ઈન્ટરવલ

અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ: પૃથ્વી પર પરત લાવવાની ચેલેન્જ

ઔર યે મૌસમ હંસીં… -દેવલ શાસ્ત્રી

સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોર ‘ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન’ માં કેટલાક ટેક્નિકલ કારણોસર ફસાઈ ગયા છે. મીડિયા રિપોર્ટ અનુસાર ઓગસ્ટના મધ્ય ભાગ સુધીમાં એમને ધરતી પર લાવવા જરૂરી છે. અમેરિકાની ‘નાસા’ તથા ‘બોઇંગ’ આ બન્ને અવકાશ યાત્રીને પરત લાવવા માટે ધમપછાડા કરી રહી છે. સ્પેસ સ્ટેશનની યાંત્રિક ખામીઓ વિશે સુનિતા તથા વિલ્મોરને પૂરી જાણ છે,છતાં એનાથી વિચલિત થયા વગર માનવજાતના ભલા માટે એ બન્નેએ પોતાનાં સંશોધન કાર્યને ઉત્સાહપૂર્વક ચાલુ રાખ્યા છે.

આપણે અનંત જગત માટે બ્રહ્માંડ શબ્દ વાપરીએ છીએ. બ્રહ્માંડની પરિકલ્પનામાં ધરતીનો પણ સમાવેશ થઇ જાય છે. ‘અવકાશ’ શબ્દનો ઉલ્લેખ કરીએ ત્યારે વાત તો સમગ્ર બ્રહ્માંડની જ છે, પણ સરળ અર્થઘટનમાં એમાં પૃથ્વીનો સમાવેશ થતો નથી. અવકાશ એટલે પૃથ્વી અને તેના વાતાવરણ બહારનો સમગ્ર વિસ્તાર કહી શકાય. પૃથ્વીની બહાર નીકળીએ એટલે સૂર્ય – ચંદ્ર ગ્રહો તથા કરોડો આકાશગંગાઓની કથા શરૂ થાય. આપણે હજુ આ સંશોધનમાં ખાસ ઉકાળ્યું નથી. બ્રહ્માંડના અસંખ્ય સત્ય શોધવાના બાકી છે. જ્યારે બ્રહ્માંડની વાત આવે ત્યારે અબજો તારાઓ સામે આપણું અસ્તિત્વ નગણ્ય લાગે. આપણી સૌથી નજીકનો ગ્રહ અને પૃથ્વી પરના સજીવ અસ્તિત્વ માટે એકમાત્ર આધાર એવો સૂર્ય આપણાથી નવ કરોડ કરતાં વધારે માઇલ દૂર છે. સૂર્ય પરથી નીકળેલા પ્રકાશને ધરતી પર પહોંચવા માટે આઠ મિનિટ અને વીસ સેક્ધડ સમય લાગે છે. આ હિસાબે અચાનક સૂર્ય ગાયબ થઈ જાય તો આપણને આઠ મિનિટનો સમય મળે. આઠ મિનિટમાં શું કરી શકાય એનું એકાદ લિસ્ટ બનાવવું જોઈએ.

અંતરિક્ષમાં સંશોધન માટે હજારો વર્ષથી માનવજાતના જનીનમાં ઉત્સુકતા રહેલી છે. અંતરિક્ષ પર કલ્પનાઓ સાથે નક્કર ઘણું સાહિત્ય લખાયું હતું. માનવીની ઉત્કટ ઇચ્છા હતી કે અવકાશમાં જઈને સત્ય શોધવું. આ માટે યોગ્ય સાધનો હોવાં જોઈએ. સાથોસાથ અંતરિક્ષમાં જવા માટે અસંખ્ય ચેલેન્જનો સામનો કરવો પડે તેમ હતો. રોકેટ મારફતે જઇને સંશોધન કરવાનો વિચાર વીસમી સદીના પ્રારંભમાં રશિયન વૈજ્ઞાનિક સિયોલ્કોસ્કીને આવ્યો. ધીમે ધીમે આ વિચાર વિશ્ર્વમાં ફેલાવા લાગ્યો. પૃથ્વીના વાતાવરણમાંથી બહાર નીકળવા નિશ્ર્ચિત ઝડપની જરૂર છે એવું સમજાતાં વૈજ્ઞાનિકોએ રોકેટની ઝડપ પર ધ્યાન કેન્દ્રિત કર્યું. રોકેટ માટે લિક્વીડ ઇંધણ શોધવાના પ્રયાસ શરૂ થયા. અવકાશમાં ફક્ત જઇને પરત આવવાથી કશું ખબર પડે નહીં પણ ત્યાં કાયમી સગવડ થવી જોઈએ. આ વિચારે ઉપગ્રહ અંગે વિચારવા માટે પ્રેરણા આપી. અવકાશમાં ઉપગ્રહ છોડવા માટે રોકેટ બનાવવું પડે. રોકેટ ઉપગ્રહને અવકાશમાં યોગ્ય ધરી પર છોડ્યા પછી ધરતી પર પરત આવે તો વાતાવરણમાં પ્રવેશ સાથે સળગી જાય. જો રોકેટને બચાવવું હોય તો સત્તર હજાર માઇલ પ્રતિ કલાકની ઝડપે પરત આવવું પડે. ધરતી પરથી ધક્કો મારીને મોકલી શકાય પણ અવકાશમાં કેવી રીતે ધક્કો મારી શકાય એ વિષય પર વિચારોનો પ્રારંભ થયો.

