કોથમીરની ઝૂડી ખરીદો હવે હપ્તેથી..!
વ્યંગ -ભરત વૈષ્ણવ
અંગ્રેજીમાં એક વાર્તા છે. એક પતિ-પત્ની વર્કિંગ કપલ હતું. ઘરનું રાચરચીલું હપ્તા પદ્ધતિથી ખરીદ કર્યું હતું. હપ્તા પદ્ધતિની એક મર્યાદા છે, કેમ કે તે ભાડા પધ્ધતિ છે, જેમાં વસ્તુનો વપરાશ કરી શકો છો. પણ તેને વેચી શકતા નથી. કેમ કે એની માલિકી તમારી નથી. હપ્તાની ચુકવણી ન થાય ત્યા સુધી વસ્તુનો કાયદેસર કબજો વેપારી પાસે રહે છે. હપ્તા ભરવામાં ગરબડ થાય તો વેપારી વસ્તુનો કાયદેસર કબજો મેળવી લે છે. પેલા પતિ-પત્નીએ ટીવી , વોશિંગ મશીન, ડીશ વોશર, ઓવન, કાર, એપાર્ટમેન્ટ વગેર ઇન્સ્ટોલમેન્ટથી ખરીદ કરેલાં. દરેકના હપ્તા ભરતા ભરતા પૈસા બચતા ન હતા.
આ દંપતીએ બેબી પ્લાન કરી. સદભાગ્યે, બેબીની ડિલિવરી એકતા કપૂરની સિરિયલ જેમ હપ્તેથી કરેલી નહોતી, નહીંતર પહેલાં અઠવાડિયે પગ આવે, બીજા અઠવાડિયે હાથ એમ ક્રમશ: ચાલ્યાં કરે !
આપણી કથામાં પ્રસૂતિનાં બિલો ઇન્સ્ટોલમેન્ટથી ચૂકવવાનું શરૂ કરેલું. ક્રિસમિસના તહેવાર વખતે એકસ્ટ્રા ઇન્કમ આવી.તેનું પ્લાનિંગ કરવા બેઠા. પાર્ટી, ડ્રેસિસ, જવેલરી વગેરે પર વિચારણા કરી. છેવટે હોસ્પિટલના બિલનો લાસ્ટ ઇન્સ્ટોલમેન્ટ ચૂકવવવા નિર્ણય કર્યો, જેથી બેબી ફાઇનલી એમની થઇ જાય આ શહેર જીવનની વિડંબના છે કે બેબી પણ ઇન્સ્ટોલમેન્ટથી પ્લાન થાય!
મધ્યમવર્ગની આ કરૂણતા કહો કે લાચારી કહો. એક સાંધતા તેર નહીં, પણ તેરસો તૂટે છે. આપણે ત્યાં પછેડી હોય તેટલી સોડ તાણવાની વાત કરવામાં આવે છે.
