ઈન્ટરવલ

અને રીવા…

ટૂંકી વાર્તા -માલતી શાહ

રીવા નક્કી કરે છે કે તે રાહુલ સાથે નહીં રહી શકે. લગ્ન કર્યા હોય એટલે જીવનભર સાથે રહેવું તેવું તે નથી માનતી. નથી માની શક્તી. ઊલ્ટુ તે એવું માને છે કે જીવનભર એક જ વ્યક્તિને ચાહ્યા કરવા તે ક્યારેક સજા બની રહે. તેના પપ્પા તેને ઘણી વાર સમજાવતા બેટા, એક જ વ્યક્તિને જીવનભર ચાહવી તે ગૌરવની, આત્મસન્માનની અને આત્મગૌરવની લાગણી બની રહે છે. એમાંય જ્યારે સામું પાત્ર રાહુલ હોય, એક પ્રેમાળ સમજદાર પતિ.

રીવાની સમજ તેના પપ્પા કરતાં અલગ જ છે. તે કદાચ પોતાની રીતે સાચી પણ છે. તે એમ માને છે કે કોઈનો પ્રેમ મેળવવા કે પામવા માટે પ્રયાસ ન કરવાનો હોય, આપોઆપ જ આ લાગણી ઉદ્ભવે છે, જે રીતે જમીનમાંથી પાણીના ઝરા. પણ આવા ઝરા તેના હૃદયમાં ન ઉદ્ભવે તો સાથે રહેવાનો અર્થ ખરો?

એવું નથી કે આ બાબતે તેણે રાહુલ સાથે નથી ચર્ચી. ઘણી વાર તે અને રાહુલ આ બાબતે ચર્ચા કરે જ છે. કેટલીય વાર આ સવાલ તેણે રાહુલને પૂછ્યો છે, તો કેટલીય વાર તેણે આ સવાલ પોતાના હૈયામાં ઘૂંટ્યો છે.- ‘રાહુલ, આપણે બન્નેને બાંધનારું કોઈ સમાન તત્ત્વ છે ખરું?’

બન્ને જાણે છે કે સોહમ એક એવી કડી બન્ને વચ્ચે છે કે જે તેમને બન્નેને એક સૂત્રે બાંધી રાખે છે, પણ આવા એક જ કારણસર કંઈ આખી જિંદગી સાથે સાથે રહેવાય? તે સોહમ જેવા એક નાની નાજુક કડીને આધારે રાહુલ સાથે રહેવા માગતી જ નથી. તેને તો તેના એક વિશાળ વિશ્ર્વની શોધ છે.

ઘટનાની તો કોઈ કમી નથી પણ રાહુલ તથા રીવા માટે કોઈ પણ ઘટના ઘટ્યા વગરના સૂક્કા ફિક્કા દિવસો વીતી રહ્યા છે. રીવાને લાગે છે કે તેનું અસ્તિત્વ ટુકડે ટુકડે કોઈ કાપી રહ્યું છે. રાહુલને થાય છે કે તેનું સર્વસ્વ લૂંટાઈ રહ્યું છે. આ ઘટનાથી અલિપ્ત છે એક માત્ર સોહમ. નાનકડો છે. સંબંધોની આંટીઘૂંટી જાણતો નથી તેથી સ્તો!

મમ્મી વાર્તા કહેને! અને મમ્મી વાર્તા શરૂ તો કરે છે પણ તે વાર્તા અધૂરી છોડીને વિચારોમાં ડૂબી જાય છે. પછી શું થયું મમ્મી? મમ્મીને પૂછતાં પૂછતાં જવાબ ન મેળવવાથી સોહમ તો સૂઈ જાય છે પણ રીવા સૂઈ નથી શકતી. રાહુલ તો ક્યારનો ય નિરાંતે સૂઈ ગયો હોય છે. રાહુલના ચહેરા પર નાઈટ લેમ્પનો ઝાંખો પ્રકાશ પથરાઈ રહે છે અને પ્રકાશની મુલાયમતાને કારણે જ રાહુલનો ચહેરો પ્રસન્ન લાગે છે. આ પુરુષ એમ તો ગમે છે, સોહમ પણ તેને ગમે છે પણ…

તેને તો પોતાનું મનગમતુ વિશ્ર્વ મેળવવું છે. તે એક સોનાના પિંજરામાં પુરાયેલું પંખી નથી. તેને તો ઉડવા વિશાળ ગગન જોઈએ છે અને તે ઊડી શકે તેમ છે. તેની પાંખો સલામત છે. તો તે શા માટે ઉડવા માટે પોતાનું મનગમતું આકાશ ન મેળવે!

