ઈન્ટરવલ

અજબ ગજબની દુનિયા

હેન્રી શાસ્ત્રી

મરું નહીં પણ તને મારું

અજબ દુનિયાની ગજબ વાત જેવો આ કિસ્સો વાંચ્યા પછી તમે રાજી રાજી થઈ જશો અને ‘રામ રાખે તેને કોણ ચાખે’ એ કહેવતનું પણ સ્મરણ થઈ આવશે. ચાર્લ્સ ડાર્વિન સમજાવી ગયા છે કે ‘સર્વાઈવલ ઓફ ધ ફિટેસ્ટ’ (સક્ષમ હશે એ ટકી રહેશે), પણ દુનિયામાં દરેક વાતમાં અપવાદ હોય છે. આફ્રિકાના જંગલનો આ કિસ્સો એનું ઉત્તમ ઉદાહરણ છે. પર્યાવરણની જાળવણીના સિદ્ધાંત તરીકે લીલોતરી આરોગતા પ્રાણીનું ભક્ષણ માંસાહારી પ્રાણી કરે છે અને સંતુલન જળવાય છે. આ નિયમ અનુસાર એક જંગલી શ્ર્વાને ચારો ચરતા હરણનો શિકાર કરવા તરાપ મારી. દોડવામાં ચપળ અને સ્ફૂર્તિલા હરણે જીવ બચાવવા દોટ મૂકી. જોકે એક તબક્કે જંગલી શ્ર્વાન હરણને પકડવામાં સફળ રહ્યું અને એનો કોળિયો કરી જશે એમ લાગતું હતું ત્યાં જ… અને કોઠાસૂઝ કહો કે ઈશ્ર્વરી સંકેત કહો, હરણ ઘસડાતા ઘસડાતા નજીકના તળાવ સુધી શ્ર્વાનને ખેંચી લાવ્યું અને એમાં ધૂબકો માર્યો. શ્ર્વાનને તરતા નથી આવડતું અને પાણી ઊંડું હોવાને કારણે એ ડૂબી ગયો અને હરણ જીવ બચાવી તરીને કાંઠે આવી ગયું. હરણ શારીરિક રીતે શ્ર્વાન જેટલું મજબૂત નહોતું, પણ એનું દિમાગ વધુ તેજ સાબિત થયું. જિજીવિષા પ્રબળ એ આનું નામ.

બાકોરું પાડી ચાલવા લાગુ તો…

ગુજરાતી સાહિત્યમાં આદરણીય સ્થાન ધરાવતા મનોજ ખંડેરિયાની એક રચનાની પંક્તિઓ છે કે ‘મને સદભાગ્ય કે શબ્દો મળ્યા તારે નગર જાવા, ચરણ લઈ દોડવા બેસું તો વરસોનાં વરસ લાગે.’ ચીનની વિશ્ર્વ પ્રસિદ્ધ મોટી દીવાલ-ધ ગ્રેટ વોલ ઓફ ચાઈનાના સંદર્ભમાં આ પંક્તિઓનું સ્મરણ થયું. દેશની સુરક્ષા માટે તૈયાર કરવામાં આવેલી આ દીવાલ ખૂબ લાંબી (૮૮૫૦ કિલોમીટર) હોવાથી ક્યાંક એની ઊંચાઈ ૯ ફૂટ છે તો ક્યાંક ૩૫ ફૂટ છે. અભેદ્ય મનાતી આ દિવાલમાં બાકોરું પાડવા બદલ બે વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. વાત એમ છે કે બે યુવાન જે ક્ધસ્ટ્રક્શન સાઈટ પર નોકરી કરતા હતા ત્યાં પહોંચવા માટે બહુ લાંબો રસ્તો કાપવો પડતો હતો. એક કર્મચારીના ‘ફળદ્રુપ’ મગજમાં વિચાર આવ્યો કે જો દીવાલમાં ગાબડું પાડીએ તો કામના સ્થળે પહોંચવા માટે શોર્ટકટ મળી જાય. બાકોરું પાડી ચાલવા લાગું તો વહેલા વહેલા પહોંચી જવાય. બાકોરું પાડ્યું પણ બહુ જલદી છાપરે ચડી પોકાર્યું અને શોર્ટકટ લોન્ગ કટ સાબિત થયો છે. નોકરી તો ગઈ અને બંનેની ધરપકડ થઈ અને જેલના સળિયા પાછળ ધકેલાઈ ગયા છે.

