ઈન્ટરવલ

પ્રાસંગિક: ભારતે શા માટે એફ-35 નહીં, પણ એસયુ-57 ફાઈટર જેટ ખરીદવા જોઈએ?

-અમૂલ દવે

અંગ્રેજીમાં કહેવત છે કે A friend in need is a friend indeed…, ગુજરાતીમાં કહીએ તો સંકટમાં કામ લાગે એ સાચો મિત્ર !

ભારત – પાકિસ્તાન વચ્ચેના મિની યુદ્ધમાં ભારતને પણ ખબર પડી ગઈ છે કે તેના સાચા મિત્ર અને દુશ્મન કોણ છે. તુર્કી, બાંગ્લાદેશ અને ચીન જેવા દેશે તો પાકિસ્તાનને ખુલ્લેઆમ ટેકો આપ્યો છે, જ્યારે ઈઝરાયલ અને રશિયાએ ભારતને ટેકો આપ્યો. ફ્રાન્સ અને અમેરિકા જેવા દેશ એવા હતા, જે કથનીમાં ભારતને ટેકો આપતા હતા, પરંતુ તેમની કરણી અલગ હતી. સઉદી અરેબિયા અને કતાર જેવા દેશે ભારત અને પાકિસ્તાનને સંયમ રાખવાની સલાહ આપી. ફ્રાન્સે ભારતને મોટો દગો દીધો…..

ભારતે 59,000 કરોડ રૂપિયાના ખર્ચે 36 રાફેલ ખરીદ્યા હતા. ભારતને તેની ડિલિવરી ડિસેમ્બર 2024 સુધી મળી ગઈ હતી. જોકે અખબારી અહેવાલોને માનીએ તો રાફેલ ફાઈટર પ્લેન નબળી કડી સાબિત થઈ હતી. અમેરિકા, પશ્ર્ચિમ અને ચીનના મીડિયામાં એવા અહેવાલો વહેતા થયા છે કે પાકિસ્તાને ચીનના જે-10સી જેટની મદદથી ભારતના ત્રણ રાફેલ તોડી નાખ્યા હતા. જોકે ભારત પર મોંઘા એફ-35 ફાઈટર પ્લેન ખરીદવા દબાણ લાવવા માટેનો આ અમેરિકાનો કારસો હોઈ શકે. ભારતે આ અંગેના સવાલના જવાબમાં કહ્યું છે કે ‘ના, અમારા બધા પાઈલટ સલામત છે અને આટલી મોટી કાર્યવાહીમાં થોડું નુકસાન થઈ શકે…’

આ પણ વાંચો: પ્રાસંગિક : ચીન-પાકિસ્તાન રમે છે મેલી રમત બાંગ્લાદેશમાં…

અહીં ભારતના હાથ હેઠા પડ્યા એનું કારણ એ છે કે ભારત – પાકિસ્તાનના સંઘર્ષ દરમિયાન ફ્રાન્સ પાસે ભારતે રાફેલનો સોર્સ કોડ માગ્યો હતો. આ કોડ ભારતને મળ્યો હોત તો ભારત આમાં પોતાના ઉત્તમ એઈએસએ રડાર અને એસ્ટ્રા મિસાઈલ લગાડી શકાયું હોત..

બીજી બાજુ, અમેરિકાએ પણ ભારતને દગો દીધો હતો. અમેરિકાના પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પે તો ભારત અને પાકિસ્તાન વચ્ચે સીઝફાયર એટલે કે યુદ્ધવિરામની જાહેરાત કરીને ભારતને ચોંકાવી દીધું હતું. ટ્રમ્પે ક્રેડિટ લેવાની લાલચમાં હદ વટાવી દીધી હતી. ટ્રમ્પે એવો દાવો કર્યો હતો કે મેં બન્ને દેશને તેમની સાથે નવો વેપાર બંધ કરવાની ધમકી આપી હતી. ટ્રમ્પે મિડલ ઈસ્ટની એમની મુલાકાત દરમિયાન આ ગાણું ગાયા જ કર્યું હતું. આટલું અધૂરું હોય એ ટ્રમ્પે ભારત વિરોધી પગલાં લેવાનું ચાલુ રાખ્યું. ટ્રમ્પે એપલ કંપનીને પણ ચેતવણી આપી છે કે જો એપલ ભારતને બદલે અમેરિકામાં આઈફોન નહીં બનાવે તો હું તેના પર ટૅરિફ ફટકારીશ….

