તમે ન આપેલો ઓર્ડર રદ કરાવતા અગાઉ ચેતી જાઓ
સાયબર સાવધાની – પ્રફુલ શાહ
સાયબર ક્રિમિનલ પાસે ગજબનાક ભેજું હોય છે. તેઓ સાયબર પોલીસ કે સાયબર સિક્યોરિટીવાળા કરતાં કાયમ બે ડગલાં આગળ રહે છે. ગુના પછી એવા હવામાં ઓગળી જાય કે સોંઘવારીની જેમ શોધવાનું અસંભવ બની જાય.
તમે ઘરમાં પરિવાર સાથે મસ્તી કરી રહ્યા હો. બચ્ચા સાથે ટેલિવિઝન પર એનો કોમેડી શૉ જોઈ રહ્યા હો, પત્ની સાથે રોમેન્ટિક ફિલ્મ જોઈ રહ્યા હો કે ફેવરિટ વેબ સિરીઝ જોઈ રહ્યા હો. લાંબા સમયે આવું થવાથી અત્યંત સંતોષ અને આનંદ અનુભવતા હો.
ત્યાં જ દરવાજાની પેલી તરફથી કોઈ ડૉરબેલ વગાડે. દરવાજો ખોલતા સામે ડિલિવરી બૉય દેખાય. એ કંઈક આપવા આવ્યો છે. તમને નવાઈ લાગે કે મેં તો કોઈ ઓનલાઈન ઓર્ડર આપ્યો નથી. તમે ઘરમાં પૂછપરછ કરી જુઓ કે મારા માટે કે મારા નામે જોઈએ ઓર્ડર આપ્યો છે ખરો? જવાબ નકારમાં મળે.
સ્વાભાવિક છે કે તમે મુંઝાઈ જાઓ. ડિલિવરી બૉય પાર્સલ પર તમારું નામ, એડ્રેસ અને ટેલિફોન નંબર બતાવે. પણ તમે મક્કમ રહો કે ભાઈ મેં તો કોઈ ઓર્ડર આપ્યો જ નથી, ને આ પાર્સલ મારું નથી. દયામણો ચહેરો કરીને ડિલિવરીબૉય વિચારમાં પડી જાય. પછી એ તમારા પર દયા ખાતો હોય એમ સૂચન કરે કે તમે ઓર્ડર કેન્સલ કરી નાખો, નહીંતર આ પેકેટમાં રહેલી ચીજની કિંમત તમારા બૅંક અકાઉન્ટ કે ક્રેડિટ કાર્ડમાંથી કપાઈ જશે. તમે મક્કમ રહો કે મેં ઓર્ડર આપ્યો નથી તો ઓર્ડર રદ કરવાનો સવાલ જ ક્યાં આવે?
ડિલિવરી બૉય કહેશે કે સર, એકવાર ગયેલા પૈસા નહીં આવે. એના પર તમે વિશ્ર્વાસ મૂક્યો હોય એવું લાગે એટલે એ ઓર્ડર રદ કરવાની પ્રક્રિયા સમજાવશે. એ તમને એક મોબાઈલ નંબર પર કોલ કરવાનું કહેશે. ત્યાં સામેથી તમારી સચ્ચાઈની ખાતરી માટે બે-ત્રણ અંગત સવાલ પૂછવામાં આવશે. સવાલ સરળ હોય કે મમ્મીનું નામ શું, ક્રેડિટ કે ડેબિટ કોર્ડની મુદત ક્યાં સુધી છે.
તમારા જવાબોથી સંતુષ્ટ થઈને ફોન પર સલાહ અપાય કે તમારા પર એક લિન્ક આવી છે એના પર ક્લિક કરો એટલે ઓર્ડર રદ થઈ જશે. અમુકમાં કહેવાય કે આપના ફોન પર એક ઓટીપી આવી છે એ શેઅર કરો એટલે ઓર્ડર રદ અને તમે છુટ્ટા.
આ બેમાંથી એકાદ સલાહ માની તો સમજી લો કે તમારા બૅંકના ખાતાની વગર દિવાળીએ સાફસફાઈ કરીને એકદમ ચોખ્ખુંચણાક કરી નખાશે.
કોમન સેન્સની વાત પકડી રાખો કે ઓર્ડર આપ્યો નથી તો કેન્સલ શા માટે કરાવવો?
A.T.P. (ઑલ ટાઇમ પાસવર્ડ)
એક આંચકો-સાયબર ઠગ સાથે અમુક બૅંકવાળાની પણ મિલીભગત હોય છે.