ઈન્ટરવલ

બૂકમાર્ક

ટૂંકી વાર્તા -અજય ઓઝા

‘ક્યાં જાય છે? કોની પાસે જાય છે?’ -મારા જ હૃદયમાંથી મને આવા પ્રશ્ર્ન થયા જ નહીં, આજે જ્યારે હું ધૈર્ય પાસે જઈ રહી છું, તો પણ! હું પહેલેથી જ એવી છું; સાવ નિર્લેપ અને નિર્દંભ! ધૈર્ય કદાચ મને નિષ્ઠુર પણ કહેતો હશે. પણ શું કરું? હું છું જ એવી તો!

ઘર પાસે આવી પહોંચી ત્યારે હૈયું વધારે ગતિમાન થઈ, ને ધબકવા લાગે છે. આ પહેલા ક્યારેક આવું થયું નથી. આ ઘર મારા માટે અજાણ્યું છે શું? મારું જ તો ઘર છે આ! જે આ ઘરથી દૂર ગયે પણ ક્યાં ઝાઝો સમય થયો છે?

‘સ્વીટહોમ’નો દરવાજો બંધ હતો. લિવ-ઈન પેપર્સમાં સાઈન કરીને પહેલી જ વાર આ ઘરમાં પ્રવેશ કર્યો ત્યારે મારા હાથમાં ચાવી મૂકતા ધૈર્યએ કહેલું, ‘સીમા, આપણાં આ નવા ઘરમાં નવી જિંદગી એક સાથે જ શરૂ કરીએ, આપણે સાથે જ ગૃહપ્રવેશ કરીએ. હું એક કદમ આગળ નીકળી જાઉં કે તું એક કદમ પાછળ રહી જાય એ મને ગમશે નહીં.’

જો કે એ મારી જ શરત હતી કે બન્ને પાસે ઘરની એક-એક ચાવી રહે, જેથી લિવ-ઈનની શરતો મુજબ બન્ને સ્વતંત્ર પણ રહી શકીએ. ફાવે તેટલો સમય સાથે રહેવું ને ના ફાવે એ પળે કશીયે ફોર્માલિટીના વળગણ વિના જ છૂટા પડી જવાનું.

ખાસ્સો એવો સમય સાથે રહીને પસાર કર્યો હશે. ધૈર્ય ખૂબ સેન્સેટિવ માણસ. એક પળ પણ મારી હાજરી વગર ચલાવી ન લે. હું જરા મોડલિંગના કામમાં વ્યસ્ત રહું તો એ અધીરો થઈ ઊઠે. મારા કામના સેશન વધે તો એ ગિન્નાય પણ ખરો. ધૈર્ય તો કહે કે, ‘સિમા, મારે સતત તારો સાથ જોઈએ. તારા કામના સમયની આ અનિશ્ર્ચિતતા મને ખૂબ જ અકળાવી મૂકે છે. તારું સતત સાંનિધ્ય જ મને ખપે. હું આપણી વચ્ચે કશાય અંતરાયો જીરવી શકતો નથી.’

એ પોતાની ભાવુકતાને કારણે ખોટો નહોતો. પણ એ ભાવુકતા પર કાબૂ મેળવવા એને આવડતું નહોતું. વધુ પડતો સંવેદનશીલ હોવાને કારણે એ વધારે અધીરો થતો હતો. કદાચ બીજું કારણ એ પણ હોય કે અમે લગ્ન નહોતા કર્યા, હું કંઈ એની પત્ની બનીને રહેવા નહોતી ઈચ્છતી. લગ્નમાં આપણું પાત્ર આપણને છોડીને જવાનું નથી એવી ધરપત રહેતી હોય છે, જ્યારે લીવ-ઈનમાં આપણું પાત્ર આવતી કાલે સવારે પણ આપણું જ હશે-હોય એવી કોઈ ખાતરી નથી હોતી. તેથી એકલા પડી જવાની ભીતિ સતત છવાયેલી રહેતી હોય છે. અને એ છૂપો ડર ધૈર્યને આમ વ્યાકુળ બનાવી મૂકે છે.

