અભ્યુત્થાનમ્ અધર્મસ્ય
પ્રશ્ર્ન એ થાય કે પ્રભુ અધર્મની સ્થાપના જ કેમ થવા દે છે કે જેથી તેના નિરાકરણ માટે પ્રયત્નો કરવા પડે. જો તે ઈશ્ર્વર સર્વ શક્તિમાન હોય તો તે અસત્ય-હિંસા જેવી અધાર્મિક બાબતોની શરૂઆત જ કેમ થવા દે છે. શું તે સર્વજ્ઞ ઈશ્ર્વર આવી બાબતોથી થનાર વિશ્ર્વના નુકસાન બાબતે જ્ઞાત નથી. આ પ્રશ્ર્ન ઘણાને થતો હશે કે જો તેની ઈચ્છા વગર પાંદડું પણ હલતું ન હોય તો દુર્યોધન કે રાવણ જેવી વ્યક્તિ આવી અનીતિનાં કાર્યો કરી જ કેવી રીતે શકે.
પ્રશ્ર્ન ગંભીર છે પણ તેનો જવાબ સરળ છે. માનવી માટે બંને પ્રકારની સંભાવનાઓ છે. તે દેવ પણ બની શકે અને દાનવ પણ. તે અધર્મના રસ્તે પણ જઈ શકે અને ધર્મ માટે એક ઉદાહરણ પણ સ્થાપી શકે. માનવી સૃષ્ટિના ઉચ્ચતમ સ્તરને પણ પ્રાપ્ત કરી શકે અને ન્યૂનતમ ઊંડાણમાં પણ ગરકી શકે. આ બંને સંભાવનાઓ માટેના દ્વાર પ્રભુએ ખુલ્લા રાખ્યા છે. કાં તો આ બંને દ્વાર ખુલ્લા હોય કાં તો એ બંને દ્વાર બંધ હોય. સૃષ્ટિના નિયમો પ્રમાણે બેમાંથી એકનું બંધ હોવું કે ખુલ્લું હોવું શક્ય નથી.
જ્યારે માનવીને સ્વતંત્રતા આપવામાં આવે ત્યારે તે હકારાત્મક નિર્ણયો પણ લઈ શકે અને નકારાત્મક પણ. આ બંને સંભાવનાઓના અભાવમાં માનવી કોઈપણ નિર્ણય ન લઈ શકે અને જ્યાં છે ત્યાં – જેમ છે તેમ કાયમ રહે. માનવીને સામાન્ય તરણકુંડમાં પણ મૂકવામાં આવે તો તે તરીને પાર પણ ઊતરી શકે અને ડૂબી પણ જાય. જો તેનામાં તરવાનું કૌશલ્ય ઊભું કરવાનું હોય તો તેને તરણકુંડમાં ઉતારવો જ પડે અને તેના ડૂબવાનું જોખમ લેવું જ પડે. આ સંસાર પણ એક વિશાળ તરણકુંડ જ છે – અહીં કાં તો તરી જવાનું છે કાં તો ડૂબી જવાનું છે. પ્રભુએ આપણને ક્ષમતા આપી છે અને તક પણ. પણ જો તરવાને બદલે આપણે ડૂબવા માંડીએ તો સંસારની અન્ય વ્યક્તિઓને તકલીફ ન પડે તે માટે આ ડૂબવાની પ્રક્રિયા સામે પ્રભુ અધર્મના ખંડન માટે સદાય તત્પર હોય છે અને દેહધારી બની આપણી વચ્ચે ઉપસ્થિત થાય છે. સંભાવનાઓ આપ્યા પછી સમગ્રતામાં તકલીફો ઊભી ન થાય – વ્યક્તિ સમૂહ તરીને પાર જ ઊતરી શકે – તે માટે પ્રભુએ ખાસ ધ્યાન રાખ્યું છે અને તે પ્રમાણેનું વચન ગીતામાં આપ્યું છે.
માનવી સંસારના તે તરણકુંડમાં ડૂબી ન જાય અને તરતા શીખે તે માટે ગુરુ તો હાજર જ હોય છે – સંતજનો પણ મદદ માટે તૈયાર જ હોય છે – જો આપમેળે આગળ વધવું હોય તો તે માટેનું સાહિત્ય પણ પ્રાપ્ય છે. તો પછી માનવી તરણકુંડમાંથી તરીને બહાર આવે એ આશા સાથે તેને તરણકુંડમાં ઉતારવો જ પડે.