વાંક તેનો નહોતો. તેનો ઉછેર જ તે રીતે થયો હતો. તેની બધી જ વાતોને મહત્ત્વ અપાતું અને તે હંમેશાં પોતાના નિર્ણય લેવા સ્વતંત્ર હતી. રાહુલ સાથેનાં લગ્ન પણ તેનો જ નિર્ણય હતો. તેના આ નિર્ણયને કોઈ બદલી નહોતું શક્યું. તેનાં મમ્મી-પપ્પા પણ નહીં. તેનો રાહુલ સાથે પરિચય થયો, તે તેના ગળાડૂબ પ્રમમાં પડી અને તેણે રાહુલ સાથે જ લગ્ન કર્યાં.

હવે તેને રાહુલ સાથે નથી રહેવું. તો શું પોતાની વિસ્તરતી ક્ષિતિજોની ચાહ માટે તે રાહુલ સાથે સોહમને પણ છોડી દેશે કે શું? હા, તેવું થયું. એક રાતે તે બન્નેને ઊંઘતા મૂકીને ઘર છોડીને ચાલી નીકળે છે. તેને તો કોઈ વાંધો નહીં આવે. આ શહેરમાં તેની ઘણી ઓળખાણ છે અને ઘર છોડવું એટલે શહેર પણ છોડી દેવું તો નથી જ ને! આ શહેર તો ખૂબ જ વિશાળ છે. સાગર જ જોઈ લો. આ શહેરમાં અલગ થઈ ગયા પછી ફરી કળવું ખૂબ જ કઠિન છે. માનો ને કે ફરી મળવું હોય તો પણ ન મળી શકાય અને તેને ખાતરી છે કે રાહુલ તેને નહીં શોધે. નાનકડી ચિઠ્ઠી મૂકીને અડધી રાતે ઘર છોડીને ચાલી ગયેલી પત્ની તેને પ્રિય હતી તો પણ તેને શોધશે નહીં. તું જ્યાં હોય ત્યાંથી પાછી આવતી રહે એવી કોઈ જાહેરાત તેના માટે કોઈ છાપામાં આવશે નહીં.

રીવાએ જ્યારે ઘર છોડ્યું ત્યારે વરસાદ ધીમી ધારે સ્ટ્રીટ લાઈટના પ્રકાશમાં નાજુક નાજુક ફૂલડાં વેરતો હોય તેવો દેખાતો હતો. તેમ વરસી રહ્યો હતો.

સોહમ જ્યારે સવારે જાગ્યો ત્યારે તેણે પહેલો સાદ મમ્મીને પાડયો હતો.

આખાય ઘરમાં તેનો અવાજ ગૂંજ્યો હતો અને દીવાલો સાથે ટકરાઈને પાછો ફર્યો હતો.
“બેટા, મને પણ નથી ખબર તારી મમ્મી ક્યાં ગઈ છે.

“કોઈની મમ્મી આવી રીતે જતી નથી, મારી મમ્મી કેમ ગઈ પપ્પા? ક્યાં ગઈ હશે, પપ્પા? સોહમના કુમાશભર્યા પ્રશ્ર્નોમાં મૂંઝવણ સાથે વેદના પણ હતી.
“પપ્પા, મમ્મી પાછી તો આવશે ને!

“બેટા કહીને તો નથી ગઈ. પણ એક દિવસ આવશે ખરી.

“મને નવડાવશે કોણ?
“હું નવડાવીશ બેટા, હું.
“મને તૈયાર કોણ કરશે? નાસ્તો કોણ કરાવશે? વાર્તા કોણ કહેશે? મને…
“હું!

