વ્યસન

આજની ટૂંંકી વાર્તા -દુર્ગેશ ઓઝા
‘પપ્પા, બિલાડી થોડુંક જ દૂધ પીએ તોય તમને વાંધો, પણ તમે તો અઠવાડિયામાં સિગારેટનું આખું પાકીટ ફૂંકી મારો છો, પંદર-વીસ ફાકી ખાઈ જાઓ છો એનું કાંઈ નહીં!? ‘મ્યાઉં, મ્યાઉં’ અવાજ સાંભળી લોકેશનું મગજ ગયું, ‘વત્સલ, તને હજાર વખત કીધું છે કે આ બિલાડીને ઘરમાં ઘૂસવા ન દે. તોય તું! આઈ ડોન્ટ લાઈક ઈટ.’ ‘પણ પપ્પા, એ તમને ક્યાં કાંઈ કરે છે? શી ઈઝ ક્વાઈટ ઈનોસન્ટ એન્ડ ક્યુટ. ધિસ કેટ ઈઝ વેરી ડેલિકેટ. એ તો બિચારી મારા ખોળામાં છાનીમાની શાંતિથી બેસે છે. તમારા ખોળામાં થોડી આવે છે?’
‘મારા ખોળામાં આવે તો ખરી! એને ખબર છે કે મારી નજીક ફરકે એટલે લાકડી પડવાની જ. મારે ઘરમાં કૂતરા-બિલાડાં કાંઈ ન જોઈએ. એ બધાં ગંદાં-ગોબરાં હોય. ને દૂધ કેટલું મોંઘું આવે છે તેનું તને ભાન છે? પૈસા કાંઈ ઝાડ પર નથી ઊગતા. ડોન્ટ ડુ ઓલ ધિસ રબિશ અન્ડરસ્ટેન્ડ?’
‘પપ્પા…! આખા દી’માં એક વાર સવારે ને બીજી વાર સાંજે એમ ખાલી બે જ વાર બિલાડીને દૂધ પીવડાવું છું, ને એય ફક્ત એક નાનકડી રકાબીમાં. એમાં તો તમે!’ ‘સો વાતની એક વાત. નથિંગ ડુઈંગ. તુ પૈસાનું પાણી ન કર. ખબરદાર આજ પછી જો તેં…’ પપ્પા, બિલાડી થોડુંક જ દૂધ પીએ તોય તમને વાંધો, પણ તમે તો અઠવાડિયામાં સિગારેટનું આખું પાકીટ ફૂંકી મારો છો, પંદર-વીસ ફાકી ખાઈ જાઓ છો એનું કાંઈ નહીં!? એમાં ખોટો ખર્ચો થાય એનું કંઈ નહીં! ને હું બિલાડીને તમારી પાસે આવવાય ન દઉં. એને ચેપ લાગે. ગંદી-ગોબરી એ નથી, પણ તમે…’ એક સણસણતા તમાચાનો ભોગ બનેલો વત્સલ આગળ બોલી ન શક્યો. ને રેખા રસોડામાંથી બહાર દોડી આવી. ‘આ શું? તમે તે માણસ છો કે? આપણો દીકરો હવે મોટો થઈ ગયો.
એને આમ તમાચો મારવાનું કારણ? તમને શરમ નથી આવતી?’
