ઈન્ટરવલ

અજબ ગજબની દુનિયા: જાણો અતરંગી દુનિયાના અવનવા રંગ

હેન્રી શાસ્ત્રી

૪ મિનિટની લઘુશંકા ને ૧૨૫ ટ્રેનનું ગુરુ-કમઠાણ

રેલવે ટ્રેનના મોટરમેન (મેટ્રો રેલવેમાં કો- પાઈલટ કહે છે)ની નોકરી બહુ કપરી હોય છે. ટ્રેન મોડી પડે તો કારણ જાણ્યા-સમજ્યા વિના ચાલકને જ દોષ આપવામાં આવતો હોય છે. ટ્રેન ચલાવનાર છેવટે તો એક માણસ જ હોય છે અને માનવસહજ ભૂલ કે નબળાઈ ડોકિયાં કરી શકે છે એ સ્વીકારવું જોઈએ.

સાઉથ કોરિયાની રાજધાની સોલમાં ગયા અઠવાડિયે સવારે આઠ વાગ્યે એક ટ્રેન ઓપરેટરે લઘુશંકાના નિવારણ માટે ૪ મિનિટનો ટોયલેટ બ્રેક લીધો, પણ એમાં મોટી રામાયણ થઈ ગઈ. ‘શંકા’વાળી ટ્રેન પ્લૅટફૉર્મ પરથી નિયત સમયે ઊપડી નહીં એમાં થોડી વારમાં એકની પાછળ એક એમ ૧૨૫ ટ્રેનની દશા ‘હમ કતાર મેં ખડે હૈં’ જેવી થઈ ગઈ.

કોરિયન ટ્રેન સર્વિસમાં ચાલકોને પોર્ટેબલ ટોયલેટ આપવામાં આવે છે, પણ ટ્રેન ઓપરેટર ‘લઘુશંકા’નું નિવારણ કરવા વોશરૂમ જઈ કૅબિનમાં પાછો ફર્યો એમાં ૪ મિનિટ અને ૧૬ સેક્ધડનો સમય લાગ્યો તેમાં ‘એક કે પીછે એક’ની હારમાળા તૈયાર થઈ ગઈ. કોરિયાની સર્ક્યુલર લાઈનમાં ટ્રેનચાલકે અઢી ત્રણ કલાક સતત ટ્રેન દોડાવવી પડતી હોય છે. આ પરિસ્થિતિમાં આવી સમસ્યા ઊભી થવી ‘કુદરતી’ છે.

મમ્મી, મોડું થાય છે સ્કૂલે જવાનું!

‘ચાલ જોઉં ઊઠ તો હવે, નહીં તો સ્કૂલે જવાનું મોડું થશે’ એ વાક્ય પેરેન્ટ્સ બોલતા હોય છે અને સંતાનો એ સાંભળ્યા પછી પણ બેડ છોડવા તૈયાર નથી હોતાં. યુએસમાં એક એવી સ્કૂલ છે જ્યાં જવા માટે સંતાન પોતે જ થનગનતું હોય છે અને ક્યારેક બાળક પેરન્ટ્સ સામે બૂમ પાડીને કહેતું હોય છે કે ‘મમ્મી, મોડું થાય છે સ્કૂલે જવાનું’.

અમેરિકામાં સડબરી સ્કૂલ્સ તરીકે ઓળખાતી આ શાળામાં ચાર વર્ષના બાળકથી સત્તર વર્ષના તરુણને અભ્યાસ દરમિયાન કંટાળો ન આવે એનું વિશેષ ધ્યાન રાખવામાં આવે છે. ગોખવાની, લેસન કરવાની, ન ગમતો વિષય પણ ફરજિયાત ભણવા જેવી બાબતની અહીં બાદબાકી કરી દેવામાં આવી છે. શાળામાં કોઈ શિક્ષક નથી. હા, કેટલાક વયસ્ક લોકો હાજર હોય છે, જેમનું માર્ગદર્શન લેવું કે નહીં એ વિદ્યાર્થીઓ નક્કી કરે છે.

દિવસનું ટાઈમટેબલ વિદ્યાર્થીઓ જ નક્કી કરે છે. કયો વિષય ભણવો અને કયા સામે જોવું પણ નહીં એ તેમ જ કયા શિક્ષકે ભણાવવાનું અને કોણે નહીં એ નક્કી કરવાનો હક પણ વિદ્યાર્થીઓને હોય છે. હવે આવી સ્કૂલમાં તો દોડ્યા દોડ્યા જવાનું મન થાય જ ને…!

સ્ટ્રેસ દૂર કરવા ચોરી ૧ હજાર ઘરમાં!

જીવનમાં માત્ર પૈસા, પૈસા અને પૈસાનું જ મહત્ત્વ છે એવા આજના સમયમાં દરેક જણ પૈસા કમાવા માટે ઊંધું ઘાલીને દોડતો જોવા મળે છે. સુબહ ઔર શામ કામ હી કામ અને અમુક દિવસે તો મોડી રાત સુધી જોતરાઈ રહેવું પડે. વધુ ને વધુ કમાવાના કામના આવા અતિરેકને કારણે માણસ સ્ટ્રેસ – તણાવથી ઘેરાયેલો રહે છે. કશું કામ નહીં કરનારને પણ પૈસા ક્યાંથી મેળવવા એનું સ્ટ્રેસ થતું હોય છે.

