શેરબજારના સેડ ટોન સામે મૂડીબજારનો મૂડ ગુલાબી
કવર સ્ટોરી – નિલેશ વાઘેલા
શેરબજારના ખેલાડીઓ માટે પાછલું અઠવાડિયું અફડાતફડી અને અનિશ્ચિત દિશાદોર સાથે પુરુ થયું હતું. પ્રથમ બે ટે્રડિગ સત્ર માટે બજારો ફલેટ રહ્યાં હતા અને પછી તે આગળ વધ્યું, ગબડ્યું અને પોઝિટિવ ઝોનમાં સપ્તાહનો અંત આવ્યો. એક્સપાયરી ડે નબળો અને અપેક્ષિત દિશાએ રહ્યો, જ્યારે નવી શ્રેણીના પ્રથમ દિવસે બજાર પોઝિટીવ જોવા મળ્યું હતું
નવા સપ્તાહમાં સોમવારે એટલું ફ્લેટ રહ્યું હતું કે, ચોખ્ખો ફેરફાર માત્ર દશાંશ પોઈન્ટમાં હતો. ફરી માર્કેટ નેગેટીવ બની સેડ એટલે કે, દુખી ટોન બતાવી રહ્યું છે અને એવો ભય સતાવી રહ્યો છે કે ક્યાંક રીંછડાની ભીંસ તેજીને ગુંગળાવી તો નહીં નાંખેને!
ટૂંકમાં કહીએ તો બજારનો મૂડ સ્વીંગ ભાખી શકાય એટલો સરળ રહ્યો નથી! બીજી નોંધપાત્ર બાબત એ જોવા મળી છે કે, શેરબજારમાં એકતરફ જ્યારે સેક્નડરી સેગમેન્ટમાં ભારે ઊથલપાથલ સાથે તેજીની ચાલ ખોડંગાઇ ગઇ છે ત્યારે બીજી તરફ પ્રાથમિક બજારો સતત ફોકસમાં રહે છે.
આ વર્ષે આઇપીઓની સંખ્યા 16 વર્ષ બાદ સૌથી ઊંચી સપાટીએ પહોંચી છે. આ અંગે બજારના અભ્યાસુઓ જણાવે છે કે, દેશમાં મિડકેપ તથા સ્મોલકેપમાં તેેજીને પગલે પાછલા બે મહિનામાં જાહેર ભરણાંની સંખ્યામાં જોરદાર વધારો જોવા મળ્યો હતો.
માર્ચની નીચી સપાટીએથી બજારમાં આવેલા ઉછાળા તથા પૂરતી લિક્વિડિટીના ટેકા સાથે પ્રાઈમરી માર્કેટમાં પ્રવૃત્તિ વધી હોવાનું જોવા મળ્યું છે. દેશમાં બૃહદ્ ઉપરાંત ભૂરાજકીય સ્થિતિ સાનુકૂળ છે. વર્તમાન નાણાં વર્ષના સપ્ટેમ્બરને બાદ કરતા વિદેશી રોકાણકારોનો ભારતીય બજારમાં નોંધપાત્ર રસ જોવા મળ્યો છે.
એફપીઆઈએ પ્રથમ છ મહિનામાં ભારતીય સ્ટોકસમાં રૂપિયા 1.41 ટ્રિલિયન ઠાલવ્યા છે, જ્યારે સ્થાનિક મ્યુચ્યુઅલ ફંડોએ રૂ. 50,000 કરોડનો માલ લીધો છે. આ ઉપરાંત રોકાણકારોને લિસ્ટિંગ બાદ સારા વળતર મળી રહ્યા હોવાથી પ્રાઈમરી માર્કેટમાં ઉત્સાહી માનસ જોવા મળી રહ્યું છે.
