બંધારણની કલમ ૩૭૦: કેમ અત્યાર સુધી વાદ-વિવાદ-વિખવાદમાં અટવાતી રહી?
ભારતીય નૌસેનાના એક નિવૃત્ત અધિકારી અહીં વર્ણવે છે આ ચર્ચાસ્પદ કલમના ફ્લેશબ્લેકથી અત્યાર સુધીનો અવનવો ઇતિહાસ…
વિશેષ -મનન ભટ્ટ
બંધારણની રાષ્ટ્રભંજક કલમ ૩૭૦ની નાબૂદીને યોગ્ય ઠેરવતા ભારતની સર્વોચ્ચ અદાલતનો આ તાજો ચુકાદો ઐતિહાસિક છે. ચુકાદાએ દેશની સંસદ દ્વારા ૫ ઓગસ્ટ ૨૦૧૯ના દિને લીધેલા નિર્ણયને બંધારણીય સમર્થન આપ્યું છે.
જમ્મુ- કશ્મીરના રાષ્ટ્રની મુખ્યધારામાં વિલયને રોકતી બંધારણની કલમ ૩૭૦ની નાબૂદીનો દિવસ આમ જુવો તો ૫ ઓગસ્ટને ભારતના ઇતિહાસમાં સ્વર્ણિમ દિનપ તરીકે ઓળખાવો જોઈએ. એ દિવસે દેશની સંસદે લદાખના રહેવાસીઓની વર્ષો જૂની માંગ સ્વીકારી તે પ્રદેશને વિધાનસભા વગરના કેન્દ્ર શાસિત પ્રદેશનો દરજજો તથા જમ્મુ-કાશ્મીરને દિલ્હીની જેમ વિધાનમંડળ સાથેના કેન્દ્રશાસિત પ્રદેશનો દરજજો આપ્યો. કલમ ૩૭૦ની નાબૂદી સાથે તેની વિવિધ જોગવાઈથી ઉમેરાયેલી કલમ
૩૫-અ આપમેળે જ રદ થઈ ગઈ.
એ ઐતિહાસિક દિવસે સંસદના ફલક પર પ્રધાનમંત્રી નરેંદ્ર મોદી અને ગૃહ મંત્રી અમિત શાહની મુત્સદ્દીનું સમગ્ર વિશ્ર્વ સાક્ષી બન્યું માટે
જરૂરી છે કે દેશની સર્વોચ્ચ અદાલતના કલમ ૩૭૦ વિરુદ્ધના તાજા આ ચુકાદાના સંદર્ભે આપણે એ જ કલમના ખરડાયેલા ભૂતકાળને યાદ કરી લેવો જોઈએ…
ભારતીય બંધારણ પર લાદવામાં આવેલી આ બંને કલમ જમ્મુ- કાશ્મીર રાજ્યમાં સતત સળગી રહેતાં અલગાવવાદના દાવાનળના મૂળમાં હતી. રાજ્યનું ભારતીય સંઘમાં સંપૂર્ણ વિલીનીકરણ રોકવા માટે પણ આ બંને કલમ જવાબદાર હતી. ભારતના બંધારણના ઘડતર દરમિયાન જમ્મુ-કાશ્મીરથી શેખ અબ્દુલ્લા સાથે એમનાં ત્રણ સાથી રાજ્ય તરફથી બંધારણ સભાના સભ્ય બન્યા. એમની ખંધાઈને લીધે બંધારણમાંથી જમ્મુ, લદ્દાખ અને ગીલગીટનું કાગળ પરનું અસ્તિત્વ જ ભૂંસાઈ જાય તેમ હતું. રાજ્યને કેવળ કાશ્મીર નામ મળવાનું હતું, પરંતુ બંગાળના વિરોધને લીધે અંતે જમ્મુ-કાશ્મીર નામ પર સહમતી સાધવામાં આવી.બંધારણની આઠમી સૂચિમાં કેવળ કાશ્મીરી ભાષાનો જ સમાવેશ કરાયો. લદ્દાખી અને જમ્મુની ડોગરી ભાષાને ભારોભાર અન્યાય થયો. જમ્મુ અને લદ્દાખ બે પ્રદેશ મળીને ફુલ આબાદી કાશ્મીર ખીણ કરતાં વધુ હતી, છતાં પણ… ભવિષ્યના ભારતમાં મુસ્લિમ તુષ્ટિકરણના નવા અધ્યાયો લખાવાના હતા. આ તો હજી ફક્ત શરૂઆત હતી.
