ઈન્ટરવલ

રણની ગરમીમાં જિંદગીની લાઇફલાઇન છે ઊંટ

ઔર યે મૌસમ હંસીં… -દેવલ શાસ્ત્રી

આ માણસજાતને સમજવી હોય તો એની આસપાસના વાતાવરણને સમજવું જોઈએ. ખાસ કરીને એ પ્રાણીઓનો અભ્યાસ કરવો જોઈએ, જેને ગુલામ બનાવ્યાં હોય. ઘોડો હોય કે કૂતરા, માણસ સાથે રહીને ઘણી બાબતમાં આ પ્રાણીઓ વધુ સુસંસ્કૃત બન્યા હોય એવું લાગે.

એ.સી-એર કન્ડિશનર વગર હાલ જીવન અશક્ય લાગે એ સમયમાં ઊંટ માણસજાતના અસ્તિત્વ માટે લાઇફલાઇન હશે. રણ જેવા ગરમ વિસ્તારમાં એક સ્થળેથી બીજે જવા માટે ઊંટ લકઝરી હશે. માણસજાત સાથે લાંબા સમયથી રહેતું હોવાથી ઊંટ પણ માણસની જેમ નખરાં કરતાં શીખી ગયું હશે. ઊંટે એક વાત શીખવાની જરૂર હતી, માણસની જેમ વસતિ વધારો કરતાં શીખવાનો હતો. એક સમયના માણસના સાથીઓ એવા ઊંટ અને ગધેડાનું અસ્તિત્વ આજકાલ જોખમમાં છે. માણસજાતના આ સ્વાર્થની રમત ગધેડાઓ તો ન શીખ્યા ને ઊંટ પણ ન શીખી શક્યું.

આપણે એવો જ એક ગુલામ બનાવેલા પ્રાણી-ઊંટની વાત કરવી છે. ઊંટ પણ માણસ જોડે રહ્યું, માણસને સમજતું ગયું, માણસની ઘણી ક્વોલિટી શીખ્યું હશે. ઊંટ નજરે ચડે એટલે ફિલમ ‘લમ્હે’નો અનિલ કપૂર યાદ આવે. ઊંટ બે તબક્કામાં બેસે અને બે તબક્કામાં ઊભું થાય. આ પ્રોસેસ-પ્રક્રિયા ફિલ્મમાં અનિલ કપૂર સમજી ન શક્યો અને પછી ધરતી પર ધબાય નમ: !

ઇન શોર્ટ, ફિલ્મોમાં ઊંટ પર બેસતા અને ઊતરતા કલાકારો પડી જતાં હોય એવું ઘણી વાર દેખાડવામાં આવ્યું છે, ઊંટની બેસવાની પ્રક્રિયાને ‘જૈકવા’ કહે છે. આ માટે ઊંટને ‘જૈ જૈ’ કહેવામાં આવે છે, કારણ કે એ બે તબક્કામાં બેસતું હોય છે…

સ્ટ્રેસના યુગમાં ઊંટ પાસે એક વાત શીખવા જેવી છે. ઊંટમાં તકલીફ સહવાની ગજબ શક્તિ હોય છે, પણ એ તકલીફમાં એનો માલિક સાથ ના આપે તો મનમાં રીસ રાખીને ફરે. જ્યારે મોકો મળે એટલે માલિકને ધરતી પર રગદોળતા ઊંટ ખચકાતું નથી. ..અદ્દલ માણસ !

માણસ સાથે તેને સરખાવીએ તો ખબર પડે કે આમ તો ઊંટનો સ્વભાવ અત્યંત સરળ છે. આ જ ઊંટ મસ્તીમાં આવે તો માલિકને ચાટવાથી માંડી બચકું પણ ભરી શકે છે. કુછ સમજે?

ઊંટની કથા પણ આપણા ધર્મમાં રોચક છે. ભગવાન શિવ અને પાર્વતીજી હિમાલયમાં આરામ કરતાં હતાં. પાર્વતીજીએ એક વિચિત્ર કહી શકાય એવું માટીમાંથી પાંચ પગવાળું પ્રાણી બનાવ્યું. શિવજી બિચારા ભોળા, પાર્વતીજીની આર્ટના વખાણ કર્યા, પાર્વતીજી જીદે ચડ્યા કે આમાં પ્રાણ પૂરો. શિવજીએ પાંચ પગવાળા પ્રાણીમાં જીવ નાખવાની ના પાડી. પાર્વતીજી નારાજ થયા એટલે શિવજીને થયું કે કંઈક રસ્તો કરવો પડશે. એમણે નવી ‘કળા’ કરી. પાંચમો પગ ખૂંધ બનાવી દીધો અને આ વિચિત્ર દેખાવવાળા પ્રાણીમાં જીવ નાખ્યો. સરવાળે આપણને ઊંટ મળ્યું. આ કથાનો સાર તમે સમજી ગયાં ન હોય તો, પત્ની જે કંઈ જીદ કરે એ પૂરી કરવા રસ્તો શોધવો.

