ઈન્ટરવલ

મગજ મંથન : માણસ ઉતાવળે ભૂલ કરે છે ને પછી નિરાંતે પસ્તાય છે.!

-વિઠ્ઠલ વઘાસિયા

આપણે પ્રતિક્રિયા આપવા માટે એટલી બધી ઉતાવળ કરી બેસીએ છીએ કે એનાથી પરિણામ હંમેશા બગડતું જોવા મળે છે, પરંતુ જો ધીરજપૂર્વક નિર્ણય કરવામાં આવે તો ખૂબ સારા પરિણામો જોવા મળે!

ધૈર્ય અને ધીરજ એ બે મહત્ત્વના ગુણ છે, જે વ્યક્તિના જીવનમાં અનેક મૂલ્યવાન પરિણામો લાવે છે. આ બંને ગુણ વ્યક્તિના જીવનમાં સફળતા, સંયમ અને શાંતિ લાવવાના મુખ્ય સાધન છે. ધૈર્ય એ કાર્યને આગળ ધપાવવાનો ગુણ છે. કાર્ય પાર પાડવાની હિંમત બક્ષે છે. વ્યક્તિને મુશ્કેલીનો સામનો કરવા માટે તે સક્ષમ બનાવે છે.

ધૈર્યનાં તત્ત્વોમાં શારીરિક, માનસિક અને ભાવનાત્મક દૃઢતા આવે છે.ધીરજ એ લાગણીશીલ અને માનસિક શાંતિ જાળવવાનો ગુણ છે. આ ગુણ વ્યક્તિને મુશ્કેલ સમય દરમિયાન સંયમ અને શાંતિ જાળવવામાં મદદ કરે છે.

ટેકનોલોજીનો વિકાસ રોકેટથી પણ વધુ ઝડપી ગતિએ થઈ રહ્યો છે. જેમ જેમ
સુવિધાઓ વધતી જાય છે તેમ તેમ કોણ જાણે કેમ માણસની ધીરજ ખૂટતી જાય છે.

સહનશક્તિ ઘટતી જાય છે. બધું ઈન્સ્ટન્ટ મળવા માંડ્યું છે તેમ તેમ માણસ ધીરજ ગુમાવતો જાય છે. ધીરજ ગુમાવવાને લીધે ઉતાવળા નિર્ણયો કરીને ન કરવાનું કરી બેસે છે. દરેક ક્ષેત્રમાં આવક ડબલ થઈ ગઈ છે. પતિ અને પત્ની બંને કમાય છે.

આર્થિક રીતે જીવન ધોરણ ખૂબ જ ઊંચું જઈ રહ્યું છે તેમ છતાં પતિ – પત્ની વચ્ચેના અણબનાવ પણ વધતા જાય છે. ક્યાંક છૂટાછેડાની ઘટનાઓ બને છે તો ક્યાંક આપઘાતની ઘટના જોવા મળી રહી છે. માણસ આજે વિજ્ઞાનની શોધોને આધારે હાઈરાઈઝ બિલ્ડિંગ બનાવતો થઈ ગયો છે.

વિશાળ મકાન બની ગયા, પરંતુ વિચાર તૂટેલા હોવાને લીધે મકાનમાં શાંતિ પામી શકતો નથી. રોડ બ્રોડ થવા માંડ્યા, પરંતુ વિચાર સાંકડા થઈ ગયા છે.

માણસ ચંદ્ર ઉપર જવા સુધી સક્ષમ બન્યો, પરંતુ રોડ ક્રોસ કરીને પડોશીને ત્યાં જવાની લાગણી ગુમાવતો જાય છે. અણું તોડવાની તાકાત મેળવી શક્યો, પરંતુ પૂર્વગ્રહ નથી
છોડી શકતો. બધું ઈન્સ્ટન્ટ મળે છે.

કોફી, ફૂડ, માહિતી બધું હાથવગું થઈ ગયું. માગો એટલે હાજર..ધીરજ ખૂટી જવાથી
આજે વિદ્યાર્થીઓ આપઘાત કરતા થઈ ગયા છે કે પછી ઘર કે હોસ્ટેલ છોડીને ભાગી જાય છે. ધીરજ કેળવવી ખૂબ જરૂરી છે.

