રેગ્યુલેટરના હિટ લિસ્ટમાં સપડાયા એનાલિસ્ટ
કવર સ્ટોરી -નિલેશ વાઘેલા
ઘણાં વિશ્ર્લેષકો આ નિયમોથી એટલા નારાજ અને આક્રોશમાં છે કે તેમણે પોતાનો વ્યવસાય છોડી દેવાનો પણ નિર્ણય લીધો છે
ઓહો.. એક તરફ શેરબજારમાં કડાકા અને ભડાકા બોલાઇ રહ્યાં છે અને તેમાં નાણાં ગુમાવનારા રોકાણકારોની ભયભીત માનસિકતાને કારણે ધંધા પર ફટકો પડી રહ્યો છે ત્યારે બીજા તરફ શેરબજારના નિયામકે બજારના વિશ્ર્લેષકોને અડફેટમાં લેવા માટે નવાં નિયમો લાદ્યા હોવાથી કેટલાક વિશ્ર્લેષક તો એટલા નિરાશ થઇ ગયા છે કે તેઓ બિસ્તરાં પોટલા બાંધીને આ વ્યવસાય છોડવાની તૈયારી કરવા માંડ્યા છે.
વાત એવી છે કે, ભારતના બજાર નિયમનકાર સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી) એ તાજેતરમાં રિસર્ચ એનાલિસ્ટ્સ (આરએ) માટે એક નવી માર્ગદર્શિકા જારી કરી છે. સંશોધન વિશ્ર્લેષકો સૂચિત નવા નિયમો અંગે નાખુશ છે અને તેમનામાં અસંતોષ અને ગભરાટની લહેર ફેલાઇ છે.
રિસર્ચ એનાલિસ્ટસ એવો દાવો કરી રહ્યાં છે કે આ નવા નિયમો તેમની રોજીરોટી માટે જોખમી છે અને તે ટૂંકા ગાળાના રોકાણ માટે પ્રેરનારા હોવાથી રોકાણકારોના હિતમાં પણ નથી. ઘણાં વિશ્ર્લેષકો આ નિયમોથી એટલા નારાજ અને આક્રોશમાં છે કે તેમણે પોતાનો વ્યવસાય છોડી દેવાનો પણ નિર્ણય લીધો છે.
સેબીએ આઠમી જાન્યુઆરીના રોજ, રિસર્ચ એનાલિસ્ટ માટે ગાઇડલાઇન્સ શીર્ષકવાળી એક સૂચના બહાર પાડી છે. આ માર્ગદર્શિકા હેઠળ, નવા આવનારાઓ માટે એક તરફ રિસર્ચ એનાલિસ્ટ તરીકે નોંધણી સરળ બનાવવામાં આવી છે, જેને કારણે અગાઉ જ મંદ પડી રહેલા ધંધામાં સ્પર્ધા વધશે.
નોંધવું રહ્યું કે, પાછલા સત્ર મંગળવારની જ વાત કરીએ તો સેન્સેક્સમાં લગભગ 1300 પોઇન્ટનો જોરદાર કડાકો પડ્યો છે અને એક જ સત્રમાં અંદાજે રૂપિયા સાત લાખ કરોડનું ધોવાણ થયું છે. આ ઉપરાંત અમેરિકાના પ્રેસિડેન્ટ ટ્રમ્પે સત્તા પર સત્તાવાર સવાર થતાં જ જે પોત પ્રકાશ્યું છે, તે જોતા બજારમાં ભારે અફડાતફડી અને મંદી રહેવાની સંભાવના છે. આને કારણે આમ પણ ધંધો ઘટી રહ્યો હોય ત્યાં નવા નિયમો સ્પર્ધા વધારશે તો વધુ ફટકો પડવાની શક્યતા છે.
વધુમાં, પહેલાથી જ નોંધાયેલા રિસર્ચ એનાલિસ્ટ પર ઘણા નિયમોના પાલનનો બોજ વધારવામાં આવ્યા છે. ઘણા નિષ્ણાતો માને છે કે આમ કરવાથી બજારમાં સમસ્યાઓ તો વધશે જ, પણ પ્રામાણિક અને કાર્યક્ષમ વ્યાવસાયિકો માટે આ વ્યવસાયમાં રહેવાનું પણ મુશ્કેલ બનશે.
