ફિલ્મ જોવા આવતી ભોળી પ્રજા સી. એસ. દુબે પડદા પર દેખાય એ સાથે ગાળોનો વરસાદ વરસાવતી
હેન્રી શાસ્ત્રી
અમિયા ચક્રવર્તીની ‘સીમા’ (૧૯૫૫) રિલીઝ થઈ ત્યારે સિને રસિકોને ખાસ્સી પસંદ પડી હતી. ‘દાગ’ની નાનકડી ભૂમિકા અને ‘પતિતા’ના ભીકુ ચાચાના રોલને કારણે ધ્યાનમાં આવેલા સી. એસ. દુબે – ચંદ્રશેખર દુબે ‘સીમા’માં નઠારા માણસનું પાત્ર ભજવી ફિલ્મમેકરોના પ્યારા બની ગયા. ‘સીમા’ નૂતનના લાજવાબ અભિનય અને કર્ણપ્રિય ગીત – સંગીતને કારણે મશહૂર તો થઈ એની સાથે દર્શકોને લંપટ બાંકેલાલ (સી. એસ. દુબે) પણ પસંદ પડ્યા.‘સીમા’ ફિલ્મના ટાઈટલમાં દુબેનું નામ અભિનેતા ઉપરાંત નિર્માણ સહાયક અને સહાયક દિગ્દર્શક તરીકે સુદ્ધાં છે. આશ્ચર્યની વાત તો એ છે કે નૂતન અને બલરાજ સાહની બાદ રોલની લંબાઈમાં દુબે ત્રીજા ક્રમે છે. આના પરથી દિગ્દર્શક ચક્રવર્તીને અભિનેતામાં કેટલો ભરોસો હતો એ સમજાય છે. નૂતનના સમર્થ અભિનય સામે દુબેજી પાત્રોચિત અભિનય સમર્થપણે રજૂ કરવામાં સફળ રહ્યા એ એમની કાબેલિયતનો પુરાવો છે.
હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં અભિનેતા કોઈ પાત્ર સમર્થપણે ભજવે પછી એના પર સિક્કો લાગી જતો હોય છે. કપટી, લુચ્ચા અને લંપટ વ્યક્તિના અદ્દલ અભિનય ઉપરાંત દુબેનો નાક- નકશો પણ એ પાત્ર માટે બંધબેસતો લાગતો હોવાથી એમને એ પ્રકારનાં પાત્રોની ફિલ્મોની ઓફર ધડાધડ મળવા લાગી. પડદા પર ખલનાયક પ્રાણને જોયા પછી વાસ્તવિક જીવનમાં પણ એ એવી જ હરામખોર વ્યક્તિ હશે એવું અનેક લોકો માનતા હતા અને દીકરાનું નામ પ્રાણ તો રખાય જ નહીં એવો વણલખ્યો નિયમ બની ગયો હતો.અસલ જિંદગીમાં આવા માણસથી તો દૂર જ રહેવાય એવું લોકો કહેતા હતા.
‘સીમા’ પછી દુબેજીના પણ એ જ હાલ થયા. નાલાયક, હરામખોર કે લાલચુ – લંપટ પાત્રમાં એમનો અભિનય એવો સચોટ રહેતો કે ફિલ્મ જોવા આવતી ભોળી પ્રજા પડદા પર એમને જોતા જ ગાળોનો વરસાદ વરસાવતી. વ્યાજ અને લાજ લૂંટતા લાલા, લુચ્ચો વેપારી, કપટ કરતો પૂજારી, ભ્રષ્ટાચારી પ્રકારના પાત્રો માટે ચંદ્રશેખર દુબે પહેલી પસંદ બની ગયા.
મનોજ કુમારની ‘રોટી કપડા ઔર મકાન’માં તુલસી (મૌસમી ચેટરજી) પર નજર બગાડતા કરિયાણાના વેપારી લાલાનો રોલ દુબેજીએ કર્યો છે, પણ ધ્યાનથી જોશો તો એમાં તમને કનૈયાલાલ ડોકાશે અને પ્રેમ ચોપડા પણ દેખાશે. પ્રેમ ચોપડાની ખલનાયકીમાં સી. એસ. દુબેનો પ્રભાવ હતો એમ કહેવામાં અતિશયોક્તિ નથી. કોઈ પણ પાત્રને નિખારવામાં દરેક અભિનેતા પોતાની ક્ષમતા – આવડત અનુસાર એમાં પ્રાણ ફૂંકતો હોય છે, પણ જેમનાથી પ્રભાવિત થયા હોય એમની છાંટ વર્તાયા વગર નથી રહેતી.
કનૈયાલાલની અસર સી. એસ. દુબેમાં દેખાઈ તો દુબેજીની અસર પ્રેમ ચોપડામાં જોવા મળી. અલબત્ત, એક અભિનેતાએ બીજા અભિનેતાની નકલ કરી એવું ઠસાવવાનો કોઈ પ્રયાસ નથી. વાત અભિનય શૈલીને આગળ વધારવાની છે.