કોટન અગર ખાદીનું કાપડ જેમ ધોવાય તેમ સંકોચાય છે. પછેડીનું પણ એવું જ છે.! પછેડી સંકોચાઇને રૂમાલ થઇ જાય તો સોડ કેટલી તાણવી એ કોઇ કરતા કોઇ કહેતું નથી.! આપણે ત્રેવડને ત્રીજો ભાઇ કહીએ છીએ. અલબત, આવક એ ઝાંકળના જેવી છે, જે મોંઘવારીના તાપને કારણે તેનું ક્યારે બાષ્પીભવન થઇ જાય છે તેની ખબર પડતી નથી. લક્ષ્મી સાલ્લી ચાંદલો કરવા આવે તો આપણે મોઢું ધોવા જવાનું ? પછી જિંદગીભર મોંઢું ધોવાનું જ રહે. વસ્તુ ખરીદવા માટે રોકડ ખરીદી કે ઉધાર ખરીદીનો વિકલ્પ રહે છે. કેટલીકવાર વસ્તુ જાંગડ પર લેવામાં આવે છે, જેમાં ચુકવણી વગર વસ્તુ લાવવાની. સારી લાગે અને ગમે તે તો રાખવાની. પછી વસ્તુના પૈસા ચુકવવાના. આ જાંગડ યોજના લગ્નમાં કેમ લાગુ પડતી નથી તેમ રાજુ રદી પૂછે છે ! કેટલીય ઇવેન્ટ કંપની લગ્ન માટે કેટરર્સ, પાર્ટી પ્લોટ, બેન્ડ વાજા, પંડિત, ફોટોગ્રાફર, વીડિયોગ્રાફર વગેરે ભાડે આપે છે. ઇવન જાનૈયા પણ ભાડે આપે છે. જરૂર પડે તો એકતા કપૂરની સિરિયલની જેમ વર કે ક્ધયાના માટે મા-બાપ ભાડે આપે છે, પરંતુ દુલ્હન કેમ ભાડે આપતા નથી તેમ અમારો કાયમી વાંઢો રાજુ રદી પૂછે છે. આજકાલ બધા ઉપભોક્તાવાદનો ભોગ બન્યા છે એટલે ફ્રીઝ , ઘરઘંટી, વોશિંગ મશીન, ઓવન વગેરે વસાવવા ઇચ્છે છે.તમામ લોકો ચાર્વાક ઋુષિનું દેવું કરીનેય ‘ઘી પીઓ’ ને અનુસરે છે.
ઘી પીવાની જગ્યાએ રાચરચીલું વસાવે છે.આપણા એક ભૂતપૂર્વ- અભૂતપૂર્વ નાણાં મંત્રી એવું કહેતા કે જેની શાખ હોય ઇવડા ઇ દેવું લઇ શકે ! આપણને કોઇ કહે કે શેઠ તમતમારે દાબેલી આરોગો, દાબેલીના પૈસા દસ હપ્તે ચૂકવજો તો કેવું લાગે? આ જ રીતે પાણીપૂરીવાળા ભૈયાની પણ રૂપિયાની પાણીપૂરી ખરીદો અને પંદર હપ્તે ચૂકવો.
તમે આ વાત તમને ગળે ઉતરશે નહીં. આપણને આવા જણમાં જીનેટિક ખામી લાગે! પુણેના એક વ્યાપારીએ આલ્ફાન્સો કેરી હપ્તેથી ખરીદ કરવાની સુવિધા આપવાનું શરૂ કર્યું છે. અલબત, તેમાં દર મહિને કેરી નહીં મળે . પરંતુ કેરી ખરીદ કર્યા પછી તેની રકમ હપ્તેથી ચૂકવવાની સગવડ મળશે. હપ્તા પદ્ધતિ આજનું મોત કાલ પર ઠેલે છે! પુણેના વેપારીના કહેવા મુજબ આલ્ફાન્સો કેરીની કિંમત ખૂબ જ ઊંચી હોય છે. જો રેફ્રિજરેટર અને એર-કન્ડિશનર્સને હપ્તેથી ખરીદી શકાતા હોય તો મોંઘી કિંમતે મળતી કેરી શા માટે હપ્તાથી ખરીદી ન શકાય?.
આ સમાચાર સાંભળીને રાજુ રદી હવે કોથમીરની ઝૂડી , લીંબુ, આદું, મીઠો લીમડો હપ્તેથી ખરીદ કરવા ઇચ્છે છે. અમારો ચંદુ ચૌદસ દેશી બાવળનું દાતણ હપ્તેથી લેવા ઈચ્છે છે..પુણેના વેપારીમાંથી પ્રેરણા લઇને હવે શાક વેચનારા કાછિયા કોથમીર કે દાતણ હપ્તેથી વેચાણ કરવાની ઓફર કરે તેની ગીધ ડોળે રાહ જુવે છે અમારા રાજુ રદીકુમાર!