ઈન્ટરવલ

અજબ ગજબની દુનિયા

હેન્રી શાસ્ત્રી

ફેરા ફરો ને ઘોડિયું બંધાવો, પ્રેસિડેન્ટની પ્રાર્થના!

અનેક દેશ માટે સમસ્યા ઊભી કરવામાં માહેર ચીન હાલ કેટલીક સમસ્યાઓમાં ઘેરાયું છે. એક અબજ ૪૦ કરોડની વસતી ધરાવતો આ દેશ જન્મદરમાં ઘટાડો અને વૃદ્ધોની સંખ્યામાં વધારો જેવી તકલીફથી પીડાય છે. આ એવી સમસ્યા છે જે આર્થિક વૃદ્ધિમાં મોટો સ્પીડબ્રેકર સાબિત થઈ શકે છે. ચીનના પ્રેસિડેન્ટ શી જિનપિંગે બે હાથ જોડી સન્નારીઓને વિનવણી કરી છે કે ‘લગ્ન કરો અને સંતાનોને જન્મ આપો.’ એવી દલીલ થઈ શકે છે કે લિવ ઈન રિલેશનનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે ત્યારે બાળકને જન્મ આપવા લગ્ન કરવાની જરૂર શું છે? વાત એમ છે કે ચીનમાં બાળ ઉછેર અત્યંત ખર્ચાળ છે (પતિ – પત્ની નોકરી કરતા હોય તો બાળકને ઘોડિયાઘરમાં રાખવો જ પડે ને). કરિયરમાં આગળ વધવા ઈચ્છતી ચાઈનીઝ મહિલા ઘોડિયું બાંધવામાં ઉતાવળ નથી કરવા માગતી અથવા ટાળે છે. સિવાય અનેક મહિલા લગ્ન કરવાથી દૂર રહેવા માંગે છે. પરિણામે જન્મદર ઘટી ગયો છે, કારણ કે એકલી રહેતી મહિલા જો બાળકને જન્મ આપે તો ચીન સરકારની નીતિ એની તરફેણ નથી કરતી. પરિણામે જીવવું મુશ્કેલ બની જાય છે. પ્રેસિડેન્ટની પ્રાર્થના પ્રજા કેટલી ગંભીરતાથી લે છે એ તો આવનારા સમયમાં ઉંવા ઉંવા કેટલું સંભળાય છે એના પરથી જાણવા મળશે.

કાગડા બધે કાળા જ હોય

ઈટલી એટલે રોમનું કોલોઝિયમ, વેનિસની ગોન્ડોલા સહેલ, પીઝાનો ઢળતો મિનારો વગેરે વગેરે. સાંસ્કૃતિક સમૃદ્ધિ માટે પ્રખ્યાત ઈટલી રાજકારણના મુદ્દે ભાગ્યે જ છાપે ચડતું હોય છે. જોકે, તાજેતરમાં દેશના કૃષિ પ્રધાને એવી ‘ખેતી કરી’ કે કહેવાનું મન થઈ જાય જે કાગડા તો બધે કાળા જ હોય. રેલવે બોર્ડના એક સભ્યની અનુકૂળતા સાચવવા ચેન્નઈમાં હજારથી વધુ મુસાફરોએ દોડધામ કરી પ્લેટફોર્મ બદલાવની ભોગવેલી હાડમારીના સમાચારની શાહી હજી સુકાઈ નહોતી ત્યાં ભવ્ય ઈતિહાસ ધરાવતા રોમના રાજકારણીની રાજસત્તાના દુરુપયોગની બાતમી આવી છે. ૧૯૫૦-૬૦ના દાયકાની હોલિવૂડની ગ્લેમરસ એક્ટ્રેસ જીના લોલોબ્રિગિડાના પરિવારનો સભ્ય અને હાલના ઈટલીના ખૂબસૂરત વડાં પ્રધાન જિયોર્જિયા મેલોનીના બનેવી ફ્રાંસિસ્કો લોલોબ્રિગિડા (હાલના ઈટલીના કૃષિ પ્રધાન)એ હોદ્દાનો દુરુપયોગ કર્યો છે. બન્યું એવું કે મિસ્ટર લોલોબ્રિગિડા અને તેમનો કાફલો એ ઉદ્યાનનું ઉદ્ઘાટન કરવા જઈ રહ્યો હતો. સડક માર્ગે પહોંચવામાં સમસ્યા હોવાથી પ્રધાનશ્રીએ રસાલા સાથે ટ્રેન માર્ગે જવાનું નક્કી કર્યું. તમે કહેશો કે વાહ, આ તો પર્યાવરણનું રક્ષણ કર્યું. વાત દેખાય છે એટલી સરળ નથી. કાર્યક્રમ ઝપાટાભેર પતાવી દેવા પ્રધાનશ્રીએ હાઈ સ્પીડ ટ્રેનને જ્યાં ઊભી નહોતી રહેવાની એ સ્ટેશને ઊભી રખાવી. ટ્રેન આવી ત્યારે આમેય બે કલાક મોડી હતી. પછી શ્રીમાન લોલોબ્રિગિડા ઉદ્યાનનું ઉદ્ઘાટન સમયસર પતાવી શકે એ માટે ઊભી નહોતી રહેવાની એવા સ્ટેશન પર થોભાવી તેમણે જવાબદારી નિભાવી પણ એમાં કેટલા બિનજવાબદાર રહ્યા એની ચર્ચા થઈ રહી છે. વાત એ હદે વણસી ગઈ છે કે સાળીએ બનેવીને રાજીનામું આપવા તાકીદ કરી છે.