આપણે તો જે દેખીતી સમસ્યા છે એના પર જ વિચાર કરીએ છીએ, પણ અસંખ્ય એવી ચેલેન્જ આવી હશે જે આજે પણ આપણી કલ્પનામાં નથી. એક સમયે રોકેટ બનાવવા માટે પ્રયોગ શરૂ થયા હતા.
એક નિશ્ર્ચિત ગતિએ પૃથ્વીના વાતાવરણની બહાર નીકળ્યા પછી કોઈ ઉલ્કા સાથે અકસ્માત ન થાય એ નવી ચેલેન્જ હતી. રશિયાએ પચાસના દાયકામાં ઉપરાછાપરી બે ઉપગ્રહ છોડીને વિશ્ર્વને વિચારતું કરી દીધું. રશિયાએ ફરી એક નવો સફળ પ્રયોગ કર્યો. સ્પુટનિક ઉપગ્રહમાં એક લાઇકા નામની કૂતરીને અંતરિક્ષમાં પ્રવાસ કરાવી દીધો. અવકાશ સંશોધન માટે ઘણા પ્રયોગો વિશ્ર્વભરના વૈજ્ઞાનિકોએ સાથે રહીને કર્યા હતાં. વૈજ્ઞાનિકોના મતે જો નિશ્ર્ચિત ધરી પર ઉપગ્રહ મૂકવામાં આવે તો હવામાન સહિત ઘણી આગાહીઓ સચોટ રીતે કરી શકાય. માનવજાતનું ચાલે તો અવકાશમાં સોસાયટીઓ બનાવીને વસવાટ કરે. ભવિષ્યમાં અવકાશમાં વસવાટ શક્ય થશે એવું લાગી રહ્યું છે. જ્યારે અવકાશમાં રહેવાનો સમય આવે તો ચંદ્ર પર કોલોની બનાવી શકાય કે કેમ એ વિષય ચર્ચામાં આવ્યો.

અમેરિકા અને રશિયા સહિત અનેક દેશોએ ચંદ્ર પર નજર દોડાવી. વર્ષ ૧૯૫૮માં અમેરિકાએ ‘પાયોનિયર’ નામનો ઉપગ્રહ ચંદ્રના અભ્યાસ માટે મોકલ્યો પણ વધારે પ્રવાસ કરવાને બદલે અડધેથી પરત આવ્યો. એ વખતના યુએસએસઆરએ (હાલનું રશિયા) સરળતા માટે સૂર્યના અભ્યાસ માટે ‘લુના’ નામનો ઉપગ્રહ છોડ્યો. આ ઉપગ્રહ ચંદ્રની ખૂબ નજીકથી પસાર થયો હતો અને ઘણી અજાણી માહિતી આપી હતી.
અવકાશમાં માનવ વસાહત બનાવવાના સ્વપ્ન જોતા વૈજ્ઞાનિકોએ સમાનવ અવકાશયાત્રા માટે પ્રયાસ શરૂ કર્યા. વર્ષ ૧૯૬૧ના એપ્રિલ મહિનામાં રશિયન અવકાશયાત્રી યુરી ગાગરિને ઇતિહાસ સર્જ્યો. લગભગ પોણા બે કલાક સુધી અવકાશમાં રહીને પૃથ્વીની પરિક્રમા કરી. આ ઘટનાના એક મહિના પછી અમેરિકન વૈજ્ઞાનિક શેપર્ડ અવકાશમાં જઈ આવ્યા. ધીમે ધીમે અવકાશમાં માનવયાત્રા કોમન થવા લાગી. હવે લાંબો સમય વસવાટ પર ધ્યાન આપવામાં આવ્યું. અમેરિકાના ‘જૈમિની’ નામના ઉપગ્રહમાં ફ્રેંક બોરમેન અને જેમ્સ લોવેલ નામના અવકાશયાત્રીઓએ લગભગ પંદર દિવસ અંતરિક્ષમાં રહીને વિક્રમ બનાવ્યો. વૈજ્ઞાનિકોનો નવો ટાર્ગેટ ચંદ્ર પર ઉતરાણનો થવા લાગ્યો.

જગજાહેર ઇતિહાસ છે કે ચંદ્રની ધરતી પર નીલ આર્મસ્ટ્રોંગ અને એલ્ડ્રિન ચંદ્ર પર બે કલાક રોકાયા અને પરત આવીને યાનમાં રહેલા સાથી કોલિન્સને મળ્યા. આ ત્રણેય પૃથ્વી પર પરત આવ્યા ત્યારે કોઈ અજાણ્યો રોગ લઇને આવ્યા હોવાની શંકા થકી તેમને તપાસ અર્થે અઢાર દિવસ એકાંતમાં રાખીને જાતજાત પરીક્ષણ કરવામાં આવ્યા હતાં. અવકાશમાં મળેલી સફળતાને પગલે વિશ્ર્વના વિવિધ દેશોના અવકાશયાત્રીઓને તક મળવા લાગી.

