ઔર યે મૌસમ હંસીં… : સ્થાપત્ય ફક્ત ઇમારત નથી, એ જિંદગીની કવિતા પણ છે!

-દેવલ શાસ્ત્રી
તાજેતરમાં દરેક શહેર, શાળાઓ અને કોલેજોમાં હેરિટેજ સપ્તાહ ચાલી રહ્યું છે. સ્થાપત્યની જાળવણી જેવા વિષય પર ગંભીરતાથી જ્ઞાનસત્ર યોજાતાં હોય છે. સ્થાપત્ય એ ફક્ત ઇતિહાસ અથવા ઇમારત નથી. પેરિસનો એફિલ ટાવર અથવા તાજમહાલની જેમ પ્રેમનું પ્રતીક પણ બનાવી શકાય. આપણું મોઢેરા ફક્ત સૂર્ય મંદિર પૂરતું મર્યાદિત નથી, પણ માનવજાતનો પ્રકૃતિ સાથે સેતુ છે. ખજુરાહોમાં કેવળ કામના સ્થાપત્ય નથી, પણ કામને ઈશ્વર સાથે સાંકળવાનો ભારતીય પરંપરાનો અનેરો પ્રયાસ છે.
આપણી હેરિટેજ સાઈટ પર આજકાલ જાતજાતના ફેસ્ટિવલ થવા લાગ્યા છે. એમાં યુવાનો ભાગ લઇ રહ્યા છે એ તંદુરસ્ત સમાજની નિશાની છે. શાળા – કોલેજમાં સ્થાપત્યોની જાળવણીની વાત સિવાય તેને આધુનિક વિચારધારા અને જરૂરિયાત સાથે જોડવા માટેની ઉજવણીઓના કેસ સ્ટડી થવા જોઈએ. ખજૂરાહોમાં નૃત્ય ફેસ્ટિવલ થાય છે. કુતુબમાં ઉર્દૂ સાહિત્યના ફેસ્ટિવલ થાય છે અને પાવાગઢની તળેટીમાં પંચ ફેસ્ટિવલમાં સાંસ્કૃતિક તેમજ આદિવાસી સંદર્ભે લોકમેળો યોજવામાં આવે છે.
આવા કાર્યક્રમ ફક્ત કોઈ સિઝન પૂરતાં કે ઉત્સવ પૂરતાં રહેવાને બદલે લોકોના દિલમાં વણાઈ જવા જોઈએ. ફેસ્ટિવલ પૂરતું બની રહેવાને બદલે તેની યાદ અને તેના આધારે આવા કાર્યક્રમ વર્ષ દરમિયાન થતાં રહે તો જ તે સ્થાપત્યનું વૈચારિક મહત્ત્વ નવી પેઢી જાણી શકશે.
એક કેસ સ્ટડી તરીકે એફિલ ટાવરનો અભ્યાસ કરી શકાય. એફિલ ટાવર એ 324 મીટર ઊંચાઈ કે 7300 ટન લોખંડનું બનેલું સ્થાપત્ય નથી.આ વિશાલ ટાવર બન્યો એ વેળા કોઈ ગંભીર અકસ્માત થયો નથી અને ગરમ રિવેટથી બન્યું છે. વગેરે નિબંધ લખવાનો વિષય નથી. ફેશન કવિતા સાહિત્ય સિનેમાથી માંડીને એ પ્રેમની વ્યાખ્યાનું એક આધુનિક પ્રતીક બન્યું છે. ઇતિહાસની દ્રષ્ટિએ જોઈએ તો એફિલ ટાવરનો દુનિયા સમક્ષ ‘અમે કંઈક છીએ’ એ દેખાડો કરવા માટે 1889ના વિશ્વ મેળા વખતે બન્યો હતો, જે ફ્રેન્ચ ક્રાંતિની 100મી વર્ષગાંઠ ઉજવવા માટે યોજાયો હતો. ત્યારે ફ્રાન્સ ઔદ્યોગિક ક્રાંતિમાં ટોપ પર હતું. તે દુનિયાભરના રાજાઓ અને વ્યાપારીઓને પોતાની ટેકનોલોજી બતાવવા માગતું હતું. મૂળે જર્મન ગણાતો ગુસ્તાવ એફિલની ડિઝાઇન પસંદ થઈ ત્યારે તેને સરકાર તરફથી ફંડિંગ મળ્યું, પરંતુ મોટા ભાગનો ખર્ચ એમણે પોતે ઉઠાવ્યો હતો. 1887માં ‘આર્ટિસ્ટ્સ એગેન્સ્ટ ધ એફિલ ટાવર’ નામના પત્રમાં લેખક ગાય દ મોપાસાં હોય કે સંગીતકાર શાર્લ ગુનો અને અન્ય 300 લોકોનું માનવું હતું કે આ ટાવર પેરિસની સુંદરતાને બગાડશે.
