને લખોટી રમવામાં જે આનંદ આવે છે એ જ આનંદ એક વયસ્કને પોતાની કવિતા પ્રસ્તુત કરવામાં આવતો હોય તો બંને સુખ વચ્ચે ખાસ ફરક નથી. કોઈ પણ પ્રવૃત્તિ કરવામાં આવે એ પ્રવૃત્તિ થકી સમાજમાં કેટલી વ્યક્તિ સુખી થશે અથવા કેટલી વ્યક્તિઓ એ પ્રવૃત્તિ થકી દુ:ખી થશે એના અભ્યાસ પરથી કાર્યયોજનાઓ નક્કી થવી જોઈએ.

બેંથમે સુખની ગણતરી માટે અભ્યાસ કર્યો અને કેટલાક મજાના તારણો તારવ્યા. સુખ માપવા માટે સૌથી અગત્યની બાબત છે, સુખની તીવ્રતા. આપણને સુખની અનુભૂતિ કેટલા ઊંડાણથી મળે છે એ નક્કી થવું જોઈએ. એક સફરજન ખાવા કરતાં કાચું આમળું ખાવું વધારે આનંદ આપતું હોય તો સુખની તીવ્રતા ચકાસવી જોઈએ.

માણસ જ્યારે સુખની અનુભૂતિ કરે છે ત્યારે એને ક્યો વિચાર દુ:ખી કરે છે? વિચાર કરો કે સુખની તીવ્રતા કોણ ઘટાડે છે? માણસ સુખ ભોગવતા વિચારે છે કે સુખ કેટલો સમય ટકશે? તમે ઘર લીધું તો પાંચ પચ્ચીસ વર્ષ ઘર ટકવાનું જ છે પણ પતંગ ચગાવતા હોય તો એનો આનંદ અનિશ્ર્ચિત છે. મિન્સ સુખનો આધાર સુખ કેટલો સમય સ્થાયી રહેશે એના પર છે.

માણસ સુખ પ્રાપ્ત કરવા મહેનત કરે છે, જે સુખનો આનંદ આપે છે. વ્યક્તિ સતત એ વિચારે છે કે મને સુખ મળશે કે કેમ એ શંકામાં અડધો આનંદ ગુમાવી દે છે. સુખ અને દુ:ખ અનિશ્ર્ચિત છે એ ભાવ કેળવવો મુશ્કેલ છે. ઘરમાં છોકરીનું નક્કી કરવા માટે પંદર વીસ મહેમાન આવવાના છે અને રસોઈ બનાવતી વેળા સતત એક જ વિચાર આવે કે રસોઈ સ્વાદિષ્ટ ના બની તો મહેમાનો કેવી ઇમેજ બનાવશે? જો રસોઈ ખરાબ થઇ અને સંબંધ નક્કી ના થાય તો શું થશે? જાતજાતની ખરીખોટી કલ્પનાઓ કરીને આપણે દુ:ખી થઇએ છીએ.

હજી સુખ પ્રાપ્ત કરીશું કે કેમ એ વિચાર ચાલતો હોય ત્યારે એ મેળવવા કેટલો સમય લાગશે એની ચિંતા સતાવવા લાગે. તમે બંગલો બુક કરાવ્યો અને તેનું પઝેશન ત્રણ વર્ષ પછી મળવાનું હોય તો એ સમયગાળામાં સુખી રહેવું મુશ્કેલ છે. બંગલો લીધાના સુખ સાથે અન્ય કેટલા સુખો ઉમેરાશે એ પણ સુખી થવામાં ભાગ ભજવે છે. અલગ ફ્લોર પર બેડરૂમ, અલગ નાનું થિયેટર હોય અને વડીલો માટે ખાસ વ્યવસ્થા હોય મતલબ કે સમગ્ર પરિવાર ખુશ રહી શકે એ સુખના સરવાળામાં વધારો કરે છે. સુખના સરવાળામાં વધારો કરતાં એક વાત માણસ વિચારે છે કે સુખની પ્રાપ્તિ દરમિયાન કોઈ દુ:ખ તો સામેલ નથી થતું ને? સરવાળે સુખને સમજવું એટલું આસાન નથી, અસંખ્ય પરિબળો સુખની ગણતરી કરવા માટે ભાગ ભજવતા હોય છે.

માણસ જ્યારે સુખ ભોગવવાની કલ્પના કરતો હોય છે ત્યારે જાણે-અજાણે એક વિચાર કરતો હોય છે કે મારા સુખ થકી કેટલા લોકોને સુખ પ્રાપ્ત થશે? એક ફેક્ટરી નાખનારો હંમેશાં કહેતો હોય છે કે સો બસો પરિવારોનું ભરણપોષણ થાય છે. સુખ જ્યારે વિસ્તૃત થતું જાય, એક સુખ થકી મહત્તમ લોકોને સુખ મળે ત્યારે એ સુખનો આનંદ વધવા લાગે છે. આ વાત પરથી રુસોએ કહ્યું કે માણસ જન્મથી સ્વતંત્ર હોય છે અને સુખી થવા માટે આખી જિંદગી પ્રયત્ન કરતો રહે છે. આખી વાતને બીજા શબ્દોમાં સમજાવવાની કોશિશ કરતાં રુસોએ કહ્યું કે સુખના પાયામાં સ્વતંત્રતા રહેલી છે, સરવાળે માણસ સ્વતંત્ર રહેવા માટે જ જન્મેલો છે. બેંથમે આ સમગ્ર વિચારને સમજાવતા કહ્યું હતું કે ભવિષ્યમાં માણસજાત અદ્ભુત કહી શકાય એવી લોકશાહીનું સર્જન કરશે.

માણસજાતને સુખી કરવાની વાત પરથી મહત્તમ લોકોને મહત્તમ સુવિધાઓ આપવાની વાત આપણા સાહિત્યમાં કરવામાં આવી છે. લર્મી ધમધ્ટૂ લૂરુઈંર્ણીં લમજ્ઞ૪ લધ્ટૂ રુણફળપ્રૂળ,
લર્મી ધત્ળરુઞ ક્ષશ્રધ્ટૂ પળ ઇંરુહ્યડ્ર ડળ્ઈં ધળઉંધમજ્ઞટ ષ્ઠ યળાર્ધ્ટીં યળાર્ધ્ટીં યળાર્ધ્ટીં સમગ્ર બ્રહ્માંડમાં સુખ, શાંતિ અને સહુના કલ્યાણની વાત સાથે દુ:ખ દૂર કરવાની વાત કરવામાં આવી છે, દુ:ખ ઘટશે તો આપોઆપ સુખની વૃદ્ધિ થવાની જ છે. ફરી એ પ્રશ્ર્ન, સુખ શું છે? જવાબ પણ એ જ કે સુખ એ ધર્મ અને શાંતિનું સંતાન છે…

ધ એન્ડ : વાર કરના હૈ તો સામને વાલે કે ગોલ પર નહીં… સામને વાલે પે દિમાગ પર કરો… ગોલ ખુદ બ ખુદ હો જાયેગા…

(ચક દે ઇન્ડિયા)

લેખક : દેવલ શાસ્ત્રી

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button