ઈન્ટરવલ

પાકિસ્તાનમાં આર્મી હારી, અવામ જીતી!

ઈમરાન ખાન ઈન્જર્ડ છે, પણ રિટાયર્ડ નથી થયા. પાકિસ્તાનમાં નવી સરકાર નવી મુસીબતો લાવશે

પ્રાસંગિક -અમૂલ દવે

પાકિસ્તાનની સામાન્ય ચૂંટણીમાં કોઈ પક્ષને બહુમતી મળી નથી. કોઈ પક્ષનો ચોખ્ખો વિજય થયો નથી. અલબત્ત, એક વાત નક્કર સત્ય છે કે આ આતંકવાદગ્રસ્ત દેશમાં લશ્કરની કારમી હાર થઈ છે અને અનેક દમન-અત્યાચાર-ગોલમાલ, હેરાફેરી અને અનિયમિતતા, છતાં જનતા જનાર્દનની જીત થઈ છે. ચૂંટણીમાં આતંકવાદી હિંસા, રાજકીય અસ્થિરતા અને પારદર્શિતાનો અભાવ જોવા મળ્યો હતો. વર્ષો પહેલાં ચૂંટણી વખતે આપણા બિહારમાં જે અફડાતફડીનો માહોલ સર્જાતો એવો સિનારિયો આ વખતે પાકિસ્તાનમાં જોવાં મળ્યો. નવી ગઠબંધન સરકાર તો ટૂંક સમયમાં રચાશે, પરંતુ આ સરકાર સ્થિર નહીં હોય અને એક સાંધે તો તેર તૂટે એવી સ્થિતિ હશે.

બે ભૂતપૂર્વ વડા પ્રધાન અને કટ્ટર હરીફ નવાઝ શરીફ અને ઇમરાન ખાને બન્નેએ જીતનો દાવો કર્યો છે, પરંતુ પાકિસ્તાનની ગલીઓમાં અંધાધૂંધી-અરાજકતા અને અનિશ્ર્ચિતતા જોવા મળે છે.
આ ચૂંટણી મુક્ત અને નિષ્પક્ષ નહોતી. રિઝલ્ટમાં ચેડાં કરવામાં આવ્યા હતા. આવા સંજોગોમાં બનનારી કોઈ પણ સરકાર એક-બે વષર્થી વધુ ટકી નહીં શકે. નવી સરકાર એ લશ્કરની કઠપૂતળી હશે.

સત્તા મેળવવા કોઈ પણ પક્ષને નેશનલ એસેમ્બલીમાં ૧૬૯ બેઠક જોઈએ. પાકિસ્તાનના ભાવિ વડા પ્રધાનને મોટા પડકારોનો સામનો કરવો પડશે. આ દેશને ‘ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ’ની નવી સહાય લેવી પડશે.

પાકિસ્તાની મતદારોએ  આઠમી ફેબ્રુઆરીએ અનેક અડચણો પાર કરીને પોતાનો મત નિર્ભયતાથી આપીને  લશ્કરની પસંદગી પાર્ટીઓને બહુમતી નકારી હતી. યુવાન મતદાતાઓએ લશ્કર સમર્થિત ભ્રષ્ટ સત્તાને નકારી હતી. લોકો મોંઘવારી, બેકારી અને કરપ્શનથી કંટાળી ગયા છે. લોકોને ઈમરાન ખાન પ્રત્યે સહાનુભૂતિ છે. ઈમરાનની  ‘તહરિક-એ-ઇન્સાફ’ પાર્ટીને તેનું પ્રતીક બેટ પણ આપ્યું નહોતું. એના ઉમેદવારો અપક્ષ તરીકે લડ્યા હતા. આમ છતાં અપક્ષોએ ૯૨થી વધારે બેઠક જીતી છે. ચોથી વાર વડા પ્રધાન બનવા થનગની રહેલા નવાઝ શરીફની પાર્ટી ‘પાકિસ્તાન મુસ્લિમ લીગ’ (નવાઝ)ને ૨૫૬ માંથી ૭૫  બેઠક મળી છે. જ્યારે પાકિસ્તાન પીપલ્સ પાર્ટીને ૫૪ બેઠક મળી છે. ટેક્નિકલી જોવા જઈએ તો પીએમએલ-એન એ સૌથી મોટો પક્ષ બન્યો છે. બિલાવલ ભુટ્ટોએ જાહેરાત કરી છે કે તેઓ શાહબાઝ શરીફને બહારથી ટેકો આપે છે. આ બે સત્તાવાર મોટા પક્ષ વચ્ચે સમજૂતી નહીં થાય તો લશ્કર ઉગ્ર બનીને માર્શલ લૉ (લશ્કરી શાસન) લાદી નાખશે. નવાઝ શરીફને સમજાઈ ગયું છે કે લોકો તેમના પક્ષ પ્રત્યે નારાજ છે. શરીફ આમ તો બન્ને બેઠક પર હારી ગયા હતા, પરંતુ ગોલમાલ કરીને તેમને એક બેઠક પર વિજેતા જાહેર કરાયા છે. ઈમરાન ખાનના પક્ષે જનાદેશના અપમાનનો આક્ષેપ કરીને રાષ્ટ્રવ્યાપી દેખાવો શરૂ કર્યા છે. પાકિસ્તાનના એક સિનિયર સનદી અધિકારીએ તો કબૂલાત કરી છે કે ચૂંટણીમાં ઘાલમેલ કરાઈ છે અને મને એટલો પસ્તાવો થયો છે કે હું આત્મહત્યા કરવાનું વિચારતો હતો. અંતે મેં રાજીનામું આપવાનું નક્કી કર્યું હતું. આ અમલદાર રાવલપિંડીના કમિશનર લિયાકત અલી છે અને તેમણે સ્વીકાર્યું છે કે અમે હારેલા ઉમેદવારને જીતાડી દીધા છે. જોકે તેમના પર દબાણ આવતા તેઓ ફરી ગયા હતા. તેમણે કહ્યું હતું કે મને આવું બોલવા ઈમરાન ખાનના પક્ષે ઓફર આપી હતી.

