ઈન્ટરવલસ્પેશિયલ ફિચર્સ

મગજ મંથન : દેશની પ્રગતિની સાથે વ્યસનીઓ પણ ‘પ્રગતિ’ના પંથે!

-વિઠ્ઠલ વઘાસિયા

દરરોજ સવારે અખબાર ખોલીએ એટલે કાં તો ક્રાઈમના સમાચાર હોય, નશો કરેલી હાલતમાં અકસ્માત કરી કોઈને મોતને ઘાટ ઉતારી નાસી છૂટ્યાના સમાચાર હોય અથવા તો દારૂ કે ડ્રગ્સ પકડવાના સમાચાર હોય!

ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં ભાગ્યે જ કોઈ દિવસ એવો જતો હશે કે દારૂ પકડવાના સમાચાર ચમક્યા ન હોય. હમણાં હમણાં
તો અરબી સમુદ્રમાં અલગ અલગ સ્થળે ટન મોઢે ડ્રગ્સ પકડવાના સમાચાર સામે આવ્યા કરે છે. ડ્રગ્સને લીધે અરબી સમુદ્ર બદનામ થઈ રહ્યો છે.આપણો ભારત દેશ સદીઓ પહેલાં સંસ્કારી સમાજ ધરાવતો, શિષ્ટાચારી, ઈમાનદારી અને સદ્વિચાર ધરાવનાર દેશ તરીકે ઓળખાતો. કમભાગ્યે આજે દેશની ઓળખ બદલાઈ ગઈ છે. આજે દેશની વધતી જતી પ્રગતિની સાથે સાથે વ્યસનીઓ પણ જબરી ‘પ્રગતિ’ સાધી રહ્યા છે.પરિણામે વ્યસનીઓની બરબાદી પણ મોટા પ્રમાણમાં જોવા મળી રહી છે.

વ્યસન એક એવી વસ્તુ છે કે જેમાં બુદ્ધિશાળી માનવી પણ ફસાઈ જતો હોય છે. કોઈ પણ પ્રકારનું વ્યસન એ દરેક મનુષ્યના તન, મન, ધનને બરબાદ કરવાનું શસ્ત્ર છે. કોઈ દુશ્મનો કોઈના પર સીધો હુમલો નથી કરતા, પણ વ્યસનની લતે ચડાવે છે, પછી એને વગર હુમલે મૃત:પ્રાય કરી દે છે. વિશ્ર્વ આરોગ્ય સંસ્થાના સર્વેક્ષણ પ્રમાણે દરેક દસ મિનિટમાં એક યુવાન કોઈ પણ પ્રકારના વ્યસનને વળગે છે. દર દસમાંથી ચાર યુવાન કોઈ પ્રકારના વ્યસની પદાર્થનું સેવન કરે છે, જેમાંથી ત્રણ યુવાન એને વળગી રહે છે. દુનિયાભરમાં સોમાંથી અઢાર મોત વ્યસન અથવા તો એના કારણે થતી કોઈ બીમારીના કારણે થાય છે. વર્ષ ૨૦૩૦ સુધીમાં એકલા ભારતમાં અઢાર વર્ષથી નીચેની વયના ત્રીસથી ચાળીસ ટકા યુવાનો વ્યસનના વંટોળમાં ફસાઈ ચૂક્યા હશે.પચીસથી ત્રીસ ટકા આ વ્યસની જૂથનો ભાગ છોકરીઓ પણ છે. ‘ટીનએજ’ એટલે કે કિશોરાવસ્થા એ જીવનકાળનો સૌથી નાજુક તબક્કો ગણાય છે. ચિંતાની વાત એ છે કે પંદરથી પચીસ વર્ષની ઉંમરમાં જ પંચોતેર ટકા બાળકો વ્યસનનો શિકાર બની રહ્યાં છે.