બીજા દિવસે સવારે રેખાએ ફરિયાદ કરી. ‘સાંભળો જરા. જોને આ વત્સલ હઠ પકડીને બેઠો છે! તમે જરાક એને સમજાવો. કહે છે કે હવેથી સવારે દૂધ નહીં પીઉં.’ ‘એ દૂધ ન પીએ એમાં તું મારું લોહી શું કામ પીએ છે?’ એમાં હું શું કરું? એને હવે દૂધ નહીં ભાવતું હોય.’ ‘મજાનું ભાવે છે. વાત એમ નથી. એ એમ કહે છે કે સવારનું મારા ભાગનું દૂધ બિલાડીને…’ ‘એટલે તું કહેવા શું માગે છે? હું સિગારેટ છોડી દઉં એમ? તમે મા-દીકરો ભેગાં થઈ મારી સિગારેટની પાછળ શું કામ પડ્યાં છો? વોટ ઈઝ ઓલ ધિસ નોનસેન્સ?’ ‘હું ક્યાં તમને એવું કહું છું? એને ડોક્ટરે કેલ્શિયમ માટે દૂધ પીવાનું ખાસ કહ્યું છે. તમે જરાક સમજાવો. એ નહીં પીએ તો…’
‘રેખા માય ડિયર. ફર્સ્ટ એપ્લાય યોર માઈન્ડ એન્ડ ધેન રિપ્લાય. એ તો ખાલી ત્રાગું કરે છે. હી ઈઝ ટ્રાઈંગ ટુ બી ઓવરસ્માર્ટ. હમણાં એની મેળે ઠેકાણે આવી જશે. મારે ઓફિસે જવાનો ટાઈમ થઈ ગયો છે. મહેરબાની કરી તું મને આ માથાકૂટથી દૂર જ રાખ, પ્લીઝ. ને સાંજ પડે એટલી વાર છે. પાજી બિલાડી! મારી મારીને એની ખો ન ભુલાવી દઉં તો મારું નામ…’
ઓફિસમાંય લોકેશનો ધૂંધવાટ ઓછો ન થયો. એણે પોતાની અલાયદી કાચની કેબિનમાં પડદો પાડ્યા વિના ઉપરાછાપરી બે-ત્રણ સિગારેટ ફૂંકી મારી. ક્યારનોય આ બધો તાલ જોઈ રહેલો સહકર્મચારી રાકેશ શાહ અંદર ધસી ગયો. રાકેશ પણ એની જ સમકક્ષ કેડરમાં કામ કરતો હતો. તેને લોકેશનો દિલોજાન દોસ્ત તો ન કહી શકાય, પણ હા, બેય વચ્ચે સારું એવું ટ્યુનિંગ ખરું. રિસેસમાં ઘણુંખરું બંને સાથે જ લંચ લેતા અને વાનગી ને વાતો શેર કરતા.
‘મિ. લોકેશચંદ્ર જોશી? વોટ હેપન્ડ ડિયર? આજે મૂડ ખરાબ છે કે શું? જોકે આજે દિવસ જ ખરાબ ઊગ્યો છે એવું લાગે છે. યુ નો પેલો મહેશ પાંત્રીસ વરસની નાની ઉંમરમાં ગુજરી ગયો તે? એને કેન્સર નીકળ્યું. આખો દી બસ સિગારેટ ફૂંંકતો જ બેઠો હોય! બે દી’માં એક પાકીટ તો ખાલી કરી જ નાખે! પછી થાય શું? વેરી સેડ એન્ડ બેડ.’ જો જે હોં… તું કાંઈ ભળતું માની ન બેસતો. તને એમ હશે કે આ બહાને હું તને? પણ ના, મને કોઈને વણમાગી સલાહ ચોપડાવવાની આદત જ નથી. યુ નો વેરી વેલ ધેટ ટુ સ્મોક ઈઝ હોરિબલ જોક વિથ વન્સ ઓવ્ન લાઈફ. આઈ નો ધેટ આઈ એમ નોટ યોર ફાસ્ટ ફ્રેન્ડ બટ… આ તો એની સાથે તારે સંબંધ એટલે મેં તને ખાલી માહિતી આપી. બાકી મનેય ખબર છે કે આવી આદતમાંથી છૂટવું સહેલું નથી. એના માટે જબરી હિંમત ને પ્રબળ ઈચ્છાશક્તિ જોઈએ. એ જેવા તેવાનું કામ નહીં. ઈટ ઈઝ નોટ ચાઈલ્ડ્સ પ્લે ડિયર? રાકેશ ઘડી-બે ઘડી, અટક્યો, લોકેશ સામે ધારદાર નજર માંડી રહ્યો. ને પછી આગળ બોલ્યો,