ભારતના બંધારણના ઘડવૈયા ડો. ભીમરાવ આંબેડકરે કલમ ૩૭૦ વિશે શેખ અબ્દુલ્લાને રોકડું પરખાવતા કહ્યું હતું: મિસ્ટર અબ્દુલ્લા, તમે ઈચ્છો છો કે ભારતે કાશ્મીરનું રક્ષણ કરવું જોઈએ, ભારતે કાશ્મીરમાં વિકાસ કરવો જોઈએ અને કાશ્મીરીઓને ભારતના નાગરિકો જેટલાં જ બરાબરના અધિકારો મળવા જોઈએ, પણ તમે નથી ઇચ્છતા કે ભારત અને તેના કોઈ નાગરિકને કાશ્મીરમાં કોઈ પણ અધિકાર મળે. હું ભારતનો કાયદા પ્રધાન છું. હું મારા દેશના હિત સાથે દગો કરી શકું તેમ નથી.થ
બાબા સાહેબના આવા કડક વલણ બાદ નહેરુએ દેશ તોડવાની (કલમ-૩૭૦નો ડ્રાફ્ટ તૈયાર કરવાની) જવાબદારી ગોપાલસ્વામી અયંગરને આપી. ૨૮ સપ્ટેમ્બર ૧૯૫૧ના રોજ ડો. આંબેડકરે નહેરુની નીતિઓથી હ્રદયભંગ થઇને કેન્દ્રીય કાયદામંત્રી તરીકે કેબિનેટમાંથી રાજીનામું આપ્યું. બાબાસાહેબે તેમના રાજીનામાંનું એક કારણ કૉંગ્રેસની કાશ્મીર પોલિસી આપ્યું હતું.
૨૬ જાન્યુઆરી- ૧૯૫૦ ના દિવસે ભારતનું બંધારણ અમલમાં આવ્યું. બંધારણની કલમ ૩૭૦ અન્વયે જમ્મુ-કાશ્મીર રાજ્ય માટે હંગામી ધોરણે ખાસ જોગવાઈઓ કરવામાં આવી, જે આજ દિન સુધી કાયમ રહી. કામચલાઉ ફેરબદલ થઇ શકે તેવા અને ખાસ જોગવાઈઓ ધરાવતા બંધારણના ભાગ-૨૧ અંતર્ગત, કલમ-૩૭૦નો મુસદ્દો ઘડી કાઢવામાં આવ્યો. એ અનુસાર જમ્મુ- કાશ્મીરની બંધારણ સભાની ભલામણ પરથી દેશના રાષ્ટ્રપતિ કલમ ૩૭૦નો ભંગ કરી શકે, પરંતુ ૨૬ જાન્યુઆરી ૧૯૫૭ના રોજ જમ્મુ -કાશ્મીરની બંધારણ સભાએ કલમ ૩૭૦ને રદબાતલ જાહેર કરવાની ભલામણ કર્યા વગર જ પોતાને વિસર્જિત જાહેર કરી દીધી.
આમ જમ્મુ-કાશ્મીર નહેરુ-અબ્દુલ્લાની મૈત્રીના પરિણામ સ્વરૂપ એક મોટા બંધારણીય સંકટ તરીકે ઊભરી આવ્યું હતું. વર્ષ ૧૯૫૨ના નહેરુજીએ કાશ્મીર મુસદ્દાની ગૂંચવણોમાં એક નવી વચગાળાની યશકલગી ઉમેરી, જે દિલ્હી એગ્રીમેન્ટ – ૧૯૫૨ તરીકે ઓળખવામાં આવે છે. આ એગ્રીમેન્ટના મુખ્ય રાષ્ટ્રભંજક મુદ્દા હતા:
જમ્મુ -કાશ્મીરની રાજ્ય વિધાનસભાના વડાને સદર-એ-રિયાસત (વડા પ્રધાન) તરીકે ઓળખવા…
જમ્મુ -કાશ્મીરમાં ભારતના રાષ્ટ્રધ્વજ ઉપરાંત તેમના રાજ્યનો અલગ ધ્વજ રહેશે…
રાજ્ય સરકારને તેનાં કાયમી નાગરિકોના અધિકારો અને વિશેષાધિકાર નક્કી કરવાનો અબાધિત અધિકાર રહેશે.