પાછલા અઠવાડિયાની વાત કરીએ તો સબ્સ્ક્રિપ્શન માટે ત્રણ ભરણાં ખૂલ્યા અને બંધ થયા હતા. એ જ સાથે, સપ્તાહ દરમિયાન ત્રણ શેરના લિસ્ટિંગ પણ થયા હતા. હાલમાં બે જાહેર ભરણાં સબ્સ્ક્રિપ્શન માટે ખુલ્લા છે. આ બે ભરણાં બંધ થયા બાદ ઓછામાં ઓછા એક પખવાડિયા માટે મેઇન બોર્ડના જાહેર ભરણાંઓનો સંક્ષિપ્ત વિરામ રહેશે.
સેક્નડરી માર્કેટમાં સેન્સેક્સ અને નિફ્ટીની ગમે તે દશા થઇ રહી હોય, પરંતુ પ્રાઇમરી માર્કેટમાં સારી હલચલ અને નોંધપાત્ર પ્રતિસાદ સાથે રોકાણકારોને પણ સારો લાભ થયો છે. જેએસડબલ્યુ ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડનો ઇશ્યૂ એકંદરે 39.36 ગણો સબસ્ક્રાઇબ થયો હતો. મંગળવારે તે રૂ. 119ના ઇશ્યૂ ભાવ સામે 20 ટકાના પ્રીમિયમ સાથે રૂ. 143ના ભાવે લિસ્ટેડ થઇને, આ લખાઇ રહ્યું છે ત્યારે 30.16 ટકાના સુધારા સાથે રૂ. 154.90 સુધી પહોંચ્યો હતો.
જોકે, બીજો ઇશ્યૂ મનોજ વૈભવ જેમ્સ એન જ્વેલર્સ લિમિટેડ, જે એકંદરે 2.33 ગણો સબસ્ક્રાઇબ થયો હતો, તે રૂ. 215ના ઇશ્યુ ભાવે જ લિસ્ટેડ થઇ આ લખાઇ રહ્યું છે ત્યાં સુધીમાં 3.20 ટકાના સુધારા સાથે રૂ. 221.90ની સપાટી સુધી પહોંચ્યો હતો. આ ઉપરાંત પણ એકાદ-બે ભરણાં ડિસ્કાઉન્ટમાં લિસ્ટેડ થયાં હતાં,પરંતુ એકંદરે પ્રાઇમરી માર્કેટમાં પ્રીમિયમ લિસ્ટીંગ જોવા મળ્યું હતું. એસએમઇ સેગમેન્ટમાં તો 100થી 300 કે એનાથી પણ વધુ ઉછાળો જોવા મળ્યો છે! જોકે હાલ મેઇન બોર્ડની વાત કરીએ.
ત્રીજો ઇશ્યૂ અપડેટર સર્વિસિસ લિમિટેડનો હતો, જે બુધવાર 27મી સપ્ટેમ્બરથી શુક્રવાર 29મી સપ્ટેમ્બર સુધી ખુલ્લો હતો. ઇશ્યૂ એકંદરે 2.96 ગણો સબસ્ક્રાઇબ થયો હતો જેમાં ક્વિબ્સ ભાગ 4.50 વખત સબસ્ક્રાઇબ થયો હતો, એચએનઆઇ ભાગ 0.89 વખત સબસ્ક્રાઇબ થયો હતો અને રિટેલ 1.45 વખત સબસ્ક્રાઇબ થયો હતો, તેમાંં 49,715 અરજીઓ આવી હતી.
લિસ્ટેડ થનારા શેરોમાં, પ્રથમ શેર સિગ્નેચર ગ્લોબલ (ઈન્ડિયા) લિમિટેડનો હતો, જે રૂ. 385ના ઈશ્યુ ભાવ સામે રૂ. 444 પર લિસ્ટ થયો હતો અને પ્રથમ દિવસે રૂ. 73.40 અથવા 19.06 ટકાના વધારા સાથે રૂ. 458.40 પર બંધ થયો હતો. સપ્તાહમાં તે રૂ. 92.90 અથવા 24.13 ટકાના વધારા સાથે રૂ. 477.90 પર બંધ થયો હતો.
