ઈન્ટરવલ

અજબ ગજબની દુનિયા

હેન્રી શાસ્ત્રી

સાત ફેરા માટે મંદિરના ફેરા

‘શાદી કે લિયે રઝામંદ કર લી, રઝામંદ કર લી, મૈંને એક લડકી પસંદ કર લી’ ગીત પર કર્ણાટકના મંડ્યા શહેરમાં જાણે કે પ્રતિબંધ આવી ગયો હોય એવો માહોલ છે. પ્રેમમાં પડવા ઉત્સુક પોયરાઓની કમી નથી, પણ વાત એમ છે કે પોયરીઓ પસંદ થવા જ તૈયાર નથી. પરિણામે થયું છે એવું કે ૩૦ – ૩૦ વર્ષના ઢાંઢા સપ્તપદીના ફેરા ફરવા મળે એ આશાએ મંદિરના ફેરા લગાવી રહ્યા છે. વાત એમ છે કે કોવિડની મહામારી પછી મંડ્યા શહેરના યુવાનો ગમે ત્યારે દરવાજો દેખાડી દે એવી પ્રાઈવેટ નોકરી છોડી ખેતીવાડી તરફ વળ્યા છે. બે પૈસા સારા કમાઈ લે છે, પણ ક્ધયાઓને હવે નાનકડા મંડ્યા શહેરમાં નથી રહેવું, એમને તો મૈસૂર જેવા મોટા શહેરમાં રહેવાનો ચસ્કો લાગ્યો છે. એટલે માતા પિતા ખેતી કરતા મુરતિયાના હાથમાં પોતાની ક્ધયાનો હાથ સોંપવા તૈયાર નથી. કુંવારાઓની સંખ્યામાં ખાસ્સો વધારો થયો છે. ક્ધયાની અછતની સમસ્યાથી સમાજ અને રાજ્ય સરકાર વાકેફ થાય અને કોઈ યોજના ઘડે એ માટે આ યુવકો સંઘ કાઢી ધર્મ સ્થાનક જઈ પ્રભુના દરબારમાં શીશ નમાવી રહ્યા છે જેથી નસીબ પલટાય અને જીવન સંગિની મળે. કોડભરી ક્ધયા તમે સાંભળ્યું હશે, મંડ્યામાં તો લગ્નના સપનાં જ આવતા બંધ થઈ ગયા છે એવા કોડભર્યા કુંવરોની લાઈન લાગી છે.

વિફરી તો વાઘણ, સમજી લે સાજણ!

એકવીસમી સદીમાં ઘણું ઉપર તળે થઈ રહ્યું છે. ‘દીકરી ને ગાય દોરે ત્યાં જાય’ કહેવત ’દીકરી ને ગાય ફાવે ત્યાં જાય’ બની ગઈ છે. ‘પતિ સમોવડી સ્ત્રી’ ઉપરાંત ‘સ્ત્રી સમોવડો પતિ’ એવું જોવા મળી રહ્યું છે. ક્રિકેટની પરિભાષામાં બેટ્સમેન શબ્દ ફગાવી બેટર શબ્દ વપરાઈ રહ્યો છે. હાઉસ વાઈફની જેમ હાઉસ હસબન્ડ પણ જોવા મળી રહ્યા છે. કોઈ કામ કે પ્રવૃત્તિ માત્ર પુરુષ જ કરી શકે એવી ઈજારાશાહી ધીમે ધીમે ખતમ થઈ રહી છે. લશ્કરમાં પણ મહિલાઓને સ્થાન મળી રહ્યું છે. જોકે તાજેતરમાં સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વીડિયોમાં સ્ત્રી વિફરેલી વાઘણ તરીકે નજરે પડે છે. કોઈ બાબતે અંટસ પડતા બેગ લઈને બહાર પડેલા પતિ હુમલો કરવાની ધમકી આપે છે, પણ પતિના ચાળાથી જરાય નહીં ગભરાયેલી પત્ની હાથમાં ઈંટ લઈ પતિને સીધોદોર કરી દેવાની કોશિશ કરતી દેખાય છે. પહેલી નજરે હસવું આવે પણ પછી પીડા થાય કે ‘યે ક્યા હો રહા હૈ?’ આમાંથી એક વાત સમજી લેવા જેવી છે કે ‘પતિ મારો પરમેશ્ર્વર’નું રટણ કરતી મહિલા હવે ‘વિફરી તો વાઘણ, સમજી લે સાજણ’ એવું કહેતી થઈ છે.