ભારતીય બંધારણના મૂળભૂત અધિકારો જમ્મુ-કાશ્મીર રાજ્યના જમીન સુધારણાને લગતા કાયદાઓને બાધક નહીં રહે…
રાજ્ય સરકારની વિનંતી વિના રાષ્ટ્રપતિ દ્વારા જમ્મુ-કાશ્મીરમાં ઈમરજન્સી (આપાતકાળ) લાગુ કરી શકાશે નહીં…
ફેબ્રુઆરી ૧૯૫૪માં જમ્મુ-કાશ્મીરનું ભારતમાં વિલીનીકરણ તો સંપન્ન થયું, પરંતુ દિલ્હી એગ્રીમેન્ટને કાયદાકીય સ્વરૂપ આપવા પાછલા બારણેથી આર્ટિકલ ૩૫-અ ને બંધારણમાં ઘુસાડવામાં આવ્યો. ભારતીય બંધારણના આધારસ્તંભ સમાનતાના અધિકાર (રાઈટ ટુ ઇક્વાલીટી)ની આવી ઘુસાડેલી કલમ દ્વારા હત્યા થતી હતી. ૩૫-અ, જમ્મુ અને કાશ્મીર રાજ્યની વિધાનસભાને તેનાં રાજ્યના કાયમી નાગરિકોને વ્યાખ્યાયિત કરી તેમને કેટલાક અધિકારો અને વિશેષાધિકારો આપતી હતી. કલમ ૩૭૦ના ક્લોઝ(૧) દ્વારા, જમ્મુ કાશ્મીરની સરકારના પરામર્શ તળે ભારતના રાષ્ટ્રપતિને મળેલી સત્તા હેઠળ ભારતના પ્રથમ વડા પ્રધાન, પંડિત જવાહરલાલ નહેરુએ બંધારણીય આદેશ ૧૯૫૪ (જમ્મુ અને કાશ્મીરને લાગુ પડતો) ૧૪ મે ૧૯૫૪ના રોજ પસાર કરાવ્યો.
જમ્મુ- કાશ્મીર રાજ્યમાં શરીયાહના કટ્ટર ઇસ્લામિક કાયદા પાળતા સુન્ની અરેબીક રાષ્ટ્રોમાં હોય છે તેમ જ, અન્ય રાજ્યોના નાગરિકો સાથે ભેદભાવ ભર્યું, દ્વિતીય દરજજાનું, ઓરમાયું વર્તન થાય છે. ભારતનાં અન્ય રાજ્યોના નાગરિકો જમ્મુ -કાશ્મીરમાં ચલ-અચલ સંપત્તિ ખરીદી નથી શકતાં. રાજ્ય સરકારમાં નોકરી નથી મેળવી શકતા. ચૂંટણી લડવાનો અધિકાર, મતાધિકાર નથી મેળવી શકતા. રાજ્ય સરકારની કોઈપણ સબસીડી કે સરકારી ગ્રાન્ટનો લાભ નથી લઇ શકતા. જમ્મુ -કાશ્મીરમાં દેશના અન્ય હિસ્સાના કોઈ નાગરિક સાથે કંઈ અન્યાય થાય તો એમને જમ્મુ- કાશ્મીર રાજ્યમાં ન્યાય મેળવવાનો અધિકાર નથી ઉપરાંત અન્યાયની વિરુદ્ધમાં દેશના અન્ય કોઈ ન્યાયાલયમાં અપીલ પણ કરી શકાતી નથી.!