ઝરદારી ભુટ્ટોની ‘પાકિસ્તાન પીપલ્સ પાર્ટી’ને ૫૪ બેઠક મળી છે. આ પક્ષે તેના ગઢ ગણાતા સિંધમાં સત્તા મેળવી છે. જો ચૂંટણી મુક્ત અને નિષ્પક્ષ થઈ હોત તો ઈમરાન ખાનના પક્ષને આસાનીથી ૧૩૪ બેઠક મળી જાત… જો ચૂંટણીમાં ઈમરાન ખાનના પક્ષને ભાગ લેવા દીધો હોત તો તે બે તૃતીયાંશ બહુમતી મેળવી હોત. હવે તો એ જોવાનું રસપ્રદ હશે કે અદાલત કેટલી બેઠકોમાં સાચા વિજેતાને ન્યાય અપાવે છે. આખી ચૂંટણી પ્રક્રિયામાં અદાલતની ભૂમિકા પણ શંકાસ્પદ અને લશ્કર તરફી રહી હતી. પરિણામ જાહેર કરવામાં જાણીબુઝીને વિલંબ કરવામાં આવ્યો હતો. આગલા દિવસે જે ઉમેદવારને ૫૦,૦૦૦ મત જેટલી સરસાઈ હતી તે બીજા દિવસે પરાજિત જાહેર થયો હતો. પાકિસ્તાનની હાલની ચૂંટણી સૌથી વધારે શંકાસ્પદ અને ચિટિંગવાળી છે, જેમાં લશ્કરે સીધો હસ્તક્ષેપ કર્યો છે અને અદાલતનો ઉપયોગ કરીને ઈમરાન ખાનને ભીતસરસા કરાયા છે.

પાકિસ્તાની લશ્કર ફરી પીડીએમ મોડેલ અમલમાં મૂકશે. ‘પીડીએમ’ એટલે કે ‘પાકિસ્તાન ડેમોક્રેટિક મુવમેન્ટ’ આની સ્થાપના સપ્ટેમ્બર ૨૦૨૦માં થઈ હતી. આ લશ્કર અને તેને ટેકો ધરાવતા તત્કાલીન વડા પ્રધાન ઈમરાન ખાન સામેની ઝુંબેશ હતી. લશ્કરે ચૂંટણી પહેલાં ઈમરાન ખાનને પદભ્રષ્ટ કરીને આ મોડેલને ૧૮ મહિના સુધી સત્તા અપાવી હતી. લશ્કરે ઈમરાન ખાનને એપ્રિલ ૨૦૨૨માં સત્તા પરથી હટાવ્યા હતા.

નવાઝ શરીફ માનતા હતા કે લશ્કરની મદદથી એમનો પક્ષ આસાનીથી બહુમતી મેળવશે, પણ એમનું ધાર્યું થયું નહીં. સત્તા માટેની સાઠમારી ચાલુ થઈ ગઈ છે. ‘પાકિસ્તાન પીપલ્સ પાર્ટી’એ બિલાવલ ભુટ્ટોને વડા પ્રધાન બનાવવાની અને નવાઝ શરીફને પ્રમુખ બનાવવાની ચાલ રમી છે. વાટાઘાટો અને મંત્રણા પછી નવાઝ શરીફ નોન- પ્લેયિંગ કેપ્ટન બની ગયા છે. એમના ભાઈ શાહબાઝ ફરીને વડા પ્રધાન બનશે. નવાઝ શરીફની પુત્રી મરીયમ પંજાબનાં મુખ્ય પ્રધાન બનશે. પીપીપીના આશીફ લી ઝરદારી પ્રમુખપદના ઉમેદવાર બનશે. પાકિસ્તાનના લશ્કરની મદદથી આ બંને પક્ષ વચ્ચે સમજૂતી થઈ છે.. જો થયેલ ડીલ સફળ નહીં થાય તો પાકિસ્તાનનું લશ્કર દેશના ૭૬ વર્ષના ઈતિહાસમાં ચોથી વાર બળવો કરીને સત્તા હાંસલ કરશે. ઈમરાન ખાનના પક્ષ તહરીક-એ-ઈન્સાફે વિપક્ષમાં બેસવાનો નિર્ણય લીધો છે. પોતાના પક્ષપ્રમુખના આ નિર્ણયની બેરિસ્ટર અલી સૈફે જાણકારી આપી હતી. અગાઉ પીટીઆઈએ એક દિવસ પહેલાં એવી જાહેરાત કરી હતી કે ઉમર અયૂબ ખાનને વડા પ્રધાનપદના ઉમેદવાર અને અસલમ ઈકબાલને પંજાબના મુખ્ય પ્રધાનના ઉમેદવાર જાહેર કર્યા હતા. ઈસ્લામાબાદમાં કોમી વતન પાર્ટીનો પ્રવાસ કર્યા બાદ સૈફે કહ્યું હતું કે પક્ષના સંસ્થાપક ઈમરાન ખાનના આદેશ પ્રમાણે પક્ષે કેન્દ્ર અને પંજાબમાં વિરોધ પક્ષમાં બેસવાનો ફેંસલો લીધો છે. તેમણે દાવો કર્યો હતો કે જો પડેલા મત પ્રમાણે સીટ મળત તો આજે અમને ૧૮૦ બેઠક મળત. અમારી પાસે ફોર્મ ૪૫ના પુરાવા છે.