ભારતમાંથી રાકેશ શર્મા પ્રથમ અવકાશયાત્રી તરીકે રશિયન સ્પેસશટલમાં ગયા હતા. ધીમે ધીમે ચંદ્ર પર જવાનું સામાન્ય બનતા શુક્ર અને મંગળ તરફ વૈજ્ઞાનિકોએ નજર દોડાવી. શુક્ર પર ભયાનક ગરમી હોવાથી માનવ અસ્તિત્વ શક્ય નથી. ‘મંગળ મિશન’ માટે આજે પણ દુનિયાભરના વૈજ્ઞાનિકોને ઉમ્મીદ છે. પ્રબળ કારણ એ છે કે મંગળ પર ખીણો જોવા મળે છે. વૈજ્ઞાનિકોને અનુમાન છે કે કદાચ મંગળ પર પાણીનું અસ્તિત્વ મળે તો ત્યાં વસવાટ માટે પ્રયાસ કરી શકાય. પૃથ્વી માટે વિશેષ મુદ્દો એ છે કે તે અન્ય ગ્રહોની સરખામણીમાં આપણી નજીક છે. ત્યાં અપડાઉન સહેલાઈથી કરી શકાય. મંગળ પર વસવાટ શક્ય બને તો ભવિષ્યમાં નવા વિષયો પર લખવાનો મોકો મળી શકે.

હાલમાં વિદેશ વસવાટ કરતાં વિદ્યાર્થીઓના પેરેન્ટસની એકલતા વિશે લખવામાં આવે છે એ રીતે ભવિષ્યમાં મંગળ પર વિદ્યાર્થીઓના જવાથી પૃથ્વી પરની એકલતા પર લખવામાં આવશે. મંગળ ગ્રહ પર પર્યાવરણનો નાશ અને ટ્રાફિક જામ પર પણ લખીશું. મંગળ પર વસતિ વધારાના દર જેવા હાથવગા વિષય લખીશું. મંગળ પર શરદી થાય તો ત્યાં મળતી વનસ્પતિ કેવી રીતે ઉપયોગી બની શકે એ પર વોટ્સએપ જ્ઞાન આપવાનો અનેરો આનંદ મેળવવા ત્યાં વસાહતો બને એ જરૂરી છે. મંગળ ઉપરાંત અન્ય વિકલ્પ તરીકે માનવજાતે શનિ અને ગુરુ જેવા ગ્રહો પર નજર નાખી છે. આ ગ્રહો પર વસવાટ કરી શકાય એવા સંજોગો હાલ નજરે ચડતાં નથી. લગભગ છેલ્લા આઠ દાયકામાં સૌરમંડળમાં બધા ગ્રહો પર અભ્યાસ ચાલે છે પણ ધીમે ધીમે માનવજાતનું સ્વપ્ન બ્રહ્માંડનાં બીજાં સૂર્યમંડળો તરફ કેન્દ્રિત થવા લાગ્યું છે.
માનવજાત અવકાશ પર નજર રાખીને બેઠી છે, છતાં જ્યારે સુનિતા વિલિયમ્સ જેવી ઘટના બને ત્યારે બ્રહ્માંડના માલિક ઇશ્ર્વરનું મહત્ત્વ સમજાય છે. આપણે ઇશ્ર્વરને પ્રાર્થના કરીએ કે સુનિતા વિલિયમ્સને ધરતી પર સલામત રીતે પરત આવે..

ધ એન્ડ:
सृष्टि से पहले सत् नहीं था,
असत् भी नहीं, अंतरिक्ष भी नहीं,
आकाश भी नहीं था।
छिपा था क्या, कहां,
किसने ढका था।
उस पल तो अगम, अतल
जल भी कहां था।
नहीं थी मृत्यु, थी अमरता भी नहीं।
नहीं था दिन, रात भी नहीं
हवा भी नहीं।
सांस थी स्वयमेव फिर भी,
नहीं था कोई, कुछ भी।
परमतत्व से अलग, या परे भी।
अंधेरे में अंधेरा, मुंदा अंधेरा था,
जल भी केवल निराकार जल था।
परमतत्व था, सृजन कामना से भरा
ओछे जल से घिरा।
वही अपनी तपस्या की महिमा से उभरा।
-नासदीय सूक्त, ऋगवेद




Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
બિકિની નહીં પણ આ કપડાંમાં બોલ્ડ ફોટોશૂટ કરાવી અભિનેત્રીઓએ મચાવ્યો તહેલકો… શું તમે પણ પ્લાસ્ટિક ટૂથબ્રશ વાપરો છો? 38ની કમરને બનાવવી છે 28ની? બસ ફોલો કરો આ ધાસ્સુ ટિપ્સ… ઑલિમ્પિક્સમાં વિશ્ર્વના પાંચ ફાસ્ટેસ્ટ પુરુષ દોડવીરો કોણ? ચાલો ઝડપથી એક નજર કરી લઈએ..