પાકિસ્તાન કે આંગનેમેં બ્યુટી કોન્સ્ટેસ્ટ કા કયાં કામ હૈ??

ફોકસ -ભરત વૈષ્ણવ
પાકિસ્તાન સરકારનો ગુસ્સો વાજબી છે. કંઇ સરકાર આવી હરકત સહન કરી શકે?? શઠમ્ પ્રતિ સાઠયમ કુર્યાત એમ સંસ્કૃતમાં કહેવાય છે. કદાચ પાકિસ્તાનમાં સંસ્કૃત ભાષાની જાણકારી ખાસ નહીં હોય તેવું અનુમાન છે. કોઇ રડ્યાખડ્યાને સંસ્કૃત ભાષા આવડતી હોય! પરંતુ, તેને આ સુભાષિતના લક્ષ્યાર્થ, વાંચ્યાર્થ કે ભાવાર્થ વિશે જાણકારી ન હોય!! ટીટ ફોર ટેટ અંગ્રેજીમાં કહેવાય છે. વોકલ લોકલ લેન્ગવેન્જમાં ઇંટનો જવાબ પથ્થર પણ કહેવાય છે!! આપણે તો રોટલા સાથે કામ છે, ટપટપ સાથે કે લપલપ સાથે નહીં!!
પાકિસ્તાનની ભૂમિ ફળદ્રુપ છે. પાણીની સગવડ હોય કે ન હોય. ખાતરની સગવડ હોય કે ન હોય. ખેતર ખેડેલ હોય કે ન હોય, પરંતુ ભારત તરફની નફરતના બી વાવતાં જ મોટા વટવૃક્ષ બની જાય છે. બે કોળિયા પેટમા નાખવા ન હોય પણ ભારત સાથે એક હજાર વરસ લડવાની ટંગડી નીચે પડતી નથી!!
ભારત કરતાં એક દિવસ પહેલાં આઝાદ થનાર પાકિસ્તાન મોટો ભાઇ કહેવાય. હકીકતમાં પાક્સ્તિાને મોટા ભાઇ જેવું ઔદાર્ય, સ્નેહ કે વાત્સલ્ય કદાપિ દાખવ્યું નથી. પાકિસ્તાન સેના, આઇએસઆઇ અને પાકિસ્તાનના હાકેમોએ ભારતની તમામ ક્ષેત્રોમાં આકાશ હવે તો ચંદ્રને ટચ કરતી સિદ્ધિથી હરખાવાનો બદલે ભૂંડી ઇર્ષા કરી છે. ભારતને તબાહ કરવા આતંકવાદી શ્ર્વાનો છોડે રાખ્યા છે!!
ભારત લોકશાહીનું જનક અને પક્ષધર છે. આઝાદી મળ્યા પછી એક પણ દિવસ કે સેક્ધડ લશ્કરની એડી નીચે કચડાયેલ નથી વૈચારિક મતભેદ કે ઇવન મનભેદ હોવા છતાં ભારત મહાસત્તા બનવા તરફ અગ્રેસર છે. ભારતનો લોહા દુનિયા સ્વીકારે છે અને માને છે!! જ્યારે પાકિસ્તાન પંચોતેર વરસમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે લશ્કરની લોખંડી એડી નીચે સતત પૂરી થયેલી સિગારેટની માફક રોંદાતું રહ્યું છે!! પાકની આવામ મુઠ્ઠીભર ખોરાક માટે નગરી નગરી દ્વારે દ્વારે ભટકી રહી છે. લશ્કરના હાકેમો આવામને લૂંટીને ઐયાશી કરે છે. જમીન,ફિરોતી, કંપની ચલાવવી જેવા તમામ ધંધા વરદીની આડ નીચે કરે છે!! પાક લશ્કર ચૂંટાયેલ સરકારના નાકમાં દમ લાવતું નથી પણ સરકારનું ગળું દબાવી સરકારની હત્યા કરે છે!!
પાકિસ્તાને સંગીતમાં ખૂબ જ મહારત હાંસલ કરી છે. આવાઝ દે કહાં હૈ ? દુનિયા મેરી જવાં હૈ જેવું અદ્ભુત ગીત ગાનારી અને લતા મંગેશકર સમકક્ષ નૂરજહાં જેવી ગાયિકા પાક પાસે છે. બડે ગુલામઅલી ખાં, ગુલામઅલી ખાં, મહેંદી હસન, અતાઉલ્લા ખાં , અદનાન સામી જેવા ફનકાર છે. મન્ટો જેવા સાહિત્યકાર છે. છતાં સંગીતના સૂરોને બદલે એકે પ૬ ,,બોમ્બ ધડાકાની ગૂંજ સુનાઇ દે છે!!