બીજી બાજુ મારો બોસ પણ મને કહ્યા કરે, નો નો, સીમા, આજકાલ તારું પરફોર્મન્સ ડલ થતું જાય છે. વોટ હેઝ હેપન્ડ વીથ યૂ સીમા? ક્યાં ધ્યાન હોય છે તારું? આઈ વોન્ટ એક્સપ્રેશન્સ રિયલ એક્સપ્રેશન્સ. તારામાં જે કંઈ પડ્યું છે એ બધું જ બહાર લાવ. કમ ઓન, યુ કેન ડૂ ઈટ! ડોન્ટ માઈન્ડ સીમા, મને લાગે છે કે તારા લિવ-ઈન પછી તારું મન જરા ડાયવર્ટ થયું છે. મેઈક શ્યોર સીમા, લિવ-ઈન કર્યા છે કે પ્યોર મેરેજ? કમ ઑન યાર, તું જાણે છે ને, અહીં કોઈ એક માણસના નહીં પણ અનેક માણસોના નાણાં રોકાયેલા હોય છે? ને તું કોઈ એક માણસમાં પરોવાયેલી રહીને સૌના કામ, સમય ને પૈસાને વેસ્ટ કરે છે. નાઉ ટેલ મી, જો તું રસથી આ કામ હવે ના કરી શકે એમ હોય તો ફ્રેંકલી કહી દે પ્લીઝ, યૂ નો, ઓપ્શન્સ આર ઑલ્વેઈઝ ધેર!’

હું સાંભળી લઉં પણ કામ છોડી દેવાની ઈચ્છા હરગિજ ન કરું. હું તો છું જ એવી, નિર્લેપ ને નિર્દંભ. કદાચ નિષ્ઠુર પણ!

બસ, વધુ મહેનતથી કામમાં ધ્યાન આપવા કોશિશ કરું. આખરે મારું કામ જ મારો પ્રેમ છે. ધૈર્યને પ્રેક્ટિકલ થવા સમજાવું, પણ એ તો એની પેલી ‘સતત સાંનિધ્ય’ની ઝંખનાની ધાર વધુ ને વધુ કાઢતો રહે. એ ધાર મને વાગતી રહે તો પણ!

ખૂબ જ સમતોલન રાખવા છતાં હું ધૈર્યને ન્યાય આપી શકતી નથી એવું એ વિચારતો રહે, ને મને પણ કહેતો રહે. મારી આદત જ હોવા છતાં બહુ બારીકાઈથી ધૈર્યના મનોવ્યવહારોનું નિરીક્ષણ કરતી ત્યારે ધૈર્યની અંદર રહેલો પુરુષ હું જોઈ શકતી. જો કે એમાં એનો કશો અપરાધ નહોતો જણાતો.

તો પણ જે પળે મને લાગ્યું કે ધૈર્યમાં ‘મિત્ર’ના બદલે ‘પતિ’ પ્રવેશ કરી રહ્યો છે, એ પળે ઘર છોડી દેવાનો નિર્ણય તેને જણાવી દીધો. થોડા તરફડાટ સિવાય ખાસ કશીય કડાકૂટમાં પડ્યા વગર એણે પણ નિર્ણય સ્વીકારી લીધેલો. -મારી પાસે રહેતી ચાવી વડે હું દરવાજો ઊઘાડું છું તો અંદરથી ઝપાટાભેર બહાર નીકળવા દોડતી હવા મને ધક્કે ચડાવે છે. કદાચ એ હવા મારી સાથે સંવાદ જોડવા ઈચ્છે છે. કે પછી આમ સૂસવાટા મારીને મારા આવવાનું પ્રયોજન પૂછે છે! શી ખબર!

