ઈન્ટરવલ

રીના ઔર રીટા સાયબર વર્લ્ડમાં કંઇ પણ શકય છે

સાયબર સાવધાની -પ્રફુલ શાહ

સાયબર ક્રાઇમમાં સંડોવાયેલા અભણથી લઇને અતિશિક્ષિત-ટેક્નોસેવી દિમાગોના વખાણ કર્યા વગર ન ચાલે. આ લોકોની કેટલીક ગુનાહિત કમાલ સાયન્સ-ફિકશન સ્ટોરીથી લઇને ભવિષ્યનો અણસાર સુધ્ધાં આપી જાય છે.

આવું ગમે ત્યારે કોઇની સાથે બની શકે છે. કદાચ બની પણ ચૂકયું હોય.

આને એક વાર્તા અને ફિલ્મના સ્વરૂપે જોઇએ! થોડી મજા આવશે.

રીના અને રીટા જોડિયા બહેન.
દેખાવમાં અદ્લોઅદલ કોપી જોઇ લો. કોઇ ખાતરીપૂર્વક કહી ન શકે કે રીના કોણ ને રીટા કોણ? માત્ર દેખાવ જ નહીં, રંગરૂપ અને કદકાઠીય એકદમ સરખા. આટલી ઓળખાણ બાદ જોઇએ કે એક દિવસ રીના સાથે શું થયું?

એકદમ ટાઇટ ફ્રેમમાં કલૉઝઅપમાં દેખાય કે રીના શાક સમારતાં-સમારતાં કોઇ સાથે વાત કરી રહી છે. પણ કોની સાથે એ દેખાતું નથી.

બીજી વ્યક્તિ ફ્રેમની બહાર છે. રિંગણામાં ખૂબ બી દેખાતા મોઢું બગાડીને રીના છરી બાજુમાં મૂકી દે છે. બાજુમાં પડેલો કૉલ્ડ કૉફીનો ગ્લાસ ઉપાડીને મોટો ઘૂંટડો ભરે છે. એના ચહેરા પર ખુશીના ભાવ દોડી
આવે છે.

હવે રીના ધ્યાનપૂર્વક એક-એક રિંગણાં ઉપાડીને નિરીક્ષણ કરે છે. થોડા રિંગણાં બીવાળા લાગવાથી અલગ તારવીને મૂકે છે. એ બબડે છે, “હવે ઓળો નહીં બનાવાય. રિંગણા-બટેટાનું શાક બનાવવું પડશે.

ચાલો, મારી ઢીંગલી તો ઑફિસમાં પ્રેમથી ખાશે.

એ બટેટા લાવવા માટે ઊભી થવા જાય ત્યાં મોબાઇલ ફોનની ઘંટડી વાગી. રિંગટૉન પરથી સમજી ગઇ કે વીડિયો કૉલ છે. તેણે ફોન રિસિવ કર્યો. સ્ક્રીન પર રીટા દેખાઇ. આ જોઇને રીના એકદમ સ્તબ્ધ-અવાચક થઇ ગઇ. એ સ્વસ્થ થાય એ અગાઉ રીટાએ હસીને પૂછયું, “કેમ છે તું રીના?

“હું મજામાં છું… બોલીને થોડું વિચાર્યા બાદ રીનાએ પૂછયું, “તું કેમ છે? ને કયાં છો?

“હું મજામાં છું. એવું ખોટું નહીં બોલુ.

“કેમ શું થયું?

“અરે બહેના… તારા બનેવી હૉસ્પિટલમાં છે અને….
“વ્હૉટ? શું થયું એમને ?

“કદાચ મગજમાં ગાંઠ છે. થોડા ટેસ્ટ અને રિપોર્ટસ બાદ ખબર પડશે કે શું છે?

“ઑહ માય ગૉડ. કંઇ હૉસ્પિટલમાં છે? હું હમણાં જ નીકળુ છું.

” હમણાં તો ડાયગોન્સ્ટિક સેન્ટરમાં છું. તું દોડધામ રહેવા દે. શક્ય હોય તો એક મદદ કર.
“એમાં પૂછવાનું હોય? બોલ…
” એ અચાનક બેભાન થઇ ગયો એટલે દોડધામમાં હું વૉલેટ ઘરે ભૂલી ગઇ.

એમાં જ મારા ક્રેડિટ અને ડેબિટ કાર્ડ
હતા. હવે મને તું પચાસેક હજારની
વ્યવસ્થા કરી આપી શકે છે? મારી ફ્રેન્ડ
સાથે છે એની બૅન્ક એકાઉન્ટની વિગતો મોકલું?

રીના એકદમ તાકી રહી મોબાઇલ ફોનમાં રીટાને. “એક મિનિટ. હું મારા લેપટોપથી બૅન્ક એકાઉન્ટમાં લોગ ઇન કરું ત્યાં સુધી તું આની સાથે વાત કર.
એમ કહીને રીનાએ હાથ લંબાવ્યો.

લોંગ ફ્રેમમાં રીનાની જોડિયા બહેન રીટા દેખાઇ. જેને રીનાએ ફોન આપ્યો.

રીટાએ ફોન હાથમાં લઇને સામે જોયું તો બન્ને તરફ રીટા! તરત મોબાઇલ વાળી રીટા અદૃશ્ય થઇ ગઇ અને વીડિયો કૉલ કટ થઇ ગયો.

ટવિન્સમાં ત્રીજી કયાંથી આવીથથ! ના, ના. મમ્મી કે પપ્પાના વન-નાઇટ સ્ટેન્ડનો મામલો નથી આ. આ તો એ.આઇ. અર્થાત્ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની મદદથી સાયબર ઠગોએ કૃત્રિમ રીટાને છેતરપિંડી માટે હાજર કરી હતી. માત્ર દેખાવ જ નહીં, અવાજ-હાવભાવ પણ સેમ ટુ સેમ.

આ જોઇને રીટા-રીનાને હસવું ન આવ્યું પણ ચિંતાથી વિચારમાં પડી ગયા.

A.T.P.(ઑલ ટાઇમ પાસવર્ડ)
ફરી એ જ વાત. ઑન લાઇન કંઇ પણ કરવામાં પહેલા અવિશ્ર્વાસ મૂકવો. બને ત્યાં સુધી કયારેય ઝડપથી વિશ્ર્વાસ ન કરવો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button