અજબ ગજબની દુનિયા: જાણો દુનિયાની આ અવનવી વાતો
હેન્રી શાસ્ત્રી ૧ મિનિટના ૫૦ લાખ રૂપિયા ! ગુજરાતીઓને IPLની મેચ કરતાં એના ખેલાડીઓની ખરીદીમાં થતી હરાજી ( ઓક્શન) વધુ આકર્ષક લાગે, કારણ કે અમુક કલાકમાં કરોડોનો વ્યવહાર થઈ જાય. જોકે, ક્રિકેટના કરોડો કણભર લાગે એવો મણભર આર્થિક વ્યવહાર બોક્સિંગ મુકાબલામાં જોવા મળે છે. શુક્રવારે (૧૫ નવેમ્બર) યુએસના ટેક્સસ રાજ્યમાં ૫૮ વર્ષના માઈક ટાયસન અને ૨૭ વર્ષના જેક પોલ વચ્ચે મુક્કાબાજીનો મુકાબલો થવાનો છે. ઉંમરમાં બાપ-દીકરા જેવો તફાવત ધરાવતા બે બોક્સર વચ્ચે બે મિનિટનો એક એવા આઠ રાઉન્ડ મુકાબલાનું આયોજન કરવામાં આવ્યું છે.
આ ફાઇટ આગળ બેસી જોવી હોય (રિંગસાઇડ વ્યૂ) તો બે વ્યક્તિના પેકેજના બે મિલિયન ડૉલર (આશરે ૧૬ કરોડ રૂપિયા) ચૂકવવાના રહેશે. મતલબ કે ૧૬ મિનિટના મુકાબલા માટે વ્યક્તિ દીઠ ચાર્જ થયો ૮ કરોડ રૂપિયા- એક મિનિટના ૫૦ લાખ રૂપિયા…! આવી અધધ રકમ ચૂકવી ‘સન્મુખ દર્શન’ જેવી પ્રીમિયમ લેધરની સીટમાં બેસવા ઉપરાંત ફાઇટ શરૂ થવા પૂર્વે ટાયસન – પોલને મળી ‘હાઈ – હેલો’ કરવાનું (શેકહેન્ડ કરીએ તો કાંડું ભાંગી જવાનો ભય) અને બંનેને વજન કાંટા પર ઊભા રાખવામાં આવે ત્યારે હાજર રહેવાની તક, બંને બોક્સરોના ઓટોગ્રાફ સાથેના ગ્લવ્ઝ, અંગત મદદનીશ અને સલામતી વ્યવસ્થા જેવી સગવડો આપવામાં આવશે. ન કરે નારાયણ અને એક બોક્સર બીજાને શરૂઆતમાં જ નોકઆઉટ કરી દે અને એકાદ મિનિટમાં જ ખેલ ખતમ થાય તો? તો શું? એક મિનિટ આઠ કરોડમાં પડે. સાચે જ ટાઈમ ઈઝ મની, યાર…! સૌંદર્ય પામતાં પહેલાં સૌંદર્ય બનવું પડે રોજેરોજ બહુ ગોળ ખાવાની બાળકની આદત છોડાવવા સંત પહેલાં પોતે ટેવમુક્ત થયા અને પછી બાળકને સમજાવ્યો એ કથા તમે સાંભળી હશે.