આપણે ભલે ઊંટના અઢારે ‘વાંકા’ કહીએ પણ અરબી ભાષામાં ઊંટ એટલે ‘સુંદરતા’ એવો અર્થ થાય. જેવી જેને જરૂર હોય એવો અર્થ કાઢવો એ માનવ સ્વભાવ છે.

ઊંટની એક ક્વોલિટી શાનદાર છે. એવું માનવામાં આવે છે કે બે ઊંટ એકબીજાની સામે આવે ત્યારે માથું ઝુકાવીને સન્માન આપે છે. આખી જિંદગી ‘પધારો મારો દેશ’ જેવું અદ્ભુત ગીત સાંભળીને મોટા થયા હોય તો સન્માનની ભાવના તો હોય જ.

ઊંટને આમ પણ એક્ટિંગ કરતાં સારી આવડતી હોય છે, તેને લગ્નોમાં ખાસ નચાવવામાં આવે છે. તેની ફૌજી ચાલથી માંડી ફેશન વોક પર વિદેશીઓ ફિદા હોય છે. પ્રોફેશનલ ટ્રેનિંગ પછી તે મરવાની એક્ટિંગ પણ અચ્છી કરી શકે છે. એક ગુણ વિચિત્ર છે કે ઊંટ કદી થૂંકતુ નથી. આમ પણ પાણીની સમસ્યા નાનપણથી જોઈ હોય પણ અસ્તિત્વ પર જોખમ આવે ત્યારે તેને માણસને ચેતવવા માણસ પર પેટમાંથી થૂંકવાની ટેવ છે. બીજાના અસ્તિત્વ માટે નિયમો તોડવા જોઈએ એ ગુણ કંઠમાં જન્મજાત છે.

આજકાલ આયુર્વેદના નામે અસંખ્ય સાચા-ખોટા પ્રયોગો થતાં હોય છે. ટીબી જેવા રોગમાં ઊંટડીનું દૂધ અક્સીર માનવામાં આવે છે. ઊંટડીના દૂધમાંથી દહીં બનતું નથી, પણ પનીર સહિત મીઠાઈઓ બનતી હોય છે. હા, માણસને ૧૫% પાણી ઘટી જાય તો ડિહાઇડ્રેશન થાય પણ ઊંટ આરામથી ૨૫% સુધી પાણીની ઘટ સહી શકે.તરસ્યો ઊંટ આરામથી સવાસો દોઢસો લિટર પાણી પી શકે તો એ દિવસો પાણી વિના પણ કાઢી શકે. આ વિરોધાભાસ સમજવા જેવો છે. સાંઢિયો, દીર્ઘગતિ, અરણ્યનૌકા, કંટકભક્ષક, સરભ જેવાં સો કરતાં વધુ નામ ધરાવતું ઊંટ ભારતીય ધર્મમાં ખાસ કરીને ગુજરાતમાં વધુ પ્રચલિત એવા દશામા સહિત મોગર માતાનું વાહન બની ગયું છે. માતાજીનું વાહન બનવા તેની એક ક્વોલિટી સરસ છે. ઊંટનું બચ્ચું તેની માતાને જે અવાજ કરે છે એમાં ‘બા’ શબ્દ જેવો ધ્વનિ આવે છે. ઊંટની બીજી ક્વોલિટી એ છે કે તેના કાન નાના હોવા છતાં સાંભળવાની ક્ષમતા ઘણી સારી છે એટલે તો ખોટું લગાડતા આવડી ગયું. દશામાંના વ્રતની કથાઓમાં મહદઅંશે એક જ વાત આવે છે કે જાણે -અજાણે માતાજીનું અપમાન થયું, તે સાંભળી ગયાં. જો કે એમની ભક્તિ કરી તો માફ પણ કરી દીધા. આજ ક્વોલિટી એમનું વાહન ઊંટ પણ ધરાવે છે.

