સ્ત્રીનું જીવન સ્નેહ, સહનશીલતા, ત્યાગ અને બલિદાનનું મહાકાવ્ય છે

મગજ મંથન -વિઠ્ઠલ વઘાસિયા
‘स्त्री पुरुष की गुलाम नही,सहधर्मिणी,अर्धांगिनी और मित्र है ।’
महात्मा गांधी
સંસાર એક રંગમંચ છે. તેના પર અભિનય કરવાવાળા પાત્ર સ્ત્રી અને પુરુષ બંને છે. દેશના નિર્માણમાં પુરુષોની સાથે સ્ત્રીઓનું પણ મહત્ત્વપૂર્ણ યોગદાન રહ્યું છે. ભારતીય સમાજમાં નારીઓની પૂજા વિભિન્ન રીતે થતી આવી છે. પ્રાચીન ભારતનો ઈતિહાસ નારીઓની ગૌરવગાથાથી ભરેલો છે. ભારતીય જીવનમાં અને વેદોના ચિંતનમાં સ્ત્રી પુરુષની ભૂમિકા એકરૂપ માનવામાં આવી છે. યોગ અને યજ્ઞમાં સ્ત્રી પુરુષનું સ્થાન એક સમાન રહેવા પામ્યું છે. અહલ્યા, અરુંધતી, સાવિત્રી, રાણી લક્ષ્મીબાઈની વીરતા તો વળી બુદ્ધ વિચારને સમાજમાં લઈ જનાર ગૌતમી, યશોધરા અને જીજાબાઈનું યોગદાન ઈશ્ર્વર દ્વારા સ્ત્રીઓને અપાયેલ વિશેષ સ્થાન ગણી શકાય. આ અર્થમાં નારીને અબળા કે નિર્બળા નહીં, પરંતુ વિશેષ બળવાળી સબળા કહી શકાય.
એટલે જ મનુસ્મૃતિમાં કહેવાયું છે કે –
‘यत्र नार्यस्तु पूज्यंते,तत्र रमंते देवता:।’
અર્થાત્ ‘જયાં નારીની પૂજા થાય છે, ત્યાં દેવતાઓ પણ નિવાસ કરે છે.’
સોમવારે જ શક્તિ અને ભક્તિનું પર્વ નવરાત્રિનું સમાપન થયું. શ્રી દુર્ગાસપ્તશતીના તંત્રોક્ત
દેવીસૂક્તમ્માં સ્તુતિ છે કે,
या देवी सर्वभूतेषु शक्ति रूपेण संस्थिता,
नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नमः।
या देवी सर्वभूतेषु लक्ष्मी रूपेण संस्थिता,
नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नमः।
या देवी सर्वभूतेषु बुद्धि रूपेण संस्थिता,
नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नमः।
આ જગત ત્રણ વસ્તુથી ચાલે છે: શક્તિ અર્થાત્ તાકાતથી, લક્ષ્મી અર્થાત્ ધનથી અને બુદ્ધિ અર્થાત્ જ્ઞાનથી. (Muscles power,Money power and Mind power.)
આ ત્રણેય વસ્તુઓની અધિષ્ઠાત્રી દેવી અનુક્રમે મા દુર્ગા, મા લક્ષ્મી અને મા સરસ્વતી છે.
નારીને શક્તિનું સ્વરૂપ ગણવામાં આવી છે, ત્યારે આ ત્રણેય દેવીઓનું સ્વરૂપ નારી જ છે. આ અર્થમાં આ જગત નારી થકી ચાલે છે એમ કહીએ તો વધુ પડતું નથી.
જે સમાજમાં નારીનું સ્થાન સન્માનજનક હોય છે, તે સમાજ ખૂબ જ પ્રગતિ કરે છે અને વિકસિત થાય છે. પરિવાર અને સમાજના નિર્માણમાં નારીનું સ્થાન મહત્ત્વપૂર્ણ રહેવા પામ્યું છે. જો સમાજ સશક્ત અને વિકસિત હોય તો રાષ્ટ્ર પણ મજબૂત બને છે. આ પ્રકારે રાષ્ટ્ર નિર્માણમાં પણ નારીઓ કેન્દ્રીય ભૂમિકા ભજવે છે.
જ્હોન હર્બર્ટના મતે, ‘આદર્શ માતા સો શિક્ષકોની ગરજ સારે છે.’ માટે જ દરેક પરિસ્થિતિમાં તેનું સન્માન થવું જ જોઈએ. મહાત્મા ગાંધીજીએ કહ્યું છે કે, સ્ત્રી પુરુષ કી ગુલામ નહીં, સહધર્મિણી, અર્ધાંગિની ઔર મિત્ર હૈ. ખરેખર સ્ત્રીનું જીવન સ્નેહ, સહનશીલતા, ત્યાગ અને બલિદાનનું મહાકાવ્ય છે.
આઝાદી પછી નારીની સ્થિતિમાં સુધાર લાવવા માટે ઘણા કાનૂની રીતે પ્રયત્નો કરવામાં આવ્યા, પરંતુ સામાજિક સ્તર પર જે સુધારો થવો જોઈએ તે થઈ શક્યો નહોતો. તેની પાછળનું મુખ્ય કારણ આપણી પુરુષપ્રધાન માનસિકતા છે. જેને આપણે બદલી શક્યા નહીં. સમાજનો રવૈયો સ્ત્રી પ્રત્યે ખૂબ જ નીચી કક્ષાનો રહ્યો છે. જેને કારણે વૈદિકકાળમાં સ્ત્રીઓનું સ્થાન જે ઉચ્ચ કક્ષાએ હતું, તેના માટે આજે ભારત સરકારને નારી સશક્તિકરણ પર વિચારવાની આવશ્યકતા ઊભી થઈ.
નારી સશક્તિકરણનો અર્થ એટલે સ્ત્રીઓને ઘર-પરિવાર, સમાજમાં અને રાષ્ટ્રમાં પોતાની નૈસર્ગિક ક્ષમતા, સ્વતંત્રતા ઉપરાંત મુક્તિનો બોધ કરાવવો. નારીનું જીવન એટલું સશક્ત અને સક્ષમ બનાવવું કે તે પોતાના જીવનમાં વ્યક્તિગત તેમ જ સામાજિક નિર્ણય લેવા માટે હકદાર બને, પુરુષોની બરાબરી કરી શકે. સ્ત્રીઓને વૈધાનિક, રાજનૈતિક, શારીરિક, માનસિક, આર્થિક સામાજિક તેમ જ સાંસ્કૃતિક પૃષ્ઠભૂમિમાં સ્વાયત્તતા તેમ જ નિર્ણય લેવાનો અધિકાર પ્રદાન કરવો. સાચા અર્થમાં લોકતંત્ર ત્યારે જ સાર્થક થઈ શકે છે જ્યારે સ્ત્રી અને પુરુષ રાષ્ટ્રીય વિકાસનાં બધા જ ક્ષેત્રોમાં નિર્ણય લેવા માટે સ્વતંત્ર હોય.
નારી સશક્તિકરણમાં શિક્ષણ મુખ્ય ભૂમિકા ભજવે છે. દીકરીઓ અને મહિલાઓને ગુણવતા યુક્ત શિક્ષણ પૂરું પાડવાથી તેઓ પોતાનાં સપનાં અને આકાંક્ષાઓને આગળ વધારવા માટે જ્ઞાન, કૌશલ્ય અને આત્મવિશ્ર્વાસથી સજજ થઈ શકે છે. તેવી જ રીતે આર્થિક સશક્તિકરણ એ પણ નારી સશક્તિકરણનું મહત્ત્વનું પાસું છે. તેમાં મહિલાઓ માટે સમાન રોજગારની તક, વાજબી વેતન અને સંસાધનો તેમ જ નાણાકીય સેવાઓની જરૂરિયાત સુનિશ્ર્ચિત કરવાનો સમાવેશ થાય છે. જ્યારે મહિલાઓ આર્થિક રીતે સશક્ત બને છે, ત્યારે તેઓ પોતાની જાતને અને તેમના પરિવારને ટેકો આપી શકે છે. આર્થિક વિકાસમાં ફાળો આપી શકે છે. ગરીબીના ચક્રમાંથી મુક્ત થઈ શકે છે. આરોગ્ય પણ નારી સશક્તિકરણનું આવશ્યક ઘટક છે. મહિલાઓને પ્રજનન, સ્વાસ્થ્ય, માતૃત્વ સંભાળ અને કુટુંબ આયોજન સહિત ગુણવત્તાયુકત આરોગ્યસંભાળ સેવાઓની સુલભતા સુનિશ્ર્ચિત કરવાથી તેમની એકંદર સુખાકારીમાં સુધારો થાય છે. સશક્ત અને સ્વસ્થ મહિલાઓ સમાજમાં વધુ સારી રીતે ભાગ લઈ શકે છે અને તેમના સમુદાયોમાં યોગદાન આપી શકે છે.
