૩૫ વર્ષમાં ૨૮૨૯ ફિલ્મનો અનોખો વિક્રમ
વિશેષ – મનીષા પી. શાહ
ઑસ્કાર ઍવોર્ડસ હોય કે નૅશનલ ફિલ્મ ઍવોર્ડસ, અમિતાભ બચ્ચન હોય કે શાહરૂખ ખાન, એસ. એસ. રાજામૌલી હોય કે સંજય લીલા ભણસાળી, બૉક્સ ઑફિસ પર ટંકશાળ હોય કે વિવેચકોની પ્રશંસા-વર્ષા આ બધામાં એક નામ સામાન્ય મળે. જયંતીલાલ વીરશીભાઇ ગડા. ફિલ્મ ઉદ્યોગમાં પેઝ (પોપ્યુલર એન્ટરટેઇન્મેન્ટ નેટવર્ક)વાળા જયંતીભાઇ તરીકે લોકપ્રિય.
૨૩મી ડિસેમ્બરે રિલીઝ થનારી રાજકુમાર હિરાણી અને શાહરૂખ ખાનની ‘ડંકી’ સાથે જયંતીભાઇ એક અનોખો વિક્રમ નોંધાવશે. મૂળ કચ્છના વાગડ પ્રાંતના લાકડિયા ગામના જયંતીભાઇ સાડા ત્રણ દાયકાની બૉલીવૂડની કારકિર્દીમા ૨૮૨૯મી ફિલ્મ સાથે સંકળાશે. હાજી, આપે બરાબર વાંચ્યું: બે હજાર આઠસો ઓગણત્રીસમી ફિલ્મ! ઘણાં તો ટીવી સિરિયલના આટલા એપિસોડ કરીનેય ધન્યતા અનુભવે પણ આવી સિદ્ધિથી પોરસાય કે રોકાય એ આ કચ્છી માડુ નહીં. પણ ઘણાં વિચારમાં પડી જશે. ૩૫ વર્ષમાં ૨૮૨૯ ફિલ્મ? થોડા ઊંડાણપૂર્વક સમજીએ. ૩૫ વર્ષમાં ૨૮૨૯ ફિલ્મ એટલે વર્ષની ૮૦-૮૧ ફિલ્મ અને મહિનાની છ-સાત ફિલ્મ. યે બાત કુછ હજમ નહીં હુયી એવું જ કહેવું છે ને? તો જુઓ કોઇ પ્રોડકશન હાઉસની એક સાથે ૧૨ ફિલ્મના દૂરદર્શન પર પ્રસારણના રાઇટ ખરીદે. કોઇ નિર્માતાની છ ફિલ્મના મ્યુઝિક રાઇટ લઇ લે. વળી કોઇ નિર્માતાની એક સાથે ડઝન ફિલ્મના સેટેલાઇટ રાઇટના એગ્રીમેન્ટ પર સહી-સિક્કા કરી લે. કોઇ ફિલ્મના પ્રેઝન્ટર કે વિતરક કે પ્રદર્શક બની જાય. અમુક ફિલ્મોનું નિર્માણ કરે. આમેય ભારતમાં એક સમયે સૌથી મોટી મ્યુઝિક અને ફિલ્મ લાઇબ્રેરી જયંતીભાઇની જ હતી. હવે શીરાની જેમ ગળે ઊતરી ગયો ને આ વિક્રમી આંકડો? ગુડ, વેરી ગુડ.
લાકડિયામાં જન્મ, ઘાટકોપરમાં સ્કૂલ, અને કુર્લામાં બાપાની કરિયાણાની દુકાનમાં બેસવાથી લઇને આજે બૉલીવૂડના મોટા મોટા માંધાતા કે કોર્પોરેટ પ્રોડકશન હાઉસ જે કરી શકયા નથી, એ સિદ્ધિ જયંતીલાલ ગડા મેળવવાના છે. પરંપરાગત શિક્ષણ ભલે ઝાઝું ન મેળવ્યું. પણ ભલભલા એમબીએને શરમાવે એવી બિઝનેસ સેન્સ ધરાવતા જયંતીભાઇને વિદેશી યુનિવર્સિટીએ ડૉક્ટરેટથી નવાજયા છે.
