ઈન્ટરવલ

નેપાળમાં ફરી એક વાર સત્તાપલટો ભારતની મુસીબતો વધશે

પ્રાસંગિક -અમૂલ દવે

પીઢ સામ્યવાદી રાજકારણી કે. પી. શર્મા ઓલીએ તાજેતરમાં નેપાળના વડા પ્રધાન તરીકે શપથ લીધા છે. નેપાળમાં જબરદસ્ત રાજકીય અસ્થિરતા પ્રવર્તે છે. પાંચ વર્ષમાં પાંચ વડા પ્રધાન આવ્યા છે. ૨૦૦૮માં ૨૩૯ વર્ષ જૂની રાજાશાહી દૂર કર્યા બાદ નેપાળને વારંવાર રાજકીય ઊથલપાથલનો સામનો કરવો પડ્યો છે, કારણ કે પ્રજાસત્તાક પ્રણાલીની રજૂઆત પછી દેશમાં છેલ્લા ૧૬ વર્ષોમાં ૧૪ સરકારો આવી છે. ઓલી પોતે વડા પ્રધાન તરીકે ચોથી વાર આવ્યા છે. નેપાળના લોકો રાજકીય અસ્થિરતા અને આયારામ- ગયારામના રાજકારણથી કંટાળી ગયા છે અને રાજાશાહી પાછી લાવવા માટે આંદોલન કરી રહ્યા છે.

ઓલી પોતે ભારતવિરોધી અને ચીનતરફી છે અને એમના વડા પ્રધાન બનવાથી ભારતની ચિંતા વધશે. જોકે એમને જેમની સાથે ગઠબંધન સરકાર બનાવી છે એ નેપાળી કૉંગ્રેસ ભારત તરફી પક્ષ છે. નેપાળનો સમાવેશ વિશ્ર્વના સૌથી ગરીબ દેશમાં થાય છે. રાજકીય અસ્થિરતાને લીધે આ દેશને મૂડીરોકાણ મળતું નથી. તેના લાખો યુવાનો ભારત, મલેશિયા, દક્ષિણ કોરિયા અને મિડલ ઈસ્ટમાં કામ કરે છે.આ દેશ બે વિરાટ દેશ ભારત અને ચીન વચ્ચે સેન્ડવિચ થઈ ગયો છે.

ઓલી ૭૨ વર્ષના છે અને એ જો વિફળ જશે તો નેપાળનું ભવિષ્ય અંધકારમય બની જશે. ઓલીએ ભારતતરફી ગણાતા શેર બહાદુર દેઉબા સાથે ગઠબંધન સરકાર બનાવી છે. નેપાળના પૂર્વ વડા પ્રધાન પુષ્પ કમલ દહલ ઉર્ફે પ્રચંડે ૧૨ જુલાઈએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું હતું. ‘કાઠમંડુ પોસ્ટ’ અનુસાર, એ સંસદમાં વિશ્ર્વાસનો મત જીતવામાં નિષ્ફળ રહ્યા હતા. એ માત્ર ૧ વર્ષ અને ૬ મહિના સુધી જ વડા પ્રધાન રહી શક્યા.હકીકતમાં, આ મહિનાની શરૂઆતમાં ચીનતરફી કે.પી. શર્મા ઓલીની પાર્ટી કોમ્યુનિસ્ટ પાર્ટી ઑફ નેપાળ-(યુનિફાઇડ માર્ક્સવાદી લેનિનિસ્ટ)ના અધ્યક્ષે પ્રચંડની કમ્યુનિસ્ટ પાર્ટી ઑફ નેપાળ સાથે ગઠબંધન તોડી નાખ્યું હતું. આ પછી એમની સરકાર લઘુમતીમાં આવી ગઈ. નેપાળના બંધારણના અનુચ્છેદ ૧૦૦(૨) હેઠળ એમણે એક મહિનામાં બહુમતી સાબિત કરવાની હતી, જે એ કરી શક્યા નહીં. ફ્લોર ટેસ્ટમાં એમને ૨૭૫માંથી માત્ર ૬૩ સાંસદોનું સમર્થન મળ્યું. નેપાળની નેશનલ એસેમ્બલીમાં ૧૯૪ સાંસદોએ એમની વિરુદ્ધ મતદાન કર્યું. એમને સરકાર બચાવવા માટે ૧૩૮ સાંસદોના સમર્થનની જરૂર હતી.ભગવાન રામને ‘નેપાળી’ કહેનારા કે.પી. ઓલી નેપાળના નવા વડા પ્રધાન બન્યા બાદ ભારત અને નેપાળના સંબંધો પર થોડી અસર પડી શકે છે. કે.પી. ઓલીની સરકાર દરમિયાન જ નેપાળે પોતાનો એક નકશો જાહેર કર્યો હતો, જેના પર વિવાદ ઊભો થયો હતો.

નેપાળે મે ૨૦૨૦ માં સત્તાવાર નકશો બહાર પાડ્યો હતો, જેમાં નેપાળની સરહદમાં લિપુલેખ, કાલાપાની અને લિમ્પિયાધુરા વિસ્તારો દર્શાવવામાં આવ્યા હતા. ભારતે તેની સામે વાંધો વ્યક્ત કર્યો હતો અને આ નકશાને સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો.

આ વખતે નેપાળી કૉંગ્રેસ પણ સરકારમાં છે. આ પાર્ટીના ભારત સાથે સારા સંબંધો છે. નેપાળી કૉંગ્રેસ મુત્સદ્દીગીરી દ્વારા સમસ્યાનો ઉકેલ શોધવાનો આગ્રહ રાખે છે. આવી સ્થિતિમાં નવી સરકાર ભારત સાથેના સંબંધોમાં વધુ ફેરફાર કરી શકે તેવી શક્યતા ઓછી છે.

