તસવીરની આરપાર : કૂતરાની અસંખ્ય જાતિનો વિસ્તૃત પરિચય ને માનવ પ્રેમ!

-ભાટી એન.
વિશ્વ આખામાં કૂતરા, કૂતરીની અસંખ્ય જાતો નિહાળવા મળે છે, કૂતરા આમ તો બે પ્રકારમાં જોવા મળે એક પાળેલ કૂતરા ને બીજા જંગલી કે શેરી =ગલીનાં બિન પાળેલા. આજે કૂતરા પાળવાનો ક્રેઝ વધતો જાય છે જોકે કૂતરા માલિકને વફાદાર હોય છે તેની સુરક્ષા કરે છે…!?. જી હા કૂતરા ખૂબજ સમજુ પ્રાણી છે તેની સમજ શક્તિ ઘણી હોય છે. આજે કૂતરાની અસંખ્ય જાતો જોવા મળે છે ચિત્ર વિચિત્ર કોઈ ડાઘિયા મોટા હોય છે, તો કોઈ ઠીંગણાં હોય છે. કલરમાં પણ ઘણી વિવિધતા હોય છે…!!!. તેનો ખોરાક પણ સ્પેશ્યલ હોય છે. અત્યારે મુખ્યત્વે રૂપિયાવાળા પોતાનાં બંગલાની શોભામાં અભિવૃદ્ધિ કરે કે પોતાની એક આગવી ઓળખ માટે ભિન્ન ભિન્ન કૂતરા પાળે છે તેની પાછળ મોટો ખર્ચ કરે છે, પણ કૂતરું એક ઘરનું સભ્ય બની જાય છે અને ફેમિલી મેમ્બર બની ગયા પછી તેની સાથે લગાવ એક જુદો જોવા મળે છે. મારાં એક મિત્રે કૂતરું પાળેલ તેનું અવસાન થતાં આખું ઘર એટલું રડતાં હતાં કે પોતાનાં ઘરનું એક સભ્યનું અવસાન થયું હોય તેવી પ્રતીતિ થતી હતી…!. અને કાયદેસર તેને સમાધિ આપેલ. તેની યાદી રહે તે માટે ઘરમાં કૂતરાનો ફોટો રાખેલ…!. અરે ઘણી વાર તો છાપામાં કૂતરું ગુજરી ગયા બાદ મોટી શ્રદ્ધાંજલિ રૂપે મોટી જાહેરાત આપી લાગણી વ્યક્ત કરે છે.
આજે તો કૂતરા જેટલા સારા ને સમજુ તેવી કિંમત થાય છે, મોટા સિટીમાં તો કૂતરાનો ડોગ શો રાખે છે તેમાં તેની વિશેષતા જોવાય છે, તેની ઓળખ પરેડ થાય છે, અને મોટા મોટા ઘર કૂતરાઓ હરીફાઈમાં આવે છે અને ડોગ શો જોવા મોટી સંખ્યામાં ડોગ પ્રેમીઓ આવે છે, હવે શેરી, ગલીનાં કૂતરા કોમન હોય છે. તેમાં જાજી વિશેષતા હોતી નથી. કલર પણ અમુક જ હોય છે અને પોતાનું સામ્રાજ્ય એક શેરી પૂરતું માર્યાદિત હોય છે,!, બીજી શેરીનાં કૂતરા ત્યાં આવે તો બાજાબાજી થાય છે, તેમજ કૂતરાની પ્રજનન ક્રિયા પણ તદ્દન ભિન્ન હોય છે,!, સામાન્ય પ્રાણીમાં આવું પ્રજનન હોતું નથી પણ કુદરતે તેમાં વિશેષતા મૂકી છે…!!!. એટલે કૂતરા વિશે આજે વધુ વિગતો જાણીએ.
સૌથી વધારે વફાદાર એવું જાણીતું સસ્તન પ્રાણી. કેનિડે કુળ 14 પ્રજાતિ અને આશરે 35 જાતિઓમાં વહેંચાયેલું છે. ન્યૂઝીલેન્ડ અને વેસ્ટ ઇન્ડિઝને બાદ કરતાં, બધે સ્થળે જંગલી કૂતરાં વાસ કરે છે. ભારતમાં વસતાં જંગલી કૂતરાંને ઢોલ કહે છે. ઓસ્ટ્રેલિયાનાં જંગલી કૂતરાં (Canis dingo) અને ન્યૂગિનીનાં જંગલી કૂતરાંને અમુક પાળેલાં કૂતરાંના પૂર્વજો તરીકે ગણવામાં આવે છે. જંગલી કૂતરાં ઉપરાંત, વરુ અને શિયાળ જેવાંનો સમાવેશ પણ કેનિડે કુળમાં થાય છે. આ કુળનાં પ્રાણીઓ દોડવા માટે અનુકૂલન પામેલાં હોય છે અને ભક્ષ્યની પાછળ દોડતાં હોય છે. તેમના પગ લાંબા અને પાતળા, શરીર માંસલ અને મજબૂત તેમજ હાથપગ કુંઠિત નહોરયુક્ત હોય છે. જીભ અને જડબાં સારી રીતે વિકાસ પામેલાં હોય છે. ખોપરી લાંબી હોય છે અને તે દોડતા ભક્ષ્યને પકડવા તથા ફાડી ખાવા માટે ખાસ અનુકૂલન પામેલી હોય છે. દાંતની સંખ્યા 42 જેટલી હોય છે. સામાન્ય દાંત લાંબા, રાક્ષી (canine) મજબૂત જ્યારે દારક (carnassial) દાંત માંસના ટુકડા કરવા માટે ટેવાયેલા હોય છે. હાડકાંવાળું શિશ્ન અને ગંઠિત સમાગમ આ કુળનાં પ્રાણીઓની વિશેષતા છે. આશરે 9 અઠવાડિયાંના ગર્ભવિકાસ પછી માદા બચ્ચાંને જન્મ આપે છે.
