દીકરાના અકસ્માતને નામે ગઠિયાઓ લાખોની ઠગાઈ કરી ગયા

સાયબર સાવધાની -પ્રફુલ શાહ
મોટી કોર્પોરેટ કંપનીની ખૂબ ઈમ્પોર્ટન્ટ મીટિંગ ચાલતી હતી. ભારત છોડીને અમેરિકામાં દસ વર્ષ બાદ સ્વદેશ પાછા ફરેલા આકાશ રસ્તોગીએ ઘણાંને ઈર્ષા થાય એવી સફળતા મેળવી હતી. મીટિંગમાં ગયા વર્ષના ટાર્ગેટ પૂરા કરવા બદલ પ્રમોશનની જાહેરાત થવાની હતી. સાથોસાથ નવી બ્રાંચ ખોલવાની ઘોષણા ય કરવાની હતી.
કંપનીના ટોચના અધિકારીઓ ઉપરાંત અમુક એન.આર.આઈ. પણ મૂડી રોકાણ કરવા માટે આવવાના હતા. મૂડીદાર મહેમાનો આવે ત્યાં સુધી બઢતી મેળવનારા કર્મચારીઓના નામ જાહેર થવાનાં હતાં. બધાના ટેબલ પર પાણીની બોટલ સાથે કોફીના કપ મુકાઈ ગયા. આકાશ રસ્તોગી સંબોધનની શરૂઆત કરે, એ અગાઉ એમનો મોબાઈલ ફોન વાઈબ્રેટ થયો. અજાણ્યો નંબર જોઈને તેમણે ધ્યાન ન આપ્યું: સંબોધનની આરંભિક લાઈન બોલવાનું પૂરું કરે એ અગાઉ ફરી ફોન વાઈબ્રેટ થયો એ જ નંબર હતો. તેમણે અવગણના કરવાનું ઊચિત સમજ્યું. ફોન કટ કર્યા બાદ ત્રીજીવાર ફોન વાઈબ્રેટ થયો. ક્યાંક રોકાણકાર વતી કોઈ ફોન તો નહીં કરતું હોય ને! અથવા કોઈ ઈન્વેસ્ટર જ બીજા નંબરથી ફોન કરતા હોય તો? થોડી નારાજગી સાથે “એક્સક્યુઝ મિ” કહીને રસ્તોગી બહાર નીકળ્યા. તેમણે ફોન ઉપાડ્યો. સામેથી અવાજ સંભળાયો.
“આપ મિસ્ટર રસ્તોગી?” સહેજ અણગમા સાથે તેમણે જવાબ આપ્યો. “યસ, બટ આઈ એમ વેરી બિઝી નાઉં.” “સર, આપ આકાશ રસ્તોગીને?” “યસ, યસ. બટ…” “અંકુશ રસ્તોગીના પપ્પા ને?” “હા. હા. પણ આમાં અંકુશ કયાંથી આવ્યો?”
“સર, અંકુશ રસ્તોગીને અકસ્માત નડ્યો છે?” આકાશ રસ્તોગીના હાથમાંથી ફોન પડતા-પડતા રહી ગયો. “વ્હોટ?”
“હા. લોનાવાલા ઘાટ પાસે ખૂબ સિરિયસ એક્સડન્ટ થયો છે. એમની હાલત ખરાબ છે…” “ઓહ … નો … અત્યારે અંકુશ કયાં છે?”
“એને નજીકની જીવનદાતા હૉસ્પિટલમાં ખસેડાયો છે…” “ઓ.કે. હું તાત્કાલિક નીકળું છું…” “સર, આપને આવતા સમય લાગશે. ત્યાં સુધીમાં કદાચ બહુ મોડું પણ થઈ જાય!” “એટલે?” “સર, ખૂબ ગંભીર ઈજા થઈ છે. અમે સીધા અંકુશજીને હોસ્પિટલના ઓપરેશન થિયેટરમાં લઈ ગયા છીએ…” “અરે પણ…” “સર, 15 મિનિટમાં ઓપરેશન શરૂ ન થયું તો કંઈ પણ થઈ શકે એવું ડૉક્ટરનું કહેવું છે…” “તો પ્લીઝ ઓપરેશન કરી દો તાત્કાલિક… હું નીકળું જ છું…” “સર, મારું નામ કૌશલ છે હું હોસ્પિટલમાં જ મળીશ.” “થેન્ક યુ બેટા. કૌશલ.” “સર, ઓપરેશન શરૂ કરાવવા માટે આપ રૂપિયા દસ હજાર મોકલી દો. હું આપને હૉસ્પિટલની પેમેન્ટ લિંક મોકલું છું.”
તરત જીવનદાતા હૉસ્પિટલની પેમેન્ટ લિન્ક આવી. એક પળનો ય વિલંબ કર્યા વગર આકાશ રસ્તોગીએ રૂા. દસ હજાર ટ્રાન્સફર કરી દીધા. સેક્રેટરીને કાનમાં બે વાક્ય કહીને તેઓ ચાલવા માંડ્યા. દરવાજા સુધી પહોંચ્યા, ત્યાં યાદ આવ્યું કે હોસ્પિટલનું સરનામું લેવાનું તો રહી જ ગયું. તેમણે કૌશલને ફોન લગાવ્યો. તો નંબર સ્વીચ ઓફ આવ્યો. વધુ કંઈ વિચારે એ અગાઉ એસ.એમ.એસ. આવ્યો. આપના ખાતામાંથી છ લાખ રૂપિયા ઉપાડાયા છે. એ વિશે વિચારીને આંચકો અનુભવે એ અગાઉ બીજો એસ.એમ.એસ. આવ્યો. પાંચ લાખની રકમ ઉપાડાઈ છે.
આકાશ રસ્તોગી સ્તબ્ધ થઈ ગયા. ન જાણે કંઈક સૂઝતું હોય એમ તેમણે દીકરા અંકુશનો નંબર ડાયલ કર્યો. પહેલી જ રિંગ પર દીકરાએ ફોન ઉપાડ્યો.
“હલ્લો, પપ્પા…” “બેટા, તું ઠીક છો ને?” “હા, એકદમ મજામાં. કેમ?” “તું ક્યાં છો?” “દોસ્તો સાથે લોનાવાલાના રિસોર્ટમાં જ છું. આપણી વાત તો થઈ હતી ને? પણ થયું શું?” હવે કોઈ જવાબ આપવાના હોશ કોશ બચ્ચા નહોતા આકાશ રસ્તોગીમાં દીકરા માટેની લાગણી અને ફિકરથી એમનું મગજ બહેર મારી ગયું હતું એટલે ન કરવાનું કરી બેઠા અને સાયબર ક્રિમિનલનો શિકાર થઈ ગયા.
A.T.P. (ઑલ ટાઇમ પાસવર્ડ)
અજાણ્યા નંબર પરથી કંઈ પણ કહેવાય કે મેસેજ આવે. અસ્વસ્થ થવા કે અકળાવાને બદલે શાંતિથી બે ઊંડા શ્ર્વાસ લો. પછી શક્ય હોય તો સંબંધિત વ્યક્તિને ફોન કરો. એ ન બને તો નિરાંત લીંબુ પાણી પીતા-પીતા મનગમતું ગીત ગાવા માંડો.