આવી બધી બંધારણદ્રોહી જોગવાઈઓને લીધે કાશ્મીરીઓ પોતાને દેશની મુખ્યધારાથી વિશિષ્ટ અને અલગ માનતા આવ્યા છે, જેને કારણે કાશ્મીરમાં વસતા ગૈર-મુસ્લિમ લોકો વિરુદ્ધ હિંસા અને ઇસ્લામિક કટ્ટરપંથને વેગ મળ્યો છે. આર્ટિકલ ૩૫-અ નું સૌથી બીભત્સ પાસું ત્યારે સામે આવ્યું જ્યારે કાશ્મીરના રહેવાસી પાંચ લાખ કાશ્મીરી પંડિતોને પહેર્યે કપડે એમની બહેન-દીકરીઓની અસ્મત બચાવવા કાશ્મીર ખીણ છોડીને રાતોરાત ઉચાળા ભરવા પડ્યા. પરિસ્થિતિ ત્યારે વધુ વણસી જ્યારે ઉત્તર પ્રદેશ અને બિહારના કટ્ટર વહાબી મૌલાનાઓ અને પાકિસ્તાની ઘૂસણખોરોએ ખીણપ્રદેશમાં ઘૂસી સુન્ની મુસ્લિમ બહુમતીને કટ્ટરતા તરફ વાળી.
ભાગલા સમયે પાકિસ્તાન અથવા પાકિસ્તાનના કબ્જાના જમ્મુ કાશ્મીરના લોકો અને એમનાં વારસદારોને જમ્મુ- કાશ્મીરના કાયદેસરના નાગરિકો તરીકેના હક્કો અને કાશ્મીરમાં રહેલી એમની વારસાગત મિલકતનો હવાલો ફરી સંભાળવાની છૂટ મળી છે. તિબેટ અને ઝીનજિયાંગ પ્રાંતના મુસ્લિમ નિરાશ્રિતોને પણ રાજ્યના નાગરિક તરીકે દરજજો આપવામાં આવ્યો છે.
બીજી તરફ,જમ્મુ- કાશ્મીર રાજ્યને એક મુસ્લિમ રાજ્ય તરીકે પ્રસ્થાપિત કરવા માટે કલમ ૩૫-અનો હથિયાર તરીકે દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે.
આ સઘળો બખેડો ૧૯૪૭માં ઊભો થયો હતો. મુસ્લિમ બહુમતી ધરાવતા જમ્મુ -કાશ્મીર રાજ્યના ખંડિયા રાજા હરી સિંહ એને ભારતનું સ્વીટ્ઝરલેન્ડ બનાવવાના અને ભારત-પાકિસ્તાનથી અલગ રાષ્ટ્ર રચવાના દિવાસ્વપ્નોમાં રાચી રહ્યા હતા.
આ તરફ, કાશ્મીરને નધણિયાતું જાણીને પાકિસ્તાની સેનાના નેતૃત્વમાં શસ્ત્ર સજજ ક્બાયલીઓનું લશ્કર પાક-કાશ્મીર બોર્ડર પર જમા થઇ રહ્યું હતું. ભારેલા અગ્નિ જેવી પરિસ્થિતિ નિર્માણ થઇ રહી હતી. બે અઠવાડિયા પછી જ સેંકડોની સંખ્યામાં આફ્રીદી, મહસૂદ, વઝીર, સ્વાથી જેવા કબીલાઓના મારાઓ અને સાદાવેશમાં સજજ પાકિસ્તાન આર્મીના રેગ્યુલર તાલીમબદ્ધ સૈનિકોએ કાશ્મીરખીણ પર આક્રમણ કરી દીધું.