ઘર સૂમસામ જણાય છે. ધૈર્ય ક્યાં હશે? હું ન હોઉં પછી એને શી ફિકર? ફરતો હશે ક્યાંક. ડ્રોઈંગરૂમમાં ખાસ અજવાળું નહોતું. હું બારી ખોલું છું એટલે કેલેન્ડરના પાનાઓને સરસરાટ કરવા માટે અને ટીપોય પર પડેલા છાપાને આમતેમ ઉડાઉડ કરવા માટેના બહાના લઈને પેલી ધૂંધવાયેલી હવા ફરી આવી પહોંચે છે! છાપું તો બહુ જૂનું હોય એમ લાગ્યું. કેલેન્ડર પણ એ જ જૂનું, લાપરવાહ ધૈર્ય એ હજુ બદલાવ્યું નહીં હોય! ધ્યાનથી જોઉં છું તો ખ્યાલ આવે છે કે હું ચાલી ગઈ એ દિવસોની જ તારીખો હજુ એ કેલેન્ડર દર્શાવે છે, અને છાપું પણ એ જ દિવસોનું છે! ધૈર્ય આટલો કેર લેસ બની ગયો હશે શું?

ઊડી રહેલા છાપા પર મારી નજર અટકે છે. ટાઉનહોલમાં પ્રવચનના સમાચાર જોતાં જ મેં છાપું હાથમાં લીધું, મને તરત જ એ દિવસ યાદ આવી ગયો; ધૈર્ય છાપામાં વાંચીને ઉત્સાહથી કહે છે, સીમા, આજે સાંજે આપણે ટાઉનહોલમાં ગુણવંત શાહને સાંભળવા જઈશું. તું વહેલી આવી જજે. આજનો કાર્યક્રમ ચૂકવા જેવો નથી.’

‘ના, નહીં આવી શકુ, ધૈર્ય. મારે જરા પેકિંગ કરવાનું છે. આમ પણ મારી ઈચ્છા નથી.’ મેં અનિચ્છા દર્શાવી, ‘કાલે તને કહ્યું એમ, આજે હું જઈ રહી છું.’

‘ઓહ… તો તું તારી જીદ ભુલી નથી.’ તેણે કહ્યું.

‘તું જીદ સમજે છે, તારી મરજી, પરંતુ કોઈપણ બંધન પસંદ ન હોય એવો લોકો જ લિવ-ઈનમાં રહેવું પસંદ કરતા હોય છે એ તું ભૂલી જાય છે.’ મેં કહ્યું.

‘બંધન? શાના બંધન વળી?’ ધૈર્ય એ છાપું હટાવતા પૂછ્યું. ‘એકવિધતા… મને રૂટિનમાં રહેવું ગમતું નથી. મને જ શું કામ, આજની કોઈ પણ નારીને એકવિધતા હંમેશાં ફાવતી નથી હોતી. પછી ભલે ને એ એકવિધતા ઝંખના હોય, તો પણ! જો ધૈર્ય, લાગણી ઝંખના બને અને એ ઝંખના બંધન બને એ પહેલા એ લાગણીને વશ કરી લેવી જોઈએ, એવું તને નથી લાગતું?’ હું કહું છું.

‘મતલબ કે મારી ચાહના જ બંધન બને છે? સીમા, મારે તને કશી લાલચ આપીને રોકવા કોશિશ કરવાની ન હોય, લિવ-ઈનના કાયદા ન હોત તો પણ તું નિશ્ર્ચિંત રહી શકે છે, તું તારા નિર્ણયો લેવા સ્વતંત્ર જ છે.’ જરા અટકીને વળી એ પૂછે છે, ‘…. શું તે આખરી નિર્ણય કરી લીધો છે?’

મેેં કહ્યું, ‘હા, બેગ તૈયાર કરી છે, હું સાંજે નીકળીશ.’

‘ભલે, પણ આપણે સાંજની કોફી સાથે પીશું, પછી તું જજે.’ કહેતા તેણે બાકીનું છાપું વાંચ્યાં વિના જ ટીપોય પર મૂક્યું.

