ઈન્ટરવલસ્પેશિયલ ફિચર્સ

ઔર યે મૌસમ હંસીં… : ઠંડે ઠંડે પાનીસે નહાના ચાહીએ કે નહીં?

-દેવલ શાસ્ત્રી

શિયાળામાં વહેલા ઊઠવું અને નહાવું..

આ બન્ને વાત ચર્ચાસ્પદ છે-એ કાં તો ઊંઘ ઉડાડી દે અથવા તો ઠંડીની લહેરખીથી ધ્રુજાવી દે ! મજાની ઠંડીમાં ગોદડું ઓઢીને સૂતેલા માણસને હૂંફમાંથી બહાર કાઢવા જેટલી મહેનત કરવી પડે છે એટલી જ મહેનત નાહવા મોકલતી વેળા થાય છે.

એક અભ્યાસ મુજબ પ્રતિ ચોથો અમેરિકી રોજ નહાતો નથી. આપણે ત્યાં વર્ષોથી માનવામાં આવે છે કે ગરમ પાણીથી સ્નાન કરવાથી શરીરનો દુખાવા ઘટે છે અને વ્યક્તિ તાજગી અનુભવે છે.

શિયાળામાં કુદરતી ઠંડક વચ્ચે ઊંઘ સારી આવતી હોવાથી રાત્રે સૂતા અગાઉ ગરમ પાણીથી સ્નાન કરવું જોઈએ. નિયમિત રીતે સ્નાન કરવાથી મન શાંત રહે છે અને તણાવમાંથી મુક્તિ મળે છે. રાત્રે સ્નાન કરવાથી નિદ્રા દેવીની વિશેષ કૃપા થાય છે અને તમે ગાઢ નિદ્રામાં સરી પડો છે.

સ્નાન કરવાના ફાયદા જેવી વાત આવે એટલે નિષ્ણાતો સંશોધન કરવા લાગ્યા છે કે કોઈ પણ ઋતુમાં ગરમ પાણીથી સ્નાન કરવું કે ઠંડા પાણીથી સ્નાન કરવાથી ફાયદો થાય. માંડ માંડ માણસ નહાતો હોય ત્યાં આ નવી ઉપાધિ આવી કે પાણી કેવું હોવું જોઈએ. ઠંડા પાણી થકી સ્નાન કરવાથી થાક ઘટે છે અને માંસપેશીઓના દુખાવામાં રાહત થાય છે.

એક અભ્યાસ એવું કહે છે કે ઠંડા પાણીથી સ્નાન કરતાં રહો તો બીમારી-રોગચાળાના વાયરા સિવાયના સમયમાં સંજોગોમાં રોગપ્રતિકારક ક્ષમતા વધે છે. ઠંડા પાણીથી શિયાળામાં સ્નાન કર્યા પછી હિમાલય રખડ્યાની ખુશી મળશે. શિયાળામાં ઠંડા પાણીથી સ્નાન કરવું હોય તો થોડા ગરમ પાણીથી સ્નાન કરતા કરતા ધીમે ધીમે ઠંડુ પાણી ઉમેરતાં રહેવું. ગીઝર વાપરતાં હોવ તો બંધ કરી દેવું, જેથી અચાનક ઠંડું પાણી જે રીતે ધ્રુજારી ઊભી કરી દે છે એનાથી બચી શકાય. સ્નાન પછી કપડાં તૈયાર રાખવા. ઠંડા પાણીના સ્નાન કરવાથી મૂડથી માંડીને સ્કિન સારી રહે છે એવા ઘણા ફાયદા છે.

બીજી તરફ, ગરમ પાણીથી સ્નાન કરવાના પણ ફાયદા છે.એનાથી થાક દૂર થાય છે. શરીરની સ્વચ્છતામાં વધારો કરવા સાથે બ્લડ પ્રેસર જેવી બીમારીમાં રાહત મળે છે. બીમારીમાં ઠંડું પાણી નુકસાન કરે તો ગરમ પાણીથી નાજુક ચામડીને નુકસાન થઇ શકે. બંનેના ફાયદા અને નુકસાન છે તો આપણે શું કરવું જોઈએ એના પર ચર્ચાઓ ચાલે છે.

બુદ્ધિશાળી તજજ્ઞોએ સલાહ આપી કે જો દિવસમાં બે વાર સ્નાન કરતાં હો તો એકવાર ગરમ અને બીજીવાર ઠંડા પાણીનો ઉપયોગ કરો. આપણા વડવાઓ શીખવાડીને ગયા છે કે ગરમીમાં ઠંડું ને ઠંડીની ઋતુમાં ગરમ પાણીનો ઉપયોગ કરવો. આખી વાતનો સાર એટલો જ છે કે કોઈપણ ઋતુ હોય, નિયમિત સ્નાન કરતાં રહેજો.


Also read: લીડરે હંમેશાં પોતાની ટીમને ‘વી કેન’નો ભરોસો અપાવવો જોઈએ લીડરશિપ કરનારે ગણપતિ બાપાના ગુણ અપનાવવા જેવા છે


દિવસ દરમિયાન સ્નાન કરવું જોઈએ એવી ધાર્મિક માન્યતા છે. આપણે ત્યાં પાંચ હજાર વર્ષ પહેલાં સિંધુ સંસ્કૃતિ સમયે વ્યવસ્થિત પાણી માટે ડ્રેનેજ-ગટર સિસ્ટમ હતી. શક્ય છે કે એ યુગમાં ગરમ પાણીથી સ્નાન કરવું એ ફક્ત ધનિકો માટે હશે. દરેક વ્યક્તિ પાણીનો ઉપયોગ કરી શકે એ માટે સંશોધન શરૂ થયાં હશે. માણસજાત વ્યવસ્થિત રીતે પાણીનો ઉપયોગ કરી શકે એ માટે માટીની પાઇપ નાખવામાં આવી હતી.