જયંતીભાઇને જુઓ તો લાગે જ નહીં કે એ બૉલીવૂડના માણસ છે દેખાવ, વાતચીત અને વર્તનમાં એકદમ નોર્મલ, અને એટલા જ સરળ. એકદમ ગ્રાઉન્ડેડ વ્યક્તિત્વ. એમની વ્યાપારી કોઠાસૂઝની લાંબીલચક વાતો થઇ શકે પણ માત્ર વર્ષ ૨૦૨૩માં તેમણે કેટકેટલું મેળવ્યું. સિદ્ધ કરી બતાવ્યું એ જુઓ. ‘આરઆર,’ ‘ગંગુબાઇ કાઠિયાવાડી’, ‘જવાન’, ‘ડ્રીમગર્લ’ અને ‘સત્ય પ્રેમ કી કથા’ બાદ હવે ‘ડંકી’ કેવો ગજબનાક પરફોર્મન્સ અને ઉત્કૃષ્ટ દમામદાર દેખાવ.
ટેલિવિઝન, વીડિયો, સેટેલાઇટ ચેનલ અને ફિલ્મ જગતમાં જયંતીભાઇએ કરેલા પ્રયોગ અને મેળવેલી અસાધારણ સફળતા અનન્ય છે. તેઓ પાક્કા વેપારી. પોતાને ‘ટ્રેડર’ ગણાવે પણ જોખમ લેવામાં જરાય પાછા ન પડે. ફિલ્મનિર્માણ, પ્રદર્શન, વિતરણ, સેટેલાઇટ રાઇટ, ટીવી સિરિયલ નિર્માણ તેમણે પોતાની રીતે પોતાની શરતે કર્યું અને નવી દિશા કંડારી. એટલે જ ‘કહાની’ અને ‘ચેન્નાઇ એકસપ્રેસ’ જેવી યાદગાર સફળતામાં એમનો ફાળો છે.
દૂરદર્શન હોય, ટીવી હોય કે ઝી ટીવી, જયંતીભાઇની કુનેહના લેહરાતા ઝંડા બધે દેખાય. આ માડુએ મનોરંજનને શુદ્ધ અને નિર્ભેળ વેપાર તરીકે લીધું છે. પોતે સર્જનાત્મક હોવાનો એમને લેશમાત્ર ફાંકો નથી. પ્રોડકશન હાઉસ, દિગ્દર્શક અને બે-ત્રણ મુખ્ય કલાકારોના નામ પરથી તેઓ અંદાજ બાંધી શકે. જોકે આ પ્રોજેક્ટ ખર્ચના પ્રમાણમાં નફાદાયક બને કે નહીં. અને એમની મોટાભાગની ધારણાએ ખણખણતી સફળતા મેળવી છે. એટલે જ હિન્દી ઉપરાંત સાઉથની બ્લોકબસ્ટર અને ગુજરાતી ફિલ્મોમાં તેમણે સફળતા મેળવી છે. બૉલીવૂડમાં ઘણાં એમને સફળતાની ગેરન્ટી માને છે.
તેમણે કરેલા પ્રયોગો જુઓ. ઑલ ટાઇમ હિટ ‘શોલે’નું થ્રીડીમાં રૂપાંતર કર્યુ. બૉલીવુડના મોટા મોટા સ્ટારના અવાજ અને દેખાવ સાથે ‘મહાભારત’ શ્રેણી એનિમેશનમાં બનાવી દૂરદર્શન પર નવી ફિલ્મોના પ્રીમિયર યોજ્યા. એમની સતત નવું કરવા, નવું આપવા અને અલગ દિશા કંડારવાની કલ્પના, હિમ્મત અને કોઠાસૂઝ પ્રશંસનીય છે.
ભવિષ્યમાં ડૉ. જયંતીલાલ ગડા બૉલીવૂડની સૌથી મોટી ફિલ્મ બનાવે કે એનું વિતરણ કરે અથવા હૉલીવૂડમાં પગપેસારો ન કરે તો જ નવાઇ. આ તો આપણી ધારણા કલ્પના થઇ પણ તેઓ તો આનાથી ઘણું આગળનું વિચારી શકે, કરી શકે.
વ્યક્તિમાં આંતરસૂઝ, નિષ્ઠા, નિડરતા, ધગશ, મહેનત કરવાની ઇચ્છા હોય તો દફતરિયું શિક્ષણ અનિવાર્ય નથી, એ ડૉ. જયંતીલાલ વેરશી ગડા નામની બ્રાંડ નેમની સફળતાનું રહસ્ય છે. ‘ડંકી’ સાથે ૨૮૨૯ના આંકને આંબનારા જયંતીભાઇમાં હજી યુવાનોને શરમાવે એવી ગજબનાક સ્ફૂર્તિ છે, કલ્પના-શક્તિ છે અને જોખમ લેવાની હામ છે. છોગામાં આ બધામાં પરિવારનો સાથ છે.
જયંતીલાલ ગડા માટે કહી જ શકાય કે સ્કાય ઇઝ નોટ ધ લિમિટ.