જ્યાં સ્વતંત્રતા છે ત્યાં તકલીફો પણ છે. જો બાળકને તેની ઈચ્છા પ્રમાણે આગળ વધવાની તક આપવામાં આવે તો તે મહાન વૈજ્ઞાનિક પણ બની શકે અને ગલીનો ગુંડો પણ. જો વૈજ્ઞાનિક બનવાની તક આપવી હોય તો ગુંડાની સંભાવના પણ સમજવી પડે. વૈજ્ઞાનિક બની જાય તો તો સારું જ છે પણ જો તે ગુંડો બને તો તેની સામે માનવ સમુદાયને રક્ષણ આપવાની વ્યવસ્થા ભગવાને કરી રાખી જ છે. આ વ્યવસ્થા એટલા માટે કરવી પડી છે કે તેનાથી વ્યક્તિને વૈજ્ઞાનિક બનવાની તક સાંપડે.
દરેક વ્યક્તિમાં પોતાના આત્માને પરમ આત્માના સ્તર સુધી લઈ જવાની સંભાવના હોય છે. આ સંભાવના ત્યારે જ શક્ય બને કે જ્યારે તે વ્યક્તિ પાસે ચોક્કસ પ્રકારની સ્વતંત્રતા હોય. આમ પણ પરમાત્મા બધું જ નિયંત્રિત કરતો ન હોય એમ જણાય છે. દરેક અસ્તિત્વને તેણે ચોક્કસ પ્રકારની સ્વતંત્રતા આપી છે જેનાથી તે અસ્તિત્વ વિવિધ પ્રકારની સ્થિતિ પ્રાપ્ત કરી શકે. આવી સ્વતંત્રતાને કારણે જ દુર્યોધન પણ જન્મે છે અને યુધિષ્ઠિર પણ. યુધિષ્ઠિર સમાજમાં હકારાત્મક ભાગ ભજવે અને દુર્યોધન નકારાત્મક. સમાજમાં સમગ્રતામાં હકારાત્મકતા જળવાઈ રહે અને દ્રઢ થાય તે માટે ધર્મને લગતી બાબતોમાં પ્રભુ મદદરૂપ થાય અને જ્યાં અધર્મ હોય ત્યાં તેના વિસર્જન માટે પ્રયત્નો કરે. ઉદાહરણ સ્થાપવા માટે આવા પ્રયત્નો પાછળ પણ તેઓ દેહને ધારણ કરે.
સૃષ્ટિના સર્જન પાછળનો હેતુ શુભ હોય તે સ્વાભાવિક છે. સંસાર સમગ્રતામાં અને માનવી એકાકીમાં ઉચ્ચતમ શિખરો પ્રાપ્ત કરે તેવો હેતુ જ શુભ ગણાય. આવા હેતુની પ્રાપ્તિ માટે માનવી તથા સમાજની માટે ઘણી સંભાવનાઓ પ્રભુએ ખુલ્લી રાખી છે. ભટકેલો માનવી આવી સંભાવનાનો દૂરઉપયોગ કરતો જોવા મળે છે. આવા દૂરઉપયોગિતાની માત્રા અનિચ્છનીય સ્તરે વધી જાય અને તેનાથી અન્ય માટેની હકારાત્મક સંભાવનાઓ ઓછી થતી જણાય ત્યારે અલખ ધણીએ સંસાર રૂપી માળખામાં દાખલ થવું પડે છે. સર્જનની શુભાત્મકતા જળવાઈ રહે તે જરૂરી છે.
ધર્મને અનુસરતી વ્યક્તિને તકલીફ ન પડવી જોઈએ. સત્યનો આગ્રહ રાખતી વ્યક્તિની જિંદગી સરળતાથી પસાર થવી જોઈએ. અહિંસામાં માનનાર વ્યક્તિનું જીવન નિર્વિઘ્ને પસાર થવું જોઈએ. પ્રભુને સમર્પિત વ્યક્તિનો માર્ગ અડચણ વિનાનો હોવો જોઈએ. દયા તથા કરુણા દાખવનાર વ્યક્તિ ક્યારેય દુર્દશાનો ભોગ ન થવો જોઈએ. છતાં પણ આપણે જોઈએ છે કે આ બધું થતું હોય છે. આ બધી જ ઘટનાઓ અમુક માત્રાથી વધી જાય ત્યારે તેની નકારાત્મક અસર સમાજ વ્યવસ્થામાં ઘણા પ્રશ્ર્નો ઊભા કરે. ઉન્નતિ માટે આપેલી સ્વતંત્રતા – સંભાવના જો સામૂહિક અધોગતિનું નિમિત્ત બને તો પરમાત્માએ આ વ્યવસ્થામાં પોતાના શુભતાના હેતુને સિદ્ધ કરવા પ્રવેશ કરવો જ પડે. સ્વતંત્રતાનો હેતુ હકારાત્મક છે, પણ જો તેનું પરિણામ નકારાત્મક આવતું હોય તો ઈશ્ર્વર સ્વતંત્રતા પાછી નથી ખેંચી લેતો પણ નકારાત્મકતાને દાબી દે છે – સૃષ્ટિમાં પાર ઊતરવાની સંભાવનાઓના દ્વાર, તે છતાં પણ, ખુલ્લા રાખે છે. આ એક વરદાન છે.
-હેમુ -ભીખુ