ઈન્ટરવલ

મહાગુજરાતનો જંગ

આજે ‘ગુજરાત દિવસ’ નિમિત્તે યાદ કરીએ એ નિર્દોષ વિદ્યાર્થીઓના બલિદાનને…

વિશેષ -ડૉ. ભૂપેન્દ્રસિંહ અભાણી

૮ ઓગસ્ટ ૧૯૫૬ આકાશમાં સૂરજ નારાયણ બરાબર મધ્યાહ્ન તપ્યા હતા. તે સમયે અમદાવાદના લોકોની હજુ બપોરની ઊંઘ પૂરી થઈ ન થઈ ત્યાં તો ધડાધડ ગોળીબારના અવાજ સંભળાવા લાગ્યા. લોકો વિચારમાં પડી ગયા, આ શું ડાકુઓ કે આતંકવાદી જૂથ હુમલો કરી ગોળીબાર કરી રહ્યા છે,. પરંતુ આ ગોળીબાર તો ગાંધીના અહિંસક ગુજરાતની નમાલી પોલીસ નિર્દોષ અને કોઈના લાડકવાયા એવા વિદ્યાર્થી યુવાનો પર ગોળીબાર કરી રહી હતી.

શું કારણ હતું આ ગોળીબારનું…..? પાશ્ર્ચાદ્ ભૂમિકામાં નજર કરીએ તો, આઝાદીની લડત સમયે કૉંગ્રેસે ભાષા વાર દેશના અલગ અલગ પ્રાંત બનાવવાનું વચન આપેલ, તે પ્રમાણે દેશના અલગ અલગ પ્રાંત (ઇલાકા) બનાવવામાં આવ્યા. ગુજરાતીઓને હતું કે મહાગુજરાત રાજ્ય બનશે પરંતુ આ આશા ઠગારી નીવડી. ગુજરાત, કચ્છ અને વિદર્ભ સહિત મુંબઈનું દ્વિભાષી (ગુજરાતી-મરાઠી) રાજ્ય રચવાનો પાર્લામેન્ટે નિર્ણય લીધો અને સૌરાષ્ટ્ર અલગ રાજ્ય બન્યું (જેના પ્રથમ મુખ્યમંત્રી શ્રી ઢેબરભાઈ બન્યા હતા)જેનો સમગ્ર ગુજરાતી લોકોએ વિરોધ કરવાનું નક્કી કર્યું અને તે માટે કેટલાક નિર્દોષ વિદ્યાર્થીઓ કૉંગ્રેસ હાઉસ કૉંગ્રેસી નેતાઓને મળવા ગયા હતા પણ તેઓને શું ખબર કે આ રીતે તેમના પર ખુલ્લેઆમ ગોળીબાર કરવામાં આવશે. ગોળીબારમાં પાંચ વિદ્યાર્થીઓ ત્યાં ને ત્યાં મરણને શરણ પામ્યા અને તેથી જ ૮ ઓગસ્ટ ઐતિહાસિક મહાગુજરાત આંદોલનના શહીદ દિવસ તરીકે ઓળખાય છે. સ્વાતંત્ર્ય સંગ્રામની લડત બાદ મહાગુજરાત આંદોલન એ ગુજરાતી પ્રજાનું સૌથી મોટું આંદોલન ગણાય છે. આ આંદોલન દરમિયાન કુલ ૨૪ યુવાનો શહીદ થયા હતા. આંદોલનના બીજા દિવસે ભારત સરકારના ગૃહપ્રધાન શ્રી ગોવિંદ વલ્લભ પંતે કહ્યું કે જે અમારા નિર્ણયનો વિરોધ કરશે તેને ઠાર મારીશું, તો મુંબઈ રાજ્યના મુખ્યમંત્રી શ્રી મોરારજીભાઈ દેસાઈએ કહ્યું કે અમારા નિર્ણયનો વિરોધ કરશે તેને સહન કરવાનું આવશે. આના જવાબમાં મહાગુજરાત આંદોલનના મુખ્ય નેતા શ્રી ઇન્દુલાલ યાજ્ઞિકે જણાવ્યું કે આવા શબ્દો વિદેશી શાસકો અંગ્રેજોના મોઢામાં જ શોભી શકે, કૉંગ્રેસના મોવડીઓના મોઢામાં નહીં. ગાંધીજીના વારસાને ઝાંખપ ન લગાડશો.

સરકારના આવા દમનકારી વલણથી અને મહાગુજરાત ચળવળને વેગ મળતો હોય તેમ ગામે ગામ આંદોલન શરૂ થયા. ૯મી ઓગસ્ટ ૧૯૫૬ જેતપુર શહેરમાં પણ સરકારની દમનનીતિ અને ગોળીબાર સામે રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો. એક જાહેર કાર્યક્રમમાં અમદાવાદમાં થયેલા ગોળીબારની તપાસ કરવાની માગણી કરવામાં આવી અને મહાગુજરાતની માગણી કરવામાં આવી હતી. તારીખ૧૩ ઓગસ્ટ જેતપુરના વિદ્યાર્થીઓએ હડતાલ પાડી જેમાં પાછળથી મોટી સંખ્યામાં નાગરિકો જોડાયા હતા. ઘણા સ્થળોએ કાળાં વાવટા ફરકતા હતા. એક સરઘસ કાળા વાવટા સાથે સૂત્રો પોકારતું શહેરમાં ફર્યું હતું અને જાહેર સભામાં શહીદોને અંજલિ આપી હતી.

અંતે જનતાની જીત થઈ અને સૌરાષ્ટ્ર, કચ્છ અને ગુજરાત મળી સંયુક્ત ગુજરાત રાજ્યની સ્થાપના પહેલી મે ૧૯૬૦ ના રોજ અમદાવાદ સાબરમતી આશ્રમમાં જાણીતા લોકસેવક શ્રી રવિશંકર મહારાજના હસ્તે કરવામાં આવી.

આંદોલન સમયે કેટલાક પ્રચલિત થયેલા ગીતોના થોડા શબ્દો: (૧) ગરવી ગુજરાતને નો ’ તી રેસવી, રેસી નાખી મોટી કીધી ભૂલ રે…… મુંબઈના સુબા, હાંરે મોરારજી કાકા,… ગરવી. (૨) તમારી જાન ફેસાની – શહાદત, મહા ઇતિહાસ બની રહેશે…!

જય નાદ મહાગુજરાત, અંતિમ ધ્યેય અમ રહેશે.

(૩) મહાગુજરાતનું ગૌરવ ગીત
ડંકો વાગ્યો મહાગુજરાતનો, અમર છે દુનિયામાં જેનું નામ રે….. મહાગુજરાત જીતી વીરા આવજો, પાછું પગલું ભરશો નહીં લગારરે…..
સંદર્ભ: મહાગુજરાતનો જંગ
લે. યશપાલ પરીખ

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button