ઓલ ઇઝ વેલ! ભારતનું અર્થતંત્ર અડીખમ છે ખરું!
કવર સ્ટોરી -નિલેશ વાઘેલા
જાપાન, જર્મની અને યુકેમાં જ્યારે મંદીની સત્તાવાર જાહેરાત થઇ ત્યારે અર્થનિરિક્ષકો ચિંતામાં મુકાઇ ગયા હતા. જોકે, અર્થતંત્રની પારાશીશી ગણાતા શેરબજાર પર તેની કોઇ ખાસ વિપરીત સેન્ટિમેન્ટલ ઇફેક્ટ જોવા મળી નથી. આંતરરાષ્ટ્રીય સ્તરે યુદ્ધ અને અરાજકતાના અમુક ક્ષેત્રોને બાદ કરીએ તો જેને મધર ઇકોનોમી તરીકે ઉલ્લેખવામાં આવે છે, એવા અમેરિકાનું અર્થતંત્ર હાલ તો હાલક ડોલક સ્થિતિમાંથી બહાર આવી ગયું છે. નોંધવું રહ્યું કે અમેરિકામાં મંદી ત્રાટકશે એવો ભય પણ લાંબો સમય સુધી ચર્ચાતો રહ્યો છે.
આ પરિસ્થિતિ વચ્ચે ભારત અડીખમ ઊભું રહ્યું છે. અલબત્ત્ા અમુક ગ્લોબલ રેટિંગ એજન્સીઓ અને ઇન્વેસ્ટમેન્ટ બેન્કર્સ એવી આગાહી કરી રહ્યાં છે કે ભારતનો ગોલ્ડીલોક પિરિયડ પૂરો થઇ ગયો. જોકે, ભારતીય અર્થશાસ્ત્રીઓ કહે છે કે ભારતમાં હજુ સુધી બધુ હેમખેમ છે. ઓલ ઇઝ વેલ! આવો જોઇએ દેશના નિષ્ણાત અર્થશાસ્ત્રીઓ ભારતીય અર્થતંત્ર વિશે શું કહે છે!
નાણાપ્રધાને તાજેતરમાં એવો વિશ્ર્વાસ વ્યક્ત કર્યો છે કે ટુંક સમયમાં ભારત ટોચની ત્રણ અર્થવ્યવસ્થામાં સ્થાન મેળવશે. નાણાપ્રધાન નિર્મલા સીતારામને ‘વિકસિત ભારત ૨૦૪૭’ પર આયોજિત નેશનલ કોન્ક્લેવમાં જણાવ્યું હતું કે આગામી
વર્ષોમાં આવનારી પેઢી માટે રિફોર્મ્સ ટોપ એજન્ડા હશે.
તેમણે કહ્યું કે આજના સમયમાં કોઈ પણ દેશ ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિના વિકાસ કરી શકતો નથી. આવી સ્થિતિમાં, ભવિષ્યની પ્રાથમિકતાઓ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, લોજિસ્ટિક્સ સેક્ટરનું વિસ્તરણ અને વેરહાઉસિંગમાં શ્રેષ્ઠતા હશે. આ સાથે, અમે કૃષિ ઉત્પાદન વધારવા માટે નિયમિતપણે કામ કરવાનું ચાલુ રાખીશું, જેમાં કૃષિ મૂલ્યવર્ધન અને કૃષિ કાર્યક્ષમતાનો સમાવેશ થાય છે. ભારતમાં લોજિસ્ટિક્સ, કૃષિ મૂલ્યવર્ધન અને કૃષિ કાર્યક્ષમતામાં અપાર સંભાવનાઓ છે.
ભારતના નીતિ ઘડવૈયા નાણાકીય વર્ષ ૨૦૨૫ માટે ૪.૫ ટકાના ફુગાવા અને ૭ ટકાના આર્થિક વિકાસની આગાહી સાથે ભારત માટે ‘ગોલ્ડિલોક્સ પરિદૃશ્ય’ જોઇ રહ્યાં છે. અલબત્ત ભારતીય રિઝર્વ બૅન્કની મોનેટરી પોલિસી કમિટીએ અનિશ્ર્ચિતતા વચ્ચે સાવધાની રાખવાની આવશ્યકતા પર ભાર મૂક્યો છે.
એ પણ નોંધવું રહ્યું કે વૃદ્ધિ અંગે આશાવાદી હોવા છતાં, અર્થશાસ્ત્રીઓ વૈશ્ર્વિક અર્થતંત્રની ગતિ અટકાવી કે ધીમી પાડી શકે એવાં પરિબળોની મોજૂદગીને ધ્યાનમાં રાખતા તકેદારી રાખવાની ટકોર પણ કરે છે.
નાણાકીય વર્ષ ૨૦૨૫ માટે ફુગાવા અને જીડીપી દર માટે અનુક્રમે ૪.૫ ટકા અને સાત ટકાની આગાહી સાથે, ભારતના નીતિ ઘડવૈયા એવું અનુમાન લગાવી રહ્યા છે કે ભારતીય અર્થતંત્ર ‘ગોલ્ડિલોક્સ’ પરિદૃશ્યમાં છે. રિઝર્વ બૅન્ક ઓફ ઈન્ડિયાની તાજેતરમાં યોજાયેલી મોનેટરી પોલિસી કમિટી (એમપીસી)બેઠકમાં કમિટીના છ સભ્યો એ બાબતે સહમત થયા હતા કે તકેદારી રાખવાની આવશ્યકતા અવશ્ય છે, પરંતુ ભારતમાં રિટેલ ઇન્ફ્લેશનને મામલે થોડી રાહત છે.