વર્તમાન સમયમાં નારી સશક્તિકરણ માટે સરકાર દ્વારા ‘બેટી બચાવો-બેટી પઢાવો’ યોજના, સ્કીલ ઈન્ડિયા, પ્રધાનમંત્રી મુદ્રા યોજના, સ્ટાર્ટ અપ ઈન્ડિયા, સ્ટેન્ડ અપ ઈન્ડિયા, દીનદયાળ અંત્યોદય યોજના, રાષ્ટ્રીય ગ્રામીણ જીવિકાપાર્જન યોજના, બાલિકા સુક્ધયા સમૃદ્ધિ યોજના જેવી અનેકવિધ કલ્યાણકારી યોજનાઓ અસ્તિત્વમાં છે. આ યોજનાઓ નારીઓની ક્ષમતાઓને ઓળખી તેમને રાષ્ટ્રના વિકાસ અને સ્વાવલંબનના માર્ગે આત્મનિર્ભર બનાવવા માટે અનેક માર્ગો મોકળા કરી રહી છે.નારીસશક્તિકરણની દિશામાં ઘણો સુધારો થયો છે. છતાં હજુ ઘણું બધું કરવાનું બાકી છે. દેશના છેવાડાની સ્ત્રીને પણ શિક્ષિત કરી જાગૃતતા પ્રદાન કરીને તેમને આર્થિક, સામાજિક, રાજનૈતિક અને સાંસ્કૃતિક દ્રષ્ટિએ સન્માનજનક સ્થિતિ સુધી લાવવા પ્રયત્ન કરી શકાય તેવા વાતાવરણનું નિર્માણ કરવાનું છે. સ્ત્રીઓને ઘરના ઉંબરેથી અંતરીક્ષ સુધી પહોંચી શકે તે માટેની તકોનું નિર્માણ કરી તેમને સ્વાવલંબી બનાવવાની છે. આ માટે સ્ત્રીઓએ પણ જાગૃત થઈને પોતાની જાતને સશક્ત બનાવવા કમર કસવી પડશે.
આ માટે થઈને દેશના યશસ્વી વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ૨૭ વર્ષથી અદ્ધરતાલ લટકી રહેલા મહિલા અનામત બિલને સંસદમાં પસાર કરીને એક ઈતિહાસ રચ્યો છે. જેને ‘નારી શક્તિ વંદન અધિનિયમ-૨૦૨૩’ નામ આપ્યું છે. આ નવા અધિનિયમથી ધારાસભા અને લોકસભામાં મહિલાઓનું પ્રતિનિધિત્વ ૩૩ ટકા જેવું થશે. આ એક ક્રાંતિકારી પગલું ગણી શકાય. આ અધિનિયમ દેશના
લોકતંત્રને વધુ મજબૂત કરશે. લોકતંત્રની તાકાત બમણી થઈ જશે. દેશના વિકાસ માટે વધુ અને વધુ
મહિલાઓએ રાજકારણમાં જોડાવું જોઈએ. આ અધિનિયમ લાગુ થવાથી મહિલાઓને પોતાનો અવાજ બુલંદ કરવા પૂરતી તક મળી રહેશે. તાજેતરમાં સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ જેવી કે ગ્રામ પંચાયત, નગરપાલિકા અને કોર્પોરેશનમાં નિમાયેલા નવા હોદ્દાઓ પર મોટા ભાગે
મહિલાઓને સરપંચ, પ્રમુખ, મેયર કે અલગ-અલગ સમિતિઓના ચેરમેન તરીકેની તક આપવામાં આવી છે. આ એક પ્રશંસનીય પગલું છે. સાથે સાથે એક વાતનો ખટકો પણ રહે છે કે મહિલા પ્રતિનિધિઓનો હોદ્દો ઘણી વખત માત્ર નામ પૂરતો જ હોય છે. વાસ્તવમાં તેમના હોદ્દાનો વહીવટ તેમના પતિ અથવા તો પરિવારના કોઈ પણ સભ્ય ચલાવતા હોય છે. આવું ઘણી જગ્યાએ જોવા મળે છે. પુરુષપ્રધાન સમાજમાં જાતિ ભેદની પ્રવૃત્તિઓ હંમેશાં નારી શક્તિના વિકાસમાં આડે આવી રહી છે. કાનૂની રીતે જ્યારે મહિલાઓને આવા વિશેષ અધિકારો આપવામાં આવી રહ્યા છે, ત્યારે પુરુષપ્રધાન માનસિકતામાંથી બહાર આવીને મહિલાઓને પોતાના હોદ્દાને સંલગ્ન નિર્ણયો સ્વતંત્ર રીતે લઈ શકવાની છૂટ આપવાનો સમય પાકી ગયો છે. અધિનિયમની સાર્થકતા ત્યારે જ ગણાશે જ્યારે મહિલાઓના અધિકારની આડેથી પુરુષ હટી જશે.
तौहीन ना कर औरत की,इसके बल पर जग चलता हैं,
मर्द भी पैदा हो कर,इन्हीं की गोद मे पलता हैं !
◾