ઈન્ટરવલ

અજબ ગજબની દુનિયા

હેન્રી શાસ્ત્રી

અજબ કોવિડની ગજબ કહાણી

એ વાત જગજાહેર છે કે કોવિડ -19 અને એના લોકડાઉનએ અનેકની કમ્મર તોડી નાખી. જોકે, સાથે એવું પણ બન્યું કે વળી ગયેલી કેટલીક કમ્મર ટાઈટ થઈ ગઈ. જીવન ગુમાવ્યા તો નવજીવન સુધ્ધાં મળ્યું.

કાંગારુ દેશ ઓસ્ટ્રેલિયાની 20 વર્ષની રુબી ડ્રૂ કથીરમાંથી કંચનનું એક વિશિષ્ટ ઉદાહરણ છે. કોઈ પણ અવસ્થા જીવનનો અંત નથી હોતી એ સિદ્ધ થાય છે. 2020ના કોવિડ -19ના લોકડાઉનમાં રુબી બોયફ્રેન્ડ સાથે બ્રેકઅપ અને આર્થિક મુશ્કેલીના વમળમાં ફસાઈ હતી. રોદણાં રોવાને બદલે ક્ધયાએ મન આનંદમાં રહે અને નેગેટિવ વિચારો કેડો મૂકે એ માટે ક્ધટેન્ટ ક્રિયેશનનું કામ શરૂ કર્યું. લોકો હતાશા અને નિરાશામાંથી બહાર આવી જાય એ માટે આનંદદાયક પર્સનલાઈઝડ વીડિયો બનાવવાની શરૂઆત કરી. શરૂઆતના અખતરાને સોશિયલ મીડિયા પર જોરદાર રિસ્પોન્સ મળ્યો. સોક્સ પહેરીને નાચવાના કે પછી મોટે મોટેથી નામના ઉચ્ચારણ કરી બૂમો પાડવી જેવા વીડિયોની ડિમાન્ડ આવવા લાગી. એક દિવસ તો એના એક્સ બોયફ્રેન્ડે જ સોશિયલ મીડિયા પર વીડિયો મોકલવાની માગણી કરતા રુબી ચોંકી ગઈ. એ મસ્તી કરતો હશે એમ માની એણે ધ્યાન ન આપ્યું, પણ પછી દર અઠવાડિયે 1200 પાઉન્ડ (આશરે એક લાખ 33 હજાર રૂપિયા) મોકલવા લાગ્યો ત્યારે રુબીને અચાનક બ્રહ્મજ્ઞાન થયું કે જરૂરિયાત અનુસારના ચિત્ર – વિચિત્ર વીડિયો ધીકતી કમાણી કરાવી શકે છે. આ ધંધો એવો ફૂલ્યોફાલ્યો કે એક વર્ષમાં રુબીના બેન્ક બેલેન્સમાં 8 લાખ પાઉન્ડ (આશરે 90 કરોડ રૂપિયા) જમા થઈ ગયા. એની કમાણીનો આલેખ સતત ઉપર જઈ રહ્યો છે. 2025માં 20 વર્ષની ઉંમરે ‘સેલ્ફ મેડ મિલિયોનેર’ તરીકે ખ્યાતિ મેળવી છે. ડિજિટલ પ્લેટફોર્મ નાણાં રળવાનું નવું મેદાન સાબિત થયું એનું રુબી લાક્ષણિક ઉદાહરણ છે.

આ પણ વાંચો: અજબ ગજબની દુનિયા : દુકાનદાર લાઇસન્સ લાવિંગ એન્ડ લાવિંગ એન્ડ લાવિંગ

પીએચ.ડી.ને પૂળો મૂકી પેટપૂજાની પ્રવૃત્તિ

અંતિમ અને એકમાત્ર લક્ષ્ય પૈસા જ કમાઈ લેવાનું હોય એ વૃત્તિમાં લપેટાયેલા સમાજમાં અભ્યાસ માટેના અભરખા પહેલા જેવા નથી રહ્યા એનું બહુ આશ્ર્ચર્ય ન થવું જોઈએ. ચીનના શાંઘાઈ શહેરની પ્રખ્યાત ફુદાન યુનિવર્સિટીમાં માસ્ટર્સ ડિગ્રીનો અભ્યાસ પડતો મૂકી પીએચ.ડી. થવાના સપનાનું ફિંડલું વાળી દઈ ખાણીપીણીનો ખુમચો શરૂ કરનાર 24 વર્ષનો ચીની યુવક ફે યુ ચર્ચાના ચોતરે ચડ્યો છે. આર્થિક તંગી ધરાવતા પરિવારનો આ યુવક પબ્લિક હેલ્થમાં ગ્રેજ્યુએટ થઈ માસ્ટર્સ કરી યુએસમાં ડોક્ટરેટ થવા માગતો હતો. યુએસમાં સ્કોલરશિપ સાથે પીએચ.ડી. માટે એડમિશન મળી ગયું, પણ ડોનલ્ડ ટ્રમ્પના ટેરિફ વોરને પગલે યુએસ – ચીન વચ્ચે કથળેલા સંબંધોને પગલે ફે યુની સ્કોલરશિપ રદ કરવામાં આવી. અભ્યાસનું ભાવિ અંધકારમય દેખાતા ભાઈસાહેબે ચૂલો સળગાવી ફૂડસ્ટોલનો વ્યવસાય અપનાવી લીધો છે. ભણ્યો હતો એ જ યુનિવર્સિટીની બહાર બે પૈસા રળવા ખાણીપીણીનો ખુમચો શરૂ કર્યો. એની આઈટમ ટેસ્ટી હોવાથી સ્ટોલ પર ગર્દી થાય છે અને રોજના આઠથી દસ હજારનો વકરો કરી લે છે. આ કામ કરવામાં એ કોઈ શરમ નથી અનુભવતો. એ તો ધગશથી કામ કરે છે.