કોણ છે કે.પી. શર્મા ઓલી?
પૂર્વ નેપાળમાં ૧૯૫૨માં જન્મેલા ઓલીએ શાળા પૂર્ણ કરી ન હતી. ચાર વર્ષના હતા ત્યારે એમની માતા શીતળાના કારણે મૃત્યુ પામી હતી. એમનો ઉછેર તેમના દાદી રામ્યા ઓલી દ્વારા થયો હતો જ્યારે એ સામ્યવાદી નેતા રામનાથ દહલની મદદથી ૧૨ વર્ષની ઉંમરે ઝાપા, નેપાળ ગયા હતા. અહીં એ ઝાપા વિદ્રોહમાં જોડાયા.

આ બળવો ઝાપામાં એક મોટા જમીનદારનું ગળું કાપીને એની હત્યાથી શરૂ થયો હતો. મોટા જમીનદારો સામે આ બળવો શરૂ કરવામાં આવ્યો હતો. હકીકતમાં ૧૯૬૪માં નેપાળના રાજા મહેન્દ્રએ જમીનના અધિકારોમાં ફેરફાર કર્યા હતા. એમનો ઉદ્દેશ્ય નાના ખેડૂતોને તે જમીન આપવાનો હતો, એ પોતે મોટા જમીનદાર હતા.

મહેન્દ્રએ તેની શરૂઆત નેપાળના ઝાપા જિલ્લામાંથી કરી હતી. આ દરમિયાન નાના ખેડૂતોને જમીન આપવામાં આવી હતી. આ પછી જ જમીનદારો અને એમના ખેતરોમાં કામ કરતા મજૂરો વચ્ચે બળવો શરૂ થયો. આ દરમિયાન ૨૨ વર્ષીય કે.પી. ઓલી પર ખેડૂત ધરમ પ્રસાદ ધકાલની હત્યાનો આરોપ હતો અને એ જેલમાં ગયા હતા.

આ સમય સુધીમાં, ઓલી માર્ક્સ અને લેનિનના વિચારોથી પ્રભાવિત થઈ ગયા હતા. ૧૯૬૬ સુધીમાં નેપાળના સામ્યવાદી રાજકારણમાં પ્રવેશ કર્યો. ૧૯૭૦માં ઓલી ૧૮ વર્ષની ઉંમરે કમ્યુનિસ્ટ પાર્ટીમાં જોડાયા અને ટૂંક સમયમાં જ તેમની ધરપકડ કરવામાં આવી. એમણે ૧૪ વર્ષ જેલમાં વિતાવ્યા. જો કે, શાહી માફી મળ્યા બાદ ઓલીને ૧૯૮૦માં મુક્ત કરવામાં આવ્યો હતો.
૧૯૯૦ ના દાયકામાં, ઓલીએ પંચાયત શાસનને નાબૂદ કરનાર લોકશાહી ચળવળમાં એમના પ્રયાસો માટે લોકપ્રિયતા મેળવી. પછીના થોડા વર્ષોમાં એ નેપાળી રાજકારણમાં એક અગ્રણી વ્યક્તિ અને સામ્યવાદી પક્ષના મહત્ત્વના નેતા બન્યા.

૨૦૧૫ માં એ ૫૯૭ માંથી ૩૩૮ મતો જીતીને વડા પ્રધાન તરીકે ચૂંટાયા હતા. જો કે, જુલાઇ ૨૦૧૬ માં, ઓલીને કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ નેપાળ (માઓવાદી-સેન્ટર) એ તેનું સમર્થન પાછું ખેંચી લીધા પછી રાજીનામું આપવાની ફરજ પડી હતી. સંસદમાં પણ અવિશ્ર્વાસની દરખાસ્ત હારી ગયા હતા.

નેપાળમાં ૨૦૧૫માં નવું બંધારણ અમલમાં આવ્યું, ત્યાંના મદેશીઓ તેની વિરુદ્ધ રસ્તા પર ઉતરી આવ્યા. કે.પી. ઓલી શર્માએ આ વિરોધ પાછળ ભારતનો હાથ હોવાનો આરોપ લગાવ્યો હતો. ૨૦૧૮ માં એ ફરીથી પ્રચંડ સાથે સત્તામાં આવ્યા.

વડા પ્રધાન કે.પી. શર્મા ઓલીએ નિવેદન આપીને સમગ્ર નેપાળ અને ભારતને ચોંકાવી દીધું હતું. પોતાના નિવાસસ્થાને ભાનુ જયંતી પર આયોજિત એક કાર્યક્રમમાં બોલતા ઓલીએ કહ્યું, ભગવાન રામ ભારતીય ન હતા, પરંતુ નેપાળી હતા. અસલી અયોધ્યા ભારતમાં નહીં, પણ નેપાળના બીરગંજમાં છે. એમણે ભારત પર સાંસ્કૃતિક દમનનો પણ આરોપ લગાવ્યો છે.

હવે જોવાનું એ છે કે નેપાળના આ વડા પ્રધાન પણ કેટલા લાંબું ટકે છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
બોલીવુડની આ અભિનેત્રીઓએ માંજરી આંખોથી કર્યા છે લાખો ફેન્સને ઘાયલ… પિંક હાઈ થાઈસ્લિટ ગાઉનમાં બાર્બી ડોલ બનીને એક્ટ્રેસે બિખેર્યો હુસ્નનો જાદુ, જોઈને બોલી ઉઠશો… દુનિયાની ટોપ 50 બેસ્ટ ડિશમાં આટલામાં નંબર પર છે ઈન્ડિયન ડિશ, નામ સાંભળશો તો… ડાયાબિટસના દર્દીઓએ મેથીના દાણા કે મેથીનું પાણી પીવું ફાયદાકારક છે નહીં?