આપણે લાઇટના એક યુનિટના પાંચ કે છ રૂપિયા થાય તો કાગારોળ કરીએ છીએ. માનીતા મિત્રને એગણચાલીસસો કરોડ રૂપિયા સોનાના તાંસકમાં ધરીએ તો ગરાસ લૂંટાઇ ગયો હોય તેમ રોનાધોના કરીએ છીએ . પાક્સ્તિાન લાઇટ બિલના એક એકમના ભાવમાં અડધી સદી ફટકારી છે. પાક્સ્તિાનની પ્રજાની આમદાની દસ હજાર છે અને વીજળીનું બિલ પંદર હજાર છે. નતીજા ઠનઠન ગોપાલ કે બાબાજીનું ઠુલ્લું!! વીજળીના દામ એક યુનિટે સો રૂપિયા થવાના પોઝિટિવ વાઇબ્સ છે!! આપણે સો રૂપિયાનું પેટ્રોલ વાપરીએ છીએ. પાક સરકાર દ્વારા જારી કરાયેલી જાહેરાત મુજબ ૨૬ રૂપિયા ૨ પૈસાના વધારા બાદ પેટ્રોલની નવી કિંમત ૩૩૧ રૂપિયા ૩૮ પૈસા પ્રતિ લિટર થયો. હાઈ સ્પીડ ડીઝલની કિંમતમાં ૧૭ રૂપિયા ૩૪ પૈસા પ્રતિ લિટરનો વધારો કરવામાં આવ્યો છે અને નવી કિંમત ૩૨૯.૧૮ રૂપિયા નક્કી કરવામાં આવી છે. આ ભાવ પ્રજા હોશે હોશે નહીં પણ ઝખ મારીને ચુકવે છે. આપણે ત્યાં એક ડૉલરના ત્યાંશી કે ચોર્યાશી ચુકવીએ છીએ તો પણ મરી ગયા મરી ગયાની બુમરાણ મચાવીએ છીએ. પાક્સ્તિાની ત્રણસો રૂપિયા બરાબર એક ડૉલર છે. આપણે ત્યાં ગેસના બાટલાના અગિયાર સો ચુકવીએ છીએ અને આપણા મગજનો બાટલો જવાળામુખીની માફક બ્લાસ્ટ થાય છે . પાકિસ્તાનમાં ગેસના બાટલાના દસ હજાર રૂપિયા છે. જે ગરીબને બાટલો ન પરવડે તે પ્લાસ્ટિકની કોથળીમાં ગેસ ભરી જીવના જોખમે રોટી પકવે છે. પાકમાં નમાજી ધરતી ચૂમે છે અને ચીજવસ્તુના ભાવ આસમાન ચુમે છે!!મફતમાં લોટ લેવા જતા મુફલિસ અને મુજલિમ લોટ મેળવવો તો બાજુએ રહ્યો પણ ધક્કામુક્કીને લીધે સુપુર્દે ખાક થાય છે!!
પાકિસ્તાનની આર્થિક સ્થિતિ કંગાળ બની રહી છે ત્યારે પાકિસ્તાન ઇન્ટરનેશનલ એરલાઇન્સ (પીઆઇએ) કંગાળ થવાના આરે પહોંચી ગઇ છે. પીઆઇએના ટોચના અધિકારીઓએ ચેતવણી આપી છે કે જો તાત્કાલિક ફંડ આપવામાં નહીં આવે તો આગામી ૨૪ કલાકમાં વિમાન સેવા બંધ કરવાની ફરજ પડી શકે છે. પીઆઇએના પાઈલોટસ અને ગ્રાઉન્ડ સ્ટાફને ઘણા મહિનાઓથી પૂરું વેતન મળ્યું નથી એટલું જ નહીં કંપની અત્યાર સુધી ઇંધણ અને સ્પેર પાર્ટસ માટે લોન લઇને ગાડું ગબડાવતી હતી, પરંતુ હવે તે મળવાનું બંધ થઇ ગયું છે. પાકિસ્તાનનું અર્થતંત્ર અત્યારે એકદમ કંગાળ હાલતમાં છે. લોકોને ખાવાના પણ ફાંફા પડી ગયા છે. દેશમાં ઠેરઠેર મોંઘવારી વિરુદ્ધ દેખાવો થઈ રહ્યા છે. પેટ્રોલનો ભાવ રૂા. ૩૦૦ને પાર થઈ ગયો છે.