પાકિસ્તાનના કોઈ પણ વડા પ્રધાને હજી સુધી તેની મુદત પૂરી કરી નથી. પાકિસ્તાનમાં ખીચડી એટલે કે મિક્સ સરકાર આવશે એ નિશ્ર્ચિત છે. આમાં સવાલ એ પણ છે કે પ્રમુખ આરીફ અલવી શું કરે છે. ઈમરાન ખાનનો
કરિશ્મા અકબંધ છે, પરંતુ એ અત્યારે તો જેલમાં છે અને વડા પ્રધાન બનવા ગેરલાયક છે. એમના ચૂંટાયેલા અપક્ષ સંસદમાં પક્ષ તરીકે કામ નહીં કરી શકે. એમણે નવા જૂથની રચના કરવી પડશે અથવા તો કોઈ રાજકીય પક્ષમાં જોડાવું પડશે. અપક્ષોને ખરીદવા માટેનું હોર્સ ટ્રેડિંગ શરૂ થઈ ગયું છે. સૌથી મોટા પક્ષના નેતાને સરકાર રચવાનું આમંત્રણ રાષ્ટ્રના પ્રમુખ અલવી જ આપી શકે.
બીજી તરફ,પાકિસ્તાનના લશ્કરના વડા અસીમ મુનીરને ચૂંટણીના રિઝલ્ટથી આંચકો લાગ્યો છે. પાકિસ્તાનની જનતાએ બેલેટ પેપરની મદદથી લશ્કરને એવો સંદેશો આપ્યો છે કે તે બેરેકમાં જ રહે તો બહેતર છે અને પાકિસ્તાનનું શાસન મુલકી સરકારને ચલાવવા દે-એમાં હસ્તક્ષેપ ન કરે તો સારું.

લશ્કરી વડા મુનીરે દેખાડો તો એવો કર્યો છે કે આ ઈલેકશનમાં એમની કોઈ દરમિયાનગીરી નથી. એમણે લોકોને એકતા, પરિપક્વતા અને હીલિંગ ટચ બતાડવાની વાત કરી છે. મુનીરે અત્યાર સુધી ઈજિપ્ત કે મ્યાનમાર જેવું સંપૂર્ણ સત્તા મેળવવાનું મોડેલ અપનાવ્યું નથી. મુનીરના સાચા રંગ તો નવેમ્બર ૨૦૨૫માં ખબર પડશે. ત્યારે એમની પહેલી મુદત પૂરી થશે. ત્યાર બાદ મુદત લંબાવવા એ કંઈ પણ કરી શકે.
નવાઝ શરીફે ઈમરાનથી વેરની વસૂલાત કરી છે. ઈમરાને લશ્કરની મદદથી ૨૦૧૭માં એમની હકાલપટ્ટી કરી હતી. એમની ‘વોટ કી ઈજજત’ની વાત સ્વીકારવામાં આવી નહોતી. હવે ઈમરાન ખાન ‘વોટ કી હીફાઝત’ની વાત કરે છે. એ પણ બહેરા કાને અથડાશે.

નવાઝ શરીફે પણ ઈમરાન ખાનની જેમ લશ્કરની દરમિયાનગીરીને મુદ્દો બનાવ્યો હોત તો એમને વધુ બેઠક મળી હોત. હજી કશું બગડ્યું નથી. ઈમરાન અને બિલાવલનો સાથ લઈને નવાઝે લશ્કર પર દબાણ લાવવું જોઈએ. લશ્કરને એવો મેસેજ આપવો જોઈએ કે ઈનફ ઈઝ ઈનફ…હવે બહુ થયું એ હવે ચૂંટાયેલી મુલકી સરકારને તેનું કામ કરવા દે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત