તસવીરની આરપાર : લીલામાંથી લાલ થાય મરચું તો રસોઈનો શહેનશાહ કહેવાય…

-ભાટી એન.
આપણી જિંદગીમાં એક ચીજનું મહત્ત્વ અતુલ્ય છે. રાંકથી નબીરાઓનાં બંગલામાં આ ચીજ તો હોય… હોય… ને હોય…!!!?. તે છે લીલામાંથી લાલ થઈ જાય ને તીખું તોય સ્વાદનો શહેનશાહ બની જાય તે નાં હોય તો રસોઈ ફીકી… ફીકી… લાગે. અરે ભૈ કો ને શું…!!!?. હા તે છે ‘મરચું’ તે રસોઈનો રાજા કહેવાય છે, રસોડામાં તેની અગ્ર ક્રમે હાજરી અચૂક હોય. આપણી જિંદગીમાં મરચાનો સિંહફાળો છે, શાકમાં મરચું ઓછા વત્તા પ્રમાણમાં નાખવામાં આવે… આવે… ને આવે. કોઈ ને તીખું ભાવે તો કોઈ ને મોરૂ ભાવે. શાક એટલે તો મરચાને મસાલાની મોટી બહેન કહેવામાં આવે છે, આપણાં મસાલિયામાં મરચું, હળદર, ધાણા, જીરું, રાય, મેથી, હિંગ તો હોય જ પછી તજ, લવીંગ, તમાલપત્ર પણ હોય મીઠું તો અલગ હોય, કારણ જો મસાલિયામાં રાખવામાં આવે ને મસાલિયું ઊંધું વળી જાય તો બીજા મસાલા એકત્ર કરી ઓછા વત્તાા કરી ચાલે પણ મીઠું તેમાં ભળી જાય તો બધા મસાલા એળે જાય…!!!. માટે મીઠું જુદું રાખે.
મરચાની ખેતી આજે મબલખ પ્રમાણમાં થાય છે. તેમાંય સૌરાષ્ટ્રમાં ગોંડલ તો મરચાનું પીઠું ગણાય તેના નામથી ગોંડલિયું મરચું વિશ્વ વિખ્યાત છે, વાંચક મિત્રો આપણે મોસ્ટ ઓફ લીલા, લાલ મરચાને જ જોયા હોય છે પણ તમે કલરફુલ રંગબેરંગી મરચા જોયા છે…!?. મરચાની દુનિયામાં શિમલાનાં કેપ્સિકમ મરચાએ તળખડાટ મચાવ્યો છે, તે મરચું ઢીંગણું ને ચોરસ જેવું બેઠી દડીનું લાગે છે, તેમાં સપ્તરંગી મરચા આવે છે, લીલા, લાલ, પીળા, કેશરી વિવિધ રંગોથી દેખાવમાં સુંદર લાગે છે, શિમલાનું કેપ્સિકમ મરચા મોટી હોટેલ કે ખાણી પીણીની બજારમાં પંજાબી, ચાઈનીઝ, નુડલ, કે ભેળ જેવી વિવિધ વાનગીમાં તેનો ભરપૂર ઉપયોગ થાય છે. તે સ્વાદમાં મોળું ને મીઠાસ જેવું શાક જેવું લાગે જેથી ગ્રાહકને ખાવાની મોજ આવે છે, તેની ખેતી પણ ભિન્ન પ્રકારની થાય છે. તેની કિંમત આપણા સાદા મરચા કરતા કંઈક ગણી વધારે હોય છે. મરચામાં આયુર્વેદિક ગુણ છે જેથી આપણું સ્વાસ્થ્ય પણ સારું રહે છે, મરચા વિશે વિસ્તૃત માહિતી મેળવીએ.
