વિશેષ -અનંત મામતોરા
સ્વાતંત્ર્ય સંગ્રામ દરમ્યાન ફિલ્મ ‘કિસ્મત’ એવા સમયે રજૂ થઇ હતી જ્યારે ભારત છોડો આંદોલન પૂરબહારમાં ચાલી રહ્યું હતું અને દેશના મોટા ભાગના રાષ્ટ્રવાદી નેતાઓ જેલના સળિયાની પાછળ હતાં. કવિ પ્રદીપે ખૂબ હોંશિયારી સાથે આ ફિલ્મ માટે ‘ આજ હિમાલય કી ચૌટી સે ફિર હમને લલકારા હૈ ’આ ગીતની લોકપ્રિય રચના કરી હતી. આ ગીતની શરૂઆત ‘ જર્મન હો યા જાપાની’ જેવા શબ્દ પ્રયોગ સાથે થઇ હતી-
‘શુરુ હુઆ હૈ જંગ તુમ્હારા જાગ ઊઠો હિન્દુસ્તાની,
તુમ ન કિસી કે આગે ઝુકના, જર્મન હો યા જાપાની’
આજ સભી કે લિયે હમારા યહી કૌમી નારા હૈ,
દૂર હટો એ દુનિયાવાલો હિન્દુસ્તાન હમારા હૈ.’
આ શરૂઆતથી જ બ્રિટિશ શાસકો છેતરાઇ ગયા હતા.
જહાં હમારા તાજમહલ હૈ, ઔર કુતુબમિનારા હૈ,
જહાં હમારે મંદિર, મસ્જિદ, શિખોંકા ગુરુદ્વારા હૈ,
ઇસ ધરતી પર કદમ બઢાના અત્યાચાર તુમ્હારા હૈ
દૂર હટો એ દુનિયાવાલો હિન્દુસ્તાન હમારા હૈ.
આ પંક્તિથી જ ભારતીય દર્શકો સમજી ગયા હતા કે અંગ્રેજોના વિરોધમાં અને ભારતીયોમાં દેશપ્રેમ જાગૃત કરવા જ આ પંક્તિઓ લખાઇ છે, એટલે જ તો તેઓ વારંવાર થિયેટરમાં આ ગીત ચલાવવાની માગણી કરતા હતા. દેશભરના સિનેમાઘરોમાં વન્સ મોર, વન્સ મોરનો અવાજ ગૂંજતો હતો. જનતાને સંતુષ્ટ કરવા આ ગીતને રીવાઇન્ડ કરીને વારંવાર સંભળાવવામાં પણ આવતું હતું. કિસ્મત ફિલ્મે એ સમયે બૉક્સ ઓફિસ પર એવો ઇતિહાસ રચી દીધો હતો કે એક થિયેટરમાં તો એ સાડાત્રણ વર્ષ સુધી ચાલી હતી. જોકે, બ્રિટિશ સરકારને જલદી પોતાની ભૂલનો ખ્યાલ આવી ગયો કે ગીતનો અસલી અર્થ તો કંઇક બીજો જ છે. તરત જ પ્રદીપની વિરુદ્ધ વોરંટ કાઢવામાં આવ્યું. ધરપકડથી બચવા પ્રદીપે ભૂમિગત થવું પડ્યું. આ ગીતનો ઉલ્લેખ કરતા પંડિત જવાહરલાલ નેહરુએ પોતાના સંસ્મરણોમાં લખ્યું છે કે,‘ પ્રદીપજી દૂરદૃષ્ટા હતા. તેમણે ચિત્રપટની ક્ષમતા જોઇને તેનો ઉપયોગ એક સશક્ત માધ્યમ તરીકે કર્યો.’
પ્રદીપે એક સમય પર પંડિતજીને એવું કહ્યું હતું કે,‘ દેશભક્તિના ગીત લખવા એ મારી બીમારી છે, હું આ બીમારીથી ગ્રસ્ત છું. એટલે જ એમાં કોઇ નવાઇ નથી કે આઝાદી પછી પણ પૂરા જોશ સાથે પ્રદીપજીએ દેશભક્તિના ગીતોની રચના કરી હતા. ફિલ્મ જાગૃતિમાં તેમણે મહાત્મા ગાંધીજીના સન્માનમાં આ ગીત લખ્યું હતું- દે દી હમે આઝાદી બિના ખડગ, બિના ઢાલ, સાબરમતી કે સંત તૂને કર દિયા કમાલ! એ જ રીતે નેહરુજીના સન્માનમાં તેમનું આ ગીત ‘હમ લાયેં હૈ હૈ તૂફાન સે કશ્તી નિકાલ કે, ઇસ દેશ કો રખના મેરે બચ્ચો સંભાલ કે!’ આજે પણ બાળદિન (૧૪મી નવેમ્બર)ના દિવસે વિશેષરૂપે ગાવામાં આવે છે.