૨૨ ઓક્ટોબર ૧૯૪૭ ની રાત્રે આ હુમલાખોરોએ મુઝફ્ફરાબાદ શહેર લૂંટીને બાળી મૂક્યું. ત્યારબાદ તેમણે ઉરી રગદોળ્યું અને શ્રીનગરથી ૫૦ માઈલ દૂર આવેલા વીજળીઘર મહુરા પર કબજો જમાવ્યો. સમગ્ર શ્રીનગર શહેર અંધારાની ગર્તામાં ધકેલાઈ ગયું. મહારાજા હરિસિંહની હાલત જોવા જેવી થઇ. સરદાર પટેલે એમને ચીમકી આપી: ભારત તમને કાયદાકીય રીતે લશ્કરી મદદ તો જ આપી શકે જો તમે કાશ્મીરનાં ભારતીય સંઘમાં વિલીનીકરણનાં દસ્તાવેજો પર હસ્તાક્ષર કરો…
હરિસિંહ તૈયાર થયા ત્યાં તો નહેરુજીએ શરત મૂકી – કાશ્મીરના ભારતમાં વિલય સાથે મહારાજા હરિસિંહે એમની સત્તા નેશનલ કોન્ફરન્સના નેતા શેખ મોહમ્મદ અબ્દુલ્લાને સોંપવી પડશે. નહેરુની શેહ પર કાશ્મીરની સત્તા હસ્તગત કર્યા બાદ શેખ અબ્દુલ્લાએ એમનો નયા કાશ્મીરના એજન્ડા અનુસાર અલગ પ્રધાન-અલગ નિશાન અને અલગ વિધાનનો વિભાજનકારી નારો અમલમાં મૂક્યો. કાશ્મીર ખીણમાં મુસલમાનોની સંખ્યા વધુ હોવાને કારણે ત્યાં ભારતીય રાષ્ટ્રધ્વજના સ્થાને શેખના લાલ રંગ અને હળના નિશાનવાળા ઝંડાઓ ફરકવા લાગ્યા, જેનો વિરોધ પંડિત પ્રેમનાથ ડોગરાએ પ્રજા પરિષદનું ગઠન કરીને એક દેશમાં એક પ્રધાન, એક નિશાન અને એક વિધાનના આંદોલન થકી કર્યો.
આ પછી નહેરુએ એમની હિમાલય જેવી ભૂલોમાંની પહેલી ગફલતને આકાર આપતું વિધાન કર્યું : જનમત સંગ્રહ વડે જ કાશ્મીરમાં ભારતના વિઘટનના નિર્ણયને સંપૂર્ણ ગણી શકાય…. ત્યારે પ્લેબીસાઈટ (જનમત સંગ્રહ) અંગેની કોઈ કાયદાકીય જોગવાઈ અસ્તિત્વમાં નહોતી, છતાં પણ…
એ પછી તો મહાત્માના વહાલા શિષ્ય એવા જવાહરલાલ હિમાલય જેવી ભૂલોની વણઝાર દ્વારા ભારતના કુટનીતિક ભવિષ્યને ઊંડી ગર્તામાં તરફ્ ધકેલી દીધું.
ભારતના તત્કાલીન ગવર્નર જનરલ લોર્ડ માઉન્ટબેટનની અધ્યક્ષતામાં દિલ્હીમાં એક તાકીદની બેઠક બોલાવવામાં આવી, જેમાં હાજર રહેલા એક યુવા કર્નલ નામે સામ (બહાદુર) માણેકશો લખે છે:
હંમેશની જેમ નહેરુ યુનાઈટેડ નેશન્સ, રશિયા, આફ્રિકા, પરમેશ્ર્વર, અહિંસા, વિશ્ર્વ એવી બધી વાતો કરતા રહ્યા, અકળાયેલા સરદારે ગુર્રાઈને કહ્યું : જવાહરલાલ, તમારે કાશ્મીર જોઈએ છે કે જતું કરવું છે?
નહેરુ: અફકોર્સ, મને કાશ્મીર જોઈએ છે.