અલાસ્કામાં આસમાની આતંક
આપણે જેને બિલાડીના ટોપ તરીકે ઓળખીએ છીએ એ મશરૂમ વિદેશમાં અનેક લોકોની ફેવરિટ ફૂડ આઈટમ છે. એમાંય ‘મેજીક મશરૂમ’ તરીકે ઓળખાતી જાત મોજમાં આવવાના ડ્રગ તરીકે
પણ નામચીન હોવાનું માનવામાં આવે છે. તાજેતરમાં યુએસના અલાસ્કા રાજ્યમાં આ મશરૂમના સેવન હેઠળ હોવાનો દાવો કરનારા પાઇલટે અધ્ધર હવામાં લોકોના જીવ અધ્ધર
કરી દીધા હતા. ૪૪ વર્ષનો જોસેફ નામનો
પાયલટ વોશિંગ્ટનથી સાન ફ્રાન્સિસ્કો જતી ફ્લાઇટમાં વિમાનની કોકપીટમાં કર્મચારી મુસાફર માટેની અનામત સીટ પર બેઠો હતો. અચાનક જ આ પાઇલટે વિમાનના એન્જિન જ બંધ કરી દીધા અને બધાના જીવ તાળવે ચોંટી ગયા. જોકે, ડ્યુટી પરના પાયલટની સજાગતાથી વિમાની સફર હેમખેમ

પૂરી થઈ. હવાઈ કરતૂત માટે પાઇલટને કોર્ટના કઠેડામાં ઊભો કરવામાં આવ્યો જ્યાં પોતે ૪૦ કલાક ઊંઘી નહીં શક્યો હોવાનું તેમજ મેજીક મશરૂમનું સેવન કર્યું હોવાની કબૂલાત કરી હતી. એના પર હત્યા કરવાના પ્રયાસના ૮૩ આરોપ (પ્રવાસી દીઠ એક) મૂકવામાં આવ્યા છે. મેજીક ટ્રેજિક થતા રહી ગયું.

મૃત્યુ જીવી ગયું રે લોલ!

ઠાઠમાઠથી રહી, વૈભવ વિલાસ ભોગવી જીવન આલીશાન બનાવવા અનેક ધનપતિઓ મથામણ કરતા હોય છે. આવા લોકોનો તોટો નથી હોતો. જોકે, આ વસુંધરા પર એવાય લોકોના શ્ર્વાસ ધબકતા હોય છે, જેમનાં હૃદય અન્ય લોકોની ક્ષેમકુશળતા માટે કાયમ ધબકતા રહે છે. યુએસના ન્યૂયોર્ક શહેરની રહેવાસી ૩૮ વર્ષની કેસી મેકિનટાયર કેન્સરને કારણે મૃત્યુ પામી એના બે દિવસ પછી એના સોશિયલ મીડિયા પર એક પોસ્ટ વાંચી લોકોની આંખોમાં આભારવશ ઝળઝળિયાં આવી ગયાં. લાગણીથી નીતરતી પોસ્ટમાં કેસીએ લખ્યું હતું કે ‘મારા વ્હાલા મિત્રો જોગ: તમે આ વાંચી રહ્યા હશો ત્યારે હું પરલોક સિધાવી ગઈ હોઈશ. મને દરેક પાસેથી પારાવાર સ્નેહ મળ્યો છે. મારી એક વિનંતી છે કે તબીબી સારવાર કરાવતા જેમને માથે આર્થિક દેવું થઈ ગયું છે એમને બનતી આર્થિક સહાય કરી શકો તો સારું.’ લાગણીભીની આ પોસ્ટ વાંચી દયાભાવનું ઝરણું વહેવા લાગ્યું અને ચાર જ દિવસમાં બે લાખ ૨૦ હજાર ડોલર સહાય આવી ગઈ. આર્થિક અશક્તિ ધરાવતા લોકો માટે કેસી મેકિનટાયરનો પરિવાર આ ઝુંબેશ એક વેબસાઈટ દ્વારા ચલાવે છે જેનું નામ છે RIP Medical Debt: તબીબી સારવારના દેવાને દફનાવી દો. આ વેબસાઈટની મદદથી યુએસની ગરીબી રેખાથી પણ વધુ આર્થિક બદતર જીવન જીવતા અને તબીબી સારવારનું દેવું ધરાવતા લોકોને શોધી કાઢી તેમને મદદરૂપ થવાની કોશિશ કરવામાં આવશે. કેસીનું સદેહે અવસાન થયું, પણ ઉદાત્ત ભાવનાથી અનેક લોકોના હૃદયમાં કાયમ માટે વસી ગઈ છે.