એક રસ પડે એવી વાત એ છે કે ફિલ્મ ‘જાગૃતિ’ ને ૧૯૫૬માં રફીક રિઝવીએ પાકિસ્તાનમાં ‘બેદારી ’ ના નામથી બનાવી અને પ્રદીપના ગીતોમાં બેશરમીથી પાકિસ્તાની પ્રતીકો ખોસી દીધા. જેમ કે, પ્રદીપનું ગીત હતું કે ‘ આઓ બચ્ચો તુમ્હે દિખાયેં ઝાંકી, હિન્દુસ્તાન કી ’ તેની જગ્યાએ આઓ બચ્ચો સૈર કરાયે તુમ કો પાકિસ્તાન કી ’ કરી નાખ્યું હતું. રામચંદ્ર નારાયણજી દ્વિવેદીના રૂપમાં પ્રદીપનો જન્મ ૧૯૧૫માં ઉજ્જૈન નજીક બાદનગરમાં એક મધ્યમવર્ગીય ઔદિચ્ચ બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. પ્રદીપને તેના વિદ્યાર્થીકાળમાં જ કવિતા રચવાનો શોખ હતો જેમાં એ સમયે અધિક નિખાર આવ્યો જ્યારે લખનઊ યુનિવર્સિટીમાં સ્નાતકની ડિગ્રી માટે અધ્યયન કરી રહ્યા હતા અને પ્રખ્યાત કવિ બાલભદ્ર પ્રસાદ દીક્ષિતના મોટા દિકરા ગિરિજાશંકર દીક્ષિતના સંપર્કમાં આવ્યા, જે સ્વયં એક સારા કવિ હતા. પ્રદીપ શિક્ષક બનવાનો પ્રયાસ કરી રહ્યા હતા કે ૧૯૩૯માં મુંબઇમાં એક કવિસંમેલનમાં આમંત્રિત કરવામાં આવ્યા હતા, જ્યાં બૉમ્બે ટૉકિઝના હિમાંશુ રાયે તેમને સાંભળ્યા અને પોતાની ફિલમમાં ગીત લખવા આમંત્રણ આપ્યું. પરિણામે પ્રદીપ બૉલીવૂડના ગીતકાર બની ગયા. મુંબઇમાં રહી ગયા અને દેશભક્તિના રંગે રંગાયેલા તેમના ગીત સ્વતંત્રતા આંદોલન દરમ્યાન વિશેષરૂપે વધુ પસંદ થવા લાગ્યા.
એક રસપ્રદ હનાવ ૧૯૬૨ના ભારત-ચીન યુદ્ધ સાથે જોડાયેલો છે. પ્રદીપ પરમવીર મેજર શૈતાનસિંહ ભાટી વિશે સાંભળ્યું હતું. એ તેમની કુરબાની અને બહાદુરીથી એટલા પ્રભાવિત થયા કે ‘એ મેરે વતન કે લોગો ’ ગીતની રતના કરી બેઠા, જે દેશનું સૌથી મહાન દેશભક્તિ ગીત બન્યું. આ ગીત લખવા બદલ ભારત સરકારે પ્રદીપજીને રાષ્ટ્રકવિ જાહેર કર્યા. પ્રદીપની ઇચ્છા હતી કે આ ગીતને લતા મંગેશકર ગાય, પણ એ સમયે સંગીતકાર રામચંદ્ર અને લત્તા વચ્ચે બોલચાલ બંધ હતો એટલે રામચંદ્ર આશા ભોંસલે પાલે આ ગીત ગવડાવવા માગતા હતા. પ્રદીપને લાગતું હતું કે આ ગીતને લત્તા મંગેશકર સિવાય કોઇ ન્યાય નહીં આપી શકે.એ લત્તા માટે જિદ પર અડી બેઠા. આખરે થાકીને રામચંદ્રે પ્રદીપને કહ્યું કે જો તેઓ લત્તાને આ ગીત ગાવા મનાવી લે તો મને કોઇ આપત્તિ નથી. પ્રદીપલ લત્તા પાસે ગયા અને કહ્યું કે તે રામચંદ્રના નામ પર ભડકે નહી, આ ગીત સાંભળી લે. ગીત સાંભળતા જ લત્તાની આંખમાંથી આંસુ વહેવા લાગ્યા. એ ગીત ગાવા માટે તૈયાર થઇ ગઇ, પરંતુ એક શરત પર કે રિહર્સલ અને રેકોર્ડિંગ સમય પર પ્રદીપ હાજર રહેશે. આમ આ અદ્ભુત ગીત તૈયાર થયું જેને ૧૯૬૩ના પ્રજાસત્તાક દિને નેહરુજી સમક્ષ ગાવામાં આવ્યું અને એ પણ આ ગીત સાંભળીને રોઇ પડ્યા હતા. પ્રદીપજીએ એક વાર કહ્યું હતું કે, ‘તમને કોઇ દેશભક્ત બનાવી નથી શકતું, આ લાગણી તો તમારા લોહીમાં હોય છે, જે તમને દેશની સેવા કરવા માટે પ્રેરણા આપે છે અને આપને કંઇક અલગ બનાવે છે.’
આ વખતે સ્વાતંત્ર્ય દિવસે પ્રદીપજીને યાદ કરીને તેમના ગીતો સાંભળીવે સાચી શ્રદ્ધાંજલિ આપીએ.