૧૯૬૯માં આવેલી જીતેન્દ્ર – તનૂજાની ‘જીને કી રાહ’માં દુબેજી અને વિજુ ખોટે (‘શોલે’ના ‘અબ તેરા ક્યા હોગા કાલિયા’ ડાયલોગનો કાલિયા)ના બાપ – બેટાના રોલમાં છે. જીતેન્દ્રની બહેનને પુત્ર સાથે પરણાવવા ઉત્સુક દુબે જ્યારે માગું નાખવા જાય છે ત્યારે જીતેન્દ્ર સાથે જે અંદાજમાં વાત કરે છે એ જોઈ તમને અસલ કનૈયાલાલની શૈલી યાદ આવ્યા વિના ન રહે. કનૈયાલાલ – સી. એસ. દુબે – પ્રેમ ચોપડા આ ત્રણેય કલાકાર પડદા પર લંપટ માણસની ભૂમિકા અત્યંત પ્રભાવીપણે સાકાર કરવામાં સફળ રહ્યા છે. જોગાનુજોગ ત્રણેયએ લાલચી – લંપટ લાલાનું પાત્ર ભજવ્યું છે. કનૈયાલાલ ‘મધર ઈન્ડિયા’ (શાહુકાર સુખી લાલા), સી. એસ. દુબે ‘રોટી કપડા ઔર મકાન’ (કરિયાણાનો વેપારી લાલા) અને પ્રેમ ચોપડા ‘દાતા’ (શાહુકાર લાલા નાગરાજ).
૧૯૭૫માં રિલીઝ થયેલી ‘ઝિંદા દિલ’ ફિલ્મના એક નાનકડા સંવાદ ‘ઢક્કન ખોલ કે’ને કારણે દુબેજીને અફાટ લોકપ્રિયતા મળી એ હકીકત છે. રિશી કપૂર, નીતુ સિંહ અને ઝાહીદાના લીડ રોલ ઉપરાંત પ્રાણ અને આઈ. એસ. જોહર જેવા સમર્થ અભિનેતાની હાજરી હોવા છતાં દુબે એક સંવાદ અને એ બોલવાની લાક્ષણિક ઢબને કારણે દર્શકોના ચિત્તમાં ચોંટી ગયા. પચાસેક વર્ષ પહેલાની આ ફિલ્મ જોઈ હશે તો પણ ભુલાઈ ગઈ હશે, પણ ‘ઢક્કન ખોલ કે’ અને સી. એસ.દુબે જરૂર યાદ રહી ગયા હશે.
ફિલ્મો ઉપરાંત ચંદ્રશેખર દુબે રેડિયોમાં પણ ખાસ્સા પ્રવૃત્ત રહ્યા હતા. ‘હવા મહેલ’ તેમજ ‘ફૌજી ભાઈયોં કે લિયે’ કાર્યક્રમ કરતા અને એમાં ‘ઢક્કન ખોલ કે’ વન લાઇનરનો ઉપયોગ કરી શ્રોતાઓનું મનોરંજન કરતા હતા.
દુબેજીના રોલની લંબાઈ મોટેભાગે ટૂંકી રહી છે અને અમુક પાત્રો તો રિપીટ થતા હોવા છતાં એક જ શરબતમાં જુદું જુદું એસેન્સ ઉમેરી એને સ્વાદિષ્ટ બનાવી શકાય એવો હુન્નર દુબેજી પાસે હતો. અંદાજે ૨૦૦ ફિલ્મમાં અને તેમાંથી ૯૦ – ૯૫ ટકા ફિલ્મમાં ઘૃણા થાય એવા એક સરખા પાત્ર ભજવવા પડ્યા હોવા છતાં ગુલઝારની ‘મૌસમ’નો બળાત્કારી, બાસુ ચેટરજીની ‘છોટી સી બાત’માં અમોલ પાલેકરને છેતરી ખરાબ મોટર સાઇકલ વેચનારો ગેરેજ માલિક, વગેરે પાત્રમાં એમણે પોતાની અલાયદી છાપ જરૂર છોડી છે.
રીલ લાઈફની ઇમેજ અને રિયલ લાઈફની ઇમેજનો ઘણી વખત મેળ નથી બેસતો. ‘સીમા’ના બાંકેલાલ કે પછી ‘રોટી કપડા ઔર મકાન’ના લાલાની ઈમેજથી સાવ વિપરીત છબી દુબેજીની રિયલ લાઈફમાં હતી.
યુવાનીમાં સ્વાતંત્ર્ય લડતમાં ઝંપલાવનારા સી. એસ. દુબે ખરા અર્થમાં સમાજસેવી હતા. ફિલ્મોમાંથી જે કમાણી થતી હતી એનો અમુક હિસ્સો ગરીબોને સહાય કરવા તેમજ પૈસાના અભાવે શિક્ષણ નહીં મેળવી શકતા લોકોને મદદરૂપ થવા માટે વાપરતા હતા.
Also Read –