પ્રાસંગિક : ધારી લો કે અમેરિકા-ચીન વચ્ચે યુદ્ધ થાય તો…

-અમૂલ દવે
રાજકરાણી અને રાજદૂતો ભાગ્યે જ ક્યારેય સાચું બોલે છે. ભારતના વિદેશ પ્રધાન સુબ્રમણયમ જયશંકરના મોંઢામાંથી એક વાર સત્ય વાત નીકળી ગઈ હતી. જયશંકરે એક મુલાકાતમાં એવી કબૂલાત કરી હતી કે ચીન સાથે ભારત યુદ્ધ ન લડી શકે. જયશંકરનું કહેવું હતું કે ચીન મોટી ઈકોનોમી હોવાથી ભારત તેની સાથે લડી ન શકે.. અલબત્ત, આ નિવેદન વાયરલ થયું ત્યારે લોકોએ જયશંકરના માથા પર માછલાધોયા હતા. ચીન મોટું અર્થતંત્ર છે માટે તેની સામે હથિયાર હેઠાં મૂકી દેવાં એ વાત બરાબર નથી. આને લીધે ભારતના લશ્કરનું મનોબળ તૂટી શકે..
આની સરખામણીમાં ચીન કેટલું આક્રમક છે એ જુઓ. સુપરપાવર અમેરિકાના પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પે ચીન પર ટેરિફ લગાડવાની વાત કરી ત્યારે ચીનના અમેરિકા ખાતેના એલચીએ જ વાબ આપ્યો કે અમેરિકા સામે ટ્રેડ વોરથી માંડીને યુદ્ધ પણ લડવા ચીન તૈયાર છે… અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફ સામે ફક્ત ચીને રણશિંગુ ફૂંક્યું છે. ચીને અમેરિકા પર જવાબી કાર્યવાહી કરીને 125 ટકાનો ટેરિફ નાખ્યો છે. ચીન કહે છે કે અમે અમેરિકાથી ડરી નહીં જઈએ. ચીનનું મજબૂત વલણ જોઈને ટ્રમ્પ ઢીલા પડ્યા છે.
આ પણ વાંચો: પ્રાસંગિક: ટ્રમ્પની મેડનેસમાં મેથડ છે?
એમણે ચીન સાથે મંત્રણા કરી માર્ગ કાઢવાની હવે વાત કરી છે. ટ્રમ્પ એમના યુ-ટર્ન માટે જાણીતા છે. ચીને તો ટેરિફ વોરની તૈયારી ટ્રમ્પ સત્તા પર આવે એ પહેલા જ કરી નાખી હતી. પ્લાન એ, બી અને સી બધું જ તૈયાર હતું. ચીને હાલમાં હાઈડ્રોજન બોમ્બનું સફળ પરીક્ષણ કરીને આખા વિશ્વને ચોંકાવી દીધું છે. આ હાઈડ્રોજન બોમ્બ અણુબોમ્બની શ્રેણીમાં ન આવતો હોવાથી યુદ્ધમાં એનો ઉપયોગ કરી શકાય. ચીને બનાવેલો બોમ્બ ફક્ત બે કિલોનો છે, પરંતુ તે વિસ્ફોટક પદાર્થ ટીએનટી( ટ્રિનિટોટોલુઈન) કરતાં 15 ગણી ગરમી ઉત્પન્ન કરે છે. આ એક અગનગોળો છે, જે મોટા શહેરનો નાશ કરી શકે છે. ટ્રમ્પ અને મસ્ક આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સમાં રહેલી સરસાઈ પર મુસ્તાક હતા, પરંતુ ચીને એવું અઈં- ડીપસીક બજારમાં મૂક્યું કે અમેરિકાના ટેક જાયન્ટ કંપનીના શેરના ભાવ ગગડી ગયા. આથી આ બે સુપરપાવર અમેરિકા અને ચીનની તાકાતની તુલના કરવી અસ્થાને નહીં હોય.
અમેરિકા પ્રથમ અને ચીન બીજા નંબરની મોટી ઈકોનોમી છે એમાં કોઈ બે મત નથી. અમેરિકાનો ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (જીડીપી) 25.5 ટ્રિલિયન ડૉલર અને ચીનની જીડીપી 18.3 ટ્રિલિયન અમેરિકન ડૉલર છે. વિશ્વની કુલ જીડીપી 100.6 ટ્રિલિયન ડૉલર છે. આનો અર્થ એ થયો કે વિશ્વની જીડીપીના 43 ટકા ભાગ આ બે દેશનો છે.
આ પણ વાંચો: પ્રાસંગિક : અમેરિકા-ઈરાન વચ્ચે સીધા યુદ્ધનાં એંધાણ હાથે કરેલા હૈયે વાગ્યા ટ્રમ્પને…
પ્રોડકશનને લાગે વળગે તો ચીનનો હાથ ઉપર છે. સસ્તા શ્રમિક અને સબસિડીને લીધે વિશ્વમાં જે સ્ટીલ થાય છે એનું 50 ટકાનું ઉત્પાદન ચીનમાં થાય છે. ઈલેકટ્રોનિક વેહિકલની વાત કરીએ તો 65 ટકા ગ્રીન કાર ચીનમાં ઉત્પાદન થાય છે. ક્ધઝ્યુમર ઈલેકટ્રોનિકસમાં પણ ચીન ઘણી સરસાઈ ધરાવે છે. અમેરિકા હાઈ વેલ્યુ સેક્ટર જેવા કે એરોસ્પેસ અને સેમિક્ધડક્ટરમાં પણ આગળ છે. જોકે અમેરિકા સપ્લાય ચેન માટે ચીન પર આધાર રાખે છે. રેર અર્થ મેટલના80 ટકા ચીન પાસે છે. ટ્રમ્પના ટેરિફ છતાં અમેરિકામાં ઉત્પાદન ખસેડવામાં આવ્યું નથી.અમેરિકન કંપનીઓ હવે ચીનને બદલે વિયેટનામ અને મેક્સિકો પર આધાર રાખે છે. અમેરિકા ગ્લોબલ મિલિટરી,અણુ હથિયારો અને અઈંના નવીનીકરણમાં અગ્રેસર છે, પરંતુ ઉત્પાદન અને ફાઈવજી ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં પાછળ છે.