Be the change you want- જે પરિવર્તન તમે ઇચ્છતા હો એની શરૂઆત પોતાનાથી કરો, કહેવતનો સાક્ષાત્કાર દિલ્હી નજીક ગુડગાંવ – ગુરુગ્રામમાં થયો. જાહેર મુતરડી અને શૌચાલયની બદબૂમય હાલતથી મુંબઈના રહેવાસી સુપેરે પરિચિત હશે. શહેરમાં સ્વચ્છતા જળવાઈ રહે એની જવાબદારી મુખ્યત્વે દરેક શહેરની સુધરાઈની હોવાથી ‘ગુરુગ્રામ મ્યુનિસિપલ કૉર્પોરેશન’ના નવા કમિશનરે હોદ્દો ગ્રહણ કરતાંની સાથે જ કાર્યાલયની ઈમારતમાં પોતાના સહિત દરેક વરિષ્ઠ અધિકારીને એમની કૅબિનમાં ફાળવવામાં આવેલા અંગત વપરાશના વૉશરૂમને તાળાં મરાવી દીધાં. કમિશનર સહિત દરેક અધિકારીએ સામાન્ય નાગરિક અને ઈતર કર્મચારી વાપરે એ જ કૉમન વૉશરૂમનો ઉપયોગ કરવાનો આદેશ બહાર પાડ્યો. ખુદ કમિશનર જ કૉમન વૉશરૂમનો ઉપયોગ કરવા લાગે તો એની સફાઈ માટે સભાનતા વધી જાય એ સ્વાભાવિક છે.
કલાપી કહી ગયા છે ને કે સૌંદર્ય પામતાં પહેલાં સૌંદર્ય બનવું પડે…’ કોશિશ કરી જુઓ. જ્યાં ન પહોંચે પોલીસ, ત્યાં પહોંચે સોશિયલ મીડિયા અનેક હિન્દી ફિલ્મોમાં તમે જોયું હશે કે હીરો વિલન અને એના સાથીઓને ‘પતાવી દેવાની’ પ્રક્રિયામાં હોય ત્યારે સ્થળ પર પહોંચેલી પોલીસ વિલનને કૉલરથી ઝાલી ‘કાનૂન કે લંબે હાથોં સે કોઈ નહીં બચ સકતા’ એમ કહી રોફ જમાવતી હોય છે. આજના ટેક્નૉલૉજીના યુગમાં ‘જ્યાં ન પહોંચે પોલીસ ત્યાં પહોંચે સોશિયલ મીડિયા’ જેવી ઘટના ઉત્તર પ્રદેશના બુલંદશહરમાં બની છે.
પોતાની ભેંસ ચોરાઈ જતાં મોહિત નામના એક ખેડૂતે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી. પોલીસે લાખ કોશિશ કરી, પણ ભેંસની ભાળ ન મળી. વાતને વરસેક થવા આવ્યું અને પોલીસ સહિત બધા ભેંસને ભૂલી ગયા. એક દિવસ ટાઈમ પાસ કરવા મોહિત ઈન્સ્ટાગ્રામ પર કોઈ ગામનો વીડિયો જોઈ રહ્યો હતો ત્યાં અચાનક એની નજર ઘાસ ચરતાં પ્રાણીઓ પર પડી. એમાં ઓળખીતો ચહેરો દેખાતાં ‘અરે આ જ તો છે મારી ચોરાયેલી ભેંસ’ એમ બોલી સીધો પહોંચ્યો પોલીસ સ્ટેશન. કાનૂની તજવીજ કરી પોલીસે મોહિત અને ભેંસનો મેળાપ કરાવી દીધો. ભાગોળે પહોંચી ગયેલી ભેંસને આંગણે પહોંચાડવાની ક્રેડિટ ભલે પોલીસ લઈ ગઈ, પણ સોશિયલ મીડિયા કે હાથ કાનૂન સે ભી લંબે હોતે હૈં એ વાત સાબિત થઈ ગઈ.