31 માર્ચ, 1889ના રોજ ગુસ્તાવ એફિલે ટાવરની ટોચે ચઢીને ફ્રેન્ચ ધ્વજ ફરકાવ્યો. તે વખતે લિફ્ટ હજુ સંપૂર્ણ રીતે કાર્યરત ન હતી, તેથી એમણે 1,710 સીડીઓ ચઢીને ટોચ સુધી પહોંચવું પડ્યું હતું. વિશ્વ મેળા દરમિયાન લાખો લોકોએ એ ટાવર જોયો એફિલ ટાવરને 20 વર્ષ પછી તોડી પાડવાની યોજના હતી, કારણ કે તે અસ્થાયી માળખું હતું. એ પછીના દાયકામાં હવામાન માપવાનાં સાધનો લગાવવામાં આવ્યાં, જર્મન સંદેશા રોકવા માટેનાં સાધનો એફિલ ટાવર પર લાગ્યા. બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન એફિલ ટાવર જર્મનના હાથમાં ગયો, પણ યુદ્ધ ખતમ થતાં એના પર ફ્રાન્સનો ધ્વજ ફરકવા લાગ્યો.
પ્રશ્ન એ થાય છે કે યુદ્ધનો માહોલ યુરોપમાંથી લગભગ ખતમ થયા પછી એફિલ ટાવર તોડી નાખવો જોઈએ? અહીંથી એક નવી સંસ્કૃતિનો જન્મ થયો. ફ્રાન્સમાં ટીવી પ્રસારણ માટેનું એન્ટેના લાગ્યું અને ટાવર લોકોના દેખાડામાંથી સંસ્કૃતિનું પ્રતીક બન્યું. દુનિયાભરના કલાકારો અને પ્રેમીઓ માટે કેન્દ્ર બન્યું.
‘પેરિસ ફેશન વીક’ એ ફેશનની દુનિયાનો સૌથી મોટો ઉત્સવ છે, જે વર્ષમાં બે વખત યોજાય છે. આ ઇવેન્ટમાં ડિઝાઇનર્સ, મોડલ્સ અને ફેશન પ્રેમીઓ એકઠા થાય છે અને એફિલ ટાવરની નજીકના સ્થળ ગ્રાન્ડ પેલેસ અને લૂવ્રમાં ફેશન શોનું આયોજન થાય છે. જાણીતી બ્રાન્ડ્સ પોતાની નવીનતમ ફેશન રજૂ કરવા સાથે ફ્રેન્ચ સંસ્કૃતિના ‘આર્ટ ડે વિવર’ નેજા હેઠળ દુનિયાના ખૂણે ખૂણાની અનેરી જીવનશૈલીને ઉજાગર કરે છે, જેમાં ફેશન એટલે કપડાં નહિં પણ એક અભિવ્યક્તિ તરીકે રજૂ કરે છે. સાહિત્ય, સિનેમા અને નાટ્ય પ્રવૃત્તિઓ સાથે કળાના વૈશ્વિક ફેસ્ટિવલ યોજવામાં પેરિસ નગર અને એફિલ ટાવર ગૌરવ અનુભવે છે.
