ઈન્ટરવલ

ઔર યે મૌસમ હંસીં… : પ્રેમ- મોસમની અનોખી વાત: અમારૂશતકમ

  • દેવલ શાસ્ત્રી

ભારતીય સાહિત્ય પરંપરામાં ધર્મ- અર્થ અને મોક્ષની વિભાવના સાથે કામને એટલું જ મહત્ત્વ આપવામાં આવ્યું છે. જે વિષય પર આધુનિક કહેવાતો ભારતીય સમાજ બોલતાં પહેલાં વિચાર કરતો હોય છે એ કામ' પર ભારતમાં અદભુત સાહિત્ય સર્જન થયું છે. કામશાસ્ત્ર તથા કાલિદાસનાં મુક્તવર્ણનો પછી કોઈ એક રચના વિષે દુનિયાભરના સાહિત્યમાં ચર્ચા થતી રહી હોય તો એ સર્જનનું નામ છે :અમરૂશતકમ’….

આ `અમરૂશતકમ’માં પ્રેમ- સંવાદ- વિયોગ- શૃંગાર- સંભોગ સહિત અનેક વિષયનો કાવ્યાત્મક સમાવેશ થયો છે.

`અમરૂશતક’ પર સૌથી વધુ પ્રકાશ પાડ્યો છે એવા ગુજરાતી વિદ્વાન કેશવલાલ ધ્રુવના મતે આ ગ્રંથની ભાષા પરથી કહી શકાય કે તેની રચના સાતમી સદીના અંત ભાગમાં થઇ હોવાની શક્યતા સૌથી વધુ છે.

મુખ્ય નાયિકાને એની સખીઓ પ્રેમથી માંડીને રિસાવા સુધીની કળા શીખવે છે, પણ પ્રિયતમ પાસે આવતાં નાયિકા બધું ભૂલીને એની બાહોમાં સમાઈ જાય છે. પ્રેમ અને મિલનની તડપને કવિએ અદભુત રીતે વર્ણવી છે. કેવળ મનોવ્યથાની જ વાત નથી, પણ જીવનમાં જરૂરી એવા શરીરના મિલનના ભાવોને વારંવાર વાંચવાનું મન થાય એવો નાયિકાની એકલતામાં પણ કામદેવ સાથે હોય એવો શબ્દદેહ આપ્યો છે.

પ્રિયતમ બીજી પ્રિયા સાથે મિલન કરી ચુક્યો છે તેથી નાયિકા નારાજ છે. બંને સાથે હોવા છતાં અલગ પડખે સૂઈ જાય છે અને મધરાત્રે એકબીજાની નજર મળે છે. અચાનક ગુસ્સો ઓગળીને બધું ભૂલી જવાની વાતને પ્રેમજીવનમાં સર્જાતા વ્યંગ સાથે વ્યક્ત કરી છે.

અમરૂશતકમ' મૂળે શૃંગાર સાહિત્ય છે, જ્યાં સ્ત્રી અને પુષ વચ્ચે કામવાસનાનું સર્જન થતું હોય એ શૃંગાર સાહિત્ય કહેવાય. આ સાહિત્યનો રચનાકાર કોણ છે એ હજુ વિદ્વાનોમાં ચર્ચાનો વિષય છે, પણ એ રચયિતાને કાવ્ય સાથે શૃંગારનું જ્ઞાન હતું. શૃંગારની પરિકલ્પના સમજીએ તો બે પ્રકારની હોય છે. શૃંગારનો પહેલો પ્રકાર એટલે દરેક પ્રાણી માત્ર દેહથી ભોગવે છે એ સંભોગ. બીજો પ્રકાર જેમાં વિરહ હોવા છતાં મિલનની આશાઓ છુપાયેલી હોય છે , જેનેવિપ્રલમ્ભ’ કહેવાય.

શૃંગારના બીજા ત્રણ પ્રકાર પણ લખવામાં આવ્યા છે. અયોગ- વિપ્રયોગ- સંભોગ. અયોગમાં ફક્ત મિલનની તડપ હોય , પણ વિપ્રયોગમાં એક વાર મિલન થયા પછીની તડપ હોય. સંસ્કૃત સાહિત્યમાં લખાયેલા આ મુક્તકોમાં કામની સાથે ધર્મ અને મોક્ષને પણ વણી લીધો છે.

`અમરૂશતકમ’ આપણા સાહિત્યનો અનોખો ગ્રન્થ છે, જેમાં પ્રેમ અને કામને કેન્દ્રમાં રાખ્યો છે, જેના પર દેશ -વિદેશના અનેક વિદ્વાનોએ સૈકાઓથી પાનાઓ ભરીને ટીકાઓ લખી છે. વાચકોને વિનંતી કે આ ગ્રંથનો અભ્યાસ કરજો. આપણા સાહિત્ય અને વિચારોની મહાનતા જાણવા મળશે.

અમરૂ નામ સાથે એક અનોખી કથા જોડાયેલી છે. જગદગુ શંકરાચાર્ય સનાતન ધર્મના પ્રસાર માટે યાત્રા પર નીકળ્યા હતા. એ અલગ અલગ પ્રદેશોમાં વિદ્વાનો સાથે શાસ્ત્રાર્થ કરતા હતા. શંકરાચાર્યનો આવો પ્રસિદ્ધ શાસ્ત્રાર્થ મંડાણ મિશ્ર સાથે થયો હતો. આ શાસ્ત્રાર્થમાં મંડાણ મિશ્રનાં વિદ્વાન પત્ની ઉભય ભારતી નિર્ણાયક હતાં. શાસ્ત્રાર્થ દરમિયાન મંડાણ મિશ્રનો પરાજય જોતા ઉભય ભારતીએ દલીલ કરી કે મંડન મિશ્રએ હાર કબૂલી છે, પણ આ પરાજય અધૂરો કહી શકાય. શંકરાચાર્યએ પૂરેપૂરી જીત મેળવવી હોય તો મંડનની પત્નીને પણ શાસ્ત્રાર્થ કરીને હરાવવી પડશે.

