ઔર યે મૌસમ હંસીં… : એ લખોટીઓ તો મારા-તમારા બાળપણનો વૈભવ હતો…

-દેવલ શાસ્ત્રી
મારી પાસે લાંબા સમય સુધી ખાસ ધાતુનો નળાકાર ડબ્બો હતો, જેમાં બાળપણની ધનસંપત્તિ એવી પચાસ- સાઠ લખોટી હતી. એમાંય ચાર- પાંચ બ્લ્યુ કલરની મસ્ત લખોટી હતી, જાણે હિમાલયની પહાડીઓ જોવામાં કલાકો ગાળતા હોય એ રીતે દુનિયાભરનાં સમુદ્ર સમાયા હોય એવી લખોટીઓ જોયા કરવી ગમતી. એની પાછળ કલાકો માણ્યા કે ગાળ્યા પણ હશે.
આજ ઉનાળાના વેકેશનમાં ખિસ્સામાં લખોટીઓ ખખડતી ત્યારે આપણી પાસે સંપત્તિ હોય એવું લાગતું હતું. દરેક પાસે એકાદ લકી લખોટી હોય, જેનાથી આંચવામાં આવે મિન્સ તાકવામાં આવે. આ લકી લખોટીને સાચવીને મૂકી રાખતા.
જો કે મારે એક સમસ્યા એ હતી કે આપણી આસપાસ આંતરરાષ્ટ્રીય કક્ષાના હોય એવા ધુરંધર લખોટીના ખેલાડીઓ હતાં એટલે મને તો જીતવાનો મોકો ખાસ મળ્યો નથી. ધીમેધીમે ટોળામાં રમવા કરતાં લખોટીઓનું કલેક્શન ગમવા લાગ્યું, પછી એકલા એકલા જ બે પ્લેયર બનીને રમવું વધારે સેફ લાગ્યું.
આજે મને લાગે છે કે સ્કૂલમાં લખોટીની રમત રમાડવી જોઈએ. લખોટીની રમત ધ્યાન શીખવા સૌથી વધુ કામ લાગી શકે. એમાં પણ એક ક્વોલિટી શીખવાની છે કે ઘણા મિત્રો ઉદારતાથી લખોટીઓની આપ-લે કરતાં હતા. બાળકો રમતમાં જીતીને વધુ લખોટીઓ મેળવે છે. ત્યારે પોતાની આવડત પર ગર્વ કરતાં શીખે છે. લખોટીઓનો સંગ્રહ એક પ્રકારની ‘સંપત્તિ’ બની જાય છે, જે ગૌરવનું પ્રતીક છે. આવી રમતો દરમિયાન બનેલી યાદો, મિત્રો સાથેની હરીફાઈ, હસવું-રમવું અને નાની-નાની વાતો પર થયેલા ઝગડાઓ હૃદયમાં ઊંડું સ્થાન બનાવે છે. લખોટીઓ બાળપણની ખુશીઓનું પ્રતીક હતું.
બાળપણમાં દશ પૈસાથી પચીસ પૈસામાં મળતી લખોટીઓ માટે લગાવ થવા લાગ્યો. તેમાં આવતા કલર શેડ અજ્ઞાત કારણોવશ આકર્ષતા. જે લખોટીઓ બાળપણનું વૈભવ હતું. એ જ લખોટીઓ ઈન્ટિરિયર ડેકોરેશનમાં ઘરનો વૈભવ વધારે છે. લખોટીઓનો ઉપયોગ કાચનાં વાસણો, બાઉલ અથવા ટ્રેમાં ભરીને ટેબલ ડેકોરેશન માટે થાય છે. ફૂલદાનીઓમાં ફૂલોની સાથે લખોટીઓ ઉમેરવામાં આવે છે, જે ફૂલદાનીને વધુ આકર્ષક બનાવે છે અને ફૂલોને ટેકો પૂરો પાડે છે. લખોટીઓનો વ્યાપક ઉપયોગ ફોટો ફ્રેમ કે અન્ય આર્ટ ફોર્મ થકી હસ્તકલામાં થાય છે. આજકાલ બાળકોના રૂમમાં એક જારમાં લખોટીઓ ભરીને મૂકવામાં આવે છે.
આપણે ત્યાં બે રીતે લખોટીઓ રમાતી. મોટું સર્કલ કરીને બધાની લખોટીઓ ભેગી કરવામાં આવે. સર્કલથી એક દોઢ મીટર દૂર લાઇન દોરવામાં આવે અને સર્કલમાં લખોટીઓ નાખવામાં આવે. પછી એકને તાકવાનું કહેવામાં આવે. કેટલાક એકદમ એક્સપર્ટ હોય અને જે તાકી નાખે એની લખોટીઓ થઇ જાય.
બીજી રમતમાં નાના સર્કલમાં લખોટીઓ મૂકવામાં આવે અને પછી એક વ્હેત ભરીને બીજા ખેલાડીની લખોટી તાકવાની. એમાં પણ કેટલાય ખેલાડીઓ શાનદાર પર્ફોર્મન્સ આપતા. સાંજ પડે ઘણા દોસ્તોના બંને ખિસ્સા લખોટીઓથી છલકાતા હોય. બસ, એ જ ધનિક લાગતા. કદાચ જિંદગીનું એક લેસન ત્યાંથી શીખ્યા કે ખિસ્સા ભરેલા હોય એ ધનિક કહેવાય! બીજા શબ્દોમાં કહીએ તો જેને ટારગેટ તાકતા આવડે એ ધનિક બને-બની શકે બાકી આઉટ…!