મૈત્રીભાવનું પવિત્ર ઝરણું

હેરત થાય એવી વાત એ છે કે કીડીમાં મૈત્રીભાવનું પવિત્ર ઝરણું સતત હૈયામાં વહ્યા કરે છે. સતત કંઈક નવું ખોળી કાઢવાની તાલાવેલી સાથે કામ કરતા સંશોધકોએ આ સંદર્ભમાં એક સરસ મજાની વાત શોધી કાઢી છે. ભૂખ લાગ્યા પછી કીડીઓનું ધણ શિકાર કરવા ઉપડે અને શિકાર કરતી વખતે જો કોઈ સાથીદારને ઇજા થાય તો કીડીઓનું એક ગ્રુપ જખ્મી કે ઈજાગ્રસ્ત કીડીઓની મલમપટ્ટી કરીને એની સારવાર કરે છે. આ અંગે પ્રકાશિત થયેલા એક અભ્યાસ અનુસાર જખમી કે ઘાયલ સાથીઓને નિવાસસ્થાને પાછા લાવ્યા બાદ દરમાં રાહ જોતી બેઠેલી કીડીઓ અચાનક ડોક્ટરના પાઠમાં આવી જાય છે. ઘાયલ કીડીઓના જખમોને ચાટીને દરદ ઓછું કરવાની કોશિશ કરે છે. કીડીઓના આ તબીબી પ્રયાસને કારણે ઘાયલ સૈનિકોનો મૃત્યુ દર ૮૦ ટકાથી ઘટીને ૧૦ ટકા પર આવી ગયો છે. કેટલાક પ્રાણીઓમાં જાતે સારવાર (સેલ્ફ મેડિકેશન)ની પદ્ધતિ જોવા મળે છે, પણ અહીં તો દરમાં સાથે રહેતા સાથીઓ ચાટીને સારવાર કરે છે અને એનાથી ઇન્ફેક્શન થતું અટકે છે. આ સંશોધન મેટાબેલ્સ નામની કીડીની પ્રજાતિ પર કરવામાં આવ્યું છે જે કદમાં ઘણી મોટી કીડી હોય છે અને એકદમ લડાયક મિજાજ ધરાવે છે.

માલ્ટાના મેયરની મોંકાણ

યુરોપમાં ઈટલી અને લિબિયા વચ્ચે આવેલો ટચૂકડો ટાપુ દેશની એક ઘટનાએ ગજબનું વિસ્મય ઊભું કર્યું છે. સવા પાંચ લાખની વસ્તીવાળા આ દેશની સરકાર યુવા વર્ગને પ્રોત્સાહિત કરી મહત્ત્વની જવાબદારી સોંપવા ઉત્સુક છે. તાજેતરમાં ૧૬ – ૧૭ વર્ષના કિશોરોને લોકલ કાઉન્સિલના મેયર બનાવવામાં આવી રહ્યા છે. આ નિર્ણયની ચારેકોર ટીકા થઈ છે, પણ સરકાર મક્કમ છે અને યંગસ્ટર્સને જવાબદારી સોંપાઈ રહી છે. જોકે, ૧૬ – ૧૭ વર્ષના મેયર કેટલીક મૂંઝવણમાં મુકાઈ રહ્યા છે. એક મહત્ત્વની મિટિંગમાં ૧૭ વર્ષના મેયર સમયસર પહોંચી ન શક્યા કારણ કે એને ઓફિસે કારમાં ડ્રાઈવ કરી લાવનાર માતુશ્રી કશેક અટવાઈ ગયા હતા. માલ્ટામાં ૧૮ વર્ષ થયા પછી જ ડ્રાઈવિંગ લાઈસન્સ મળે છે. એટલે નિશાળે જેમ મા મૂકવા આવે એમ ઓફિસે પણ મૂકવા આવે તો જ મેયર જઈ શકે. અન્ય એક મજેદાર વાત લગ્ન સંબંધી છે. ૧૬ વર્ષનો કિશોર પુખ્ત વયના યુગલના લગ્નમાં પોતાની મેયર તરીકે જવાબદારી અદા કરી શકે, પણ ૧૬ વર્ષની ઉંમરે એને પોતાને લગ્ન કરવા હોય તો માતા પિતાની પરવાનગી લેવી પડે. માલ્ટાના કાયદા અનુસાર ૧૮ વર્ષની ઉંમર થયા પછી જ વ્યક્તિ લગ્ન કરી શકે, પણ ૧૬ – ૧૭ વર્ષની વ્યક્તિ પેરન્ટ્સની પરમિશન કે અદાલતની અધિકૃત મંજૂરી મળ્યા પછી જ લગ્ન કરી શકે છે.

