ઔર યે મૌસમ હંસીં… : ઊંઘ વિશે એટલું બધું લખાયું છે કે ઊંઘ ઊડી જાય…!
-દેવલ શાસ્ત્રી
સત્તાવાર ચોમાસું પૂરું થવામાં કલાકો બાકી છે. વાતાવરણમાં ઠંડક વધવા લાગશે અને ઠંડીમાં ગમતી પ્રવૃત્તિ એટલે પથારીમાં પડ્યા રહેવું. ઊંઘવામાં શું મજા એ તો કુંભકર્ણને પૂછો તો ખબર પડે. આપણે ત્યાં કુંભકર્ણ જથ્થાબંધ મળે છે.
લો,ત્યારે આજે શિયાળાને વધાવવા નિદ્રાદેવીની કથા કરીએ. માણસ એના જીવનનો ત્રીજો ભાગ ઊંઘવામાં કાઢી નાખે છે. આશરે પંચોતેર વર્ષની જિંદગીમાં પચીસ વર્ષ ખાલી ઊંઘવામાં વિતાવી દે છે. વિજ્ઞાન માને છે કે લાંબા ગાળાના સારા સ્વાસ્થ્ય માટે દિવસમાં સાતેક કલાક તો સુવું જોઈએ. વિશ્ર્વમાં પ્રતિ પાંચ વ્યક્તિ પૈકી એક જ વ્યક્તિ પૂરતું ઊંઘે છે, બાકીના ચારને દુનિયા ચલાવવાનો ભાર હોય છે.
અગણિત લોકો કહેતાં રહે છે કે એમને શાનદાર સૂર્યોદય જોવા કરતાં ઊંઘવું વધારે ગમે છે. અકિરા કુરોસાવા માને છે કે માણસે પ્રતિભાશાળી બનવા માટે સપનાં જોવા જરૂરી છે, મીન્સ સપનાં સાકાર કરવા ય ઊંઘવું જરૂરી છે. આ વિદેશી વિચારકો એવું કહીને ડરાવે છે કે પથારીમાં પડતાં જ ઊંઘ આવે એ બહુ સારું નહિ, તરત જ સૂઈ જનારાઓની ઊંઘ જલદી ડિસ્ટર્બ થતી હોવાનો અભ્યાસ છે. પથારીમાં પડ્યા પછી દશેક મિનિટ લાગવી જોઈએ. જો કે નિદ્રાદેવીને ડિસ્ટર્બ કરવા માટે સોશ્યિલ મીડિયા અને ઈન્ટરનેટ કનેક્શન સૌથી વધુ જવાબદાર હોવાનું વિજ્ઞાનથી માંડીને સાધુ સંતો પણ એકમતે માને છે.
ઊંઘવામાં સૌથી મોટો ફાયદો એ છે કે મગજમાંથી નકામા વિચારો દૂર કરવા તેને સમય મળે છે. ‘સેરેબ્રોસ્પાઈનલ’ નામનું કેમિકલ આપણે ઊંઘી જઇએ પછી મગજને ફ્લશ કરે છે, બાકી આપણે એટલું બધું કચરું યાદ કરીને બદલા જ લેતા હોત. સરવાળે એવું માની શકાય કે કેટલીક બિનજરૂરી મેમરી કાઢવામાં ના આવે તો આપણું મગજ પણ હેન્ગ થતું હોત. મગજને વારંવાર રિસ્ટાર્ટ કરવાની નોબત આવી હોત.
મગજને ફ્રેશ રાખવા માટે સૂવું જરૂરી છે. ફ્રાન્સમાં એક અભ્યાસ મુજબ એવરેજ આઠ સાડા આઠ કલાક માણસ લંબાવે છે, બાકી મોટેભાગે સરેરાશ છ કલાક તો આરામ ફરમાવે જ છે. બાકી આપણે ત્યાં ધાબે સૂતા ત્યારે સાડા આઠ નવ વાગ્યાથી ઊંઘ તરફ ગતિ રહેતી અને જયારે સૂર્યદાદા માથા પર ચડી આવે ત્યારે ઉઠાડે ત્યાં સુધી નિદ્રા ચાલતી. યુવાનોએ પૂરતી ઊંઘ લેવી જોઈએ. જો તે મગજ વાપરતા હોય તો, બાકી એ મેસેજ જ ફોર્વડ કરવામાં પડ્યો હોય એના માટે કશું કામનું નથી.
અભ્યાસ તો કહે છે કે પુરુષ કરતાં સ્ત્રી વધુ સૂઇ શકે છે, કારણ કે એ રસોઇ, ઘરકામથી સિરિયલ સુધી વાયા મોબાઈલને લીધે મલ્ટી ટાસ્કિંગ હોય છે. સ્ત્રીઓનાં મગજને આરામની વધુ જરૂર હોય છે.
