ભૂરીબાઇ અલખ: શ્રીનાથજીની અનોખી ભગત
સફેદ કલરવાળી પુસ્તિકાના પ્રથમ પાના પર રામ અને બાકી કાળા પાનાં કોરાં મુક્યાં !
ઔર યે મૌસમ હંસીં… -દેવલ શાસ્ત્રી
ઓશો રજનીશ એમના વક્તવ્યમાં કહેતા હતા કે આધ્યાત્મિક જ્ઞાન પ્રાપ્ત કરવું હોય તો શ્રીનાથજી વસેલા ભૂરીબાઇને મળવું જોઈએ. ભૂરીબાઇના મૌનમાં અગાઢ શક્તિ રહેલી છે. પરમાત્માના સાક્ષાત્કાર અંગે ભૂરીબાઇને પ્રશ્ર્ન પૂછવામાં આવ્યો ત્યારે બાઇએ કહ્યું હતું કે જે દિવસે સાક્ષાત્કાર કરવો છે એ વિચાર નીકળીને કેવળ લીન થઈ જવાશે એ દિવસે સાક્ષાત્કાર થઈ શક્શે.
ભૂરીબાઇના ભક્તો એમને પ્રશ્ર્ન પૂછતાં ત્યારે ભૂરીબાઇ શક્યત: નાના ઉત્તર આપતા. ભૂરીબાઇએ એક નાનકડું પુસ્તક લખ્યું હતું. આ પુસ્તકનાં પ્રથમ સફેદ પાનાં પર એક જ શબ્દ લખ્યો : રામ.
આ પછી અંદરનાં ચાર પાનાં ને કાળા રંગે રંગી નાખ્યા. ભૂરીબાઇના મૌન જેવી આ પુસ્તિકા થકી એટલું જ કહેવા માંગતા હતાં કે રામ સિવાય બધું અંધકાર છે. રામ મળી જાય પછી કશું લખવાની પણ જરૂર નથી.
આવાં ભૂરીબાઇ પર સ્વર્ગસ્થ લક્ષ્મીલાલ જોશીએ પુસ્તક લખ્યું છે. આ પુસ્તકમાં ભૂરીબાઇ સાથેની અનોખી પ્રશ્ર્નોત્તરી આપી છે, જેમાં અનેક વિષયો પર પ્રશ્ર્નો પૂછવામાં આવ્યા છે અને અલકમલકના અકલ્પનીય જવાબો મળ્યા છે.
એક ભક્તે બાઇને પૂછ્યું કે પ્રસન્ન કેવી રીતે રહી શકાય ત્યારે બાઇએ સામો સવાલ કર્યો હતો કે અપ્રસન્નતા વિશે જાણો. અપ્રસન્નતા બીજી વ્યક્તિના સુખમાંથી આવે છે. બીજી વ્યક્તિ વિશે વિચારશો તો સમજાશે કે કેટલાક સંજોગોમાં એ પણ દુ:ખી છે. માણસને હંમેશાં બીજી વ્યક્તિઓ જ સુખ-દુ:ખ આપે છે એટલે બીજી વ્યક્તિના વિચાર કાઢશો તો આપોઆપ સુખ-દુ:ખની માયા નીકળી જશે.
ભૂરીબાઇને આધુનિક સમયમાં પરેશાન કરતો સવાલ પૂછવામાં આવ્યો હતો કે સતત વિચારો આવ્યા કરે છે તો બાઇએ કહ્યું કે એ જીવિત હોવાની નિશાની છે. સૂર્ય હંમેશાં પ્રકાશ ફેંકે છે તો જ એની હાજરી છે. આપણી ભાષામાં કહીએ તો બાઇ અશિક્ષિત હતાં છતાં લગભગ દરેક વિષય પરત્વે અદ્ભુત સમજ હતી. એક સજ્જન ફરિયાદ કરતાં હતાં કે એમની દીકરી લગ્ન કરવા રાજી નથી ત્યારે બાઇએ મનોવિજ્ઞાનના તજજ્ઞની જેમ જવાબ આપ્યો હતો કે પ્રકૃતિના કેટલાંક નિયમ છે. માણસને એક મન નથી આપ્યું, પણ અસંખ્ય મન આપ્યા છે, જે સતત દિમાગમાં હલચલ કર્યા કરે છે. મને ખબર નથી કે ક્યો વિચાર એના પર કાબૂ ધરાવે છે, વ્યક્તિને પૂરેપૂરો જાણો નહીં ત્યાં સુધી એને સલાહ આપવી જોઈએ નહીં. એને કોઈ પણ પ્રેરણા આપવી એ શક્ય નથી, મનમાં હલચલ રહેવી એ પ્રકૃતિનો સ્વભાવ છે. વ્યક્તિ જાતે જ નિર્ણય લે એમાં જ એનું હિત હોય છે.