સામાન્ય રીતે ઊંટ બે પ્રકારના કહી શકાય, સામાન લઈ જનારા અને સવારી લઈ જનારા એ જ રીતે ખૂંધ પરથી ઊંટના પ્રકાર છે. અરબી ઊંટને એક ખૂંધ હોય અને બગદાદી કે બલ્ખી ઊંટને બે ખૂંધ હોય છે. ડૂબતાને મદદ કરવા જરા પણ તૈયાર નહીં એવા ઊંટને ચલાવનાર ‘ઊંટવાન’ કહે છે.

ચેસમાં હાથી વજનદાર હોવાથી સીધો ચાલે, ઘોડો કૂદી શકે એટલે અઢી ડગલાં ચાલે અને ઊંટ ત્રાંસો ચાલે એટલે જ ગુજરાતી ભાષામાં ઊંટનો એક અર્થ મૂર્ખ માણસ પણ થાય, જે બધા કરતાં ત્રાંસો જ ચાલે.

બિકાનેર સ્ટેટ પાસે ‘ગંગા રસાલા’ નામે ઊંટની અલગ સેના હતી. આ સેના તેની વીરતા માટે વિશ્ર્વભરમાં પ્રખ્યાત હતી. આ સેનાએ અઢારમી સદીના અંતિમ ભાગમાં ચીન તેમજ આફ્રિકામાં થયેલા યુદ્ધમાં ભાગ લીધો હતો. પ્રથમ વિશ્ર્વયુદ્ધ વખતે ઈજિપ્તમાં અને બીજા વિશ્ર્વયુદ્ધમાં મિડલ ઇસ્ટ ખાતે અગ્રીમ સરહદ પર પરાક્રમ કર્યું હતું. આઝાદ ભારતમાં જેસલમેરની ઊંટની ટુકડી સાથે ભળીને ૧૯૫૪માં ભારતીય સેનામાં વિલય થયો હતો. આ જ સેનાના જવાનોને ૧૯૬૫ અને ૧૯૭૧ની લડાઇમાં અપ્રતિમ શૌર્ય દાખવવા માટે અનેક શૌર્ય પદક પ્રાપ્ત થયાં હતાં.

હા, નાના હતાં ત્યારે એટલું યાદ છે કે જેસીબીને કે ક્રેનને ગુજરાતી ભાષામાં ‘ઊંટડો’ કહેતા. સરેરાશ ચાલીશ વર્ષ જીવતા આ પ્રાણીનો ઉલ્લેખ ઊંચાઈ ધરાવતા માણસ સાથે કરવામાં આવે છે. ઈવન મૂર્ખ અને ભોળિયાઓને ય ઊંટ સાથે સરખાવવામાં આવે છે. આ વાત ઊંટની કદર છે કે માણસની ટીકા એ તો ઉપરવાળાને ખબર હશે. ચેસની રમતમાં આડું ચાલતું આ પ્રાણી અઢી ડગલાં ચાલનાર ઘોડા કરતાં ચાર ગણું વજન ઉપાડીને લાંબા સમય સુધી ભૂખ્યું-તરસ્યું ચાલે છે. ‘ઉષ્ટ્ર’ શબ્દ પરથી આવેલો શબ્દ ઊંટ એટલે ભાર ઊંચકનારા આ પ્રાણીનું માંસ, દૂધ અને ચામડું કિંમતી છે.

દેશની આઝાદી સમયે દુનિયામાં દોઢેક કરોડની વસતિ ધરાવતા ઊંટમાં એક ખૂંધવાળા લગભગ પંચોતેર ટકા જેટલાં હતાં. જો કે આજકાલ ઊંટની સંખ્યા જે રીતે ઘટી રહી છે એ જોતાં અસ્તિત્વ પર સવાલ પણ છે. કુદરતી આફતો અને કોરોના જેવી બીમારીઓનો યુગ માણસને એક જ લેસન શીખવે છે કે પૃથ્વી એકલા માણસ પ્રજાતિની નથી.

ધ એન્ડ
માણસજાત પશુ સામ્રાજ્યનો હિસ્સો છે. (માર્ક બેકોફ)

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
આ અભિનેત્રીઓએ પણ લગ્ન માટે સ્વીકાર્યો છે મુસ્લિમ ધર્મ શું આ ડ્રાયફ્રૂટ ખાવાથી વધે છે કોલેસ્ટ્રોલ? ચાલો જાણીએ હકીકત… દહીં સાથે ક્યારેય નહી ખાવી જોઇએ આ ચીજ, સ્વાસ્થ્યને થાય છે નુક્સાન તમારા Mobilephoneમાં પણ દેખાય છે આ સાઈન તો સાવધાન…