આ ગંભીર આર્થિક સંકટ છતાં પાકિસ્તાન સતત તેના પરમાણુ શસ્ત્રોની સંખ્યા વધારી રહ્યું છે.!!સામાન્ય રીતે છ ઇંચ કે બાર ઇંચની સેન્ડવિચનું વેચાણ થાય છે, પરંતુ પાકિસ્તાનમાં ત્રણ ઇંચની બોનસાઇ સેન્ડવિચ લોંચ થઇ છે, જેની કિંમત બોનસાઇ નથી પણ લાર્જર ધેન લાર્જર એટલે કે ત્રણસો સાંઇઠ રૂપિયા છે!!! બડે મિંયા બડે મિંયા છોટે મિંયા બેભાનાલ્લાહ!! વોટ એ સુભાનાલ્લાહ !!
આપણે ત્યાં નાના મોટા છમકલા સિવાય અમન ચમન છે. પાકમાં ભય, ડર, દહેશતગર્દીનો માહૌલ છે. વરઘોડામાં ફટાકડા ફૂટે તેમ બોમ્બ ધડાકા થાય છે. સ્કૂલો, હોસ્પિટલો, બસ, આગગાડી, સ્ટેડિયમ ,સભા, સરઘસમાં ઇવન નમાજ પઢતા બિરાદરો પર ગોળીબાર, બોમ્બધડાકા થાય છે. જેમાં સેંકડો લોકો અલ્લાહને પ્યારા થાય છે!! પાક્સ્તિાને આતંકવાદને પાળ્યો પોષ્યો છે. સાપને દૂધ પિવડાવ્યું છે. આતંકવાદનો અજગર પાક્સ્તિાનને નાગચૂડ ભીંસથી ભીંસી રહ્યો છે .પાક મુલ્લા, મૌલવી, મસ્જિદ, શરિયત અને તાલીબાન, અલકાયદા વગેરેના અત્યાચારથી ધીમું ધીમું કણસી રહ્યું છે!!
જયાં શાંતિ ન હોય ત્યાં સંસ્કાર, સંસ્કૃતિ, કળા કેવી રીતે ધબકાર લઇ શકે?? કળાના વિકાસ માટે ઉત્તેજન કે પ્રોત્સાહન મળવું એ પાયાની જરૂરિયાત અને પૂર્વશરત છે. આપણે ત્યાં લલિતકળા, સાહિત્ય, નાટક. સિનેમાની પ્રવૃત્તી ફૂલીફાલી છે. છેલ્લા કેટલાય દાયકાથી બ્યુટી પિજેન્ટ એટલે બ્યુટી કોન્ટેસ્ટ નિયમિતરૂપે યોજાય છે!! રીટા ફારિયા આઝાદીના ઉષ:કાળે મિસ વર્લ્ડ બની હતી. પછી ઐશ્ર્ચર્યા રાય, સુસ્મિતા સેન, પ્રિયંકા ચોપરા, ડાયેના હેડન, લારા દતા, માનુષી છીલ્લર સોંદર્ય વિશ્ર્વમાં ભારતના અપ્રતિમ રૂપના ધ્વજદંડ પ્રસ્થાપિત કરી રહી છે!! પાક્સ્તિાનની મહિલા સૌંદર્યના મામલે બેહદ ખૂબસૂરત છે, પરંતુ એક પણ પાક્સ્તિાની સુંદરી મિસ યુનિવર્સ કે મિસ વર્લ્ડ બની નથી. અરે મિસ યુનિવર્સ કે મિલ વર્લ્ડની વાત છોડો, મિસ કરાંચી કે મિસ લાહોર પણ થઇ શકતી નથી. કેમ કે મુલ્લાઓ ઓરતોને બચ્ચા પેદા કરવાની એકે ૫૬ રાઇફલ માને છે. બોમ્બ ધડાકા દહેશતગર્દી, મઝહબી માહૌલમાં સૌંદર્યનું પુષ્પ પાંગરે કે કલ્પના ચંદ્ર પર ચંપાનું ફૂલ ખીલવવા એટલે કે ચંદ્રકુસુમવત કલ્પના લાગે છે!!