બાઇને કોઇએ પૂછ્યું કે તપસ્યા એટલે શું ત્યારે બાઇ કહ્યું કે સહન કરવું એ જ તપસ્યા છે. કેવળ ભૂખ્યા રહેવું એ તપસ્યા નથી, પણ જ્યારે કોઈ વ્યક્તિ આપણને અપ્રિય વાત કહે ત્યારે મનમાં લાવવું નહીં કે વ્યક્તિ આવું વર્તન શા માટે કરે છે.
વર્ષ ૧૮૯૨મા સરદારગઢ રાજસ્થાનમાં જન્મેલાં અને વર્ષ ૧૯૭૯મા નાથદ્વારા ખાતે નિધન પામેલાં ભૂરીબાઇને મૌન રહેવું પસંદ હતું. કોઈ બહુ બોલે એ પસંદ નહીં એટલે આખા ઘરમાં એમણે ‘ચૂપ’ શબ્દ લખાવ્યો હતાં…!
મહાત્મા ભૂરીબાઇના વિચારો પર ડૉ. લક્ષ્મી ઝાલાએ પુસ્તક લખ્યું અને પીએચડી કર્યું.
ભૂરીબાઇને સવાલો પૂછવામાં આવતા અને તેના જવાબ પુસ્તક સ્વરૂપે છે. થોડીક પ્રશ્ર્નોત્તરીનો અહીં અભ્યાસ કરીએ.
પ્રશ્ર્ન : ભૂત હોય છે?
ઉત્તર : મનનો વહેમ છે, બાળપણની વાતો યાદ ન રાખવી.
પ્રશ્ર્ન : અંત:કરણ શું છે?
ઉત્તર : મન- બુદ્ધિ અને અભિમાનની મિલાવટ
પ્રશ્ર્ન : પાપ શું છે?
ઉત્તર : ઇશ્ર્વરથી અલગ થવું
પ્રશ્ર્ન : મૃત્યુ શું છે?
ઉત્તર : સમા ગયે…. અંદર કોલાહલ બંધ થાય તો ખબર પડશે કે આપણે સાવ એકલા છીએ
પ્રશ્ર્ન : કર્મ શું છે?
ઉત્તર : કર્મ કરવાનું બંધ કર, ઠહર જાઓ… થક કર બૈઠ જાઓ….
પ્રશ્ર્ન : જિંદગી શું છે?
ઉત્તર : કશું ખોવાયું નથી, જે જ્યાં છે એ ત્યાં જ છે. સમજણ ભુલાતી ગઇ અને આખી જિંદગી માણસ શોધ શોધ કરે છે… છેલ્લે સ્વ ને શોધવા નીકળે છે, પાગલ માણસ સમજતો નથી કે સ્વને ભુલાય જ કેવી રીતે?
પ્રશ્ર્ન : પંચ તત્ત્વ શું છે?
ઉત્તર : કોઈ પાંચ તત્ત્વ કહે છે, કોઈ પચ્ચીસ, કોઈ ત્રણ… તુમ ઇન કો બાર બાર ક્યું ગીનતે હો?
પ્રશ્ર્ન : ભગવાન કેમ નથી મળતા?
ઉત્તર : તપતા નહીં હૈ વહ તપ હૈ, જપતા નહીં હૈ વો જપ હૈ, બોલતા નહીં હૈ વહ સત્ય હૈ… બોલતા હૈ વહ ગપ્પ હૈ… સંપ્રદાય, મત, શાસ્ત્ર, ગુરુ જેવા નામે ગુપ્ત જ્ઞાન આપવામાં આવે છે એમાં ન પડો. ખોખલા સમુદ્ર છે, જેમાં મોતી નથી, પણ છીપલા જ છે…
પ્રશ્ર્ન : ઇશ્ર્વર ક્યાં મળે?
ઉત્તર : એડ્રેસ શોધ આપણે બંને ત્યાં જઇએ…
પ્રશ્ર્ન : સંસારની મોહ માયાથી મુક્તિ ક્યાં મળે?
ઉત્તર : શક્ય જ નથી… ચૂપચાપ એક જગ્યાએ બેસી જાવ…
પ્રશ્ર્ન : સુખ- દુ:ખ શું છે?