શિક્ષણનો શિરપાવ, મહેનતનો મોં બદલો

સરકારી કર્મચારીની મથરાવટી જ મેલી હોય. પ્રામાણિકતા, સમયની શિસ્ત જેવા શબ્દો મોટાભાગના લોકોની ડિક્ષનરીમાં નથી હોતા. ગુજરાતી પ્રજા ખાવાની શોખીન એટલે એને જલદી સરકારી નોકરી મળી જાય એવું મજાકમાં કહેવાતું હોય છે. ટેબલ પરનું કામ પતાવી જે પગાર મળે એના કરતાં અનેકગણી રકમ ટેબલ નીચે મળતી હોવાના વજૂદવાળા આક્ષેપો વર્ષોથી થતા આવ્યા છે. આવક વન રૂમ કિચનની હોય પણ રહેઠાણ ૪ બેડરૂમના પોશ ફ્લેટમાં હોય એવા ઉદાહરણોની નવાઈ નથી. જોકે, નાગાલેન્ડના મુખ્ય પ્રધાનના ઓફિસર ઓન સ્પેશિયલ ડ્યુટી બી. નેલીઅયપ્પન આ વ્યાખ્યામાં ફિટ નથી બેસતો. સોશિયલ મીડિયા પર તેણે પોતાના જૂના અને નવા ઘરના ફોટોગ્રાફ્સ શેર કર્યા છે. સરકારી ઓફિસરે લખ્યું છે કે ‘હું ૩૦ વર્ષનો થયો ત્યાં સુધી સિંગલ રૂમના ભાંગ્યા તૂટ્યા ઘરમાં માતા-પિતા અને ૪ ભાંડુ સાથે રહેતો હતો. શિક્ષણ મેળવી, લગન અને ખૂબ મહેનત કરી આજે સફળતા મેળવી છે અને સપનામાં પણ નહોતું વિચાર્યું એવા સરસ મજાના ઘરમાં રહું છું.’ સરકારી કર્મચારી માટે ‘ભેગું કરવું’ અને આલીશાન ઘર લેવું એ તો ડાબા હાથનો ખેલ છે એ વિચાર તમારા મનમાં રમી રહ્યો હોય તો શ્રી નેલીઅયપ્પનનો ખુલાસો વાંચી લો કે ‘આ નવા ઘર માટે મેં લોન લીધી છે.’ સોશિયલ મીડિયા પર તેમની પર અભિનંદનની વર્ષા થઈ છે અને તેમના શિક્ષણ. નિષ્ઠા અને મહેનતને લોકોએ સલામ મારી છે.

અમારું ઘાસ ઝાપટી ગ્યા, પૈસા ભરો

યુક્રેન વિરુદ્ધ દોઢેક વર્ષથી યુદ્ધ જાહેર કરી વિશ્વના અનેક દેશો માટે સીધી કે આડકતરી રીતે સમસ્યા ઊભી કરનાર રશિયા એક વિચિત્ર ‘સમસ્યા’નો સામનો કરી રહ્યું છે અને એનું નિરાકરણ પણ વિચિત્ર રીતે લાવવાની કોશિશ કરવામાં આવી છે. રશિયા અને નોર્વે પાડોશી દેશ છે અને બંને વચ્ચેની સરહદ ૧૯૫ કિલોમીટર લાંબી છે. નોર્વેમાં હરણના અલગ સ્વરૂપ જેવા દેખાતા રેન્ડિયરની વસતી ખાસ્સી છે. દેશમાં સારો ચારો નહીં મળતો હોય એટલે ‘પેટ કરાવે વેઠ’ એ ન્યાયે સારા ઘાસચારાની ઈચ્છા કે લાલચે ૪૨ રેન્ડિયર સરહદ પાર કરી રશિયામાં ઘૂસી ગયા અને ત્યાંના રાષ્ટ્રીય ઉદ્યાનમાં જઈ લીલું લીલું ઘાસ આરોગી ગયા. રશિયન સત્તાધીશોને ખબર પડી અને તેમણે ફરિયાદ કરી કે ‘અમે તો ‘વિઝા’ આપ્યા નથી અને તમારા રેન્ડિયર તો અમારું ઘાસ ઝાપટી ગયા. એવું થોડું ચાલે?’ એવો સવાલ કરી ૪૪ લાખ ડોલર વળતર પેટે માગ્યા છે. રેન્ડિયર દીઠ એક લાખ ડોલર થયા. દંડની રકમ રેન્ડિયરોએ રશિયામાં કેટલા દિવસ વિતાવ્યા એને આધારે નક્કી કરવામાં આવી હતી. નોર્વે હવે સરહદ પર મોટી વાડ બાંધવા માગે છે જેથી રેન્ડિયરના પરદેશગમન પર નિયંત્રણ આવે. સૌથી ભયાનક વાત તો એ છે કે રેન્ડિયર ફરી ‘ઘૂસણખોરી’ ન કરે એ માટે પાછા ફરેલા ૪૨માંથી ૪૦ને વધેરી નાખવામાં આવ્યા છે. બોલતા માથું અફળાવે અને અબોલાનો જીવ જાય.