આ પણ વાંચો: અજબ ગજબની દુનિયા : મૂછેં હો તો સરકાર ચાહે ઐસી હો, વરના ના હો…

ડિગ્રીને શું વળગે ભૂર, જે તગડું કમાય એ શૂર!

એજ્યુકેશનની – ભણતરની વાત નીકળે ત્યારે ગુજરાતીઓને કેટલાક હાથવગા ઉદાહરણ છે બિલ ગેટ્સ, સ્ટીવ જોબ્સ, વોલ્ટ ડિઝની, ધીરુભાઈ અંબાણી… જે મોટી શૈક્ષણિક ડિગ્રી મેળવ્યા વિના સૂંડલે મોઢે સંપત્તિ એકઠી કરી શક્યા. ધનવાન બનવા ભણતર નહીં, ગણતરનું વધુ વજન પડે છે એવી દલીલ અનેક વાર કરવામાં આવે છે.

યુકેના હિસ્સા નોર્ધર્ન આયર્લેન્ડની રહેવાસી રેબેકા મેકબ્રાઇડ ગુજરાતીઓની માન્યતાને પુષ્ટિ મળે એવી પ્રવૃત્તિ કરી રહી છે. 23 વર્ષની ભર યુવાનીમાં બાયોલોજીમાં પીએચ.ડી. ડિગ્રી માટેના અભ્યાસને તિલાંજલિ આપી ‘ડોગ શેપ્રન’નો બિઝનેસ કરી એક દિવસમાં 400 ડૉલર (આશરે 34 હજાર રૂપિયા) કમાઈ લે છે, ખુદના મિનિમમ ખર્ચા સાથે. ડોગ શેપ્રન એટલે માલિકને કોઈ ઈવેન્ટમાં કે કોઈ અણધાર્યા કાર્યક્રમમાં જવાનું થાય કે પછી માલિક કે માલકણના લગ્ન હોય ત્યારે એમના જીગરના ટુકડા જેવા શ્વાનની દરેક પ્રકારે વહાલપૂર્વક સારસંભાળ રાખતી વ્યક્તિ.

આ રેબેકા બિઝનેસમાં એટલી નિપુણ થઈ ગઈ છે કે 2025ના ડિસેમ્બર સુધી એ બુક છે અને નવી એસાઈનમેન્ટ આ વર્ષે નથી લઈ શકે એમ. એમાં વળી કેટલીક ડ્યુટી ‘વેડિંગ ડે ડોગ શેપ્રન’ તરીકે પણ હોય છે. આ જવાબદારીમાં રેબેકા કપલના શ્વાન સાથે વેડિંગ વિસ્તારની નજીક જ રહે છે. કપલ ફોટો પડાવવા બોલાવે તો હાજર થઈ જાય, કેક સેરેમની વખતે તોફાન ન કરે એ માટે શ્વાનને આઘો રાખે. જરૂર હોય તો ડિયર ડોગીને રાતવાસો પણ કરાવે. શ્વાનને પોતાનો હેવાયો કેવી રીતે કરવો એની સ્પેશ્યલ ટ્રેનિંગ પણ રેબેકાએ લીધી છે. જોકે, પીએચ.ડી. જેવી ગૌરવપૂર્ણ ડિગ્રીને તડકે મૂકી સસ્તી લાગે એવી આ જવાબદારી રેબેકાએ કેમ સ્વીકારી હશે? યુનિવર્સિટીના અભ્યાસ દરમિયાન એક વેડિંગમાં વેઈટ્રેસનો વીકએન્ડ જોબ કરતી વખતે રેબેકાએ મહેમાનોને ડ્રિન્ક સર્વ કરવાને બદલે એક કપલના ડોગીને સંભાળવાની તૈયારી બતાવી. યુગલને તો ભાવતુંતું અને વૈદે કીધા જેવું થયું અને એ દિવસથી શરૂ થયેલો અખતરો આજે એક બિઝનેસ બની ગયો છે. શ્વાન સેવિકા તરીકે ખ્યાતિ મેળવનારી આઈરિશ યુવતી આ વર્ષે 50 લગ્નમાં ડોગીની ડિયર ડેમ બનવાની છે. તગડા પૈસા મળતા હોય તો કોઈ કામ નાનું – મોટું નથી હોતું એ આજની જનરેશનની સોચ રેબેકામાં જોવા મળે છે.

