ઈન્ટરવલ

મગજ મંથન : જેની પાસે જ્ઞાનનો પ્રકાશ છે એને બીજા કોઈ પણ પ્રકારના પ્રકાશની જરૂર નથી

-વિઠ્ઠલ વઘાસિયા

જ્ઞાનનું મહત્વ પ્રત્યેક પળે અને પ્રત્યેક ક્ષણે છે.જ્ઞાન પ્રાપ્તિ માટે પુરુષાર્થ કરવો જોઈએ. જ્ઞાન જ મનુષ્યની વાસ્તવિક શક્તિ છે.સંસારની બધી વસ્તુ નાશ પામશે, પણ જ્ઞાનનો નાશ નહીં થાય. ધન પણ આજે છે અને આવતીકાલે નહીં હોય.કેવળ જ્ઞાન જ એવું છે જે મનુષ્યનો સાથ છોડતું નથી.જ્ઞાન પ્રાપ્તિ નો કોઈ પણ મોકો છોડવો ન જોઈએ.

મનુષ્યની અંદર અનંત જ્ઞાન છુપાયેલું હોય છે,બસ તેના પરથી આવરણ હટાવવાની જરૂર છે.જે પ્રકારે અગ્નિ ઉપર રાખ આવી જાય તો આપણે એમ ન કહી શકીએ કે અગ્નિ નથી.એવી જ રીતે સંચિત કર્મને લીધે જ્ઞાન પ્રગટ થાય નહીં,તો એવું નહીં કહી શકીએ કે અમારી અંદર જ્ઞાન નથી. શારીરિક શક્તિને શક્તિ માનીએ છીએ, પરંતુ જ્ઞાનના અભાવે ધન કમાવામાં સ્વાસ્થ્યને ખોઈ બેસીએ છીએ અને તે જ સ્વાસ્થ્યને મેળવવા માટે ધન ખોઈ રહ્યા છીએ !

જ્ઞાનની પ્રાપ્તિ જ મનુષ્યનું વાસ્તવિક લક્ષ્ય છે.સાચું જ્ઞાન મેળવવા માટે દરેક સમયે ઉપાય કરતા રહેવું જોઈએ.વાસ્તવિક જ્ઞાન અધ્યાત્મ જ્ઞાન છે તે જ મનુષ્યની સાચી શક્તિ છે.વાસ્તવિક જ્ઞાન જ જીવનનો સાર અને આત્માનો પ્રકાશ છે.આમ છતાં આપણે નકારાત્મક વાતોનો વધારે પ્રચાર અને પ્રસાર કરીએ છીએ અને સકારાત્મક વાતો ઓછી કરીએ છીએ. જેની પાસે જ્ઞાનનો પ્રકાશ હોય છે એને અન્ય કોઈપણ પ્રકારના પ્રકાશની જરૂર રહેતી નથી.

આપણે જીવનમાં જ્ઞાન પ્રાપ્ત કરવું હોય તો વિનયપૂર્વક જ્ઞાન મેળવવું જોઈએ. સાથે સાથે જ જ્ઞાન અને જ્ઞાની પ્રત્યે પ્રતિકૂળ વર્તન કરવું જોઈએ નહીં. જ્ઞાન અને જ્ઞાનીનું નામ છુપાવવું જોઈએ નહીં. જ્ઞાનીજન સાથે ખોટો વિવાદ કરવો જોઈએ નહીં.

આપણે સૌ જાણીએ છીએ કે ગૌતમ બુદ્ધ સામાન્ય લોકોમાં પણ વિવેક જગાડવા માટે દરેક લોકોના નિમંત્રણનો કોઈપણ જાતના સંકોચ વગર સ્વીકાર કરતા હતા.એક વખત એક ખેડૂતે તેમને પોતાના ગામમાં આવવાનું નિમંત્રણ આપ્યું. બુદ્ધે હા પણ પાડી. ગૌતમ બુદ્ધ નક્કી કરેલા સમયે તે ખેડૂતના ગામમાં પહોંચી ગયા.લોકોને ખબર હતી કે ગૌતમ બુદ્ધ આવવાના છે એટલે એમના પ્રવચનનું આયોજન કરી રાખ્યું હતું. ગૌતમ બુદ્ધ પ્રવચન આપવા લાગ્યા, પરંતુ પેલા ખેડૂતનો બળદ બીમાર પડી ગયો હોવાથી તે ખેડૂતને બળદની સેવામાં લાગી પડવું જરૂરી હતું, આથી તે પ્રવચનમાં જઈ શક્યો નહીં. તે બળદ માટે જરૂરી ઔષધિની વ્યવસ્થા કરવા લાગ્યો.સાથે જ એને બુદ્ધનાં પ્રવચનમાં ન પહોંચવાની ચિંતા પણ હતી.તે બળદની સારવારમાં લાગી ગયો. સારવારની સારી એવી અસર થઈ અને બળદનો જીવ બચી ગયો.સારવાર પૂરી થયા પછી ખેડૂત બુદ્ધની પ્રવચન સભામાં પહોંચે છે, પરંતુ ત્યાં સુધીમાં ગૌતમ બુદ્ધનું પ્રવચન પૂરું થઈ ગયું હતું. ખેડૂતને અંતમાં આવેલો જોઈને લોકો કહેવા લાગ્યા કે, જુઓ ! આ કેટલો સ્વાર્થી છે. પોતે આપના પ્રવચનનું આયોજન કર્યું અને પોતે જ ગેરહાજર રહ્યો !