મરચાંને પ્રથમ અમેરિકાથી ભારત લાવ્યા હતા. ભારતમાં સૌથી પહેલા ગોવામાં મરચાં આવ્યાં હતાં. ત્યારબાદ પૂરા દેશે તેનો સ્વાદ ચાખ્યો હતો, પણ હવે એ પણ પ્રશ્ન થાય કે શું આ પહેલા ભારતના લોકો મરચાંના સ્વાદથી અજાણ હશે? તો એ પ્રશ્નનો જવાબ એ છે કે ભારતમાં પહેલા કાળા મરીનો ઉપયોગ થતો હતો. પરંતુ જયારે લાલ મરચું ભારતમાં આવ્યું તો તેને ઉગાડવું સરળ હતું અને લોકોને પણ તેનો સ્વાદ પસંદ આવ્યો અને તે પ્રખ્યાત થયું. એક વાર્તા એવી પણ છે કે મરચાં શ્રીલંકાથી ભારતના ઉત્તર-પૂર્વીય રાજ્યોમાં આવ્યાં હતાં. મરચું (અંગ્રેજી: Chili, Pepper;; વૈજ્ઞાનિક નામ: Capsicum annuum) એક પ્રકારનું શાક છે, જે મસાલા તરીકે પણ વપરાય છે. લીલા મરચાનો શાક તરીકે પણ ઉપયોગ થાય છે. ગુજરાતી વાનગી ઊંધિયુંમાં ભરેલા લીલા મરચાં અગત્યનો ઘટક છે. જગતમાં મરચાંનું જન્મ સ્થાન દક્ષિણ અમેરિકા ગણાય છે, જ્યાંથી આ વનસ્પતિ આખા વિશ્વમાં પ્રસાર પામી હતી. વર્તમાન સમયમાં મરચાંની વિભિન્ન જાતો આખા વિશ્વમાં બજારમાં અલગ અલગ પાંચ પ્રકારના મરચાની જાત મળી રહી છે. જેમાં રેશમપટ્ટો, ઘોલર, કાશ્મીરી, લવિંગ્યુ અને ડબલ રેશમ પટ્ટો પ્રકારની જાત જોવા મળી રહી છે. મરચા ખરીદતા પહેલા કયું મરચું સૌથી તીખું છે અને કયું મરચું સૌથી મોળું છે. એ જરૂર જાણી લેવું જોઈએ. મરચાંની બીજી જાણીતી બ્રાન્ડ વિશે પણ જાણીએ…
જવાલા મરચી: પાતળી હોય છે, મહેસાણા, ને સાઉથ ગુજરાતમાં થાય છે.
કથારી: મરચી કેરાલા, તામિળનાડુમાં થાય છે જે મરચીને બર્ડ આઈના નામે પણ ઓળખે છે.
બેડગી મરચી: આ મરચી એટલી પ્રખ્યાત છે કે મરચીનાં બજાર ભાવ હંમેશાં બધી મરચી કરતા વધુ જ હોય. કાશ્મીરી મરચું : આ મરચાની ક્વોલિટી અને રંગના લીધે ખૂબ જ પ્રખ્યાત છે ભારતનાં જન જનનાં ઘેર જોવા મળે તેમાં તીખાસ ઓછી હોય છે.
ભૂત ઝોલોકિયા: સમગ્ર વિશ્વમાં આ સૌથી તીખું મરચું છે, ભારતમાંથી તેની નિકાસ વધુ થાય છે, અને વિવિધ રાજ્યોમાં તેનું વાવેતર થાય છે.
ગુંટર મરચી : આંધ્ર પ્રદેશમાં ચટાકેદાર ભોજન માટે પ્રખ્યાત છે, આ રાજ્યમાં વધુ પ્રમાણમાં વવાતી મરચી છે જેની નિકાસ આખા વિશ્વમાં થાય છે.
વર્તમાન સમયમાં મરચાંની વિભિન્ન જાતો આખા વિશ્વમાં ઉગાડવામાં આવી રહી છે.
ખેડૂતો હવે ધીરે-ધીરે પરંપરાગત ખેતીથી અલગ આધુનિક રીતે નવા પાકો ઉગાડવા તરફ વળી રહ્યા છે. આ તેમના માટે ફાયદાકારક સાબિત થઈ રહ્યું છે. આનાથી ખેડૂતોની આર્થિક સ્થિતિ પણ સુધરી રહી છે અને સાથે જ કુદરતી સંસાધનોની પણ ઘણા અંશે બચત થઈ રહી છે. ત્યારે ખેડૂતો નવી ખેતીની ટેકનીકો અપનાવીને ઘણો નફો કમાઈ રહ્યા છે. ત્યારે આજે વાત કરીએ શિમલા મરચા (કેપ્સિકમ)ની ખેતી વિશે, તો તેની ખેતી કરીને સારો નફો કમાઈ શકાય છે.
આજકાલ બજારમાં શિમલા મરચા ખૂબ જ મોંઘા વેચાય છે. તેની કિંમત હંમેશાં 40 થી 50 રૂપિયા પ્રતિ કિલો રહે છે. ઘણી વખત છૂટક મોંઘવારી વધવાને કારણે બજારમાં શિમલા મરચાની કિંમત 80 થી 100 રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચી જાય છે. જેના કારણે તેની ખેતી કરતા ખેડૂતોના નફામાં નોંધપાત્ર વધારો થાય છે. અત્યારે મરચાની બજાર કિંમત રૂપિયા 250 થી 300 પ્રતિ કિલો હોય છે, અત્યારે તેની સિઝન ચાલે છે મોટા સિટીમાં તેની અલાયદી બજાર ભરાય છે જેને મસાલા બજાર તરીકે ઓળખે છે ત્યાં જ મરચું ખરીદી દળી પાઉડર કરી આપવામાં આવે છે. હવે લગભગ બાર મહિનાનું મરચું લેવાનું હોય તો બજારમાં જઈ મન ગમતી જાત ને આર્થિક રીતે પરવડે તેવું મરચું લઈ આવો ચાલો.
આપણ વાંચો: વ્યંગ : એ સૂટકેસમાં કોણ સલવાણી હતી?