ટ્રમ્પ ભારત પર મોંઘા એફ-35 ખરીદવા દબાણ લાવી રહ્યા છે. રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિન ભારતની પડખે ઊભા છે અને ભારતને સુખોઈ-57 અને બીજા આધુનિક હથિયારો આપવાની ઓફર કરી છે.. ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકા ગયા હતા ત્યારે ટ્રમ્પે જાહેરાત કરી દીધી હતી કે ભારત અમેરિકા પાસેથી આધુનિક સ્ટીલ્થ ફાઈટર પ્લેન એફ-35 ખરીદશે. તાજેતરના આપણા તાજા અનુભવના આધારે અને દેશનું હિત સર્વોત્પરી રાખીને ભારતે નિર્ણય લેવો જોઈએ. ભારતે તેના નૌકાદળ માટે 26 રાફેલ મરીન ફાઈટરજેટ ખરીદવાની ફ્રાન્સ સાથે ડીલ કરી છે. આ ડીલ 63,000 કરોડ રૂપિયાની છે. જ્યારે ફ્રાન્સ ભારતને સોર્સકોડ આપવાની ના પાડે છે ત્યારે ભારતે આ ડીલ રદ કરીને ફ્રાન્સને સામી ટપલી મારવી જોઈએ.

આ પણ વાંચો: પ્રાસંગિક: મમ્મીને પૂરતો સમય આપવો એ જ છે મધર્સ-ડેની બેસ્ટ ગિફ્ટ…

હવે આપણે તપાસીએ કે ભારત માટે કયા ફાઈટરજેટ ખરીદવા યોગ્ય હશે. દુશ્મન ચીન પાસે રડારમાં ન પકડાય સ્ટીલ્થ જેટ છઠ્ઠી જનરેશનના છે. પાકિસ્તાનને 50 ટકા ડિસ્કાઉન્ટ સાથે ચીન 40 જ ે35 સ્ટીલ્થ ફાઈટર જેટ આપવાનું છે. આની ડિલિવરી ઓગસ્ટ 2025થી શરૂ થશે. આ પાંચમી પેઢીનું સ્ટીલ્થ ફાઈટર છે. ભારત પાસે સ્ટીલ્થ ટેક્નોલોજી નથી. ભારત પાસે સૌથી હલકું ફાઈટર જેટ તેજસ અને એડવાન્સ્ડ મિડિયમ કોમ્બેટ એરક્રાફટ (એમકા) પ્લેન છે.. જોકે રડારમાં ન દેખાય એવા આધુનિક ફાઈટર પ્લેન નથી..ભારતના હવાઈ દળને લાંબા સમયથી 100 સ્ટીલ્થ ફાઈટર જેટની જરૂર છે. ભારત પોતાના સ્ટીલ્થ ફાઈટર પ્લેન બનાવે એમાં વર્ષો લાગી જાય એવી સંભાવના છે. બીજી બાજુ, પાકિસ્તાન અને ચીન જે-35 પ્લેનને લીધે ભારત કરતાં પણ આગળ નીકળી જશે. આથી ભારતે તત્કાળ સ્ટીલ્થ પ્લેન ખરીદવાની જરૂર છે.

હવે આપણે ભારતે શા માટે એફ-35 નહીં,એસયુ-57 ફાઈટર જેટ લેવું જોઈએ એનો તુલનાત્મક અભ્યાસ કરીએ.

અમેરિકાના એફ-35 પ્લેન 85થી 115 મિલિયન ડૉલરનું છે. આ શુદ્ધ સ્ટીલ્થ પ્લેન છે. આ એક જ એન્જિન ધરાવે છે. તે રડારમાં પકડાતું નથી, પરંતુ તેની ઝડપ એસયુ-57 કરતાં ઓછી છે. ટ્રમ્પના જમણા હાથ સમા એલન મસ્ક કહે છે કે જે કામ સસ્તા ડ્રોન કરી શકે છે તે કામ માટે મોંઘું એફ-35 કેમ લેવું. મસ્ક કહે છે કે ફાઈટર પ્લેનનો યુગ પૂરો થઈ ગયો છે. આ ફાઈટર પ્લેનને એટલા બધા ટાસ્ક પૂરા કરવા માટે બનાવવામાં આવ્યું છે કે તે એકેય ટાસ્ક સારી રીતે પાર પાડ્તું નથી.. આ પ્લેન ભારત લે તો રાફેલ જેવી સમસ્યા ઊભી થાય.