પટેલ: તો પછી મહેરબાની કરીને (આર્મી ને) આદેશ આપો…
ભારતીય સેના ત્યારે કબાયલી ઘૂસણખોરો મિશ્રિત પાકિસ્તાની સેનાને કાશ્મીરમાંથી ખદેડી રહી હતી ત્યાં લેડી એડવિના માઉન્ટબેટનની સુંવાળી સલાહથી નવીસવી રચાયેલી સંયુક્ત રાષ્ટ્ર નામક સંસ્થામાં નહેરુ કાશ્મીર મુદ્દાને લઇ ગયા અને દ્વિપક્ષીય મુદ્દાને આંતરરાષ્ટ્રીય બનાવી દીધો…
૧ જાન્યુઆરી-૧૯૪૯ના રોજ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ દ્વારા આદેશીત યુદ્વવિરામ અસ્તિત્વમાં આવ્યો ત્યારે કાશ્મીરનો ત્રણ ચતુર્થાંશ ભૂ-ભાગ હજી પાકિસ્તાનના ગેરકાયદેસરના કબ્જામાં હતો. યુદ્ધવિરામે રાજ્યને બે ભાગમાં વિભાજિત કરી દીધું અને બંને તરફની સેનાઓ યુદ્ધવિરામ રેખાની સામસામે સ્થિત થઇ ગઈ.
કાશ્મીરમાં ત્યાર પછી જનમત સંગ્રહ (પ્લેબીસાઈટ) કદી થઇ જ ન શક્યો, કારણ કે જનમત સંગ્રહની પૂર્વશરત પ્રમાણે પાકિસ્તાને બળપૂર્વક કબજે કરેલા વિસ્તારોમાંથી પીછેહઠ ન કરી. આ પ્રદેશોને હવે પાકિસ્તાનના કબજાના જમ્મુ- કાશ્મીર તરીકે ઓળખવામાં આવે છે,જેમાં ગીલગીટ-બાલ્ટીસ્તાન અને મીરપુર-મુઝફ્ફરાબાદ વિસ્તારોનો સમાવેશ થાય છે.
આઝાદી પશ્ર્ચાત રાજ્યોના વિલીનીકરણ સમયે આપણા પ્રથમ પ્રધાનમંત્રી જવાહરલાલ નહેરુએ, એક તો શેખ અબ્દુલ્લા સાથે એમની ગહન મૈત્રીના નિભાવ ખાતર અને બીજું પોતે એક કાશ્મીરી હતા આવા બે અંગત કારણોસર કાશ્મીર રાજ્યનો પોર્ટફોલિયો જીદ કરીને પોતાની પાસે રાખ્યો હતો. આમ તો ગૃહમંત્રાલય અને રાજ્યોના વિલીનીકરણની જવાબદારી સરદાર પટેલના ખમતીધર ખભે હતી. આપણે જાણીએ છીએ કે કેટલી મુત્સદીથી સાડા પાંચસોથી વધુ રજવાડામાં વહેંચાયેલા આ રાષ્ટ્રને સરદાર વલ્લભભાઇ પટેલ નામે એક યુગપુરુષ માળાના મણકાઓની જેમ એક પછી એક મજબૂત દોરામાં પરોવતા જઈ રહ્યા હતા. કાશ્મીરનો મણકો પણ પરોવાઈ ચુક્યો હતો ત્યાં….
આજે પણ કાશ્મીરનો પ્રશ્ર્ન નાસૂર-કાંટો બનીને પ્રત્યેક ભારતીયને પીડા દઈ રહ્યું છે. કોઈની પણ સાડીબાર ન રાખનાર સરદારે જવાહરલાલને એમના કાશ્મીર પરત્વેના કૂણા વલણ માટે ખરી ખરી સંભળાવી દીધી હતી.
સરદાર વલ્લભભાઈ પટેલે સ્પષ્ટ કહ્યું: એક રાજ્ય જે ભારતનો હિસ્સો હોવા છતાં ભારતીયોના મૂળભૂત અધિકારોને અને રાષ્ટ્રનીતિઓના નિર્દેશો અને સિદ્ધાંતોના પાલનને માન્યતા નથી આપી રહ્યું તે અત્યંત શંકાસ્પદ અને અસ્વીકાર્ય બાબત છે…
શેખ અબ્દુલ્લા વિશે સરદારે કહ્યું હતું: જ્યારે પણ શેખ સાહેબે પીછેહઠ કરવી પડે તેમ હોય ત્યારે એ હંમેશાં આપણી સમક્ષ એમની કાશ્મીરના લોકો પ્રત્યેની ફરજનુ બહાનું આગળ ધરે છે.