આ સ્ટ્રેસ દૂર કરવા કોઈ સંગીત સાંભળે, કોઈ યોગા કરે તો કોઈ સ્પોર્ટ્સ અજમાવે.
જોકે, જાપાનમાં એક ચોરની ધરપકડ કર્યા બાદ ચોરીનું કારણ જાણી પોલીસ અવાચક થઈ ગઈ.
૩૭ વર્ષના ચોરભાઈ રંગેહાથ ઝડપાઈ ગયા પછી પોલીસની પૂછપરછમાં એણે કહ્યું:
‘લોકોનાં ઘરનાં તાળાં તોડવાં, ઘરફોડી કરવી એ મારો શોખ છે. અત્યાર સુધીમાં ૧ હજા

રથી વધુ ઘરમાં ઘૂસી મેં હાથફેરો કર્યો છે. ચોરી કરતી વખતે મને ખૂબ જ રોમાંચ થાય છે અને મને કોઈ પકડી પાડશે કે કેમ એ વિચારથી મારી હથેળીમાં પરસેવો વળી જાય છે અને આના કારણે હું તણાવમુક્ત થઈ જાઉં છું.’ વિચિત્ર ચીજવસ્તુની ઉઠાંતરી કરતા ચોરલોકોની કથા જાણીતી છે, પણ સ્ટ્રેસમુક્ત થવા ચોરી કરવી એ જાણી માણસના દિમાગનો તાગ મેળવવો કેટલું મુશ્કેલ છે એ સમજાય છે.

આવરદા વધારવા સવારે ૧૧ વાગ્યે ડિનર, હેં!

‘એજ ઈઝ જસ્ટ અ નંબર, દિલથી જવાન હોવું જોઈએ’ જેવી ફિલોસોફી સાથે અનેક જૈફ વયના લોકો જીવીને આનંદ લેતા હોય છે. ૪૭ વર્ષના અમેરિકન ધનપતિ બ્રાયન જોન્સનનો કિસ્સો એકદમ અલગ પ્રકારનો છે ને એ વિશ્ર્વમાં ચર્ચાના ચોતરે ચડ્યો છે. આ ભાઈસાહેબ ઉંમર ઘટાડવાની વેતરણમાં પડ્યા છે.

એમની જીવનગાડી ઊંધી દિશામાં દોડી રહી છે. ‘મરવાનું નહીં’ જેવો જીવનમંત્ર ધરાવતા મિસ્ટર બ્રાયન અનુસાર તેઓ ૪૭ વર્ષના છે, પણ એમનો દાવો છે કે એમનું હૃદય ૩૭ વર્ષની ઉંમરની વ્યક્તિ જેવું સાબૂત છે અને એમની ત્વચા ૨૮ વર્ષના યુવાન જેવી છે. એમની આ ‘એજ રિવર્સિંગ ટેક્નિક’ (ઉંમર ઘટાડવાની આવડત) એમના જીવનમાં મોતનો પડછાયો પણ નહીં પડવા દે એવો એમનો દાવો છે.

આ શક્ય બનાવવા શ્રીમાન જોન્સન જે કરી રહ્યા છે એમાં એનો આહાર કાર્યક્રમ જાણીએ. સવારે પોણા સાતે પ્રોટિન, નટ્સ (બદામ, પિસ્તા, અખરોટ વગેરે) અને સપ્લિમેન્ટ્સ આરોગવાના. સવારે નવ વાગ્યે શાકાહારી ખાણું ને ૧૧ વાગ્યે ડિનર અથવા દિવસનું છેલ્લું ભોજન. આ ડિનરમાં શાકભાજી, નટ્સ અને બેરીઝનો સમાવેશ હોય છે.

આ અને બીજી કેટલીક પ્રક્રિયાને કારણે ૩૬૫ દિવસના એક વર્ષમાં આયુષ્ય ૨૫૧ દિવસ જ વધે છે એવો જોન્સનનો દાવો છે.
એમની આ ‘ઊલટી’ ગણતરી કેટલી સીધી ઊતરે છે એ તો સમય કહેશે…

Also Read – તસવીરની આરપાર : આકરુમાં જોરાવરસિંહ જાદવનું ‘વિરાસત મ્યુઝિયમ’ લોકકલા સંસ્કૃતિની ઝાંખી કરે છે

લ્યો કરો વાત!

આજની તારીખમાં ભારતમાં ૨૮ રાજ્ય અને ૮ કેન્દ્રશાસિત પ્રદેશ છે. દરેક રાજ્ય કે કેન્દ્રશાસિત પ્રદેશની એક રાજધાની છે, પણ એક રાજ્ય એવું છે જે રાજધાનીવિહોણું છે. ૧૯૫૬માં તેલંગાણા એની સાથે જોડાયું હતું, પણ ૨૦૧૪માં નવું રાજ્ય તેલંગાણા અસ્તિત્વમાં આવ્યું ત્યારે ૧૦ વર્ષ માટે હૈદરાબાદ આંધ્ર અને તેલંગાણાની સંયુક્ત રાજધાની નિયુક્ત થઈ હતી.

આ અવધિ આ વર્ષે જૂનમાં પૂર્ણ થવાથી હવે હૈદરાબાદ ફક્ત તેલંગાણાની રાજધાની છે. આંધ્રના નવા સીએમ ચંદ્રાબાબુ નાયડુ આવતા વર્ષે જાન્યુઆરીથી અમરાવતીને આંધ્રની રાજધાની બનાવવાનો પ્રારંભ કરશે અને એને માટે ૫૦ હજાર કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button