ઈન્ટરવલસ્પેશિયલ ફિચર્સ

પ્રશંસા તથા પ્રોત્સાહન વ્યક્તિને આગળ વધારનારું પ્રેરક બળ છે

મગજ મંથન – વિઠ્ઠલ વઘાસિયા

સંસારમાં નિર્દોષ વ્યક્તિઓની સંખ્યા બહુ ઓછી છે.જો કોઈ માણસમાં દસ ગુણની સરખામણીમાં બે ચાર દોષ હોય તો ચલાવી લેવું જોઈએ,નહીં તો આજકાલનું સામાજિક-આર્થિક-રાજનૈતિક વાતાવરણ જ એવું અસ્વાભાવિક બની ગયું છે કે એના પરિણામે લોકોમાં જાતજાતના દુર્ગુણ ને દોષ સહજ રીતે જ ઉત્પન્ન થઈ જાય છે.એ પરિસ્થિતિમાં સુધારા અને સહયોગની અપેક્ષા રાખનાર સમાધાનની ભાવનાથી કામ લેવાનું જાણતા હોય અને સફળ થવું હોય તો લોકોની નિર્બળતા અને ત્રુટિઓ માફ કરવી જ પડશે-બધાની સાથે સહૃદયતાથી વર્તવું પડશે. એથી એ આપણા મિત્રો બની રહે પછી ધીમે ધીમે આપણી વાતો પર ધ્યાન દઈને પોતાની જાતની સુધારણા કરવા માટે સમર્થ બની શકે.

બધાની બુદ્ધિ એકસરખી હોતી નથી.આત્મ પરીક્ષણની ક્ષમતા બધામાં હોતી નથી. આ દુનિયામાં અડધા પાગલ છે. અડધા ગાંડા ન પણ હોય તોય એટલું તો નક્કી જ છે કે આત્મ-પરીક્ષણની અને વસ્તુસ્થિતિ સમજવાની યોગ્યતા બહુ ઓછા લોકોમાં હોય છે. એ ભાવાવેશ, તરંગો અને સ્વતંત્ર ધારણા અનુસાર પોતપોતાના મત પ્રમાણે વર્તે છે. એમાં વિચારશીલતાનું નહીં , પણ અંધ વિશ્ર્વાસ વધુ જોવા મળે છે. જયાં વિચારશીલતાની પ્રધાનતા છે, ત્યાં ભૂલ સમજીને એનો સ્વીકાર કરવાની ક્ષમતા હશે, પરંતુ એવા ભાગ્યશાળી લોકો આ ધરતી પર માત્ર આંગળીને વેઢે ગણાય એટલા જ છે. મોટા ભાગના તો અસંસ્કૃત માનસથી જ ભરેલા જોવા મળે છે. આપણે કામ એવા લોકો પાસેથી જ લેવાનું છે. આથી જો એવી નીતિ-રીતિ સાથે કુશળતા ન દાખવીએ તો સારાં પરિણામોની આશા રાખી શકાય નહીં.

જ્યારે તમારે કોઇ વ્યક્તિને એની ભૂલ બતાવવી હોય તો પહેલા એની સામે સહાનુભૂતિ પ્રગટ કરો. આંટીઘૂંટીવાળી પરિસ્થિતિને કારણે એમ કરવા મજબૂર બનવું પડ્યું હશે એમ કહી સાંત્વન આપો.જો એણે જાણી જોઈને પણ ભૂલ કરી હોય તો પણ બધાની વચ્ચે અપમાનિત કરવું બરાબર નથી, કારણ કે પોતે અપરાધી સાબિત ન થાય એટલા માટે ભૂલને ભૂલ સાબિત થવા જ નહીં દે. ઊલટું દુરાગ્રહપૂર્વક એનું સમર્થન કરશે. તમે કોઈને ચૂપ કરી શકો, પરંતુ તેનાથી એ તમારી વાત માનવા મજબૂર થશે નહીં. ઊલટું એ પોતાના અપમાનનો બદલો લેવા માટે તત્પર રહેશે.

જ્યારે કોઈ વ્યક્તિ ભૂલ કરે ત્યારે એણે મજબૂર થઈને અથવા તો દબાણવશ કે અન્ય કોઈ કારણસર એમ કરવું પડ્યું હશે એમ કહીને ભૂલનો એકરાર કરાવવો સરળ થઈ પડે છે.આપણે એની ભૂલ બતાવીને પોતાને બુદ્ધિશાળી સાબિત કરીએ છીએ એવી શંકા પણ એના મનમાં ઉદ્ભવવા દેવી જોઈએ નહીં.જે પ્રકારની ભૂલ એ માણસે કરી છે એવી ભૂલ બીજા પણ કરે છે કે કરી ચૂક્યા છે એવાં ઉદાહરણ આપવાથી એ ભૂલ સ્વીકારવામાં આનાકાની નહીં કરે.જો તમારા પોતાનાથી કોઈ એવી ભૂલ થઈ હોય તો એ ઉદાહરણ પણ આપી શકાય અને એને નિશ્ર્ચિત કરી શકાય કે એને નીચા દેખાડવા માટે વાત કહેવામાં આવતી નથી.આવી ચર્ચા બધા લોકોની વચ્ચે કરવા કરતાં એકાંતમાં જ કરવી, કારણ કે ત્યાં એને પ્રતિષ્ઠા ઘટવાની બીક નથી હોતી તેથી સત્ય સુધી પહોંચવાનો આપણો માર્ગ પણ સરળ બની જાય છે.