‘તારા કરતાં થોડા ઓછા વ્યસની પણ ઝટ આ કુટેવ છોડી નથી શકતા ત્યારે તારા જેવો અઠંગ વ્યસની તો એને ક્યાંથી મૂકી શકે? તારું એ ગજું નહીં. આ ભવમાં તો તું સિગારેટનું બંધાણ છોડી રહ્યો! ઈટ ઈઝ નોટ ઈમ્પોસિબલ, બટ આઈ થિંક ફોર યુ ઈટ ઈઝ વેરી…! જો, ફરી કહું છું. આ તો વાતમાંથી વાત નીકળી એટલે આમ કહેવાઈ ગયું. બાકી મને તારી અંગત વાતમાં ઝાઝું માથું મારવાનો અધિકાર થોડો છે? મારો કહેવાનો આશય એ જ કે ઘણા મોટી મોટી વાતો તો કરે, પણ જ્યારે અમલમાં મૂકવાની વાત આવે ત્યારે જાત જાતના બહાનાં કાઢી ફસકી જાય. જોકે એમાં તારો વાંક નથી. કોઈ વિરલા જ એકઝાટકે આવી લતને લાત મારી શકે ને એમ કરી પોતાનું ને કુટુંબનું જીવન ફરી નંદનવન બનાવી શકે. આવું કરવાની તારામાં તાકાત છે? મને તો નથી લાગતું. ને જો હોય તો એ ચમત્કાર જ ગણાય. સિગારેટ ફૂંકવી સહેલી, પણ આવી કુટેવને ફૂંકી મારવી મુશ્કેલ. ને એમાંય તારા માટે તો એ…’ રાકેશે તો આ વાતે મોટું લેક્ચર ઠોકી દીધું. કુટેવનો વિષય છેડ્યો ને એમ કરી લોકેશને છંછેડ્યો. આટલું કહી રાકેશ કેબિનની બહાર…
લોકેશ પહેલાં તો મનોમન અકળાઈ ઊઠ્યો. ‘ઈડિયટ્સ! બધા જ મારી સિગારેટની આદત પાછળ આદું ખાઈને પડ્યા છે. તારી જાતનો રાકલો! ‘ના, ના’ કહીને બધું કહી દીધું! મને ભોટ સમજે છે?’ પણ પછી ગુસ્સો ઊતરી જતાં એણે શાંત ચિત્તે વિચાર્યું. ‘આ રાકેશ એના મનમાં સમજે છે શું?’ એ થોડી વાર વ્યગ્રતાપૂર્વક અલાયદી કેબિનમાં આંટા મારતો રહ્યો. ને પછી સડસડાટ કેબિનની બહાર આવી એણે રાકેશને કહ્યું, ‘સિગારેટ આ છોડી દીધી જા. હવે જિંદગીમાં એને હાથ લગાડે એ બીજા? તું મને મિ. લોકેશને ચેલેન્જ કરે છે?! આઈ એમ નોટ પુઅર ફેલો ડિયર રાકેશ!’ લોકેશ જોશમાં ને જોશમાં આવી પ્રતિજ્ઞા લઈ લીધી ને પછી એ પોરસાયો. ‘આજે તો ઘરે પણ એવું સરપ્રાઈઝ આપવું છે કે બધા જોતા રહી જશે જોતા…’
ઘેર પહોંચીને હજી તો એ કાંઈ કહે એ પહેલાં તો પત્નીએ બીજી ફરિયાદ કરી.’ હવે વાત હદ વળોટી ગઈ છે. વત્સલે આજ ન કરવાનું કર્યું. એના હાથમાં તમારી ફાકી કોણ જાણે ક્યાંથી આવી ગઈ! એણે એમાંથી ચપટી ફાકી લઈ લીધી. એને ચોળીને હજી તે મોઢામાં ઓરવા જાય ત્યાં જ મારું ધ્યાન ગયું એટલે મેં ઝપ દઈને ઝૂંટવી લીધી નહીંતર…? છોકરો હાથથી જશે.
આ બધું તમારા લીધે થયું…! યુ આર રિસ્પોન્સિબલ ફોર ઓલ ધિસ નોનસેન્સ. રાધર યુ આર ઈરરિસપોન્સિબલ ફાધર. અત્યારે એ તમને ખબર ન પડે એમ બહાર બિલાડીને દૂધ પીવડાવે છે, પોતાના ભાગનું. હા, એણે દૂધ ન પીવાના સમ ખાધા છે. દીકરો કોનો? તમારો જને? બેય એકબીજાનાં માથાં ભાંગો એવા છો. કોઈ પોતાની લીધી પ્રતિજ્ઞા મૂકે એમ નથી. નાઉ ઈટ ઈઝ ઓવરલિમિટ… ઈનફ ઈઝ ઈનફ!’ ને લોકેશનો પિત્તો ગયો. ‘શું ? તમે બધા તો મારી પાછળ આદું ખાઈને પડી ગયા છો. એટલે હવે મારે ફાકી પણ છોડી દેવાની, એમ? આર યુ ક્રેઝી?’ ‘એટલે…??! તમે સિગારેટ છોડી દીધી એમ!!’
‘હા, આજથી મેં કાયમને માટે સિગારેટ છોડી દીધી છે.’