એક અહેવાલ મુજબ, એક પ્રખ્યાત કાનૂની નિષ્ણાતે માઇક્રોબ્લોગિંગ સાઇટ પર એવું લખાણ પોસ્ટ કર્યું છે કે સેબી તેના નિયમોમાં વધુ પડતી સખ્તાઇ દાખવી રહી છે અને પરિણામે, લાયક અને પ્રામાણિક સલાહકારો બહાર ધકેલાઇ રહ્યા છે. તેમણે ચેતવણી આપી હતી કે જો આ વલણ ચાલુ રહેશે, તો બજારમાં ફક્ત અસમર્થ અને અપ્રમાણિક સલાહકારો જ રહેશે.
અનેક અગ્રણી સંશોધન વિશ્ર્લેષકોએ આ નિયમો અંગે ચિંતા વ્યક્ત કરી છે અને તેમની સેવાઓ બંધ કરવાની જાહેરાત કરી છે. એક રિસર્ચ ફર્મ સેન્ટિનેલના માલિકે જણાવ્યું હતું કે જ્યારે રિસર્ચ એનાલિસ્ટ માટેના નિયમોનો ડ્રાફ્ટ બહાર પાડવામાં આવ્યો હતો, ત્યારે તેમણે તેમની સેવાઓ અસ્થાયી રૂપે બંધ કરી દીધી હતી, પરંતુ તેમને આશા હતી કે અંતિમ નિયમોમાં સુધારા અને સરળતા હશે, પરંતુ કમનસીબે, અંતિમ નિયમો વધુ ખરાબ નીકળ્યા!
બીજી મોટી ચિંતા એ છે કે નવા નિયમો હેઠળ, રિસર્ચ એનાલિસ્ટ એક સમયે ફક્ત ત્રણ મહિનાની ફી અગાઉથી લઈ શકે છે. સ્ટોલવર્ટ એડવાઇઝર્સે તેની સંશોધન કામગીરી બંધ કરવાની જાહેરાત કરતી વખતે લખ્યું હતું કે જ્યારે ક્લાયન્ટ નોંધણી, કેવાયસી, ઓડિટ વગેરે જેવી પ્રક્રિયાઓનો ખર્ચ સહન કરી શકાય છે, ત્યારે દર ત્રણ મહિને સેવા રિન્યૂ કરવાની જરૂરિયાતે તેને ટૂંકા ગાળાની બનાવી દીધી છે. તેમણે જણાવ્યું હતું કે તેમની રોકાણનું ક્ષિતિજ સરેરાશ ત્રણથી પાંચ વર્ષનું છે અને રોકાણમાં ધીરજ રાખવી એ સફળતાની ચાવી છે. તેમણે ચેતવણી આપી હતી કે આ રીતે ચાલશે તો ગેરપ્રવૃત્તિને પ્રોત્સાહન મળશે.
હવે જોઇએ કે વિવાદનું મુખ્ય કારણ શું છે? નવી માર્ગદર્શિકા મુજબ, રિસર્ચ એનાલિસ્ટ હવે રોકાણકાર અથવા તેના પરિવાર પાસેથી દર વર્ષે મહત્તમ રૂ. 1,51,000 વસૂલ કરી શકે છે. આ મર્યાદા કોસ્ટ ઇન્ફ્લેશન ઇન્ડેક્સ (સીઆઇઆઇ)ને આધારે દર ત્રણ વર્ષે એકવાર સુધારી શકાય છે. આ માટે સેબીની પરવાનગી પણ જરૂરી રહેશે. અન્ય મુદ્દાઓમાં ગ્રાહક સેવા છોડી દે તો રિફંડ, થર્ડ પાર્ટી એજન્સી પાસેથી કામગીરીની ચકાસણી અને સેવાના નિયમો અને શરતો સાથે સંમત થવા જેવી શરતોનો સમાવેશ થાય છે.