વરુને કૂતરાના પૂર્વજ તરીકે ગણવામાં આવે છે. કૂતરાના દાંત વરુના જેવા હોય છે. જોકે તેની કેટલીક ખાસિયતો શિયાળના જેવી હોય છે. કૂતરામાં પાળ્યા પહેલાં ભસવાનો અને ઘૂરકવાનો વિકાસ થયો હશે એમ માનવામાં આવે છે.
દુનિયાભરમાં પાળેલાં કૂતરાંની સંકરિત જાતો લગભગ 4,000 જેટલી છે. સંકરણના અખતરાઓ હજુ પણ ચાલુ છે. સંકરિત જાતિઓની ઉત્પત્તિને કારણે કૂતરાંની જાતિના મૂળ નૈસર્ગિક જનીનો લુપ્ત થઈ રહ્યાં છે. કૂતરાંની ઉત્ક્રાંતિ માટે આ પરિસ્થિતિ ચિંતાજનક છે. પાળેલાં કૂતરાંના પ્રમાણમાં કુદરતમાંનાં જંગલી કૂતરાં દુર્લભ થતાં જાય છે. ‘ધોબીનો કૂતરો નહિ ઘરનો કે ઘાટનો’ એ ઉક્તિ જૈવિક ઉત્ક્રાંતિના સંદર્ભમાં અર્થસૂચક છે. જંગલી કૂતરાંની શિકારપદ્ધતિઓ અને વર્તનનો અભ્યાસ કૂતરાંની બુદ્ધિ ક્ષમતા અને તેની બદલાતા પર્યાવરણમાં ટકી રહેવાની ક્ષમતા દર્શાવે છે. વન્ય પ્રાણીઓના સંરક્ષણની સાથે સાથે વન્ય કૂતરાંની જાળવણી પણ જરૂરી છે. કૂતરાં વરુ, શિયાળ, લોંકડી વગેરેમાં જનીનસામ્યતા ઘણી હોવાથી (દરેકમાં રંગસૂત્રોની સંખ્યા 48), કૂતરાંની સંકરિત જાતો વરુ ઉપરાંત અન્ય ઉપર્યુક્ત પ્રાણીઓમાંથી ઉદભવેલાં છે એવું મનાય છે. આ રખેવાળ કૂતરાં : ઓસ્ટ્રેલિયા, યુરોપ, અમેરિકા વગેરે દેશોના પશુપાલકો પોતાની ગાયોનાં કે ઘેટાંનાં મોટાં ટોળાંમાંથી એકાદ જાનવર છૂટું ન પડી જાય તે માટે રખેવાળ તરીકે કૂતરાં રાખે છે. આ ઉપરાંત ખેતરમાં પોતાનું મકાન બાંધી રહેનારા શ્રીમંત ખેડૂતો પણ રખેવાળ કૂતરાં રાખે છે. આ માટે કેલ્પી તથા કુલી નસલનાં કૂતરાંની ખાસ પસંદગી કરવામાં આવે છે. ભારતમાં રખડતી-ભટકતી વણજારા જેવી જનજાતિઓ પોતાના જાનમાલના રક્ષણ માટે રખેવાળ કૂતરાં રાખે છે. આ કૂતરાં કોઈ ચોક્કસ પ્રચલિત નસલનાં હોતાં નથી. કૂતરાં વિશાળ મસ્તક, આગળ પડતું અણીદાર મુખ, લાંબા લટકતા કાન અને શરીર પર પુષ્કળ વાળ ધરાવે છે. પૂંછડી લાંબી અને વાળયુક્ત હોય છે. આ સમૂહની નસલોમાં આકર્ષક રંગો જોવા મળે છે. આ સમૂહની અગત્યની નસલોમાં સ્પેનિયલ કોકર, બ્રિટિશ સ્પેનિયલ, ફિલ્ડ સ્પેનિયલ વગેરે મુખ્ય છે.આમ કૂતરા પણ કેટલી જાતિનાં હોય છે તેની ઘણી જાણકારી મેળવી છે કારણ કૂતરું કે કૂતરા માનવ જાત સાથે પ્રેમાળ રીતે રહે છે.
આપણ વાંચો: વ્યંગ: આનું નામ તે વેર.!