લ્યો કરો વાત!

ચોક્કસ સમયે પાળેલા શ્ર્વાનને ફેરવવા નીકળતા લોકો ‘ડોગ વોકર્સ’ તરીકે ઓળખાય છે. તાજેતરમાં એક અનોખો બનાવ બની ગયો તેમની સાથે. બન્યું એવું કે યુકેની લિંકનશાયર નામની કાઉન્ટીમાં સૂર્યોદય પછી આ ડોગ વોકર્સ ફરવા નીકળ્યા ત્યારે અનેક લોકોને જમીન પર પડેલા જોઈ તેમને પરસેવો વળી ગયો. નક્કી, આ માસ મર્ડર-સામૂહિક હત્યાનો કેસ છે એવું એ લોકો માની બેઠા. તરત પોલીસને ફોન લગાવ્યો કે ભાઈ, મારતી ગાડીએ પહોંચો. અહીં મોટા પાયે ગુનાખોરી થઈ છે. પોલીસ આવી અને જોયું કે કોઈની હત્યા નહોતી થઈ પણ લોકો આંખ મીંચીને પીઠસરસા યોગની પ્રેક્ટિસ કરી રહ્યા હતા. ઓત્તારી, પોલીસના મોઢામાંથી નીકળી ગયું અને એક મિનિટ, યોગના તાલીમાર્થીઓ કયું આસન કરતા હતા? શવાસન.

સ્વીટડિશનું ગળપણ, સ્વીટહાર્ટની કડવાશ
‘રવિવારે રસોડું બંધ’ એ હવે વણલખ્યો નિયમ બની ગયો છે. મુંબઈ જેવાં મહાનગરમાં જ નહીં, નાનાં શહેર કે નગરમાં પણ બહાર ખાવા માટે કીડિયારું ઉભરાય એની નવાઈ નથી રહી. સરસ મજાની રેસ્ટોરાં ગોતી ત્યાં વરાયટી આરોગવાની મજા અલગ જ હોય અને જો સર્વિસ સારી મળે તો ડિનરને ચાર ચાંદ લાગી જાય. બિલ ચૂકવાય ત્યારે વેઈટરને પણ ટીપ આપીને રાજી કરવામાં આવે. જોકે, સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક કિસ્સામાં તો ટીપ મેળવી મોઢું ખસિયાણું પડી ગયું હોવાની વાત છે. લગ્ન તિથિ ઉજવવા એક યુગલ એક સરસ મજાના રેસ્ટોરાંમાં ગયું હતું. સ્વીટ ડિશવાળા સ્વાદિષ્ટ ભોજન સાથે ડ્યુટી પર હાજર મહિલા વેઈટરે ખડે પગે અને મીઠી જબાનથી એવી સર્વિસ આપી કે હસબન્ડ ખુશ ખુશ થઈ ગયો, પણ વાઈફનો ચહેરો નારાજગીનો ચાડી ખાતો હતો. સારી ટીપ મળશે એવી વેઈટરને આશા હતી. જોકે, વાઈફ તરફથી મળેલી ટીપ જોઈ વેઈટરને તો ચક્કર જ આવી ગયા. ટીપમાં વાઈફે વેઈટરને બિલ પકડાવી એમાં લખ્યું હતું કે ‘મારા હસબન્ડને સ્વીટહાર્ટ કહેવાનું બંધ કર.’ વેઈટર તો હેબતાઈ ગઈ. બે મીઠા વેણ બોલીશ તો બક્ષિસ વધુ મળશે એ આશા પર પાણી ફરી વળ્યું. પેલી પત્નીએ તો એ બિલ સોશિયલ મીડિયા પર શેર કર્યું અને દાઝ્યા પર ડામ આપતી હોય એમ ‘આ પ્રકારની વેઈટરને આવી જ ટીપ અપાય’ એવું કેપ્શન પણ લખ્યું. વધુ પડતી મીઠાશ કડવાશ સાબિત થાય એ આનું નામ.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સપનામાં જોવા મળતી આ છ સફેદ વસ્તુઓ દેખાવી છે શુભ, સાંભળવા મળશે Good News Orryને ટક્કર આપવા અનંત-રાધિકાના લગ્નમાં પહોંચી આ ખાસ મહેમાન, Isha Ambaniએ કર્યું સ્વાગત… કાજુ, કિસમીસ અને બદામનો બાપ છે આ Fruit, ખાતા જ મળશે… Virat Kohliએ અહીં બનાવ્યું કરોડોનું આલિશાન ઘર, જોયા ઈનસાઈડ ફોટોઝ?