ગુજરાત અને ખાસ કરીને અમદાવાદમાં આજકાલ ગાંજા અને ડ્રગ્સનું ચલણ બહુ વધી રહ્યું છે. ભૂરાં કે લીલાં પાંદડાં અથવા પાઉડર જેવા પદાર્થને યુવકો એક વિશષ્ટ પ્રકારના કાગળ – ‘રોલિંગ પેપર’માં મૂકી, એને ગોળ ગોળ વાળીને સિગારેટની જેમ ફૂંકે છે. સ્કૂલ અને કૉલેજનાં બાળકોને ગેરમાર્ગે દોરવામાં આવે છે કે, આ વ્યસન નથી અને આ લેવામાં કોઈ નુકસાન નથી. વાસ્તવમાં આ વાત સાવ ખોટી છે. ગેરમાર્ગે દોરનારી છે. ગાંજો કે ડ્રગ્સ એક ગંભીર વ્યસની પદાર્થ છે. એનું નિયમિત સેવન કરવાથી વિવિધ પ્રકારના માનસિક રોગ પણ થઈ શકે છે.

તાજેતરમાં એક પ્રકારનો સફેદ પાઉડર ‘મેથ’ને નાકથી સુંઘીને નશો કરવામાં આવે છે. આવા ‘મેથ’ ડ્રગનું પણ ચલણ બહુ વધી રહ્યું છે. કેટલાંક મા-બાપ જાણે છે કે એમનાં સંતાન વ્યસની બની ગયાં છે, તેમ છતાં સમાજમાં પોતાનું નામ ખરાબ ન થાય કે કોઈને ખબર ના પડે એટલે એ વાત ખાનગી રાખે છે. વ્યસનનું પ્રમાણ પ્રથમ તો મોટાં શહેરો પૂરતું સીમિત હતું. હવે દિન પ્રતિદિન ગામડાં સુધી પણ પ્રવેશી કરી ગયું છે. ત્યાંનાં રેલવે સ્ટેશન, બસ સ્ટેશન, બજાર વગેરે જાહેર સ્થળોએ પણ આ વગર લાઈસન્સવાળી (ડ્રગ) ફૅકટરીઓનાં ધૂમાડિયાં ચાલુ જ હોય છે. અત્યારે વ્યસન વિશે સતત જાગૃતિ ફેલાવવામાં આવી રહી છે.


Also read: પ્રાસંગિક: કેમ વધી રહ્યા છે બાંગ્લાદેશમાં હિન્દુઓ પર હિંસક હુમલા ?


તેમ છતાં પણ ભણેલાગણેલા અને શિક્ષિત લોકો પણ આ લતમાં ફસાઈ રહ્યા છે, જેમાં હવે તો સ્ત્રીઓ પણ બાકાત નથી. એ પણ વ્યસન કરવા લાગી છે. એ પોતાના આરોગ્યને જ નહીં, બલકે એમની આવનારી પેઢીનાં સંતાનોના આરોગ્ય પર પણ જોખમ ઊભું કરી રહી છે.

આવી સ્થિતિ-પરિસ્થિતિમાં બાળકો, યુવાનોને વ્યસનમુક્ત બનાવવા માટે તેઓનાં માવતરો, વડીલો અને શિક્ષકોએ તકેદારી રાખવી જોઈએ તો જ બાળકો પર શરૂઆતથી અંકુશ આવી શકે છે. તંત્ર દ્વારા શાળાની આસપાસ પાન, બીડી કે ગુટખા વગેરે ન વેચવાના નિયમો પ્રવર્તમાન છે, તેમ છતાં પણ આજે આ બધું રોકટોક વગર ચાલુ જ છે. હવે તો શાળાએ એવો નિયમ બનાવવો જોઈએ કે જે બાળકને શાળામાં પ્રવેશ આપવાનો હોય તેના વાલી કે પરિવારના સભ્ય વ્યસન ન કરતા હોય તો જ એમને શાળામાં પ્રવેશ આપવાનો ..!

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button