ઝૂમ મીટિંગની સૂચના મુજબ ₹ ૨૦૦ કરોડ ટ્રાન્સફર થયા પણ…
સાયબર સાવધાની -પ્રફુલ શાહ
આપણી કલ્પનાના સીમાડા ઓળંગીને આશ્ર્ચર્ય (અને આઘાત) આપવાની ભયાનક ક્ષમતા ડિજિટલ વિશ્ર્વમાં છે. એમાંય ડીપફેક વીડિયો અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સથી શું થઇ શકે કે ન થઇ શકે એ સવા મણનો તોતિંગ પ્રશ્ર્ન છે.
હૉગ કૉગની બહુ જાણીતી બહુરાષ્ટ્રીય કંપની સાથેનો કિસ્સો જાણીને પગ નીચેથી જમીન સરકી જ જવાની. આ કંપનીના ફાયનાન્સ ડિપાર્ટમેન્ટના એક ઑફિસર ઝૂમ મીટિંગમાં જોડાયો હતો. કયાંય પ્રવાસ કર્યા વગર દુનિયાના ખૂણે-ખૂણે રહેતા માણસોને ચર્ચા કરવા માટે ઝુમ મીટિંગ એક આદર્શ વ્યવસ્થા ગણાય છે. બહુધા નાની-મોટી કંપનીઓ ખર્ચા ટાળવા અને કર્મચારીઓને તકલીફ આપવાને બદલે અલગ-અલગ શહેરના લોકો સાથે ઝુમ મીટિંગમાં ચર્ચા કરે અને નિર્ણય પણ લે. હૉગકૉગની આ કંપની માટેય ઝુમ મીટિંગ એકદમ સહજ અને સામાન્ય બાબત હતી.
આ ઝુમ મીટિંગ અગાઉ હૉગકૉગના ફાયનાન્સ ઑફિસરને લંડન સ્થિત કંપનીના ચીફ ફાયનાન્શિયલ ઑફિસર તરફથી એક ઇ-મેઇલ મળ્યો હતો. એમાં અમુક ખાનગી કામ માટે મોટી રકમ ટ્રાન્સફર કરવાની સૂચના અપાઇ હતી. ચીફ ફાયનાન્શિયલ ઑફિસરનો ઇ-મેઇલ હતો પણ ખાનગી કામ અને બહુ મોટી રકમની વાત હતી એટલે હૉગકૉગવાળા ઑફિસરને કંઇક ખોટું થવાનો ભય લાગ્યો. તેણે વધુ કોઇ સૂચના ન મળે ત્યાં સુધી આ ઇ-મેઇલમાંની સૂચનાનો અમલ ન કરવાનો હિંમતભર્યો નિર્ણય લીધો.
પરંતુ ઝડપભેર હૉગકૉગના આ ફાયનાન્સ ઑફિસર ઑફિસની એક ઝુમ મીટિંગમાં સામેલ થયો. આ મીટિંગમાં કંપનીના ચીફ ફાયનાન્શિયલ ઑફિસર ઉપરાંત અન્ય અધિકારીઓ પણ ઉપલબ્ધ હતા. હૉગકૉગવાળા ઑફિસરને અન્ય ઉપસ્થિત લોકોએ ફટાફટ પોતાનો પરિચય આપવાની ઔપચારિકતા નિભાવી. ત્યારબાદ બ્રિટન સ્થિત ચીફ ફાયનાન્શિયલ ઑફિસરને કેટલીક બૅન્કમાં મોટી મોટી રકમ ટ્રાન્સફર કરવાની સૂચના આપી. આ સૂચના અપાયા બાદ ઝડપભેર ઝુમ મીટિંગ પૂરી કરી દેવાઇ.
બ્રિટન સ્થિત ચીફ ફાયનાન્શિયલ ઑફિસરે અન્ય અધિકારીઓની હાજરીમાં ઝુમ મીટિંગમાં સૂચના આપી એટલે હૉગકૉગવાળા અધિકારીને ધરપત થઇ કે હાશ, હવે જરાય શંકા કરવાનો કે ડરવાનો સવાલ જ ઉપસ્થિત થતો નથી. તેણે તો વફાદાર અને કર્તવ્યનિષ્ઠ કર્મચારીને છાજે એમ પાંચ અલગ-અલગ બૅન્ક ખાતામાં ૧૫ વાર નાણાં ટ્રાન્સફર કર્યાં. આ રકમ હૉગકૉના ૨૫ મિલિયન ડૉલર એટલે કે ભારતીય ચલણમાં રૂા. ૨૦૦ કરોડ જેટલી હતી.
પોતે સૂચનાનું અક્ષરશ: પાલન કર્યાનો હૉગકૉગના કર્મચારીને સંતોષ થયો. એને આનંદ પણ થયો કે અગાઉના ઇ-મેઇલની અવગણના કરવા બદલ પોતાના માથે પસ્તાળ ન પડી. બ્રિટનના સી.એફ. ઓ. એ બાબતનો ઉલ્લેખ સુધ્ધાં ન કર્યો. કેટલા ભલા માણસ છે તેઓ….
A.T.P. (ઑલ ટાઇમ પાસવર્ડ)
આંખ અને કાન પર પણ વિશ્ર્વાસ ન કરવો. વધુ ચોકસાઇ અને ખાતરી કરવી.
પણ હકીકત એકદમ કલ્પનાતીત હતી. શું હતું એ જાણીએ આવતા અઠવાડિયે.