-એ જ સમાચારવાળું છાપું હજુ ટીપોય પર કેમ પડ્યું રહ્યું હશે! છેલ્લે સાથે પીધેલી કોફીનો મગ પણ ટીપોય પર ધૂળ એકઠી કરીને પડ્યો છે.

ઘરમાં મને હવે સંધ્યાનો અંધકાર લાગ્યો એટલે બધી જ લાઈટો ચાલુ કરી દીધી. ચોતરફ પ્રકાશ ફેલાઈ રહ્યો. હું સીધી જ બેડરૂમ ભણી જાઉં છું.

બાપ રે, આળસુ ધૈર્યએ હજુ પણ બેડશીટ એનો એજ રાખ્યો છે? એને એકવિધતા કેટલી કોઠે પડેલી છે! ઓહ… આ બેડશીટ પર પડેલા એ સળ… પાજી, એ દિવસે કેટલો રોમેન્ટિક થયો હતો; મને એ બધું તાદૃશ્ય થાય છે;

‘કહું છું છોડ મને હવે, મારે તૈયાર થવાનું છે, તારે માટે કોફી બનાવવાની છે, મોડું થશે. ને આ નવો જ બેડશીટ ચોળાય છે.’ કહેતા ખાસ્સું એવું બળ વાપરીને હું એની પકડમાંથી છુટું છું. એ પણ બેડ પરથી ઊતરીને અચાનક જુએ છે કે બીડશીટ પર દિલ આકારમાં સળ ઉપસી આવ્યા છે, ઉછળી ઉછળીને મને બતાવતા કહે છે, જો, જો. આપણાં પ્રેમનો સંકેત બેડશીટ પર પણ ઊભરી આવ્યો છે. હવે આ બેડશીટ હું બદલવાનો નથી.’

-હજુ પણ એ જ દિલ આકારના સળ એ બેડશીટ પર એમ જ ઊભા છે એ જોઈ મને આશ્ર્ચર્ય થતું નથી. ધૈર્ય યાદોને પણ પુરાતન અવશેષોની જેમ સંઘરી રાખે છે. કદી પ્રેક્ટિકલ ન બની શકે. એ છે જ એવો, એ નહીં સુધરે. હું બેડરૂમમાં વધુ સમય રોકાવા માગતી નહોતી, એટલે બહાર નીકળી ગઈ. કોઈ ભલેને નિષ્ઠુર કહે, પણ હું છું જ એવી, નિર્લેપ અને નિર્દંભ!

હું સીધી જ લાઈબ્રેરી ભણી દોડી જાઉં છું. આગળ પડેલું પુસ્તક હાથમાં લઈ બાલ્કનીમાં ખુરશી પર બેસી પાના ફેરવું છું. અરે, આ એ જ તો પુસ્તક છે, ‘રજકણ સૂરજ થવાને શમણે’ -જે અમે સાથે વાંચવાનું શરૂ કર્યું હતું! હું વાંચું ને ધૈર્ય સાંભળે અથવા એ વાંચે ને હું સાંભળું. ધૈર્યનો આગ્રહ એવો કે જે પણ સારું વાંચીએ, સાથે જ વાંચીએ. જીવનના કોઈ પણ ક્ષેત્રમાં આગળ-પાછળ થવાનું
એને પસંદ જ નહોતું.

જો કે કમનસીબે પુસ્તક પૂરું થયું નહોતું.