લ્યો કરો વાત!
૧૯૯૬ સુધી યજમાન ટીમ ઓડીઆઈ વર્લ્ડ કપ ચેમ્પિયન બની શકી નહોતી. પહેલા ત્રણ વર્લ્ડ કપનું યજમાન ઈંગ્લેન્ડ હતું, પણ એકેય વાર ચેમ્પિયન નહીં. ૧૯૮૭ યજમાન ભારત – પાકિસ્તાન અને ચેમ્પિયન ઓસ્ટ્રેલિયા, ૧૯૯૨માં યજમાન ઓસ્ટ્રેલિયા – ન્યુઝીલેન્ડ અને ચેમ્પિયન પાકિસ્તાન. ૧૯૯૬માં ચેમ્પિયન બનેલી શ્રીલંકાની ટીમ સહ યજમાન હતી, પણ ફાઈનલ લંકામાં નહોતી રમાઈ. ત્યારબાદ ૧૯૯૯, ૨૦૦૩ અને ૨૦૦૭માં પણ યજમાન દેશને ચેમ્પિયન બનવામાં સફળતા નહોતી મળી. ૨૦૧૧ના વર્લ્ડ કપના યજમાન હતા ભારત અને બાંગ્લાદેશ – ભારત ચેમ્પિયન. ૨૦૧૫ ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડ યજમાન – ઓસ્ટ્રેલિયા ચેમ્પિયન, ૨૦૧૯ ઈંગ્લેન્ડ યજમાન – ઈંગ્લેન્ડ ચેમ્પિયન, પણ ૨૦૨૩માં આ સિલસિલો ચાલુ રાખવામાં યજમાન દેશ ભારત નિષ્ફળ રહ્યું.


ગળ્યો વિજય, મોળો આવકાર
આપણા દેશમાં ક્રિકેટની ઘેલછા જાણીતી છે. રોહિત શર્માની સિક્સર હોય અને કોહલી રમવા આવે ત્યારે સ્ટેડિયમ એવું ગુંજે કે પચાસ પચાસ કોસ દૂર જબ બચ્ચા જાગ જાતા હૈ તો માં કેહતી હૈ કે બેટા સો જા, યે તો ક્રિકેટ કી ગૂંજ હૈ. કોઈ આઉટ હોગા તો સન્નાટા છા જાએગા. ભારતીય ચેમ્પિયન બને તો આખો દેશ ઉત્સવ બનાવે અને હારે તો જનતા જનાર્દનના ચહેરા પર ગમગીની છવાઈ જાય. ઓસ્ટ્રેલિયામાં પણ ક્રિકેટ ખાસ્સું લોકપ્રિય છે, પણ એ દેશની નંબર વન રમત નથી. ઓસ્ટ્રેલિયન ફૂટબોલ લીગ અને રગ્બી વધારે લોકપ્રિય છે. ભારતને ફાઈનલમાં હરાવી ઓસ્ટ્રેલિયન કેપ્ટન પેટ કમિન્સ વર્લ્ડ કપ ટ્રોફી સાથે સિડની એરપોર્ટ પહોંચ્યો ત્યારે એને પોંખવા ધાડેધાડા હાજર નહોતા, બલકે ગણ્યાગાંઠ્યા લોકો જ હાજર હતા. ગળ્યા વિજયનો સાવ મોળો આવકાર. અલબત્ત કમિન્સને આ વાતની નવાઈ નહીં લાગી હોય, કારણ કે ક્રિકેટનો ક્રેઝ કયા ક્રમે આવે છે એની તેને જાણ છે. સોશિયલ મીડિયા પર કમિન્સનો વીડિયો વાયરલ થતા ‘ઓસ્ટ્રેલિયા માટે વિજયની નવાઈ નથી’ એવી કમેન્ટ પણ કોઈ કરી. એ વાતમાં દમ પણ છે, કારણ કે ઓસ્ટ્રેલિયાનો આ છઠ્ઠો વર્લ્ડ કપ વિજય છે. આ વાત શીખી – સમજી જીવનમાં ઉતારવા જેવી છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
એન્ટિલિયા જ નહીં પણ Mukesh Ambaniના આ પાંચ ઘર પણ છે શાનદાર, એક ઝલક જોશો તો… ન્યુટ્રિશનનું પાવર હાઉસ છે ચોમાસામાં મળતું આ નાનકડું લાલ ફળ… આ દેશોના મોહમાં Indian Citizenship કુર્બાન કરી રહ્યા છે ભારતીયો, ટોચ પર છે આ દેશ 1-2 નહીં પૂરા આટલા બાળકોની માતા છે આ Bollywood Actress