અમેરિકા પાસે 14 લાખ જવાન છે અને 8,45,000 અનામત જવાન છે.
બીજી બાજુ, ચીન પાસે 20 લાખ જવાન છે… વિશ્વનું સૌથી મોટું લશ્કર ચીનની ‘પીપલ્સ લિબરેશન આર્મી’ છે.
આ પણ વાંચો: પ્રાસંગિક : ટ્રમ્પે બે યુદ્ધ રોકવાને બદલે બે યુદ્ધવિરામ કરાવ્યા!
અમેરિકા પાસે 3,435 લડાયક વિમાનો છે. આમાં 586 સ્ટીલ્થ ફાઈટર જેવા કે એફ-35 અને એફ-22 જેવા વિમાન છે. અમેરિકાના હવાઈ દળ, નૌકાદળ અને મરીન પાસે કુલ 18,319 પ્લેન છે, જેની પાસે હવામાં ઈંધણ ભરવાની ક્ષમતા છે. તેની પાસે બી-ટુ સ્ટીલ્થ બોમ્બર છે. અમેરિકા પાસે 11 વિમાનવાહક જહાજ છે. આની તુલનામાં ચીન પાસે 2,20 લડાયક વિમાન છે. આમાં 200થી વધારે જે-20 સ્ટીલ્થ ફાઈટર છે. ચીન તેના કાફલાને આધુનિક બનાવી રહ્યું છે. તે 80 ટકા ચોથી પેઢીના વિમાન કાફલામાં ઉમેરી રહી છે. અમેરિકા પાસે પાંચમી પેઢીના પ્લેન છે અને આમ તે ચીન પર સરસાઈ ધરાવે છે.
રશિયા અને યુક્રેનના યુદ્ધે ડ્રોનનું મહત્ત્વ સાબિત કર્યું છે. આધુનિક યુદ્ધ ડ્રોનના જોરે લડાય છે. અમેરિકા પાસે 300 એમક્યુ-9 અને ક્યુ-વન પેડેટર છે. એએમક્યુ-9 ડ્રોન 1,700 કિલોનું વજન ઉઠાવી શકે છે. અમેરિકાએ દસ દેશને આની નિકાસ કરી છે.
-તો, ચીન ડ્રોનની નિકાસમાં મોખરાના સ્થાને છે. તેના વિન્ગ લૂન્ગ ડ્રોન(1700 કિલોનું પેલોડ) સાઉદી અરેબિયા, યુએઇ અને બીજા દેશોએ આયાત કર્યું છે. ચીનના ડ્રોન સસ્તા છે. અમેરિકન એમક્યુ-9ની કિંમત 1.6 કરોડની છે તો ચીનના ડ્રોન 10થી 20 લાખ ડૉલરમાં મળે છે.
આ પણ વાંચો: ‘ઔરંગઝેબ આજે પ્રાસંગિક નથી…’ કબર તોડી પાડવાની માંગ વચ્ચે RSSનું નિવેદન
હા, એ ખરું કે અમેરિકા ડ્રોનની બહેતર ટેકનોલોજી ધરાવે છે. ચીન પાસે એ એડવાન્ટેજ છે કે તે ડ્રોનનું સસ્તું ઉત્પાદન કરે છે.
અમેરિકા લશ્કર 2400 ટેન્ક ધરાવે છે. આ ટેન્ક સમયની પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલ છે. જોકે તેના 68 ટનનું વજન તેનો ગેરલાભ છે. બીજી બાજુ ચીન પાસે 5000 ટેન્ક છે. આમાં જૂની ટાઈપની ટેન્કનો પણ સમાવેશ છે.
અણુશસ્ત્રોમાં ય અમેરિકા ઘણી સરસાઈ ધરાવે છે. તેની પાસે 5,244 અણુ વોરહેડ છે. જ્યારે ચીન પાસે 600 અણુબોમ્બ છે. અમેરિકા પાસે ચીન કરતાં તેર ગણા આધુનિક વોરહેડ છે.અમેરિકા 895 અમેરિકન ડૉલરનું સંરક્ષણ બજેટ ધરાવે છે, જ્યારે ચીનનું બજેટ 266 અબજ ડૉલરનું છે.
આ પણ વાંચો: પ્રાસંગિક : કેનેડાના નવા વડા પ્રધાન આપશે ટ્રમ્પને ટક્કર…
ચીનનું નૌકાદળ 742 જહાજ ધરાવે છે તો અમેરિકા 460 જહાજ ધરાવે છે. જોકે અમેરિકાની સબમરીન અને કેરિયર વધુ આધુનિક છે.
આમ એકંદરે જોઈએ તો ચીન પર અમેરિકા સરસાઈ ધરાવે છે, પરંતુ બન્ને પાસે પૃથ્વીને અનેક વાર ખતમ કરવાની ક્ષમતા છે. બે સુપર પાવર વચ્ચેની લડાઈનો અર્થ જ થાય છે કે પૃથ્વીનો સંહાર. ચીન ગમે ત્યારે તાઈવાન પર હુમલો કરે એવા એંધાણ છે આવું થાય તો અમેરિકા અને ચીન વચ્ચે યુદ્ધનો ભડકો થઈ શકે.