આ યાદીમાં બીજો શેર સાઈ સિલ્ક્સ (કલામંદિર) લિમિટેડનો હતો, જે રૂ. 222ના ઈશ્યુ ભાવ સામે. રૂ. 242.15 પર લિસ્ટેડ થયો હતો અને પ્રથમ દિવસે રૂ. 22.85 અથવા 10.29 ટકાના વધારા સાથે રૂ. 244.85 પર બંધ થયો હતો. સપ્તાહમાં તે રૂ. 31.20 અથવા 14.05 ટકાના વધારા સાથે રૂ. 253.20 પર બંધ થયો હતો.
જોકે, યાદીમાંનો ત્રીજો શેર યાત્રા ઓનલાઈન લિમિટેડનો હતો, જેણે રૂ. 142ના ભાવે શેર જારી કર્યા હતા. શેર રૂ. 130 પર બજારમાં લિસ્ટેડ થયો હતો અને પ્રથમ દિવસે રૂ. 6.05 અથવા 4.27 ટકાની ખોટ સાથે રૂ. 135.95 પર બંધ થયો હતો. શુક્રવારે શેરમાં થોડો સુધારો થયો અને રૂ. 5.10 અથવા 3.59 ટકાની ખોટ સાથે રૂ. 136.90 પર બંધ થયો.
એ બાબત નોંધવી રહી કે, વર્તમાન નાણાં વર્ષના પ્રથમ છ મહિનામાં દેશમાં જાહેર ભરણાં (આઈપીઓ)ની સંખ્યા 2007-08ના પ્રથમ છ મહિના બાદ એટલે કે 16 વર્ષમાં સૌથી ઊંચી રહી છે. 2007-08ના એપ્રિલથી સપ્ટેમ્બરના છ મહિનાના ગાળામાં કુલ 48 આઈપીઓ લોન્ચ થયા હતા, જે મારફત કંપનીઓએ રૂપિયા 21,243 કરોડ ઊભા કર્યા હતા.
વર્તમાન નાણાં વર્ષના પ્રથમ છ મહિનામાં 31 આઈપીઓ મારફત કંપનીઓએ રૂપિયા 26272 કરોડ ઊભા કર્યા હોવાનું એક રિસર્ચ પેઢીના રિપોર્ટમાં જણાવાયું છે. ગયા નાણાં વર્ષના પ્રથમ છ મહિનાની સરખામણીએ વર્તમાન વર્ષના આ ગાળામાં આઈપીઓની સંખ્યા બમણાથી પણ વધુ રહી છે, પરંતુ જાહેર ભરણાં મારફત ઊભી કરાયેલી રકમનો આંક ગયા વર્ષના એપ્રિલથી સપ્ટેમ્બરના ગાળાની સરખામણીએ વર્તમાન વર્ષના કથિત ગાળામાં નીચો રહ્યો હતો.
2022-23ના પ્રથમ છ મહિનામાં 14 આઈપીઓ મારફત કુલ રૂપિયા 35456 કરોડ ઊભા કરાયા હતા જ્યારે વર્તમાન નાણાં વર્ષના પ્રથમ છ મહિનામાં 31 આઈપીઓ મારફત રૂપિયા 26272 કરોડ ઊભા કરાયા હોવાનું રિપોર્ટમાં નોંધવામાં આવ્યું છે.
હવે ફરી સેક્નડરી માર્કેટની વાત કરીએ તો જુલાઈથી સપ્ટેમ્બર ક્વાર્ટર સમાપ્ત થઈ ગયું છે અને બીજા દસ કે તેથી વધુ દિવસોમાં, ત્રિમાસિક ગાળાના પરિણામો જાહેર થવાનું શરૂ થશે. આ એક નિર્ણાયક ક્વાર્ટર છે અને આગળ જતા બજારના વલણો આ પરિણામો પછી નક્કી કરવામાં આવશે. બજારો અસ્તવ્યસ્ત અને અસ્થિર રહેવાની ધારણા છે. નિષ્ણાતો અનુસાર રોકાણકારોએ તીવ્ર કરેકશનમાં લેવાલી અને ઉછાળે વેચવાલીની વ્યૂહરચના અપનાવી શકે.