‘બખડજંતર’ના બાબુલાલે આપ્યું ‘બમ્પર’ બોનસ!

ઊડતી વાત -ભરત વૈષ્ણવ
‘ગિરધરલાલ, સાતેય કામ પડતા મુકીને આવો.’ રાજુએ લાકડિયા તાર જેવી ટેલિફોનિક સૂચના આપી. ‘મારે કયાં આવવાનું છે?’ મેં ગભરાટમાં પૂછયું. મને એમ કે રાજુ રદીની સાઇકલને અકસ્માત થયો હશે ને રાજુ મને સંકટ સમયની સાંકળ ગણીને ફોન કરતો હશે. ‘ગિરધરલાલ, ‘બખડજંતર’ ચેનલની ઓફિસે આવી જાવ.’ ‘શું થયું છે એ તો મને કહે. ઓફિસમાં આગબાગ લાગી છે? ઇડીની રેડ પડી છે? આવકવેરાના દરોડા પડયા છે? કોઇએ બાબુલાલનું માથું ફોડી નાખ્યું છે?’ મેં ફોન પર સવાલોનો ધોધમાર વરસાદ વરસાવ્યો.
‘ગિરધરલાલ ગજબ થઇ ગયો.’ રાજુ રદીએ ફોન પર એટલું જ કહ્યું ત્યાં ફોન કટ થઇ ગયો. મેં રાજુને ફોન કોલ કર્યો તો સાંભળવા મળ્યું : ‘આપને જિસ નંબર કો કોલ કિયા હૈ યેહ નંબર સ્થાયી રૂપસે અસ્તિત્વમેં નહીં હૈ.’ એવો રેકોર્ડોડ મેસેજ
વાગવા માંડ્યો. હું તર્ક-વિતર્ક વત્તા કુતર્ક કરતો ઓફિસે પહોંચ્યો. ‘ગિરધરલાલ, આપણા બોસ બાબુલાલે નવો ફિતૂર કર્યો છે.’ રાજુએે મને માહિતી આપી. રાજુનું તાળા જેવું મોં ખુલ્લુંને ખુલ્લું રહી ગયેલ. ક્યાંક ચાવી મળે તો મુખ બંધ કરી શકાય. મુખના કુંભમાંથી લાળમહાસાગર અસ્ખલિત અને અવિરત ઘૂઘવતો હતો.
આ દુનિયામાં કામ કરતા કર્મચારીના મોઢા આગળ ગાજર લબડાવવું પડે છે. ગાજર એટલે સૂક્ષ્મ અને સ્થૂળ અર્થમાં રિયલ ગાજર હોવું જરૂરી નથી. એ ગાજર પગાર વધારો, બઢતી, સ્પેશિયલ એલાઉન્સ કે અન્ય ભથ્થા હોઇ શકે. તકલીફ એ છે કે બધાને બઢતી આપી શકાતી નથી. બધા પગાર વધારો મેળવવા લાયક હોતા નથી. આજકાલ કંપની કામ કરનારને દિવાળી કે નાતાલ અથવા નાણાકીય વરસના અંતે બોનસ આપે છે. ઘણી કંપની બોનસ તરીકે એક પગાર કે લમસમ રકમ આપે છે.
જે કંપનીના શેર આસમાને પહોંચ્યા એવી કંપની બોનસ તરીકે સ્ટોક એટલે કે શેર આપે છે. ટ્રાવેલ વાઉચર, ફૂડ વાઉચર આપે છે. સુરતના શેઠિયા તો કામ કરનારા પર મઘા નક્ષત્રની જેમ ધોધમાર વરસી જાય છે. કારીગરને દસ વીસ હજાર રૂપિયા આપવાથી એમનું દળદર કે હળદર કેવી રીતે ફીટે?. સુરતી શેઠિયાએ એક વાર કારીગરોને આરામપ્રદ અને સંપૂર્ણ સુવિધાયુકત ફ્લેટ બોનસ તરીકે આપેલા. કારીગરને કાર પણ આપેલી, કેમ કે સંતોષાયેલો-ધરાયેલો કર્મચારી કંપની માટે
મિલકત છે તેવું બિઝનેસ મેનેજમેન્ટના નિષ્ણાંતો માને છે.