તાજેતરની નીતિ બેઠકની મિનિટ્સ અનુસાર, બજાર નિયામક માને છે કે, ભારતીય અર્થતંત્ર હાલમાં વિકાસના મોરચે સ્થિતિસ્થાપકતા દર્શાવી રહ્યું છે. અર્થશાસ્ત્રીઓ જોકે સાથે એમ પણ કહી રહ્યાં છે કે ભારતમાં બધુ સમુસૂતરું જણાઇ રહ્યું હોવા છતાં વિશ્ર્વના ટોચનાં અર્થતંત્રો મુશ્કેલીમાંથી પસાર થઇ રહ્યાં હોવા સાથે વિવિધ દેશ વચ્ચે ચાલી રહેલા યુદ્ધ અને તેને પરિણામે સાઇડ ઇફેકટમાં ક્રૂડ ઓઇલના ભાવ પર પડી રહેલી અસર, રાતા સમુદ્રની કટોકટીને કારણે ઇંધણના વધતા ખર્ચ અને નિકાસમાં આવી રહેલી ઓટ જેવી બાબતો જોતા સાવચેતી રાખવી પણ જરૂરી છે.
અર્થશાસ્ત્રીઓ એમ પણ કહી રહ્યાં છે કે, આર્થિક બાબતો ઉપરાંત આબોહવા પરિવર્તનની અસ્પષ્ટતાને કારણે ખાદ્ય ફુગાવાની અસ્થિરતા, ભૌગોલિક રાજકીય જોખમો અને અણધાર્યાં પરિવર્તનો તથા કોવિડ પછીના તબક્કામાં ફુગાવા સામે લડવાની વિશ્ર્વસનિયતા જાળવવાની જરૂરિયાત વચ્ચે સાવધાની જરૂરી છે.
ગોલ્ડિલોક્સ એક એવી પરિસ્થિતિ છે કે જ્યાં અર્થતંત્રમાં ફુગાવાને ઉછાળો આપી શકવા માટે પૂરતો ગરમાટો નથી, પરંતુ મંદીના વાતાવરણને ટાળવા માટે પૂરતું ઝડપથી વધી રહ્યું છે.
એમપીસીના મોટા ભાગના સભ્યો આર્થિક વૃદ્ધિની સંભાવના સંદર્ભે સહમત જણાય છે. રસપ્રદ વાત એ છે કે, આરબીઆઈના ડેપ્યુટી ગવર્નર માઈકલ પાત્રાએ ટકાઉ અને સર્વસમાવેશક વૃદ્ધિની વાત તો કરી છે, પરંતુ સાથે એમ પણ નોંધ્યું છે કે, ખાનગી ક્ષેત્રના મૂડી ખર્ચની સાઇકલ હજુ ધીમી ગતિએ છે, આ મૂડીખર્ચમાં હજુ સુધી વેગ જોવા મળ્યો નથી.
પાત્રાએ એવો અભિપ્રાય વ્યક્ત કર્યો છે કે, ખાનગી વપરાશ (પ્રાઇવેટ ક્ધઝ્મ્શન), જે જીડીપીના ૫૭ ટકા જેટલો હિસ્સો ધરાવે છે, તે હજુ પણ ઊંચી સપાટીએ પહોંચેલા ખાદ્ય ફુગાવાના તળિયે છે. ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં આવું વધુ પ્રમાણમાં જોવા મળ્યું છે. વૃદ્ધિને સમાવિષ્ટ અને ટકાઉ રાખવા માટે ફુગાવાને તેના લક્ષ્ય સુધી સંયમિત કરવો પડશે.
નોમુરાના અર્થશાસ્ત્રીઓ માને છે કે એમપીસી આ વખતે કડક નીતિની આવશ્યકતાને બાજુએ મૂકીને હળવે હલેસે આગળ વધવાની નીતિ અપનાવા માગે છે. રિઝર્વ બૅન્કના ગવર્નર શક્તિકાંત દાસે રિટેલ ફુગાવા પર અર્જુનની આંખનો તેમનો લક્ષ્યાંક જાળવી રાખ્યો છે, ફુગાવાને પેનલના ચાર ટકાના લક્ષ્ય સુધી લાવવા માટે અડગ છે.
મિનિટ્સ અનુસાર દાસે એવો મત જાહેર કર્યો છે કે, વ્યાજદરને લગતું કોઈપણ ઉતાવળિયું પગલું અત્યાર સુધી પ્રાપ્ત કરેલી સફળતાને નબળી પાડી શકે છે. લાંબા ગાળા સુધી ઊંચી વૃદ્ધિને ટકાવી રાખવા માટે ભાવ સપાટી અને નાણાકીય સ્થિરતા આવશ્યક છે. વૃદ્ધિના ઉદ્દેશ્યને ધ્યાનમાં રાખીને ટકાઉ ધોરણે ચાર ટકાના ફુગાવાના લક્ષ્યને હાંસલ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવું એ જ, વર્તમાન સમયની નીતિ આવશ્યકતા છે.