ઉત્તર : માનતે હૈ ઇસ લિયે હૈ…
પ્રશ્ર્ન : જ્ઞાન કેવી રીતે મળે?
ઉત્તર : મેં કોઈ દુકાન નથી ખોલી… નક્કી તો કર શું જોઈએ છે?
પ્રશ્ર્ન : કોઈ માર્ગ બતાવો
ઉત્તર : મુઝે ચાહિયે એ છોડી દો.
પ્રશ્ર્ન : કોઈ ઉપદેશ આપો
ઉત્તર : દુનિયા જોતા રહો, ઉપદેશ મળતા રહેશે.
પ્રશ્ર્ન : વિકાર કેમ આવે છે?
ઉત્તર : જાગતા રહો તો કૂતરું ઘરમાં ઘૂસે?
પ્રશ્ર્ન : આત્મા શોધવો છે…
ઉત્તર : ખોવાયો છે?
પ્રશ્ર્ન : દુ:ખમાંથી મુક્તિ મળે?
ઉત્તર : મળે, એ તરફ ધ્યાન ન આપો. માનીએ છીએ એટલે છે. બીજાના દુ:ખ આપણને અસર કરતાં નથી- ‘મારું’ અને ‘મૈં’ આવે છે ત્યારે તકલીફ પડે છે.
પ્રશ્ર્ન : ભવિષ્ય શું છે?
ઉત્તર : કશું થવાનું નથી, જોયા કરો. બધું તમારું છે એ કલ્પનામાંથી બહાર નીકળો.
પ્રશ્ર્ન : વિચારો બહુ આવે છે, એનો પ્રવાહ અટકતો નથી.
ઉત્તર : ચૈતન્ય આવશે ત્યારે પણ નહીં અટકે.
પ્રશ્ર્ન : તપસ્યા એટલે શું?
ઉત્તર : સહન કરવું
પ્રશ્ર્ન : વૃત્તિ અટકતી નથી
ઉત્તર: રોકવી પણ નહીં, અટકી એ દિવસે તમે પૃથ્વી પર નથી.
પ્રશ્ર્ન : મનને કેવી રીતે રોકવું?
ઉત્તર : મન ફન હોતું નથી, દુનિયા જોવી, આપોઆપ પ્રશ્ર્નો થાય અને જવાબ મળવા માંડે એટલે માર્ગ મળશે. સિનેમામાં એક જ દૃશ્ય હોય તો જોવું ન ગમે.
પ્રશ્ર્ન : આત્મા શું છે?
ઉત્તર : યુવાનીમાં ઇશ્ર્વર સ્મરણ કરો, ઘડપણની રાહ ન જુઓ. બાકી એની જવાબદારી સાક્ષાત્કારની છે.
પ્રશ્ર્ન : તમે કહો છો સાધુ- સંતોના દર્શનથી પાપોનો નાશ થાય
ઉત્તર : એના માટે એનું સાધુ હોવો જરૂરી છે.
પ્રશ્ર્ન : મારો દરેક સમય પવિત્ર અને નિર્મળ કેમ નથી?
ઉત્તર : તમે મનનો ઠેકો લીધો છે?
પ્રશ્ર્ન : હસ્તરેખા કેવી રીતે ભવિષ્ય કહે છે?
ઉત્તર : માતાના પેટમાં મુઠ્ઠી વાળી એટલે રેખાઓ પડી. આ રેખાઓમાં ભૂત – ભવિષ્ય કશું નથી. ભગવાનમય થાવ
પ્રશ્ર્ન : હું પણું કેવી રીતે કાઢું?
ઉત્તર : આજ હું પણું છે…
પ્રશ્ર્ન : સંશય શું છે?
ઉત્તર : આખો દિવસ હાયવોય કરવી.
પ્રશ્ર્ન : બધા સમજતા કેમ નથી?
ઉત્તર : બધા બધું જ સમજે છે, પણ સમજતા ડરે છે.
પ્રશ્ર્ન : કલ્પના કેવી રીતે છૂટે?
ઉત્તર : મને જોઇએ છે એ વાત છોડશો તો કોઈ કલ્પના વિચાર પરેશાન નહીં કરે.
ધ એન્ડ
પ્રશ્ર્ન : બાઇ, જ્ઞાન કહો
બાઇ : પહેલા તારું અજ્ઞાન બોલ
પ્રશ્ર્ન : આ સંસાર ક્યારે બન્યો?
બાઇ : જ્યારે તું પેદા થયો.