શંકરાચાર્યે ઉભય ભારતીની શરત મંજૂર રાખી અને શાસ્ત્રાર્થ શરૂ કર્યો. ઉભય ભારતીને ખબર હતી કે શાસ્ત્રમાં શંકરાચાર્યને પરાજય આપવો કઠિન છે તેથી કામ શાસ્ત્ર વિષય પર સંવાદ કરવો. શંકરાચાર્ય બાળ બ્રહ્મચારી હોવાથી એમને કામશાસ્ત્ર પર જાણકારીનો અભાવ હતો. શંકરાચાર્યએ જવાબ આપવા માટે એક ઉલ્લેખ મુજબ સો દિવસનો સમય માગ્યો. (જયારે અન્ય ઉલ્લેખ મુજબ ત્રીસ દિવસનો સમય માગ્યો.) સમયની પરવાનગી મળતાં શંકરાચાર્ય નર્મદા કિનારા પર આવ્યા અને એક વૃક્ષ પાસે સલામત રીતે દેહ ત્યાગ કર્યો અને શરીરનું રક્ષણ કરવા માટે શિષ્યોને આદેશ કર્યો. પોતાના યોગબળના આધારે યોગ્ય નિર્જીવ દેહની શોધ માટે પોતાના શરીરથી અલગ પાડીને નીકળી પડ્યા. યોગ્ય નિર્જીવ દેહમાં પ્રવેશ કરીને સંસારની માયાને સમજવી હતી.

શંકરાચાર્યના નસીબે કાશ્મીરનો રાજા અમરૂક મૃત્યુ પામ્યો હતો અને એના દેહને ચિતા પર મૂકીને અગ્નિદાહ આપવાની તૈયારી ચાલતી હતી. શંકરાચાર્યનો આત્મા અમરૂકના દેહમાં પ્રવેશ્યો અને રાજા જીવિત થઈ જતાં પરિવાર તથા નગરજનોમાં ખુશી વ્યાપી ગઈ. અમરૂકનાં દેહમાં પ્રવેશ પામેલા શંકરાચાર્યના વર્તનથી રાણીઓ તથા અગ્રણી નાગરિકોને અજુગતું લાગવા લાગ્યું. કોઈ સંતનો આત્મા રાજામાં પ્રવેશ પામ્યો હોવાની શંકા લાગતાં રાજવી પરિવારે દેશ- વિદેશમાં માણસો દોડાવીને કોઈ સંતનો દેહ મળે તો તત્કાલ નષ્ટ કરવાની આજ્ઞા આપી.

શંકરાચાર્યનો જો મૂળ દેહ નાશ પામે તો સંતના આત્માએ આજ દેહમાં રહેવું પડે અને રાજાને નવજીવન મળે.

આ તરફ શંકરાચાર્ય રાજાના દેહમાં પ્રવેશ પામીને રાણીઓ તથા અમાત્યોના વર્તનનો અભ્યાસ કરવા લાગ્યા. એક ગ્રંથની રચના કરવા લાગ્યા. આ ગ્રંથને `અમરૂશતક’ નામ આપ્યું. કેટલીક કથા મુજબ શંકરાચાર્ય પોતાનું મૂળ સ્વરૂપ છોડીને રાજાના દેહમાં રહેવાનું પસંદ કરતાં એમના શિષ્યોને ચિંતા થવા લાગી અને શંકરાચાર્યને શોધવાનો પ્રયાસ કરવા લાગ્યા. કાશ્મીરના રાજાની કથાની જાણ થતાં શિષ્યો એમને મળવા દોડી આવ્યા અને એમને મંત્રગાન થકી જાગ્રત કર્યા. આ તરફ રાજ્યના સેવકોએ શંકરાચાર્યનો દેહ શોધી કાઢ્યો અને એને નષ્ટ કરવાનું નક્કી કરતાં અગ્નિદાહ આપવાનું વિચાર્યું. શંકરાચાર્ય મૂળ શરીરમાં પ્રવેશ પામવા નીકળ્યા અને ભગવાન નરસિંહની કૃપાથી સળગતી ચિતા પર રહેલો દેહ પાછો મળ્યો.

આ પણ વાંચો…એકસ્ટ્રા અફેર : ભાજપ રાષ્ટ્રીય સ્તરે કેમ યુનિફોર્મ સિવિલ કોડ નથી લાવતો?

જો કે આ કથામાં કેટલાક અભ્યાસુઓના મતે શંકરાચાર્યએ કામની વાતો કરતાં આત્માની જાગૃતિ વિષે બૃહદ ચર્ચા કરી હતી. એક કથા મુજબ શંકરાચાર્ય કાશ્મીર ગયા ત્યારે રાજાના દરબારમાં શૃંગાર પર વર્ણન કરવા પ્રાર્થના થઇ હતી. આ કથા સાથે ચોક્કસ અસહમતી હોઈ શકે પણ `અમરૂશતકમ’ વાંચ્યા પછી વસંતના વાયરા દિલમાંથી જશે નહીં.
ધ એન્ડ :

પ્રેમ ક્યારેય અડચણરૂપ હોતો નથી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button