આ વર્ષ બગડ્યું હોય તો આવતા વર્ષે સફળતા મળશે એમ સમજીને હિંમત રાખીને કામ કરવું જોઈએ.

અબ્રાહમ લિંકન અમેરિકાના પ્રમુખ બનવા માટે ૧૪ વખત ચૂંટણીમાં હારી ગયા હતા તેમ છતાં હિંમત રાખીને, ધીરજપૂર્વક ૧૫મી વખત ચૂંટણી લડીને એ જીત્યા હતા. આટલી ધીરજ જીવનમાં જરૂરી છે. ગાંધીજીને આઝાદીની લડત વખતે કોઈએ પૂછ્યું કે કોની સાથે લડો છો? આખી પૃથ્વી ઉપર અંગ્રેજ સલ્તનત છે, તેવા અંગ્રેજો સામે તમે મુઠ્ઠીભર હાડકાં લઈને લડી રહ્યા છો!

આમ છતાં ગાંધીજીએ કોઈની પણ વાત સાંભળ્યા વગર લડત સતત ચાલુ રાખી. સાથે હજારો લોકો જોડાતા ગયા. આંદોલન વેગ પકડતું ગયું. જેલમાં પણ ઘણાં વર્ષ ગાળ્યાં, તેમ છતાં થાક્યાં કે હાર્યાં વગર, ધીરજ ગુમાવ્યા વગર આઝાદી મેળવીને જ રહ્યા.

જીવનમાં ઘણી વખત એવું બનતું જોવા મળે છે કે, આપણે સાચા હોવાં છતાં પણ આપણને ખોટા ઠરાવવામાં આવે.આપણાથી નીચી કક્ષાની વ્યક્તિને વધારે પડતું મહત્ત્વ આપી દઈને આપણી સાથે અન્યાય થતો અનુભવાય.આવા સમયે આપણે ધીરજ ગુમાવી બેસીએ છીએ. સચિન તેંડુલકરને ઘણી

વખત ખોટી રીતે આઉટ આપવામાં આવ્યો હતો, તેમ છતાં અમ્પાયરની સામે ક્યારેય સચિન તેંડુલકરે દલીલ નથી કરી. ઘણી વખત સચિનને મીડિયા પણ પૂછતું કે ‘તમને ખોટી રીતે આઉટ આપવામાં આવ્યા છે, તેના વિશે આપ શું કહેશો?’ તેમ છતાં સચિન કંઈ પણ દલીલ કર્યા વગર અમ્પાયરનો નિર્ણય સ્વીકારી લેતો. તેથી તો તેમને ‘જેન્ટલમેન ઓફ ગેમ’ એવું બિરુદ પણ આપવામાં આવ્યું હતું.

જીવનની અંદર ઘણી વખત પક્ષપાતનો ભોગ બનવું પડે છે. અન્યાય કે ઉપેક્ષા પણ અનુભવાય છે. તેમ છતાં શ્રદ્ધાથી મંડ્યા રહી ધીરજથી કામ કરતા રહીએ તો ચોક્કસ સારાં પરિણામો
જોવાં મળે છે. સુખ્યાત પિયાનો વાદક બીથોવનને કોઈ યુવાને પ્રશ્ન કર્યો કે, ‘હું પિયાનો વગાડી શકું?’ ત્યારે બીથોવને તેની પ્રતિક્રિયામાં જવાબ આપ્યો કે ‘રોજની ૧૬ કલાકની પ્રેક્ટિસ ૪૦ વર્ષ સુધી કરવાની ધીરજ જો તારામાં હોય તો તું ચોક્કસ પિયાનો વગાડતાં શીખી શકે….’

રતન ટાટાએ ‘નેનો’ કાર પાછી ખેંચી લીધી ત્યારે એમને ₹૫૦૦ કરોડનું નુકસાન થયું
હતું. એમને પૂછવામાં આવ્યું કે આ અંગે તમારી શું પ્રતિક્રિયા છે… નુકસાની માટે દાવો નથી કરવો?