સોહમના સવાલો ખૂટતા નથી. રાહુલ ખૂબ જ ધીરજપૂર્વક તેના સવાલોના જવાબો આપ્યે જાય છે. તેની નાની મોટી જરૂરિયાત ઉપરાંત માનું વાત્સલ્ય પણ તે સોહમને દે છે. દરેક રવિવારે તે સોહમને ક્યાંક ને ક્યાંક ફરવા લઈ જાય છે. પંખી-ઝાડ, આકાશ-તારા, નદી-સાગર, પર્વત-ખીણના સૌંદર્યથી તે સોહમનું મન ભરી દે છે. આ બધા વિષે તે અવનવી વાતો તેને કહ્યા કરે છે. સોહમ પ્રત્યેના પ્રેમની કોઈ જ સીમા પર તે અટક્યો નથી, સોહમ જ તેનું બધું જ છે. સો..હ..મ..

નાનકડો સોહમ પણ ધીમે ધીમે પિતામય બનતો જાય છે. મમ્મી હવે કદાચ તેના માટે એક સ્વપ્નની વાત છે, જે મોટેભાગે સવારે વિસરાઈ જાય. હવે તે મમ્મી વિષેના સવાલો નથી પૂછતો. મમ્મી સિવાયનું ઘણું બધું જાણવા માગે છે. પંખીની પાંખોનું તેને કુતૂહલ રહે છે, આકાશમાં ક્યારેય દેખાતું મેઘધનુષ્ય તેને ખૂબ જ પ્રિય છે, આકાશનો આ ચંદ્ર આખી દુનિયાને દેખાતો હશે તે વાત તેના મનને ઉત્તેજિત રાખે છે. આ બધું તે ખૂબ માણે છે. હવે બન્ને એકલા તો છે, આ એકલતાને હરી લે તેવી એક સ્ત્રી આ ઘરમાં હતી, માતા અને પત્ની સ્વરૂપે, પણ તે તેઓને છોડીને ચાલી ગઈ છે. દિવસો, મહિનાઓ વીતવાની સાથે આ પરિસ્થિતિ તેઓએ સ્વીકારી લીધી છે. બધું જ સરસ ગોઠવાઈ ગયું છે. સ્કૂલમાં પણ સોહમ ખૂબ હોશિયાર વિદ્યાર્થી છે. રાહુલને પણ હવે સોહમ વગર ચાલે તેમ નથી, બન્ને એકબીજાનું વિશ્ર્વ બની ચુક્યા છે.

રીવા સોહમની તથા રાહુલની જિંદગીમાં ક્યારેક હતી, હવે બિલકુલ નથી.

  • પણ રીવા માટે તેવું નથી. રીવાની જિંદગી સોહમ હજુ છે. તેના હૈયામાં સોહમને મળવાની તડપ જાગે છે અને તે બેચેન બની જાય છે. તેની ઈચ્છા પ્રમાણે તેણે પોતાનું વિશ્ર્વ ઘણું વિસ્તાર્યું છે પણ તેમાં સોહમ નથી.

અને એક દિવસ રીવાનો સોહમ પણ એક પત્ર આવ્યો – “બેટા, હું તને ખૂબ જ ચાહતી હતી, ખૂબ જ ચાહું છું. હાં તને રમકડાં મોકલીશ, કાગળ લખીશ. તને મારા માટે ફરિયાદ નથી ને?
પપ્પા રમકડાં તો તમે પણ મારા માટે લાવો છો. મારે મમ્મીનાં રમકડાં નથી જોઈતાં પપ્પા! રાહુલ એક વાર રીવાને મળવા માગે છે. તેને રીવાને કહેવું છે, રીવા તું મને તથા સોહમને તારી મરજીથી છોડીને ગઈ છો, ત્યારે તો તારી વર્તણૂક એવી હતી કે જાણે એક પાકું ફળ ઝાડ પરથી ખરી પડીને ઝાડ સાથેના પોતાના બધા જ સંબંધો પૂરા કરે છે. તેં અમારી સાથે એમ જ કર્યું. હવે તું સોહમ પર પત્ર લખીને કે રમકડાં મોકલીને આ નાનકડા જીવ પર ક્રૂરતા આચરતી હોય તેવું લાગે છે. વિચાર તો કર રીવા, આ નાનકડો જીવ તને મળી પણ ન શકે, ભૂલી પણ ન શકે. દૂર રહીને પણ તું તેને ચાહ્યા કર તે શું એક ગુનો નથી? તારે હવે સોહમને ભૂલવો જ રહ્યો.