‘વાહ મારા ડાહ્યા પતિદેવ. રોકિંગ… નાઈસ જોકિંગ…! ક્યારે છોડી દીધી? હવે છોડ્યા છોડ્યા. આ નવી વળગેલી ફાકીની લત છોડી નથી શકતા ત્યાં સિગારેટની વર્ષો જૂની કુટેવ છૂટે એ વાતમાં શો માલ છે? પહેલાં ફાકી તો છોડી જુઓ! પછી સિગારેટની માંડજો. એક દી પણ જો તમે ફાકી વગર રહી શકો તો હું જાહેરમાં તમારી આરતી ઉતારું.’ રેખાએ ચાબખા મારવા ચાલુ કરી લોકેશને ચેલેન્જ કરતાં આગળ કહ્યું: ‘ને જો કાયમ માટે ફાકીને તિલાંજલિ આપી દો તો મારી ચામડીના જોડા બનાવી તમને પહેરાવું. પર વો દિન કહાં કી મિયાં કે પાંવ મેં જૂતી! ફાકી છોડવાની ત્રેવડ નથી ને પાછા કહે છે મેં સિગારેટ છોડી દીધી! વાહ! ક્યા બાત હૈ? મૂરખ બીજાને બનાવજો, મને નહીં. ગુસ્સો કે ફાકી બેમાંથી એકેય થૂંકી નાખવાની નથી તમારી તાકાત કે નથી તમારી…’ ‘બસ! ખબરદાર હવે એકપણ શબ્દ આગળ બોલી છે તો… ભગવાનને ખાતર તારાં લેફ્ટ-હેન્ડેડ કોમ્પ્લિમેન્ટ્સ બંધ કર.’ લોકેશે અનેક ફાકીથી ભરચક એવા પાઉચનો ઘા કર્યો ને પછી બોલ્યો. ‘જા, આજથી ફાકીય બંધ, હવે રાજીને તમે બધાં…?’
થોડી વાર ઘરમાં સોપો પડી ગયો. પછી કળ વળતાં લોકેશ નરમાશથી બોલ્યો, ‘રેખા, હું ડિંગ નથી મારતો. હું ઓફિસેથી આવ્યો ત્યારે મેં તોરમાં ને તોરમાં પેલા રાકેશનો પડકાર ઝીલી લઈ સિગારેટ છોડવાનો સંકલ્પ લઈ લીધો હતો. ઈટ ઈઝ ફેક્ટ. નાઉ આઈ એમ પરફેક્ટ ડિયર. હું તમને બધાને આ વાત કહી અચંબામાં નાખવા થનગની રહ્યો હતો પણ ત્યાં તો તેં…!’ ‘સાચું બોલો છો તમે? સાચે જ તમે બેય વસ્તુથી આજીવન અળગા રહેશો?! આર યુ શ્યોર? તમારી વહાલામાં વહાલી વસ્તુના સમ ખાઈને કહો જોઉં.’ રેખા આનંદભેર પૂછી રહી.
‘રેખા, મારી વહાલામાં વહાલી વસ્તુ તો સિગારેટ છે… એના સમ ખાઈને કહું છું કે…! હા હા હા…!’ લોકેશ હસી પડતાં આગળ બોલ્યો, ‘ના પ્રિયે, તું મને સૌથી વધુ વહાલી છે. તારા સમ બસ? આજે હું ખૂબ ખુશ છું. માથાકૂટ થઈ, પણ અંતે સૌ સારાંવાનાં થયાં, પરંતુ એક વાતનો અફસોસ છે. મારો જાણીતો પેલો મહેશ જીવનથી હાથ ધોઈ બેઠો. કેન્સર હતું એને. જોકે મને નવાઈ એ વાતની છે કે સિગારેટ તો દૂરની વાત હતી, એને ચા પીવાનીય ટેવ ન હતી. ઈટ ઈઝ વેરી શોકિંગ એન્ડ સરપ્રાઈઝિંગ. મેં એને છેલ્લા છ મહિનાથી જોયો પણ નથી. બસ, આટલી વારમાં એને આ કુટેવ ક્યાંથી વળગી ગઈ એ એક કોયડો છે. હવે એ માત્ર ફોટામાં જ જોવા મળશે એનો અફસોસ છે.’ ‘તારે એને સદેહે જોવો હોય તો હજી તું એને જોઈ શકીશ. એ છ મહિના માટે ટ્રેનિંગ અર્થે વિદેશ ગયેલો. એ કાલે જ હજી ગામમાં આવ્યો છે.’ પાછળથી એક અવાજ આવ્યો ને લોકેશ ચમક્યો. એણે અવાજની દિશામાં નજર કરી. એ રાકેશ હતો ને અચંબો બેવડાયો. રાકેશની પાછળ મહેશ પણ ઊભો હતો, જીવતોજાગતો!