એક રિસર્ચ એનાલિસ્ટે આ નિયમને આપત્તિ સમાન ગણાવ્યો છે. તેઓ પ્રશ્ર્ન કરે છે કે સર્વિસ સેકટરમાંં ફી મર્યાદા કેવી રીતે નક્કી કરી શકાય? દરેક વ્યક્તિની સેવા અને રિપોર્ટનું સ્તર અલગ અલગ હોય છે. રિસર્ચ એનાલિસ્ટે એ વાતનો પણ વાંધો ઉઠાવ્યો કે સમગ્ર પરિવાર માટે એક ફી મર્યાદા નક્કી કરવી અન્યાયી છે.
વધુમાં, અગાઉથી ફી વસૂલવાની મર્યાદાએ રિસર્ચ એનાલિસ્ટ અને તેમના ગ્રાહકો બંનેને ટૂંકા ગાળાના રોકાણો પર ધ્યાન કેન્દ્રિત કરવાની ફરજ પાડી છે. લાંબા ગાળાના રોકાણ માટે વ્યક્તિએ એક વર્ષ સુધી તેને પકડી રાખવું જરૂરી છે. પરંતુ, નવા નિયમ મુજબ જો ગ્રાહકને ત્રણ મહિનામાં પરિણામ ન મળે, તો તે સેવા બંધ કરી શકે છે.
સેબી ગ્રે માર્કેટ પર લગામ તાણશે
સેબી ગ્રે માર્કેટ પ્રવૃત્તિને રોકવા માટે આઇપીઓમાં પ્રી-લિસ્ટિંગ ટ્રેડિંગ શરૂ કરવાની યોજના તૈયાર કરી રહ્યું છે. સેબી એક એવી સિસ્ટમ રજૂ કરવા પર વિચાર કરી રહ્યું છે જ્યાં રોકાણકાર પ્રારંભિક જાહેર ઓફરમાં ફાળવણી થતાં જ શેર વેચી શકે છે.
મૂડી બજાર નિયમનકારના વડા, ચેરપર્સન માધબી પુરી બુચે એવી પણ જાહેરાત કરી છે કે ટોચની બે પ્રોક્સી સલાહકાર કંપનીઓ એક પોર્ટલ શરૂ કરવાની તૈયારીમાં છે જે સંબંધિત પક્ષના ટ્રાન્ઝાકશનની રીપોઝિટરી હશે અને કોઈપણ હિસ્સેદાર માટે કંપનીમાં ગવર્નન્સ સ્ટાન્ડર્ડનું મૂલ્યાંકન કરવામાં ઉપયોગી થશે.
એ નોંધનીય છે કે તાજેતરના ભૂતકાળમાં ઘણા આઇપીઓમાં ખૂબ ઊંચા સબ્સ્ક્રિપ્શન જોવા મળ્યા છે, અને ઘણા ઇશ્યુએશન્સે લિસ્ટિંગના દિવસે પણ ભારે લાભ મેળવ્યો છે, જેના પરિણામે ગ્રે માર્કેટમાં ફાળવવામાં આવેલા શેરના પાસિંગની પ્રવૃત્તિ થાય છે.
બેંકરમાંથી બજાર નિયમનકાર બનેલા બુચે જણાવ્યું હતું, કે બેંકિંગ ક્ષેત્રની કારકિર્દીના દિવસોમાં, ગ્રે માર્કેટની આ પ્રવૃત્તિને ‘કર્બ ટ્રેડિંગ’ કહેવામાં આવતું હતું. તેમણે એક કાર્યક્રમના સંબોધન દરમિયાન કહ્યું હતું કે, અમને લાગે છે કે જો રોકાણકારો ગમે તે રીતે તે કરવા માંગતા હોય, તો શા માટે તેમને યોગ્ય રીતે નિયંત્રિત રીતે તે તક ન આપવી જોઇએ!
પત્રકારો સાથેની વાતચીતમાં તેમણે સમજાવ્યું હતું કે, વિચાર એ છે કે ગ્રે માર્કેટમાં શેરના લિસ્ટિંગ અગાઉ જે પણ ચાલી રહ્યું છે તે અમને વાજબી જણાતું નથી. જો તમને ફાળવણી મળી છે અને તમે તમારો અધિકાર વેચવા માગતા હો, તો તેને સંગઠિત બજારમાં વેચો.