  • પણ આ બધું રીવાને કહેવું શી રીતે! રીવા પોતે મોકલેલ પત્ર કે રમકડાં પર પોતાનું સરનામું નથી લખતી. એક તરફી આ વહેવાર બંધ શી રીતે કરવો! સોહમ પર રીવાનો પત્ર આવે છે કે તે તને દઈ દે છે, રમકડાં આવે તો પણ તેને દઈ દે છે અને પછી તો સોહમના ચહેરા તરફ જોઈ રહે છે. સોહમ અત્યાર સુધી તો આ બધું નિર્લેષ ભાવે સ્વીકારે છે. કદાચ આ બધું બહારથી પણ હોય, અંદરથી તે ખળભળી જતો હશે. નાનકડો છે, ખૂબ નાનો, આ બધાં સ્પંદનો તે અનુભવી શક્તો હશે! તેને હું થતું હશે? કદાચ પોતે તેને પૂછશે તો તે સમજાવી પણ નહીં શકે. પણ છતાંય તેનું વલણ થોડું થોડું સ્પષ્ટ કરતો હોય તેમ એક વાર પપ્પાને ખૂબ ખૂબ ચૂમી કરતા તે બોલ્યો હતો, પપ્પા રમકડાં તો તમે પણ ઘણા બધાં મારા માટે લાવો છો ને!
    તો?
    તે કદાચ પોતાની જાતને બરાબર સ્પષ્ટ નથી કરી શકતો.

રીવા તું મને એક વાર તો મળ. હાં તને બધું સમજાવવા માગું છું આપણી જુદાઈનો આ પાંચ વર્ષનો સમયગાળો તારા અને સોહમ વચ્ચે પહાડ જેવો મોટો થઈ ગયો છે, તને ભલેને આ સમયગાળો નાનો લાગે. સોહમ નવ વર્ષનો થવા આવ્યો છે. નવ વર્ષે સોહમ ઘણું સમજે છે. રાહુલ ઈચ્છે છે કે ક્યાંકથી પણ રીવાનું સરનામું મળે. રીવા નથી મળતી. રીવાનું સરનામું નથી મળતું અને રાહુલને પોતાનું અસ્તિત્વ ધૂંધળાઈ જતું લાગે છે.

હમણાં હમણાં જ શ્રી રજનીશનું લખેલું તેણે ક્યાંક વાચ્યું હતું,

અસ્તિત્વ એ શિયાળો પણ છે અને ઉનાળો પણ. અસ્તિત્વ એ જીવન પણ છે અને મૃત્યુ પણ. અસ્તિત્વ એ રાત પણ છે અને દિવસ પણ. અસ્તિત્વ એ આશીર્વાદ પણ છે અને સહન કરવાનું પણ છે.

આ પરિસ્થિતિમાં તેનું અસ્તિત્વ શું છે!

અને ન જોઈતું સામે આવે તેવું જ એક દિવસ થયું. તે દિવસે રીવાનો પત્ર આવ્યો, તેના પર આટલા વરસે પહેલીવાર રીવાનો તેના પર પત્ર આવ્યો. કોઈ નવો ધડાકો તો નહીં હોય ને! રીવાનું ભલું પૂછવું. તે પાછી આવવા માગતી હશે! પણ જો તે પાછી આવવા માગતી હોય તો કાગળ લખ્યા વગર જ તે પાછી આવી જાય. તેનો હજી પાછા ફરવાનો હક્ક પણ બને છે અને તે જાણે છે કે તેનો સ્વીકાર પણ થાય. થોડા ઊંડા શ્ર્વાસ ભરીને હૃદયને બળ આપીને તેણે પત્ર ખોલ્યો. રીવાનો પત્ર સાવ જ ટૂંકો બે જ વાક્યનો હતો.

રાહુલ, હું સોહમને સદાય માટે મારી પાસે રાખવા માગું છું, હું તેને ભૂલી શકતી નથી.