આ પણ વાંચો :તુખ્મે તાસીર’નો અર્થ સમજાવે છે ચોવક

જેણે ભૂલ કરી હોય એને જાહેરમાં અપરાધી કે પાપી કહેવો હાનિકર્તા છે,કારણ કે એનાથી એની તામસી પ્રકૃતિને પ્રોત્સાહન મળશે.જ્યારે કોઈને અપરાધી-પાપી-દુષ્ટ -મૂર્ખ કે નાલાયક સાબિત કરવામાં આવે તો શક્ય છે કે એને પોતાના સદ્ગુણો અને સાત્વિક પ્રકૃતિ ઉપરથી વિશ્ર્વાસ ઊઠી જાય પછી નિર્લજજ બનીને દુર્ગુણી લોકોની પંક્તિમાં જઈને ઊભો રહે અને નીચતાભર્યાં કાર્ય કરવા લાગે તેથી કોઈએ ગુનો કર્યો હોય તો એને ભૂલના નામે ઓળખવો જ હિતકારક છે. આથી ‘પાપી’ કે ‘અપરાધી’ જેવો હલકો શબ્દપ્રયોગ ટાળીને ભૂલને સુધારવાનું સરળ બનાવીએ.

સામાજિક જીવનમાં સૈનિકની જેમ નહીં, પણ સહયોગ અને ભાઈચારાના આધારે જ વાત કરવી જોઈએ.એમાં હુકમ આપવાની પદ્ધતિ સફળ થઈ શકતી નથી.પગાર લેનાર નોકર પણ ઈચ્છે છે કે એને કોઈ મશીન માનવામાં ન આવે.જે કાર્યમાં પોતાની ઈચ્છા ન હોય – મન ન હોય- જે કામમાં મમત્વ ન ભળ્યું હોય તો પછી એ કામમાં વેઠ જ ઉતારતા હોય એમ જ કરવામાં આવે છે. હુકમ કરવામાં આવે ત્યારે એની વિરુદ્ધ મનમાં વિદ્રોહની ઈચ્છા ઉઠયા કરે છે. તમે જોયું હશે કે નાનાં બાળકો પણ હુકમ સાંભળવાનું પસંદ નથી કરતા. એને અપરાધીની જેમ આજ્ઞાપાલન માટે મજબૂર કરવામાં આવે એ જરા પણ ગમતું નથી હોતું. વિશ્ર્વમાં આજકાલ સ્વતંત્રતાની તીવ્ર માગ છે.સ્વતંત્રતા માટે માનવ જાતિ તીવ્ર સંઘર્ષ કરી રહી છે.

મોટાં મોટાં બલિદાન આપી રહી છે. અધ્યાત્મવાદી પણ મુક્તિ ઈચ્છે છે. મુક્તિ કે સ્વતંત્રતા એક જ વસ્તુનાં બે નામ છે.
કોઈ કાર્ય કરાવવા માટે તીવ્ર ઈચ્છા જગાડવી અને એ તરફ આકર્ષિત કરવો એ સૌથી પ્રભાવશાળી રીત છે. અમુક કાર્ય સારું છે-અમુક ખોટું છે-અમુક પાપ છે કે પુણ્ય છે એટલું કહી દેવા માત્રથી કોઈ પ્રયોજન સિદ્ધ થતું નથી. એમને ભય- હાનિ કે અનિષ્ટ ઉત્પન્ન થવાની આશંકા છે એમ સારી રીતે સમજાવીને એને કુકર્મોમા કરતા અટકાવી શકાય છે અને હા, જેમની ચેતના હજુ નિર્બળ છે એમના ઉપર લોભ અને ભય દ્વારા જ પ્રભાવ પાડવો સંભવ છે.પશુને ઘાસ બતાવીને કે લાઠીનો ભય બતાવીને જ ક્યાંક લઈ જઈ શકાય છે.અલ્પ વિવેકવાળા લોકો સાથે પણ ઉત્તમ કે ઉચિત માર્ગે લઈ જવા માટે આ સાધનનો ઉપયોગ સાર્થક નીવડે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button