મગજ મંથન : સફળતા મેળવવા ડગલે ને પગલે પરીક્ષા આપવી પડે…
-વિઠ્ઠલ વઘાસિયા
સફળતાનો આનંદ શાશ્ર્વત રાખવા અને શક્તિઓમાં ચેતના લાવી વિકાસના માર્ગ પર પ્રવૃત્ત રાખવા જીવનમાં અડચણો અને દુ:ખ હોવાં ખાસ જરૂરી છે.
આ સનાતન સત્ય છે.ઈતિહાસમાં જેટલા મહાપુરુષોનાં વર્ણન આવે છે તે બધાએ પોતાના જીવનમાં કષ્ટસાધ્ય દુ:ખ,ભયાનક આફતો સહન કરેલી છે. જો ઈસુ ખ્રિસ્તના જીવનમાંથી એમનું તપ અને વધસ્થળ પર ચડવું એ બે
ઘટના બાદ કરી દઈએ તો ઈશુ માત્ર
એક સામાન્ય ધર્મોપદેશક જ રહી જાય. રાણા પ્રતાપ, શિવાજી, દધીચિ, હરિશ્ર્ચંદ્ર, પ્રહ્લાદ, લેનિન, ગાંધીજી, સરદાર
પટેલ, વગેરેને મહાપુરુષ બનાવવાનો
યશ એમની સહનશીલતાને જ આપવો પડે.
આકાંક્ષા-સભાનતા અને પરિશ્રમથી ગમે તેવાં કષ્ટદાયક કાર્ય પણ પાર પડી શકે છે, છતાં એમ કહી ન શકાય કે આવાં કાર્ય તાત્કાલિક અથવા કોઈ જોખમ ઉઠાવ્યા વિના સફળ થઈ જાય.પરમાત્મા વારંવાર પરીક્ષા લઈ માનવીની યોગ્યતા અયોગ્યતા ચકાસતા હોય છે. શાળાઓમાં અને વિદ્યાલયોમાં ફક્ત વખતો વખત પરીક્ષાઓ લેવામાં આવતી હોય છે આ પરીક્ષાઓમાં જે વિદ્યાર્થીઓ વધુ
ગુણાંક લાવે તે જ વિદ્યાર્થી આગળના ધોરણમાં જઈ શકે છે. એ પછી આવી અનેક પરીક્ષા પાસ કરે ત્યારે સ્નાતકની પદવી મેળવે છે.
સફળતાના સ્નાતક બનવા પણ માનવીએ કેટલાં જોખમ, દુ:ખો,
કષ્ટો, મુશ્કેલીઓ, પ્રતિકૂળ સંજોગો
જેવી પરીક્ષાઓ આપવી પડે છે. મનવાંછિત સફળતાનો રસાસ્વાદ માણે છે. હા, આવી પરીક્ષાઓથી ગભરાઈ જાય છે, એને પાસ કરવા પ્રયત્ન નથી કરતા એ ઉન્નતિના શિખરે પહોંચી
શકતા નથી, ઈચ્છિત સિદ્ધિ મેળવી શકતા નથી.
સફળતાનો માર્ગ ધીમે ધીમે તબક્કા વાર પાર કરવો પડે છે. સાઈકલ ચલાવતાં શીખનાર જાણે છે કે શીખતાં શીખતાં કેટલીયે વાર નીચે પડવું પડશે. તરવૈયા જાણે છે કે પાણીમાં પગ મૂક્યાં જ તરવૈયા બની જવાતું નથી. કોઈ વાર બીજા મુશ્કેલીઓ ઊભી કરે છે, કોઈ વાર અનાયાસે દૈવી પ્રકોપ દ્વારા મુશ્કેલીમાં મુકાવું પડે છે. કોઈક વાર માનવી પોતાની જ ભૂલનો ભોગ બને છે.
પોતાની બેદરકારી કે બીજાની ભૂલના કારણે પણ નિષ્ફળ જવાય છે. પોતાની ભૂલો સુધારવા પ્રયત્ન તો થાય છે, પણ જૂના અભ્યાસના કારણે ફરી વાર તે દોષ,ભૂલો ઊભરાઈ જાય છે અને તે કર્યું કારવ્યું ધૂળમાં મેળવી દે છે.
કેટલીયે વાર પ્રયત્ન કરતા રહેવા છતાં,જ્યારે આપણા સ્વભાવ કે અનુભવને સુધારવામાં નિષ્ફળ જઈએ છીએ
ત્યારે ઘણી નિરાશા વ્યાપી જાય છે અને સાવ નિરાશ થઈને પ્રયત્નો છોડી દઈએ છીએ.
આપણો સ્વભાવ સુધારવા, બદલવા પૂરી શક્તિથી પ્રયત્ન તો કરવો
જોઈએ, પણ એવી આશા ન રાખવી
જોઈએ કે બે-ચાર દિવસમાં જ સંપૂર્ણ સુધરી જઈશું. સ્વભાવ ધીમે ધીમે અને લાંબા ગાળે બદલાય છે.
કોઈ ખરાબ સ્વભાવ દૂર કરવા અને એકાદ સારો ગુણ ગ્રહણ કરવા માટે ઘણા સમય સુધી ધીરજ સાથે પ્રયત્ન કરવો પડે છે.. દોરડું વારંવાર પથ્થર પર ઘસાય છે અને પથ્થર જેવા કઠણ પદાર્થ પર પણ કાપા પાડી દે છે તો પછી આપણા દોષ-દુર્ગુણો આપણે બદલી ન શકીએ એ
કેમ બને ?
‘મારાથી રોજ ભૂલો થાય છે અને શિક્ષક રોજ મને શિક્ષા કરે છે’ એવું માની કોઈ વિદ્યાર્થી ભણવાનું છોડી દેતો નથી.ભૂલો કરતાં કરતાં પણ વિદ્યાર્થી ભણવાનું સતત ચાલુ જ રાખે છે, ભૂલો સુધારે છે અને સફળતા મેળવે છે. પરીક્ષામાં કોઈ વિદ્યાર્થીને જ્યારે એંસી ટકા ગુણ મળે છે એની સાથે અનહદ આનંદ મેળવે છે, પ્રથમ નંબર મળે છે અને બધા તેની ભરપૂર પ્રશંસા કરે છે.
બીજી તરફ, 35 ટકા ગુણ મેળવનારને કે ક્યાંક પ0 ટકા ગુણ કે ક્યાંક 60 ટકા ગુણ મેળવનારને પાસ સમજવામાં આવે છે.એને પણ શાબાશી મળે છે. નાનાં બાળકો નિષ્ફળતાથી ડરતા નથી, ના હિંમત થતાં નથી. એ અધીરાં થતાં નથી કે હાર પણ કબૂલતાં નથી. આને બદલે નાની નાની નિષ્ફળતાઓની અવગણના કરી, તેમાંથી બોધપાઠ લઈ કાર્યક્રમ ચાલુ રાખે છે અને છેવટે સફળતા મેળવે છે.
આપણે આવા વિદ્યાર્થીઓ પાસેથી શીખવું જોઈએ.