સોહમ નિશાળેથી આવ્યો ત્યારે પપ્પા ઘરે જ હતા. પપ્પા આજે રજા હતી કે શું? કે પછી ગુટલી મારી! રાહુલ તરફ આંખ મિંચકારી સોહમે પૂછયું અને તે તેના તરફ જોઈ રહ્યો. થોડી વિમાસણ થઈ રીવાનો પત્ર દઉં કે ન દઉં! તેણે સોહમ ફ્રેશ થઈ થોડો નાસ્તો કરી લે તેની રાહ જોઈ!

‘સોહમ બેટા, આ તારી માનો પત્ર છે,’ કહી તેણે સોહમને રીવાનો પત્ર આપ્યો.

બે લીટીનો પત્ર, વાંચતાં તો શી વાર લાગે! પત્રનો એક તરફ ઘા કરીને સોહમ પપ્પાને બાઝી પડ્યો, ના પપ્પા મારે મમ્મી સાથે નથી જવું. આઈ લવ યુ સો મચ પપ્પા મારે મમ્મી સાથે નથી જવું. બાપદીકરો ક્યાંય સુધી એકમેકને ભેટીને બેસી રહ્યા. તે તેને પંપાળતો રહ્યો.

રીવાએ કોર્ટની કાર્યવાહી શરૂ કરી દીધી છે. રાહુલે પણ એક સારા વકીલને રોકયો છે. બેઉ પક્ષે બધું ક્લિયર હોઈ તેમને છૂટાછેડા મળી ગયા. સોહમને માતાને સોંપવો તેવો ચુકાદો આવી ગયો. જાણે બધું ફોમથી થઈ ગયું. સોહમ રાહુલને પૂછે છે: ‘પપ્પા, મમ્મી મને છોડીને ચાલી ગઈ હતી, ઘણો બધો સમય આપણે બન્ને એકલા રહ્યા, તમે મારું ખૂબ ધ્યાન રાખ્યું પપ્પા! મને શું ભાવે છે, શું નથી ભાવતું તે હજી મમ્મીને યાદ હશે? મારી નવી નવી પસંદ વિષે તે જાણતી હશે? હું નાનો હતો ત્યારે મને પરાણે દૂધ પીવડાવતી હતી, હવે પણ તે એવું જ કરશે!… પપ્પા મારે મમ્મી સાથે ન જવું હોય તો?’

એક છેલ્લા પ્રયત્ન તરીકે રાહુલના વકીલે રીવા સાથે વાતચીત કરી.

વકીલ રીવાને સમજાવે છે. જે સમયે બાળકને માતાની ખૂબ જ જરૂર હોય ત્યારે તમે તેને છોડીને ચાલી ગયાં. અત્યારે ભલે તમે તમારી જાતને ખૂબ જ સફળ માનતા હો, પણ એક વાત સ્પષ્ટ છે, માતા તરીકે તમારી નિષ્ફળતા છે. રાહુલે સોહમને ઉછેરવામાં ઘણું જતું કર્યું છે. તે તો તેનો પિતા, તે તેની માતા પણ બન્યો. સતત સાથે રહેતા આ બન્નેને એકબીજા તરફ ખૂબ જ લાગણી થઈ ગઈ હોય. તમે સોહમને રાહુલથી અલગ કરીને એવું કરશો કે જાણે રાહુલના શરીર પરથી ચામડી જ ઉતરડી રહ્યા હો. સોહમને ઠીક ન હોય તો રાતોની રાત રાહુલે ઉજાગરા કર્યાં છે. સોહમની માગણી કરીને તમે તેઓ બન્નેને ખૂબ જ દુ:ખ પહોંચાડશો અને સોહમ પણ રાહુલ સાથે જ રહેવા ઈચ્છે છે અને…
વકીલને હવે કશું કહેવાનું નથી.

હવે રીવાએ વિચારવાનું છે.

અદાલત ભલે કહે કે આ પુત્ર ઉપર માતાનો અધિકાર છે, પણ તેને હવે થોડું થોડું સમજાય છે, સોહમ પર પિતાનો અધિકાર છે.
રીવાને આ વસ્તુ સમજાય છે.
અને રીવા…

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button