હમણા ગજબ થઇ ગયો. પાકિસ્તાનના પ્રગતિ વિરોધી અને મધ્યયુગીન મજહબી માહૌલ પર કુઠારાઘાત થયો. આ વર્ષે મિસ યુનિવર્સની સ્પર્ધા યુએઇમાં યોજાવાની છે
મિસ યુનિવર્સ પાકિસ્તાન નામની પ્રતિયોગિતાને લઈ ભારે વિવાદ સર્જાયો છે. આ ઈવેન્ટ માલદિવ્સના એક રિસોર્ટમાં યોજાઈ હતી.જેમાં કરાચીની ૨૪ વર્ષની મોડલ એરિકા રોબિન તેની વિજેતા બની છે.. હકીકતમાં ૨૪ વર્ષની રોબિન પાકિસ્તાનમાં ફેશન મોડલ તરીકે કામ કરે છે. ૨૦૦ સ્પર્ધક પૈકી પાંચ સ્પર્ધકની પસંદગી કરવામાં આવી હતી. એરિકા રોબિન જે ચાર ફાઈનલિસ્ટ પૈકી પસંદ કરવામાં આવી હતી. તેના ઉપરાંત ૨૮ વર્ષની જેસિકા વિલ્સન, ૧૯ વર્ષની મલિકા અલ્વી, અને ૨૬ વર્ષની સબરીના વસીમ હતી. મિસ યુનિવર્સ પાકિસ્તાનથી પહેલા, પાંચ ફાઈનલિસ્ટોએ ધ પાવર ઈન મોડેસ્ટી શીર્ષકથી એક ફોટો શૂટ પણ કર્યો હતો.પાક્સ્તિાન મિસ યુનિવર્સ સ્પર્ધાનું આયોજન દુબઇ સ્થિત યુગેન ગ્રુપની ફ્રેન્ચાઇઝીએ કરેલ હતું! મિસ યુનિવર્સ સ્પર્ધાના ઇતિહાસમાં પહેલીવાર પાકિસ્તાની યુવતી ભાગ લેશે.!!
આ સ્પર્ધાનાં આયોજન માટે પાકિસ્તાન સરકારની મંજૂરી લેવામાં આવેલ ન હોઇ પાકિસ્તાનના કાર્યવાહક વડા પ્રધાન અનવર-ઉલ-હક કક્કરે વિદેશ મંત્રાલયને યુએઈ સરકાર સાથે ત્યાં સ્થિત કંપની વિશે વાત કરવા કહ્યું છે. પાકિસ્તાન સરકારની મંજૂરી વિના પાકિસ્તાની યુવતીઓને કેવી રીતે પાકિસ્તાનનું પ્રતિનિધિત્વ કરવા માટે પરવાનગી આપી?તેની તપાસ કરવા આદેશ આપ્યો છે!
પાકિસ્તાન સરકારનો આક્રોશ, રોષ, ગુસ્સો નાજાયજ નહીં પણ જાયજ છે તેમ રાજુ રદી માને છે. કમળ કાદવમાં ખીલે છે. ગાંધીજીના રહસ્ય સચિવ મહાદેવભાઇ દેસાઇ અગ્નિકુંડમાં ખીલેલું ગુલાબ હતા એ વાત પણ માની શકાય. કટરતાના કાંટા અને મજહબી કાચની કરચો વચ્ચે , મહિલા પ્રત્યે જાહિલ ગવાર અપમાનજનક વ્યવહાર કરતા પાક્સ્તિાનમાં મિસ પાક્સ્તિાન યુનિવર્સનું પુષ્પ પાંગરે તે કેમ ચલાવી લેવાય? આજે મિસ યુનિવર્સ છે, કાલે મિસ વર્લ્ડ , મિસ ગ્લોબલ બનશે તો મુલ્લાંઓનું વર્ચસ્વ ઘટશે અને એક બેડ દિવસે મજહબ, મસ્જિદ, મુલ્લાની કેદમાંથી લોકો આઝાદ થાય તે કેમ ચલાવી લેવાય ?? વર મરો ક્ધયા મરે પણ ગોરનું તરભાણું ભરો એ ન્યાયે પ્રજા પછાત રહે, જાહિલ ગંવાર રહે પણ મૌલવીમુલ્લાની ઇદ બરકરાર રહેવી જોઇએ કે નહીં??
પાકિસ્તાન સરકાર મિસ્ટર આતંકવાદ અને મિસ મિલિટન્ટ કોન્ટેસ્ટ ત્રણસો પાંસઠ દિવસ બાય ટવેન્ટી ફોર અવર્સ યોજે જ છે!! જેમાં મરનારને મિસ યુનિવર્સ કે મિસ વર્લ્ડ નહીં પણ જન્નતની હૂર મળે છે!! પછી મિસ યુનિવર્સ કોન્ટેસ્ટ કા પાકિસ્તાન કે આંગમે મેં કયાં કામ હૈ???