હા, લખોટીના નવા બનેલા ધનિકો જાણીને દોડતા જાય, જેથી એમનું ધન-વૈભવ ખખડે. આપણે ઇર્ષા સિવાય બીજું શું કરીએ? નવી ગેમ રમવી જ નહીં, જે છે એ સાચવીને બેસી રહેવું જેવું મધ્યમવર્ગીય લેસન લખોટીઓએ શીખવ્યું…!
લખોટીઓ માટે દરેકને પ્રેમ. આજે ઘણા કહેશે કે અમારી પાસે કલેક્શન હતું. તે જમાનામાં તો ઘણા પાસે તો ડબ્બાઓ ભરીને લખોટીઓ પડી હોય અને એમાંથી બે- પાંચ આપણને આપે તો સમાજ સેવા (સીએસઆર!) મુજબ પ્રોફિટમાંથી ડોનેશન કરતો હોય એવો લાગે. પ્રોફિટમાંથી દાન… ગજબ હતી એ દુનિયા…
આમ જોવા જાવ તો લખોટીઓ લગભગ દરેક પ્રાચીન સંસ્કૃતિઓમાં મળી છે, ગ્રીસ, ઇજિપ્ત અને મોહેજો દડોમાંથી માટીમાંથી નાની દડીઓ સ્વરૂપે મળી છે. તે યુગમાં માટી, હાડકાં અને ગોળાકાર પથ્થરનો પણ લખોટીઓ બનાવવા ઉપયોગ થયો હતો. મધ્યકાલીન યુગમાં લખોટીઓ રમવા પર ઘણી જગ્યાએ પ્રતિબંધ પણ હતાં. ત્યાંનો યુવાવર્ગ લખોટીઓ રમવા બહારના પ્રદેશોમાં જતો. ગમે તેમ તો શોખ બડી ચિઝ હૈ.
લખોટીનું આધુનિક સ્વરૂપ વર્ષ 1600 પછી જર્મનીમાં શરૂ થયું હતું, પોલિશ કરેલી પથ્થરની લખોટીઓ બનવા લાગી અને જર્મનીની લખોટીઓ દુનિયાભરમાં ફેલાવા લાગી.
આપણ વાંચો: ખજાનાની ઉચાપતની ફરિયાદ છતાં નહેરુ સરકાર રહી ચૂપ
કાચનું ઉત્પાદન હજાર બારસો વર્ષથી છે, પણ કાચની લખોટીઓ દોઢસો બસો વર્ષથી છે. કાચના કારીગરોએ પોતાનાં બાળકો માટે એ બનાવતા પછી તો એનો ફેલાવો થવા લાગ્યો.. સો વર્ષ પહેલાં જાતજાતનાં રમકડાં આવતાં થયાં પછી લખોટીની વિશ્વભરમાં લોકપ્રિયતા ઘટી, પણ ડિમાન્ડ નહીં. જાપાને પણ ડિઝાઇન લખોટીઓ બનાવવા અપ્રતિમ યોગદાન આપ્યું છે… છેલ્લાં વીસ વર્ષમાં યુરોપ અમેરિકામાં લખોટીઓની અસંખ્ય સ્પર્ધા યોજાઇ ગઇ.
અમેરિકામાં લખોટીઓ બનાવતી ફેક્ટરી સળગી ગઇ. ત્યાં ખોદકામ થતાં હજારો લખોટીઓ મળી. બ્રિટન અને અમેરિકામાં લખોટીઓનું મ્યુઝિયમ બન્યું, પણ આપણું મ્યુઝિયમ હજી ધાતુઓના ડબ્બામાં છે.
ચાલો, એક પ્રયોગ કરીએ, ઘરમાં લખોટીઓ પડી હોય તો તેને સ્પર્શ કરજો, મોબાઈલ પણ એ મજા નહીં આપી શકે. ઘરમાં લખોટીઓ ન હોય તો પાંચ- દશ ખરીદી શકો એટલા તો ધનવાન છો. બાકી શેક્સપિયર હોય કે પ્રાચીન રોમન કવિ ઓવીડ સહિત બધા યુગના સાહિત્યમાં બધાને લખોટીઓનું આકર્ષણ હતું. આપણે ત્યાં પશ્ર્ચિમ ભારતમાં પણ બીજી સદીથી લખોટીઓની જાતજાતની રમતો રમાતી હોવાના પુરાવા મળે છે.
ફરી ફ્લેશબેકમાં જઈને આપણી વાતો યાદ કરીએ… શિયાળામાં, ધોમધોખતા તાપમાં હોય કે વરસાદ વચ્ચે કાદવમાં કે ખાબોચિયા આસપાસ લખોટીઓ રમેલી જનરેશન ક્યારેય હાઇજીન હાઇજીન કરતી હતી? સમુહને બદલે સ્વતંત્ર નિર્ણય લેવાની ગેમ એટલે લખોટી હતી. પાંચમાંથી પચીસ અને પચીસથી પાંચનું કરવાનું લેશન લખોટીઓમાંથી શીખવા મળ્યું હતું. લખોટીઓની માસૂમ રમતને લીધે તમારા મનમાં આવતા મેનેજમેન્ટ લેશન તમને મુબારક બાકી દરેક યુગ મુજબ રમતો બદલાતી રહે છે. જાણી જોઈને ચોક્કસ ઘર પાસે લખોટી પહોંચાડવી એ પણ એક માસૂમના નામે દાવ હતો, હમકો સબ પતા હૈ, આજ ભી તુમ વો હી ખેલ ખેલતે હો, સિર્ફ કાંચે બદલ દીયે હૈ…!
ધ એન્ડ:
દરેક વ્યક્તિમાં એવું બાળક છુપાયેલું છે જેને બાળરમતો રમવી છે. (અજ્ઞાત)