રાકેશ આગળ બોલ્યો ‘તને એ કહેવત યાદ છેને કે લાગે તો તીર, નહીંતર તુક્કો? એમ એવું જ કંઈક કર્યું છે. ને મને એ વાતનો આનંદ છે કે આમાં બધાનું સારું થયું ને બધાની જીત થઈ, તારી પણ…! દોસ્ત, હું તારી આગળ ખોટું બોલ્યો. સોરી, પણ આ આખોય પ્લાન રેખાભાભીનો હતો. તું ઓફિસે પહોંચે એ પહેલાં જ મારી ઉપર એમનો ફોન આવ્યો હતો ને એટલે…! ને સારા કામમાં ના કેમ પાડવી? મહેશે સિગારેટને કદી હાથ નણ નથી લગાડ્યો. એને કેન્સર-બેન્સર કાંઈ નથી. એ બધું હંબગ છે. હા, આજે કુટેવનું કેન્સર મરી ગયું એ સાચી વાત છે ને એ જ મોટી વાત છે.’
‘ને બીજી સાચી વાત હવે હું કહું છું. આપણા વત્સલે ફાકીને હાથ પણ નથી લગાડ્યો. આ બધી તો મારા ભેજાની નીપજ હતી!’ રેખાએ પણ સ્પષ્ટતા કરી. ‘સાલા નાટકિયાઓ! મને ઉલ્લુ બનાવવાની તમારી હિંમત જ કેમ થઈ? હાઉ ડેર યુ…? લોકેશ ઊંચે અવાજે બોલી પોતે પણ ગુસ્સો કરવાનું નાટક કરી રહ્યો ને રાકેશ તથા મહેશ બેયને ભેટી પડ્યો. પછી પત્ની સામે કૃત્રિમ રોષભેર નજર કરી એનેય બાથમાં લઈ લીધી. એણે વત્સલને બૂમ પાડી બોલાવ્યો ને એના બરડે પોતાનો હાથ પ્રેમપૂર્વક પસવારવા લાગ્યો…. બીજા દિવસે લોકેશ ખુરશીમાં બેઠો હતો ત્યાં જ વત્સલે એના ખોળામાં બિલાડી મૂકી દીધી ને પછી ભાગ્યો. લોકેશ કહે, ‘બેટમજી, ભાગે છે ક્યાં? અહીં આવ. તુંય ભેગાભેગો ખોળામાં બેસી જા એટલે બેયને એકાદ ફટકારું.’ ત્યાં તો બિલાડીએ ‘મ્યાઉં, મ્યાઉં’ આદર્યું. વત્સલ તો બેફિકરપણે ખોળામાં ચડી બેઠો ને બિલાડીના ‘મ્યાઉં મ્યાઉંના ચાળા પાડી રહ્યો. લોકેશે બેયને હળવી ટપલી મારી. ને પછી બેયને વહાલથી રમાડતા ઘાંટો પાડ્યો.’ એય રેખા, આ જોને પાજી બિલાડી, ‘મ્યાઉં મ્યાઉં’ કરી મારું માથું પકવી દીધું. ને આપણા દીકરાએ પણ…! હવે બેયને દૂધ આપ એટલે વાત પૂરી થાય…’
થોડા દિવસ પછી બિલાડી લોકેશના ખોળામાં બેફિકરપણે ચડી બેઠી. લોકેશ એને વહાલથી હાથ ફેરવતો રહ્યો. થોડી વાર પછી એણે બિલાડીને મારવાનો ડોળ કર્યો, પણ બિલાડીએ ‘જોયું-ન જોયું’ કર્યું. ખોળામાંથી ઊતરે એ બીજા…! એણે નિશ્ર્ચિંતપણે લોકેશ સામે જોયું ને ફરી ‘મ્યાઉં મ્યાઉં’ આદર્યું. લોકેશે પત્ની રેખા સામે જોયું ને પછી બોલ્યો, ‘આ બિલાડી અસલ તારા જેવી છે. લુચ્ચી, પણ પરાણે વહાલી લાગે એવી… હવે આ વ્યસનનું શું કરવું.?! એ કોઈ કાળે છૂટે એવું લાગતું નથી.’
(સમાપ્ત)