ઓહ… આ બૂકમાર્ક પણ હજુ એ જ પેઈજ પર છે, જ્યાં વાંચતાં વાંચતાં અમે પહોંચ્યાં હતાં. ધૈર્યએ કદાચ પુસ્તક આગળ વાંચ્યું નહીં હોય. પ્રેક્ટિકલ બનતા એને આવડતું જ નથી. અચાનક બૂકમાર્ક પર મને કંઈક લખાયેલું જણાય છે. એ લખાણ ધૈર્યનું જ છે એ મને સમજાઈ ગયું એટલે હું એ વાચું છું, લખ્યું છે; ‘સીમા, મને ખબર હતી કે તું ક્યારેક તો પાછી આવશે જ, ને આ બૂકમાર્ક તારા હાથમાં આવ્યા વિના નહીં રહે. સીમા, જ્યાં આપણે અટક્યા હતાં ત્યાંથી આગળ વાંચવાનું મારાથી બન્યું નથી. જીવનના જે પડાવ પર હું આજે પણ તારી રાહ જોતો ઊભો છું. તારા વિના આ ઘરમાં એકલા જિંદગીને આગળ ધપાવવાનું પણ મને કેમ ફાવે? તું આવે કે તરત જ મને બોલાવી લેજે, પ્લીઝ. આપણે આપણાં આ બૂકમાર્કને સાથે જ આગળ ધપાવીશું.’

શું કરવું આ સેન્સેટિવ માણસનું? અરે ધૈર્ય, મારા પુનરાગમનની આશા શું કામ? હું તો મારી પાસે રહેલી ઘરની એક ચાવી તને પાછી આપવા આવી છું.

હું તને કેમ સમજાવું કે કોઈ લવસ્ટોરીને બચાવવા લિવ-ઈનના શરણે જઈ શકાતું હોય છે, પરંતુ લિવ-ઈનને બચાવવા કોઈ લવસ્ટોરીના શરણે જવાનું ન હોય! સંબંધો ગમે તે ભોગે ટકાવી જ રાખવા હોય તો લગ્ન શું ખોટા છે? લગ્નને ટકાવી જ રાખવા માટે કાયદા અનેક મળી રહે છે, જ્યારે લિવ-ઈનને ગમે ત્યારે અટકાવી દેવા માટેના દરવાજા કાયદાએ હંમેશાં ખુલ્લા રાખ્યા છે. લગ્નમાં વ્યક્તિ ગૌણ બની જાય છે ને સંબંધ કેન્દ્રસ્થાને હોય છે. લિવ-ઈનમાં વ્યક્તિ કેન્દ્રમાં હોય છે, સંબંધ હરગિજ નહીં!

પણ, હું ઓગળવાની નથી. હું તો નિષ્ઠુર છું. ધૈર્ય, તેં ઘરમાં પૂરી રાખેલી તારી સંવેદનાની ધૂંધવાયેલી હવા ધમપછાડા કરી ભલે મને આમતેમ ધક્કે ચડાવે તો પણ મારી પાસે કશો હિસાબ માગી શકવાની નથી. જૂનું કેલેન્ડર ન બદલવાથી કંઈ સમય ઓછો થંભી જશે? બેડશીટના સળ એમ ને એમ રહેવા દઈશ તો એમાં ધૂળ જમા થવા સિવાય શો ફેર પડવાનો છે?

ને આ બૂકમાર્ક? બૂકમાર્ક એમ નથી બતાવતું કે આપણે ક્યાં પડાવ પર પહોંચ્યાં છીએ. બૂકમાર્ક તો બતાવે છે કે આપણે હજુ કેટલા પાછળ છીએ. પણ રહેવા દે, તું નહીં સુધરે, તું ક્યારેય પ્રેક્ટિકલ થઈ શક્યો છે?

મારે ધૈર્યને આ બૂકમાર્કના બંધનમાંથી મુક્ત કરવો જ રહ્યો! – મેં વિચાર્યું.

પુસ્તકમાંથી સેરવીને એ બૂકમાર્કના ટુકડે ટુકડા કરીને મને ક્યારની ધક્કે ચડાવી રહેલી બાલ્કનીની હવામાં ઊડાવી દઉં છું, ને પછી એમ જ બહાર નીકળી જાઉં છું…
કેમ કે હું તો છું જ એવી…!

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button