આમાં બીજી તકલીફ એ છે કે આ પ્લેનને વાપરવા ભારતે અમેરિકાની રડાર સિસ્ટમ લેવી પડશે, જે અતિશય મોંઘી છે.

આની સરખામણીમાં પુતિન ભારતને સુખોઈ-57 આપવા એટલા આતુર છે કે ટેકનોલોજી ટ્રાન્સફર કરવા પણ તૈયાર છે.. ભારત 60 ટકા જેટલા હથિયારો રશિયા પાસેથી જ મેળવે છે. આ ફાઈટર પાંચમી પેઢીનું છે. અને એ આંશિક રીતે જ અદૃશ્ય એટલે કે સ્ટીલ્થ પ્લેન છે. આમાં બે એન્જિન છે. કિંમત પ્રમાણે જોવા જઈએ તો આની કોસ્ટ 35થી 60મિલિયન ડૉલરની છે. જોકે તે ચપળ અને ઝડપી પ્લેન છે. ભારતે 2018માં આ પ્લેન ખરીદવાનો વિચાર કર્યો હતો, પરંતુ પછી તે ખસી ગયું. તેની રેન્જ 3500 માઈલની છે. ભારતને એક વાર પાંચમા જનરેશનના ફાઈટર પ્લેનની ટેકનોલોજી મળી જાય તે ભારત તેના વિજ્ઞાનીઓ અને ટેક્નિશિયનની મદદથી તેનું સુંદર અપગ્રેડેશન કરી શકે.

આ પણ વાંચો: પ્રાસંગિક: કેનેડાના લોકોએ ટ્રમ્પને મારી જબરી લપડાક…

હા, અહીં એ પણ ધ્યાન પર લેવું જોઈએ કે ભારતે રશિયાની એસ-400 એર ડિફેન્સ સિસ્ટમ વાપરી હતી જે અતિશય ઉપયોગી સાબિત થઈ છે. રશિયા હવે ભારતને એસ-500 નામની અતિ આધુનિક એર ડિફેન્સ સિસ્ટમ આપવાનું છે. રશિયા આપણને સ્ટીલ્થ પ્લેનને પકડી શકે એવા રડાર બનાવવામાં પણ મદદ કરી શકે.‘હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ’ સુખોઈના પ્લેન બનાવે જ છે એટલે ભારત માટે એસ-57 ભારતમાં બનાવવા એટલા અઘરા નહીં પડે.

અહીં આપણે એક વાત યાદ રાખવા જેવી એ છે કે પાકિસ્તાન સામે આપણા બ્રહ્મોસ મિસાઈલ અસરકારક સાબિત થયા હતા.. ભારતે આ મિસાઈલ રશિયા સાથે સહયોગ કરીને બનાવ્યા છે. પુતિન આપણને અવાજના ઝડપથી છ ગણી ઝડપવાળા બ્રહ્મોસ બનાવવામાં મદદ કરી શકે. રશિયા આપણું વિફલ ગયેલા કાવેરી એન્જિનને પણ સુધારવામાં મદદ કરી શકે.

ભારત એસ-57 વિમાન ખરીદવા વિચારી રહ્યું છે એ જાણીને ચોતરફ ખળભળાટ મચી ગયો છે. અમેરિકાના પ્રમુખ ટ્રમ્પ તો ભારત વિરુદ્ધ એલએફલ બોલવા માંડ્યા છે. ટ્રમ્પે આથી જ એપલને મોબાઈલ ભારતમાં ન બનાવાની ચીમકી આપી છે. ફ્રાન્સ પણ હેબતાઈ ગયું છે. ભારત પર અમેરિકા અને યુરોપનું પ્રચંડ દબાણ આવી રહ્યું છે. જો ભારત રશિયા પાસેથી એસ-57 ખરીદે તો તેના પર પ્રતિબંધ મૂકવાની ધમકી આપવામાં આવી રહી છે. ભારતે આવી ધમકીઓથી ડરવું ન જોઈએ.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button