ગ્રીસમાં આધુનિક કહી શકાય એવી ડ્રેનેજ સિસ્ટમ કામ કરતી હતી. આ સિસ્ટમ થકી પાણી આવતું હશે અને ચૂલા જેવી સગવડ હશે. યુરોપમાં લોકો સ્નાન માટે ગરમ પાણીના વહેણ – પ્રવાહ પાસે સ્નાનઘર બનાવતાં. રોમમાં વિશાળ સ્નાનઘર બન્યા હોવાનું માનવામાં આવે છે, જેમાં પાંચેક હજાર વ્યક્તિ સ્નાન કરી શકતી. આપણા દેશમાં પૌરાણિક મહેલો જોવા જઈએ છીએ ત્યારે ત્યાં જાત જાતની ગરમ પાણી માટે વ્યવસ્થા જોઈને આશ્ર્ચર્ય થાય..

આપણા ગામડાઓમાં ચૂલા પર ગરમ પાણી મુકવામાં આવે અને એક પછી એક સદસ્ય ડોલમાં પાણી ભરીને લઇ જાય ને સ્નાન કરી લે. એ જ ચૂલાના લાકડામાં પાપડી શેકવામાં આવતી અને રોટલા તૈયાર થતાં. સમય જતાં વિભક્ત થયેલા નાના પરિવારોમાં સ્ટવનો ઉપયોગ થતો. એકવાર ગરમ પાણી તૈયાર થાય પછી ઘરના બધા ફટાફટ સ્નાન કરી લે…

ભારતીય ગ્રામ્ય જીવનમાં નાહવાની સૌથી વધુ મજા કૂવાની પાળે હશે. શિયાળામાં પ્રકૃતિનો ચમત્કાર હૂંફાળું પાણી આપે અને ઉનાળામાં ઠંડું પાણી આપે. નહેર, તળાવ અને નદીમાં સ્નાન કરીને ઉછરેલી પ્રજાતિને ક્યારેય ગરમ કે ઠંડા પાણીની ચર્ચા કરી નહીં હોય. ત્યારે ગરમ અને ઠંડું પાણીની ચિંતા પ્રકૃતિએ કરી હશે !

યુરોપમાં ઔદ્યોગિક ક્રાંતિ શરૂ થયા પછી છેક ૧૮૮૯માં એડવિન રુડ નામના વૈજ્ઞાનિકે હીટરની શોધ કરી. લોખંડ અને તાંબાના પહેલા હીટર પછી દુનિયામાં સુરક્ષિત રીતે વપરાશ કરી શકાય એવું ઘરેલુ ગરમ પાણીની જરૂરિયાતનું મોટું માર્કેટ શરૂ થયું. આજે ગેસ હીટરથી માંડીને સોલાર વોટર હીટર સુધી અનેક નવાં સંશોધન થયાં છે..

નોકરી- ધંધામાં વ્યસ્ત વ્યક્તિને ચૂલા પાસે ઊભા રહેવાનો સમય નથી- એને બે મિનિટમાં ગરમ પાણી જોઈએ છે. આધુનિક યુગમાં વાઈફાઈ સાથેના ગરમ પાણી માટેનાં ઉપકરણોની શોધ માટે સમયનો સદુપયોગ પ્રેરક કારણ બન્યું. પતિ- પત્ની ઓર વોહના સંજીવકુમારની જેમ ‘ઠંડે ઠંડે પાણીસે નહાના ચાહિયે’ જેવાં ગીત લલકારીને સ્નાન કરવા જેટલો સમય નથી- બધું ઇન્સ્ટન્ટ જોઈએ. માણસ પાસે પોતાના શરીરને સંભાળવાનો સમય નથી. બે- ચાર ડબલાં પાણી રેડીને સ્નાન કર્યાનો આનંદ ભોગવી લે છે.


Also read: કવર સ્ટોરી : આરબીઆઇ સામે મોટી મૂંઝવણ: કાતર ક્યાં ફેરવવી!


શાંતિથી માણસે સ્નાન કરવાનો આનંદ લેવો જોઈએ એવું એક યા બીજા સ્વરૂપે દરેક સંસ્કૃતિમાં કહેવામાં આવ્યું છે. સાર્વજનિક સ્થાન હોય અથવા સ્નાનમાં સ્વતંત્રતા મળતી ન હતી એ કારણે નવાં ઉપકરણો શોધાતાં ગયાં . ઋતુઓના ફેરફાર સમયે તકલીફો રહેતી હશે એ બધી સમસ્યા દૂર કરવામાં આવાં ઉપકરણ મદદરૂપ થયાં. આમ છતાં માણસે સ્નાનમાં રસ લેવાનો ઓછો કર્યો.

જે વસ્તુ સહજ મળે એમાં ઉત્તેજના રહેતી નથી. નાના બાળકને સ્કૂલ બસ લેવા આવવાની હોય કે નોકરી- ધંધા પર નીકળવાનું હોય એ યુગમાં સ્નાન ફક્ત ફોર્માલિટી બની ગયું છે. ફક્ત વાતોમાં જ એનું મહત્ત્વ રહ્યું છે. નાહવાની વાતનું આપણે નાહી નાખ્યું છે.

ધ એન્ડ :
પાંચ મિનિટ સ્નાન કરવાથી પ્રતિ વ્યક્તિ અંદાજે ૩૬૦૦૦ લીટર પાણીનો ઉપયોગ કરે છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button