તાઇવાનની એક કંપનીએ તેના કર્મચારીને પચાસ મહિનાનો અધધધધ કહી શકાય તેટલો પગાર બોનસ તરીકે આપેલો આ તો સારી કંપની અને સારા કર્મચારીની વાતો છે. બાકીનાની વાત જ જવા દો ને અમારી ‘બખડજંતર’ ચેનલના માલિક બાબુલાલ પગાર આપવામાં અખાડા કરતા હોય. મોંઘવારી આપવામાં વડચકા ભરતા હોય, મેડિકલ આપવામાં મોતિયા મરી જતા હોય એવા બાબુલાલ પાસે બોનસ માગવું એ સ્મશાનેથી મૃતદેહ પાછો લાવવા જેવી વિરલ ઘટના કહેવાય. જો કે, ‘બખડજંતર’ ચેનલની વીસમી વરસગાંઠે બાબુલાલે 20 રૂપિયાનું બોનસ આપવાની ભવ્ય ઉદારતા દાખવેલી જેની ઇતિહાસ પણ નોંધ લેતા તૈયાર કે તત્પર નથી.
હમણા ચીનની એક કંપનીના ભેજાગેપ માલિકે સનસની મચાવી દીધી. હેનાન માઉનિંગ કંપની ક્રેન બનાવે છે. ચીનના નવા વરસની ઉજવણી નિમિત્તે કર્મચારીને લૂંટાલૂંટ બોનસ આપ્યું . માલિકે લગભગ 70 મીટર લાંબા ટેબલ પર 11 મિલિયન સિંગાપોર ડૉલર (લગભગ 70 કરોડ રૂપિયાથી વધુ) ફેલાવી દીધા અને કર્મચારીઓને કહેવામાં આવ્યું હતું કે તમારી પાસે 15 મિનિટનો સમય છે, આ સમયગાળામાં તમે જેટલા નાણા ગણી શકો તેટલા તમારા !. દરેકને વારાફરતી તક આપી હતી. એક કર્મચારીએ ફાળવેલ સમયમાં 100,000 યુઆન (લગભગ 12.07 લાખ રૂપિયા) ઘરભેગા કરેલ હતા.
આ સમાચાર વાંચીને બાબુલાલની ડાગળી ખસી ગઇ જતાં લવારો કર્યો : ‘હું કાંઇ કમ છું ? હું પણ પેલી કંપનીની જેમ મારા સ્ટાફને કંજૂસ હાથે બોનસ આપીશ.. ! ’ બાબુલાલની માર્કેટમાં મખ્ખીચૂસ માનવી તરીકેની છાપ છે. એ સુધારવાની સ્કિમ એણે અમલમાં મુકી. બાબુલાલ પાંચસો, બસો, સો રૂપિયાની સાચી તો ઠીક પણ ખોટી નોટ પાથરવાની ત્રેવડ નથી. બાબુલાલે એક બાય એકના ટેબલ પર એક રૂપિયા , બે રૂપિયા, પાંચ રૂપિયા , દસ-વીસ રૂપિયાના સિક્કાનો ઢગલો કરી સો ગ્રામના સિક્કા લઇ જવા મને, રાજુ રદી, ગણપત ગાંગડા, ચંદુ ચૌદસ, લોભશંકરને હાકલ કરી. -અને અમે બાબુલાલના પરચૂરણ સિક્કા લેવા ‘પુષ્પા- 2’ ફિલ્મના કેરેકટરની જેમ લડવામાં હોસ્પિટલના બેડ પર પગ ઊંચા ટીંગાડી કણસી રહ્યા છીએ. અતિ કે અલ્પ લોભ એ પાપનું મૂળ છે એ અમને સમજાઇ ગયું છે.