હાંડવા જેવી ડિબ્બા રોટી

વિવિધતામાં એકતા એ ભારત દેશનું મૂલ્યવાન સૂત્ર છે. ૨૯ રાજ્યો અને ૭ કેન્દ્રશાસિત પ્રદેશ ધરાવતા આ દેશમાં રાજ્યે રાજ્યે કેટલાક પાયાના ફેરફારો જોવા મળે છે. બાર ગાઉએ બોલી બદલાય એ કહેવત તો તમે સાંભળી જ હશે. મુંબઈથી સુરત, સોરી, હુરટ પોઇન્ચ્યા એટલે ભાહા બડલાય. ત્યોંથી ઓમદાવાદ આઈ ગ્યા એટલે ફેર પડવાનો જ, હા ભઈ. એવું જ ખાણીપીણીનું છે. રાજ્યે રાજ્યે નવી ડિશ ખાવા મળે. મહારાષ્ટ્રમાં મિસળ તો ગુજરાતમાં દાળઢોકળી કે ઊંધિયું અને છેક કોલકાતા પહોંચો એટલે ચાસણીવાળા રોસોગુલ્લા મોઢામાં પાણી લાવી દે. દક્ષિણ તરફ જાઓ તો વળી ઓર વરાયટી મળે. આજે આપણે આંધ્ર પ્રદેશની એક ખાસિયતની વાત કરવી છે. નામ છે ડિબ્બા રોટી. નોન-વેજિટેરિયન વાનગીઓ માટે વધુ જાણીતા એવા હૈદરાબાદમાં ૧૦૦ ટકા શાકાહારી ગણાતી ડિબ્બા રોટીની લિજ્જત માણવાનો અનુભવ અનેરો હોય છે. આ આઈટમ મોટેભાગે સવારના નાસ્તામાં કે સાંજે લાઈટ ડિશ તરીકે ખાવામાં આવે છે. આ ડિશ મિનાપા રોટી તરીકે સુધ્ધાં ઓળખાય છે. અમુક ઠેકાણે તો આજની તારીખમાં પણ સગડી પર રાંધવામાં આવે છે. સાઉથ ઇન્ડિયનોના ઢોસા કે આપણા હાંડવાને મળતી આવતી આ આઈટમ ટેસ્ટ કરવા જેવી છે.

લ્યો કરો વાત!

આફ્રિકા અને એશિયામાં જ જોવા મળતા બુશ ફ્રોગ જાતિના ડોટિંગ ડેડસ (ખૂબ કાળજી રાખનારા પિતાશ્રી) આવનારા સંતાનની કાળજી રાખવા માટે આખી રાત જાગવા પણ તૈયાર હોય છે. ચીવટથી કરવામાં આવેલા સંશોધન પ્રમાણે નર દેડકા સતત ૩૭ દિવસ સુધી ઉત્સાહથી ભક્ષણ કરી જનારા પ્રાણીઓથી રક્ષણ કરીને ઈંડાંની ચોકીદારી કરે છે. બચ્ચાં કોચલું તોડીને બહાર પડ્યા પછી જ ડેડી દેડકા ચોકીદારી પૂરી કરે છે. જો વડીલો એક દિવસ માટે પણ આ ઈંડાંને રેઢા મૂકે તો અન્ય દેડકાઓ અથવા અન્ય નાના જીવો એનું ભક્ષણ કરી જતા હોવાની જાણકારી સંશોધન કરનારાઓને હાથ લાગી હતી.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button