આ પણ વાંચો: અજબ ગજબની દુનિયા

સાથી બુક બઢાના, સાથી રે!

ફૂટબોલ અને ફ્લાવર શો માટે જાણીતા યુકેના ચેલ્સી શહેરના પુસ્તકપ્રેમીઓ હરખઘેલા થઈ જાય એવી ઘટના તાજેતરમાં બની છે. માત્ર ત્રણ પાર્ટટાઈમ કર્મચારી ધરાવતા 1997થી કાર્યરત બુકસ્ટોરને નવી જગ્યાએ ખસેડવાનો નિર્ણય લેવો પડ્યો હતો. જોકે, 9100 પુસ્તકને ખસેડવા ‘મુવર્સ એન્ડ પેકર્સની’ ફી બજેટ બહાર હતી અને આટલી મોટી સંખ્યામાં પુસ્તકો બોક્સમાં વ્યવસ્થિત પેક કરવા, નવી જગ્યાએ બોક્સ ખોલી ખોલી ગોઠવવા એ માટે ખાસ્સો સમય લાગે એમ હતો. બુકસ્ટોરનાં સ્થળાંતરની વાત વિસ્તારમાં ફેલાઈ ગઈ હતી અને અનેક લોકો એનાથી વાકેફ હતા. કોઈ ફળદ્રુપ દિમાગમાં આઈડિયા આવ્યો અને એક રવિવારે સવારે જૂના બુકસ્ટોરના દરવાજેથી નવી બુકશોપના દરવાજા સુધી 300 લોકોની ‘બુક બ્રિગેડ’ કતારમાં ગોઠવાઈ ગઈ. ‘નયા દૌર’ ફિલ્મમાં બ્રિજ બાંધતી વખતે ગામવાસીઓ ‘સાથી હાથ બઢાના, સાથી રે’ ગણગણી એક હાથમાંથી બીજા હાથમાં ઈંટ પસાર કરી બાંધકામમાં ખભે ખભે મિલાવે છે એ જ રીતે ચેલ્સીના પુસ્તકપ્રેમીઓ ‘સાથી બુક બઢાના, સાથી રે’ની ભાવનાથી પુસ્તક પાસ કરવા લાગ્યા. બે કલાકથી ઓછા સમયમાં પુસ્તકો નવી દુકાનમાં પહોંચી યોગ્ય જગ્યાએ ગોઠવાઈ પણ ગયા ! બુક પાસ કરતી વખતે ‘તે આ બુક વાંચી છે? મસ્ત છે, જરૂર વાંચજે’ જેવી વાતચીત પણ કાને પડી હતી. આને કહેવાય ખરા પુસ્તકપ્રેમી.

આ પણ વાંચો: અજબ ગજબની દુનિયા

લ્યો કરો વાત!

કોઈ મોટી મુસીબત નાની અમથી તકલીફથી દૂર થઈ જાય ત્યારે ‘શૂળીનું વિઘ્ન કાંટે જવું’ એમ કહેવાય છે. જોકે, જાપાનના એક બસ ડ્રાઈવરના જીવનમાં કાંટાનું વિઘ્ન શૂળીએ ગયું એવી બેહાલી જોવા મળી છે. થયું છે એવું કે બસ ચાલકએ શિફ્ટ દરમિયાન ભાડા પેટે મળેલી 1000 યેન (આશરે 590 રૂપિયા)ની રકમ ફેર પ્રોસેસિંગ મશીનમાં મુકવાને બદલે ખિસ્સામાં સેરવી દીધી. વીડિયો ફૂટેજ ચેક કરતી વખતે બસ સર્વિસ ચલાવતા ક્યોટો મ્યુનિસિપલ કોર્પોરેશને આ ચોરી પકડી પાડી. તાબડતોબ ડ્રાઈવરને બોલાવી નોકરીમાંથી પાણીચું તો આપ્યું જ, સાથે સાથે નિવૃત્તિ વખતે મળનારું 12 મિલિયન યેન (આશરે 70 લાખ રૂપિયા)નું ફંડ રદ કરી દીધું. ડ્રાઈવરે કોર્પોરેશન સામે કેસ કર્યો, પણ ‘બસ ચાલકની વર્તણુક જાહેર પરિવહનમાં જનતાના વિશ્વાસને ઠેસ પહોંચાડે છે’ એવું કારણ આપી સુપ્રીમ કોર્ટે કોર્પોરેશનના નિર્ણયને યોગ્ય ઠેરવ્યો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button