આગળ જતાં નહેરુની કાશ્મીર નીતિથી નારાજ સરદાર પટેલે પોતાના પદ પરથી રાજીનામું પણ આપી દીધું હતું,પણ ગાંધીજીની મધ્યસ્થી બાદ સરદાર અને નહેરુએ દેશહિત કાજે ફરી સાથે કામ શરૂ કર્યું. બંધારણ સભામાં અને કૉંગ્રેસ પક્ષની કાર્યપાલિકાની બેઠકમાં સરદારે કલમ ૩૭૦ પસાર કરવામાં નહેરુને કમને સાથ તો આપ્યો પણ ખિન્ન હ્રદયે, તેમનાં અંગત સચિવ વી. શંકરને ત્યારે સરદારે કહેલું: જવાહરલાલ રોયેગા…
જ્યારથી, કલમ ૩૭૦ અને ૩૫-અ દેશની સંસદમાં નિરસ્ત થઈ છે ત્યારથી કાશ્મીર ખીણમાં એકબીજાને બાપે માર્યા વેર હોય તેવા પક્ષો, આતંકવાદી સંગઠનો, ધાર્મિક સંગઠનો તથા અન્ય દેશવિરોધી તાકાતો સાથે મળીને કલમ-૩૫-અ ના સમર્થનમાં મેદાને પડ્યા છે. ગુપકાર એલાયન્સ બન્યું અને નેશનલ કોન્ફરન્સ, પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી (પીડીપી), કૉંગ્રેસ પાર્ટી, અને હુર્રિયત, ભારતના ઈતિહાસના સૌથી વધુ પ્રતિગામી કાયદાની તરફેણમાં, એકબીજાના સૂરમાં સૂર પુરાવવા લાગ્યા. બહાનું બંધારણની સર્વોપરિતાનું આગળ ધરાયું. એ બધા કહેતા હતા કે દેશના બંધારણના સંરક્ષણ માટે અમે કંઈ પણ કરી છૂટવા તૈયાર છીએ અને જો બંધારણમાં ફેરફાર કરાશે તો આખો દેશ સળગશે…. પીડીપીના મેહબૂબા મુફ્તીએ તો એટલે સુધી કહ્યું હતું કે, જો કલમ ૩૫-અ ને નાબૂદ કરવામાં આવશે તો ભારતીય રાષ્ટ્રધ્વજને ખભે ઊંચકવાવાળું કાશ્મીરમાં કોઈ નહીં બચે…
ભારતના બંધારણના કોઈપણ ભાગને કાઢી નાખવો- તેમાં ફેરફાર કે ઉમેરો કરવાનો અર્થ બંધારણીય સુધાર એવો થાય છે. બંધારણમાં સુધાર કેવળ, બંધારણની કલમ ૩૬૮ માં દર્શાવેલ પ્રક્રિયા મુજબ જ થઇ શકે અને તેને માટેનું સામર્થ્ય કેવળ દેશની સંસદને છે. જ્યારે હકીકત એ છે કે કલમ ૩૫-અ ને કદીય સંસદ સમક્ષ મંજૂરી માટે મુકવામાં જ નહોતી આવી. એનો અર્થ સ્પષ્ટ છે કે, પ્રધાનમંત્રી નહેરુની શેહમાં તત્કાલીન રાષ્ટ્રપતિએ બંધારણીય સુધારાની બંધારણીય પ્રક્રિયાને ન અનુસરીને અને સંસદને અંધારામાં રાખીને આ કાળી કલમ પસાર કરી.
બંધારણની કલમ ૩૭૦ અને ૩૫-અ જમ્મુ-કશ્મીરના ઇસ્લામિક કટ્ટરવાદના તાબૂતની સૌથી મજબૂત ખીલ્લી હતી, જેને નિરસ્ત કરવાનું ઐતિહાસિક કાર્ય વડા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેજા હેઠળ અમિત શાહે સંસદમાં પાર પાડ્યું છે. સર્વોચ્ચ અદાલતે પણ પેલી વિવાદાસ્પદ ૩૭૦ ક્લમની નાબૂદી પર બંધારણીય મહોર મારીને દેશની બંધારણીય એકતાને વધુ મજબૂત કરી છે….