‘હું લડવામાં સમય બગાડું એના કરતાં બીજો પ્લાન્ટ નાખીને આગળ વધું એમાં જ મારી સમજદારી ગણાય.’ રતન ટાટાનો જવાબ હતો.

આપણે પ્રતિક્રિયા (રિએક્શન) આપવા માટે એટલી બધી ઉતાવળ કરી બેસીએ છીએ કે એનાથી પરિણામ હંમેશા બગડતું જોવા મળે છે, પરંતું જો ધીરજ પૂર્વક નિર્ણય કરવામાં આવે તો ખૂબ જ સારાં પરિણામો જોવાં મળે છે.

અનેક બેસ્ટ સેલર બુકના જાણીતાં લેખક ડેલ કાર્નેગીએ પોતાના એક પુસ્તકમાં અમેરિકાના તત્કાલીન રાષ્ટ્રપ્રમુખ અબ્રાહમ લિંકનના ખૂબ જ વખાણ કર્યા હતા. આ વખાણ સાંભળીને એક મહિલા વાચક ઉકળી ઊઠે છે. વધુ પડતાં વખાણ કર્યા હોય એમ પેલી મહિલાનું માનવું હતું.

આથી એ મહિલા અબ્રાહમ લિંકનને અતિ ગુસ્સામાં આકરી ભાષામાં ટીકા કરતો પત્ર લખે છે. લિંકન પ્રત્યે તમામ અમેરિકન લોકોને ખૂબ જ આદર હતો, તેમ છતાં આવો ટીકાત્મક પત્ર વાંચીને લિંકન પણ ગુસ્સે થઈ જાય છે. પેલી મહિલાને આકરી ભાષામાં વળતો પત્ર લખે છે.

પત્ર પોસ્ટ કરતાં પહેલાં એ પત્ર ફરી વખત વાંચે છે. પોતાને એવું લાગે છે કે વધુ પડતી અપમાનજનક શબ્દોમાં લખાઈ
ગયું છે. આટલી બધી નિમ્ન ભાષામાં મારે લખવું જોઈતું નહોતું.

પોતે એ પત્ર ફાડી નાખીને બીજો પત્ર થોડી હળવી ભાષામાં લખે છે. રાત પડી જવાથી પત્ર બીજા દિવસે ડ્રોપ કરવાનો હતો. બીજા દિવસે પત્ર ડ્રોપ કરવા માટે પોતાના નોકરને આપતાં પહેલાં પોતે ફરી વખત એ પત્ર વાંચે છે.

આ વખતે પણ પોતે એવું ફીલ કરે છે કે હજુ પણ પત્રની ભાષા વધુ પડતી આકરી ગણાય! ફરી વખત પત્ર ફાડીને ખૂબ જ સાલસ અને સુહૃદ ભાષામાં બીજો પત્ર લખે છે.

આ પણ વાંચો : ઊડતી વાત : રાજુ રદ્દીના હાથ પીળા થશે એનો ફેંસલો પણ ૨૩ નવેમ્બરે?

પેલી મહિલા પત્ર વાંચીને નવાઈ પામે છે.‘મારા પત્રનો આવો જવાબ..!’ મનોમન શરમ અનુભવે છે. લિંકનની માફી માગે છે. બન્ને ગાઢ મિત્ર બને છે. ગાઢ મિત્રતા પ્રેમમાં પરિણમે છે.

ધીરજ રાખી,વિચારીને પ્રતિક્રિયા આપવામાં આવે તો પરિણામ ઘણી વખત બગડતું અટકી શકે છે.

આજના યુવાનોએ આ કાવ્ય પંક્તિઓ યાદ રાખવા જેવી છે : ધગધગતા અંગારાને હાથમાં લઈને રમાડવાની આવડત છે ? ચણોઠીને ફૂંકી ફૂંકીને તાપણું કરી તાપવાની ધીરજ છે? ચોકની વચ્ચે ઊભી કરેલી શૂળી ઉપર ચડી જઈને વિંધાવાની હિંમત છે ?

તો તું ચોક્કસ સફળ થઈ શકે!

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button