ઊંઘ બાબતે સ્ત્રી અને પુરુષની પેટર્ન અલગ અલગ હોય છે. પુરુષ તેની શારીરિક રચનાને કારણે મોડે સુધી જાગી શકે છે, જયારે સરેરાશ સ્ત્રીઓ વહેલી ઊઠી જાય છે. જો કે સૂતા પહેલાં મોબાઇલનો ઉપયોગ ટાળવો એવું બધા કહે છે પણ સાંભળે છે કોણ? મોબાઇલ પર રીલ્સ જોતાં જોતાં સૂનારાઓની સંખ્યા વધી રહી છે.
એક અભ્યાસ મુજબ સૂતા પહેલા કોફી જેવાં કેફી પીણાનો પ્રયોગ ટાળવો જોઈએ. હોટ કોફી અને કોલ્ડ કોફી સહિત જાતજાતની કોફી લીધા પછી ઊંઘની કીક વાગે એની સંખ્યા કોફીબારના વધારા પછી વધી જ હશે.
દુનિયામાં વીસ – પચીસ ટકા લોકો એવા હોય છે, જેમને સૂવા માટે પૂરતી જગ્યા હોવા છતાં ચોથા ભાગની જગ્યા પણ વાપરતા નથી, કંજૂસ કહીં કે એવું ટૂંટિયું વાળીને સૂઈ જાય કે બાકીના પલંગને કરવાનો શું ?
આવા લોકો માટે ડ્રોઈંગ રૂમના ટેબલ પર ગોદડી નાખી આપો તો ય ચાલે. હા, ચાલવાની વાત પરથી યાદ આવ્યું કે ઘણાને ઊંઘમાં ચાલવાની આદત હોય છે. મહદંશે ઊંઘમાં ચાલવું એ જિનેટિક સમસ્યા છે.
આપણે ઘોડા નથી કે ઊભા ઊભા ઊંઘવું પડે. એ રીતે બિલાડી લકી છે કે જિંદગીનો અડધા કરતાં વધુ સમય ઊંઘવામાં ખેંચી કાઢે છે.
ઊંઘવાનો અભ્યાસ આજકાલ બહુ સવિસ્તર થાય છે. ઊંઘવાના વિજ્ઞાનને ‘પોલિસોમનોગ્રાફી’ કહે છે, જેમાં મગજની ફ્રિકવન્સીનો સ્ટડી થાય, કે પાર્ટી કેવી રીતે ઊંઘે છે કે ઊંઘમાં ય જંપતી નથી.
હા, ઊંઘમાં છીંક આવતી નથી. આવતી હોય તો બહુ સારું નહીં.?! બાકી ભોજન વગર વીસ પચીસ દિવસ જીવાય, ઊંઘ વિના દશ અગિયાર દિવસ રહેવું શક્ય નથી. આપણે કંઈ ડોલ્ફિન નથી કે અડધું મગજ બંધ હોય ને બાકી અડધું મગજ શ્ર્વાસ લેવા સપાટી પર લાવે… ઇવન અમુક દરિયાઈ જાતો તો સૂતી વેળા એકબીજાને અડીને કે પકડીને સૂઇ જાય… આવડા મોટા દરિયામાં છૂટા પડી જવાય તો શોધવા ક્યાં?
બાકી ઊંઘ ન આવે તો ભૂખ લાગે, મિન્સ નાસ્તો કરવાનું મન થાય. ઊંઘવું એ સમસ્યા નથી, માનસિક રોગમાં તો ઊંઘમાંથી જાગીને પથારીમાંથી બહાર ન નીકળવું એ ય સમસ્યા છે. પથારીમાં કલાકો સુધી આમ પડ્યા રહેવાની વૃત્તિને ‘ડિઝાનિયા’ કહેવાય. એકવાત યાદ રાખજો કે સારી ઊંઘ માટે ઓશિકું મહત્ત્વનો ભાગ ભજવે છે. કેટલાકને વર્ષો જૂનું વિચિત્ર તેલથી માંડી દુનિયાભરના પરસેવાની સુ-વાસ ધરાવતા ઓશીકા વિના મજા ન આવે. મુસાફરીમાં ઘરનું ઓશીકું જોઈએ અને ઓશીકું લઈને ફરવા જવાવાળો મોટો વર્ગ છે.
એની વે, ઊંઘવું વિષયમાં જ મજા મજા છે. જ્યારે ઘરમાં રહીને એસી સાથે ઊંઘ આવતી હોય તો બહુ જાગવું નહીં. નહિ તો જાગી ગયા પછી ઊંઘી નહિ શકો, જગતમાં બધું લોલમલોલ છે. બસ મજા કરો.
ધ એન્ડ :
માણસ સૂઈ જાય છે ત્યારે સુગંધ મહેસૂસ કરી શકતો નથી, આ કારણે આગ જેવી દુર્ઘટનાથી રક્ષણ આપવા ફાયર એલાર્મ બન્યા છે !