આ વાત સાંભળી ખેડૂતે હાથ જોડી અને પોતાની બધી વાત ગૌતમ બુદ્ધને કહી સંભળાવી.ગૌતમ બુદ્ધે કહ્યું, આ ખેડૂતે મારું પ્રવચન સાંભળવાને બદલે પોતાની ફરજને મહત્વ આપ્યું છે.આથી એમણે સાબિત કરી દીધું છે કે,તે મારા વિચારના મૂળ તત્વને સમજી શક્યો છે.જો તેનો બળદ મરી જાત તો ખેડૂતને પ્રવચન સાંભળવાનું નકામું હતું. એની માટે મારા પ્રવચનનું કોઈ મૂલ્ય રહેત નહીં. જ્ઞાન પ્રાપ્તિનો અર્થ જીવનમાં ફરજથી ભાગવાનું નથી,પરંતુ ફરજને સમજણપૂર્વક નભાવવાની છે. દરેક સમયે વ્યક્તિએ પોતાની વિવેક બુદ્ધિથી કાર્ય કરવું જોઈએ.

જ્ઞાન પ્રાપ્તિ એ શીખવાની,સમજવાની અને અનુભવીને સત્ય અને સત્યની મેળવણી કરવાની પ્રક્રિયા છે. આ પ્રક્રિયા વ્યાપક અને સતત ચાલતી રહે છે. જેમાં વ્યક્તિ વિવિધ સ્ત્રોતો, અનુભવો અને વિચાર શક્તિ દ્વારા જ્ઞાન પ્રાપ્ત કરે છે.

જ્ઞાનના મુખ્ય સ્ત્રોતો
વ્યક્તિ પોતાના જીવનના અનુભવો દ્વારા જ્ઞાન મેળવી શકે છે.વ્યવહારિક પરિસ્થિતિઓમાંથી પણ પોતે જ્ઞાન મેળવી શકે છે. સૌ કોઈ જાણે છે કે અનુભવ દ્વારા મેળવેલું જ્ઞાન પરિપકવ અને સચોટ હોય છે. મેડિકલ ક્ષેત્રની જ જો વાત કરીએ તો કોઈ ડોક્ટર પાસે મેડિકલની ઘણી બધી પદવીઓ હોવા છતાં એક અનુભવી ડોક્ટરની જાણકારી જેટલું જ્ઞાન આ ઉચ્ચ પદવીધારી પાસે હોતું નથી.આપણે સમજીએ છીએ કે, શીખતાં શીખતાં જ પંડિત થવાય.

ગુરુ અને શિક્ષક પાસેથી જ્ઞાન મેળવવું સરળ બને છે. ગુરુ અથવા શિક્ષક પોતાના અભ્યાસ અને અનુભવો દ્વારા બહોળું જ્ઞાન મેળવી શક્યા હોય છે.આથી જ આપણે ગુરુ અને શિક્ષકને જ્ઞાનનો ભંડાર કહીએ છીએ.

પુસ્તકો અથવા ગ્રંથો તો જ્ઞાનના અનમોલ ભંડાર છે.જીવનના વિવિધ પાસાંઓ પર આધારિત પુસ્તકો વાંચીને પણ આપણે નવું જ્ઞાન શીખી શકીએ છીએ.પુસ્તકોમાં જે તે સમયની બાબતો ઉપર ઊંડાણપૂર્વક વર્ણન કરવામાં આવ્યું હોય છે.આથી આપણે જે તે સમયની વાસ્તવિકતા જાણવા માટે પુસ્તકનો સહારો લઈ શકીએ છીએ.

ધ્યાન અને આત્મમંથન દ્વારા પણ આપણે જ્ઞાન પ્રાપ્તિ કરી શકીએ છીએ. આંતરજ્ઞાન અને સ્વ વિશ્ર્લેષણ પણ જ્ઞાન પ્રાપ્તિનો મહત્ત્વનો માર્ગ છે.

આ પણ વાંચો…વ્યંગ: લો, ઝીબ્રાએ કર્યું હોંચી હોંચી!

આમ,જ્ઞાન પ્રાપ્તિથી જીવનના નિર્ણયો વધુ સ્પષ્ટ બને છે. સમસ્યાઓ હલ કરવા માટે શ્રેષ્ઠ દ્રષ્ટિકોણ મળે છે અને સમાજમાં સારી રીતે તાલમેલ બેસાડવાની ક્ષમતા વિકાસ પામે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button