ફ્રેન્ચ લેખક ગાય દ મૌપાસાંએ શરૂઆતમાં ટાવરની ટીકા કરી, તેને પેરિસની પરંપરાગત સુંદરતા સામે આક્રમણ ગણાવ્યું, પરંતુ સમય જતાં લેખકો માટે પ્રેરણાનું સાધન બન્યું. અમેરિકન લેખક અર્નેસ્ટ હેમિંગ્વેએ એફિલ ટાવરને બૌદ્ધિક અને રોમેન્ટિક જીવનની કર્મભૂમિ કહ્યું હતું. અર્નેસ્ટ હેમિંગ્વેએ પેરિસના એવા કાફે અને શેરીઓનું વર્ણન કર્યું, જ્યાં એફિલ ટાવરની હાજરી છે. ફ્રેન્ચ ફિલસૂફ રોલાં બાર્થેસે તેને સાંસ્કૃતિક પ્રતીક તરીકે ઉજાગર કર્યું, જે આધુનિકતા અને સપનાંઓનું પ્રતિનિધિત્વ કરે છે. કવિ ગીલૌમ એપોલિનેરે પ્રેમના પ્રતીક તરીકે પોતાની કવિતાઓમાં સ્થાન આપ્યું. આપણી ફિલ્મોમાં એફિલ ટાવરની સુંદરતા જોવા મળી છે. ‘સંગમ’ હોય કે શમ્મી કપૂરની ‘એન ઇવનિંગ ઈન પેરિસ’ એફિલ ટાવરની આસપાસ પ્રેમની વાત કહે છે. ‘દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે’ હોય કે ‘ડોન 2’ માં એફિલ ટાવરની સાથે નાતો જોડવામાં આવ્યો છે. ‘કવીન’ ફિલ્મમાં પેરિસની ગલીઓ બતાવવામાં આવી હતી. ઓગણીસમી અને વીસમી સદીમાં પેરિસ શહેરને પ્રેમનું શહેર તરીકે લેખકો કવિઓ અને વિચારકોએ સ્થાન આપ્યું હતું.
એફિલ ટાવર જેવી પ્રતિકૃતિથી પેરિસની ઓળખને ‘પ્રેમના નગર’ તરીકે જાણીતું કરવામાં મદદ મળી. આપણી પાસે પણ કેટલાં બધાં સ્થાપત્ય છે તો એકાદ ધરોહરને માનવતાના કેન્દ્ર તરીકે દુનિયા સમક્ષ ના લઇ જઈ શકાય? સાહિત્ય અને કળાની દ્રષ્ટિએ ભારત પાસે અસંખ્ય કથાઓ અને ઈશ્વર કેવળ પ્રેમ અને કરુણાની મૂર્તિ છે. આપણે ગાંધી અને ટાગોર સહિત અનેક મહામાનવ વિશ્વને આપ્યા છે. આમ છતાં આપણી ઓળખને વિશ્વમાં લઇ જવાની સફળતા પ્રાપ્ત કરી નથી. બીજી તરફ, એક એફિલ ટાવર કેટલું બધું કરી શક્યું તો આપણી પાસે વારસાની ફોજ છે.
ફિલ્મ ‘બીફોર સનસેટ’માં એફિલ ટાવર સાથે રોમેન્ટિક માહોલ છે અને આ ઓળખને લીધે દુનિયામાં ત્રીસેક નાના મોટા એફિલ ટાવરની પ્રતિકૃતિ જેવા સ્મારક બન્યા છે. દુનિયાભરમાં સૌથી વધુ પ્રવાસીઓ ધરાવતું એક સ્થળ એફિલ ટાવરને એક જમાનામાં કોઈકે ફ્રોડ કરીને વેચ્યું પણ હતું. પ્રેમના પ્રતીક તરીકે એફિલ ટાવરને એટલું પ્રસિદ્ધ કરવામાં આવ્યું કે હજારો નવદંપતીઓ પ્રેમનો પ્રસ્તાવ એફિલ ટાવર પર જઈને મૂકતાં હોય છે. આખી વાતનો સાર એટલો જ છે કે સ્થાપત્ય એ કેવળ ઇમારત ના હોવી જોઈએ પણ પ્રેમ, યાદો અને માનવજાતના સ્વપ્નનું પ્રતીક બનવું જોઈએ. આપણે હેરિટેજ વીકની ઉજવણી પછી પણ આપણાં સ્થાપત્યો અને વિચારો દુનિયાની નજરમાં આવે તે રીતે આયોજન કરવા જોઈએ.
ધ એન્ડ : લેટેસ્ટ અંદાજ મુજબ, એફિલ ટાવર સાથે દરરોજ 10,700 જેટલાં સેલ્ફી ક્લિક કરવામાં આવે છે !
આપણ વાંચો: અજબ ગજબની દુનિયા : દુકાનદાર લાઇસન્સ લાવિંગ એન્ડ લાવિંગ એન્ડ લાવિંગ