ગ્રામીણ વિસ્તારોમાં પશુ પલાયનના પ્રસંગ વધી રહ્યા હોવાથી હવે પોલીસ પણ સોશિયલ મીડિયાની મદદ લેવા ગંભીરપણે વિચારી રહી છે. દિલમાં વસેલા ‘પેટ’ને વિલમાં સ્થાન એકવીસમી સદીમાં માણસ-માણસ વચ્ચે અંતર વધી રહ્યું છે. જ્યારે માણસ – મશીન નિકટ આવી રહ્યાં છે અને સામાજિક પ્રાણી ગણાતા બેપગા માણસને ચોપગાં પ્રાણી માટે પાળેલાં પ્રાણી માટે પ્રીત વધી રહી છે. પોતાના પેટ (સંતાન) કરતા ‘પેટ’ (અંગ્રેજીમાં પેટ એટલે પાળેલું પ્રાણી) માનવમેળાપ પર મર્યાદા આવી, એવા કોરોનાકાળમાં ‘પેટ પ્રેમ’માં વિદેશ ઉપરાંત ભારતમાં પણ મોટી ભરતી આવી હતી. આંકડાકીય માહિતી અનુસાર ૨૦૨૧માં ‘પેટ પોપ્યુલેશન’ – પાળેલાં પ્રાણી (મુખ્યત્વે શ્ર્વાન અને બિલ્લી)ની વસતિ ૩ કરોડ ૧૦ લાખ પર પહોંચી હતી. ૨૦૨૬માં ૫ કરોડ ૧૦ લાખને આંબી જશે. આ વસતિ વિકાસ માટે આવકનો વધી રહેલો ફાજલ હિસ્સો, પ્રાણીનો કહ્યાગરો સ્વભાવ અને પરિવારના સભ્ય તરીકે સમાવેશ મુખ્ય કારણ માનવામાં આવે છે. જો ‘પેટ’ પહેલાં પોતાની જગમાંથી વિદાય થઈ જાય તો પાળેલાં પ્રાણીની સારસંભાળ કેવી રીતે કરવી એ વિશે સભાનતા વધી રહી છે.
સદ્ગત રતન ટાટાએ દિલમાં વસેલા પ્રિય શ્ર્વાન માટે વિલમાં ખાસ જોગવાઈ કરી છે એ જોઈ અનેક ‘પેટ પ્રેમીઓ’ને પ્રેરણા મળી હશે. આમાં એક સમસ્યા એ છે કે અવસાન પામેલી વ્યક્તિના વિલમાં પાળેલાં પ્રાણી માટેની જોગવાઈનો અમલ ન થાય તો શ્ર્વાન-બિલ્લી કે પોપટ કે બીજું કોઈ અદાલતમાં જઈ ‘મારું મને સોંપી દો’ એવી રજૂઆત કરવા અસમર્થ છે. એ માટે કાયદામાં ફેરફાર કરી પાળેલાં પ્રાણીને ‘પ્રોપર્ટી’ ગણવાને બદલે ‘સિટિઝનશિપ’ (નાગરિકત્વ) બહાલ કરવામાં આવે એ જરૂરી છે.
લ્યો કરો વાત! આડેધડ પૈસા ખર્ચતા સંતાનને ટપારવા વાલીઓ ‘પૈસા ઝાડ પર નથી ઊગતા’ એવું સમજાવતા-સંભળાવતા હોય છે. ફૅશનના નામે કંઈ પણ ઊગી નીકળતી દુનિયામાં ઈટલીની એક કંપનીએ મહિલાઓ માટે એક એવું પર્સ બનાવ્યું છે, જે દેખાવે તો અસ્સલ નાનકડો છોડ ઊગ્યો હોય એવું લાગે છે. એમાંય ભારતીયોને તો આ પર્સ કોથમીરની ઝૂડી હોય એવું જ લાગે છે. અલબત્ત, ૨૦ કે ૨૫ રૂપિયા ચૂકવી એક ઝૂડી લેતી મહિલાને આ લીલોતરી પર્સ ખરીદવા ૪ લાખ રૂપિયા ગણી દેવા પડે એમ છે.
આ બેગ ઈયહયિુ ઇફલ તરીકે ઓળખાય છે અને ઈયહયિુ એટલે દેખાવે કોથમીર જેવી લાગતી ભાજી. ઉલ્હાસનગરમાં આ પર્સની દેશી નકલ ક્યારે થાય છે એની રાહ જોવાઈ રહી છે.